પ્રવાસન મંત્રાલય
પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત “ગાંધી, અમદાવાદ અને મીઠા માટેની કૂચ” વિષય પર 58મા સત્રનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
04 OCT 2020 12:39PM by PIB Ahmedabad
આ વર્ષે પર્યટન મંત્રાલયે રાષ્ટ્રપિતાને તેમના જન્મદિવસ નિમિત્તે વેબ સ્ક્રીનના માધ્યમથી વંદન કર્યા છે અને 1 ઓક્ટોબરના રોજથી વેબિનાર શ્રેણીનો પ્રારંભ કરીને તેમની દાર્શનિકતા અને ઉપદેશોની ઝાંખી કરાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં, 3 ઓક્ટોબર 2020ના રોજ મંત્રાલય દ્વારા “ગાંધી, અમદાવાદ અને મીઠાની કૂચ” શીર્ષક હેઠળ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત યોજાયેલા 58મા સત્રમાં અમદાવાદમાં ગાંધીજીના રોકાણ અને મીઠા માટે તેમણે કરેલી કૂચને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા.
ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા બાદ શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમને ભારત ભ્રમણ કરવાની અને સ્વતંત્રતાની ચળવળ શરૂ કરવા માટે તેઓ ક્યાં રોકાણ કરવા માંગે છે તે સ્થળ નક્કી કરવાની સલાહ આપી હતી. છેવટે ગાંધીજીએ અમદાવાદમાં રોકાવાનું નક્કી કર્યું હતું અને 6 એપ્રિલના રોજ સવારે મીઠાના કાયદોનો સવિનય ભંગ કરવા માટે તેઓ તેમની પ્રખ્યાત દાંડી કૂચ પર જવા માટે 12 માર્ચના 1930ના રોજ અમદાવાદથી નીકળ્યા ત્યાં સુધી અહીંયા જ રોકાયા હતા. બાદમાં 5 મેના રોજ તેમની ધરપકડ કરીને પૂણે લઇ જવામાં આવ્યા હતા.
ગુજરાત પર્યટનના પ્રબંધ નિદેશક અને કમિશનર શ્રી જેનુ દેવન, દાંડી પથ હેરિટેજ વ્યવસ્થાપન કેન્દ્રના સભ્ય સચિવ અને સલાહકાર તેમજ ગુજરાત વિદ્યાપીઠના પ્રાચ્ય વિદ્યા અને હેરિટેજ વ્યવસ્થાપન સંસાધન કેન્દ્રના માનનીય નિદેશક શ્રી દેવાશિષ નાયકે આ વેબિનાર રજૂ કર્યો હતો.
આ વેબિનારના પ્રારંભે શ્રી જેનુ દેવને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા સ્થળોને ઓળખી કાઢવા માટે ગુજરાત સરકારે પર્યટન મંત્રાલય સાથે મળીને હાથ ધરેલી પહેલ તેમજ પર્યટન મંત્રાલયની સહાયથી સ્વદેશ દર્શન યોજના હેઠળ અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડીને આવરી લેતી ગાંધી સર્કિટમાં શરૂ કરવામાં આવેલા અને મંજૂર કરવામાં આવેલા પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ટરના વિકાસ કાર્યોની માહિતી આપી હતી. કેવી રીતે ગુજરાત સરકાર સાઇકલ યાત્રા, આધ્યાત્મિક લાઇવ કોન્સર્ટ, દાંડીમાં વીડિયો શોનો પ્રારંભ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ગાંધીજીની દાર્શનિકતાનો પ્રચાર કરીને યુવા ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
શ્રી દેવાશિષ નાયકે, ગાંધીજી અમદાવાદમાં રોકાયા તે દરમિયાન લોકોએ તેમને કેવી રીતે સહકાર આપ્યો તેના વિશે વાત કરી હતી. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે, તેમણે અમદાવાદને પોતાના મુખ્ય આધાર સ્થળ તરીકે પસંદ કર્યું હતું. તેઓ 1913થી 1930 દરમિયાન અમદાવાદમાં રોકાયા હતા. અહીંથી જ તેમણે 1930માં ઐતિહાસિક દાંડી કૂચ (મીઠા માટેની કૂચ)નો પ્રારંભ કર્યો હતો.
શ્રી દેવાશિષ નાયકે, અમદાવાદમાં ગાંધીજીનું રોકાણ કેવી રીતે ખૂબ જ ઘટનાઓ ભર્યું હતું તેનો ઉલ્લેખ કર્યો હતો અને ગાંધીજીએ 1920માં અહીં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી તે સહિત અહીંથી શરૂ કરેલી સંખ્યાબંધ રાષ્ટ્રીય સ્તરની પહેલ પણ ગણાવી હતી. ગાંધીજીને અમદાવાદમાં તેમના સંપૂર્ણ રોકાણ દરમિયાન સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો અને અમદાવાદમાં તેમની સાથે જોડાયેલી સંખ્યાબંધ યાદો છે.
આજે પણ સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીની ભાવનાનો પડઘો પાડે છે. અમદાવાદ શહેર મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ લોક ચળવળના બીજ રોપવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. તેઓ 1915થી 1930 દરમિયાન અમદાવાદમાં રોકાયા તે દરમિયાન જ તેમણે ભારતના સ્વતંત્રતાના સંગ્રામનું ખૂબ જ નાના પાયે શરૂ થયેલી ઉચ્ચ વર્ગની પહેલમાંથી એક વિશાળ લોક ચળવળમાં રૂપાંતરણ કર્યું હતું. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત આવ્યાના થોડા મહિનાઓમાં જ, ગાંધીજીએ અમદાવામાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી.
1917માં અમદાવાદમાં પ્રાણઘાતક પ્લેગની બીમારી ફેલાઇ હતી. આના કારણે લોકોમાં ભારે ગભરાટનો માહોલ ઉભો થયો હતો અને જીવન જરૂરિયાતની ચીજોના ભાવો આસમાને આંબી રહ્યાં હતા. જાન્યુઆરી 1918માં પ્લેગની બીમારી તો જતી રહી પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં હતા. મિલના કામદારો તેમના વેતનમાં કાયમી વધારો અને કામ કરવા માટે બહેતર પરિસ્થિતિની માંગ કરી રહ્યાં હતા. ગાંધીજીએ 15 માર્ચના રોજ મિલ કામદારોની એકતા સાથે આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ધાર કર્યો. 18 માર્ચ 1918ના રોજ મિલ માલિકો 35% પગાર વધારો કરવા માટે સંમત થાય અને આ મામલે સમાધાન થયા બાદ ગાંધીજીએ પારણાં કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘના સૌથી પ્રખ્યાત નાગરિક અધિકારોના નેતાઓ પૈકી એક માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર કિંગે ગાંધીજીના લેખો પરથી અને 1959માં તેમના ભારત પ્રવાસ પરથી કેવી રીતે ગાંધીજી વિશે અભ્યાસ કર્યો તે સહિત સમગ્ર દુનિયાના લોકો માટે ગાંધીજી કેવી રીતે પ્રેરણામૂર્તિ બન્યા તે અંગે પણ વક્તાઓએ વાત કરી હતી. કિંગ તેમની પોતાની નાગરિક અધિકારની ચળવળમાં અહિંસાના ગાંધીવાદી સિદ્ધાંતથી અત્યંત પ્રભાવિત હતા.
ગાંધીજીની દાર્શનિકતાનો ખૂબ જ મોટાપાયે પ્રચાર કરવાના ઉદ્દેશ સાથે, ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે સમગ્ર દેશમાં ગાંધી હેરિટેજ સાઇટ્સનો વિકાસ કરવાની તૈયારીઓ કરી છે. દાંડી હેરેટજ કોરિડોર પરિયોજનામાં ગાંધીજીની દાંડી કૂચ અને ગાંધીજી સાથે સંકળાયેલા અન્ય સ્થળોને આવરી લેવામાં આવશે જેથી મુલાકાતીઓને વધુને વધુ સંખ્યામાં આકર્ષી શકાય. સાબરમતીથી દાંડી સુધીના 349 કિલોમીટરના માર્ગમાં આવતા 21 સ્થળો કે જ્યાં ગાંધીજીએ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન તેમની દાંડી કૂચ વખતે રાત્રી રોકાણ કર્યું હતું ત્યાં વિકાસ કાર્યો કરવામાં આવશે. આ રાત્રી રોકાણોમાં કેટલીક મૂળભૂત સુવિધાઓ સાથેની નમૂનારૂપ ઝૂંપડીઓ બાંધવામાં આવશે. અહીં આસપાસમાં ખૂબ જ સાદગી અને સાદાઇપૂર્ણ માહોલ ઉભો કરવામાં આવશે કારણ કે તેનો મૂળ ઉદ્દેશ ગાંધીજીની સાદગીપૂર્ણ જીવનશૈલીને લોકો સુધી પહોંચાડવાનો છે. આ માર્ગમાં આવતા રાત્રી રોકાણના સ્થળોમાં નડિયાદ, આણંદ, નવસારી અને સુરત નજીક તાપી નદીનો કાંઠા વિસ્તારમાં પણ વિકાસ કરવામાં આવશે. આ સ્થળેઓ સ્મૃતિ શીલાઓ ઉભી કરવામાં આવશે જેમાં ગાંધીજીએ આપેલા પ્રવચનો કંડારવામાં આવશે. આ ઉપરાંત, આખા માર્ગમાં એક પગદંડી તૈયાર કરવામાં આવશે જેથી દાંડી કૂચના માર્ગે ચાલવા ઇચ્છુક લોકો આ માર્ગે જઇ શકે.
ગુજરાત સરકાર દ્વારા કેરી, વડ વગેરે એવા કેટલાક વૃક્ષોના સંરક્ષણ અને જાળવણી માટે પહેલ હાથ ધરવામાં આવી રહી છે જે ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન તેમની સફરનો હિસ્સો બન્યા હતા.
આ વેબિનારનું સમાપન કરતા નાયબ મહા નિદેશક ડી. વેંટકેશને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના વારસાનું ભારતમાં ખૂબ જ સારી રીતે જતન કરવામાં આવ્યું છે. વિવિધ મ્યુઝિયમથી માંડીને ગાંધીજીના આશ્રમમાં આવેલા સ્મૃતિ સ્મારકો સુધી દેશમાં એવા કેટલાય મુકામ છે જે આ રાષ્ટ્રનેતાના મહાન જીવનની સાક્ષી પુરે છે. સત્ય અને અહિંસાની તેમની ફિલસુફી લાખો લોકોને પ્રેરણા આપે છે અને તેમને સમર્પિત વિવિધ સ્મારકોની મુલાકાત લઇને સંખ્યાબંધ લોકો તેમના પદચિહ્નો પર આગળ વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં માનવ વિકાસમાં ગાંધીજીનું યોગદાન ખૂબ જ મોટું છે અને ઘણી બાબતો વિસરાઇ ગઇ છે અથવા અવગણવામાં આવી છે. આજે દુનિયા તેમને માનવજાતે અગાઉ ક્યારેય અહેસાસ ના કર્યો હોય તેના કરતા ઘણા વધુ સામાજિક નવપ્રવર્તક તરીકે સ્વીકારી રહી છે.
દેખો અપના દેશ વેબિનાર શ્રેણી એ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતની ભવ્ય વિવિધતા દર્શાવવાનો પ્રયાસ છે. આ શ્રેણી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગની ટેકનિકલ ભાગીદારીથી રજૂ કરવામાં આવી રહી છે. આ શ્રેણી અંતર્ગત યોજાતા વેબિનારના સત્રો હવે https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર અને ભારત સરકારના પર્યટન મંત્રાલયના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ ઉપલબ્ધ છે.
આ શ્રેણી અંતર્ગત આગામી વેબિનાર ‘જ્વેલ ઓફ વિદર્ભ’ શીર્ષક સાથે 10 ઓક્ટોબર 2020ના રોજ સવારે 11.00 વાગે યોજવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1661592)
Visitor Counter : 1053