પ્રધાનમંત્રીનું કાર્યાલય

આઈઆઈટી, ગુવાહાટીના પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 SEP 2020 3:01PM by PIB Ahmedabad

નમસ્કાર !

આ કાર્યક્રમમાં આપણી સાથે હાજર રહેલા દેશના શિક્ષણમંત્રીઓ, શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, આસામના મુખ્યમંત્રી શ્રી સર્વેશ્વર સોનવાલજી, કેબિનેટના મારા સાથીદાર અને શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રે, બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન ડો. રાજીવ મોદી, સેનેટના સભ્યો અને આ પદવીદાન સમારંભમાં હાજર રહેલા માનવંતા આમંત્રિતો, અધ્યાપકગણ, સ્ટાફ અને મારા વહાલા વિદ્યાર્થીઓ.

મને એ બાબતે આનંદ છે કે હું આજે આઈઆઈટી ગુવાહાટીના આ 22માં પદવીદાન સમારંભમાં તમારી સાથે સામેલ થયો છું. એક રીતે કહીએ તો પદવીદાન સમારંભ કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક ખાસ દિવસ હોય છે. પરંતુ આજે જે વિદ્યાર્થી પદવીદાન સમારંભનો હિસ્સો બની રહ્યા છે તેમને એક જુદા જ પ્રકારનો અનુભવ થતો હશે. મહામારીના હાલના સમયમાં પદવીદાન સમારંભની પધ્ધતિ પણ ઘણી બદલાઈ ગઈ છે. સામાન્ય પરિસ્થિતિ હોત તો હું પણ તમારી સાથે હોત. આમ છતાં પણ આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હું આપ સૌને તથા તમામ યુવા સાથીદારોને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. તમારા ભવિષ્યના પ્રયાસો માટે પણ ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું.

સાથીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત્ મોક્ષ્યસે અશુભાત. આનો અર્થ એ થાય છે કે વિજ્ઞાન સહિતનું જ્ઞાન જ તમામ સમસ્યાઓ અને મુક્તિ મેળવવાનું સાધન છે. આ ભાવના તથા સેવા માટે કશુંક નવું કરી છૂટવાની ઉર્જાએ જ આપણા દેશને હજારો વર્ષની યાત્રામાં, જીવિત રાખ્યો છે, જીવંત રાખ્યો છે. આપણને એ બાબતે ગર્વ છે કે આપણી આ વિચારધારાને આઈઆઈટી જેવી શિક્ષણ સંસ્થાઓ આગળ ધપાવી રહી છે. આજે તમને પણ એવું લાગી રહ્યું હશે કે જ્યારે તમે અહીં આવ્યા હતા ત્યારથી શરૂ કરીને તમારી અંદર કેવુ પરિવર્તન આવી ચૂક્યુ છે. આઈઆઈટી ગુવાહાટીમાં તમે જ્યારે પોતાની મજલ શરૂ કરી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તમારી વિચાર પ્રક્રિયા કેટલી વિસ્તૃત બની ચૂકી છે. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તમે એક નવા વ્યક્તિત્વનો અનુભવ કરી રહ્યા હશો અને તે આ શિક્ષણ સંસ્થાના અને તમારા અધ્યાપકોનો તમને આપવામાં આવેલો એક મૂલ્યવાન ઉપહાર છે.

સાથીઓ, મારું સ્પષ્ટ માનવું છે કે અને હું દ્રઢતાપૂર્વક માનું છું કે આ દેશનુ ભવિષ્ય આજના યુવકો વિચારે છે તે મુજબ રહેશે. તમારાં સપનાં વડે ભારતની વાસ્તવિકતાને આકાર મળવાનો છે. એટલા માટે જ હાલનો સમય ભવિષ્ય માટે સજજ થવાનો છે. આ સમય હજુ પણ ભવિષ્ય માટે ચુસ્ત બનવાનો છે. જેવી રીતે હાલમાં અર્થતંત્ર અને સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે, આધુનિકતા આવી રહી છે. ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ચિત્રમાં પણ અનેક નવા ફેરફારો કરવાની જરૂર છે. મને એ વાતનો આનંદ છે કે આઈઆઈટી ગુવાહાટીએ આ પ્રયાસ અગાઉથી જ શરૂ કરી દીધો છે. મને કહેવામાં આવ્યું છે કે આઈઆઈટી ગુવાહાટી એ એક એવી પ્રથમ આઈઆઈટી છે કે જેણે ઈ-મોબિલીટી ઉપર બે વર્ષનો સંશોધન કાર્યક્રમ હાથ ધર્યો છે. મને એવી પણ માહિતી આપવામાં આવી છે કે આઈઆઈટી ગુવાહાટી બી.ટેક. સ્તરના તમામ કાર્યક્રમમાં વિજ્ઞાન અને એન્જીન્યરીંગના સંકલનની આગેવાની લઈ રહી છે. મને સંપૂર્ણ ખાત્રી છે કે આ આંતર- વિદ્યાશાખાકીય કાર્યક્રમો આપણા શિક્ષણને સમગ્રલક્ષી અને ભવિષ્યલક્ષી બનાવશે. અને જ્યારે આ પ્રકારના ભવિષ્યલક્ષી અભિગમ સાથે કોઈ સંસ્થા આગળ ધપતી હોય ત્યારે તેનું પરિણામ વર્તમાન સમયમાં પણ દેખાઈ આવતું હોય છે.

આઈઆઈટી ગુવાહાટીએ આ મહામારી દરમિયાન કોવિડ-19 સંબંધિત કીટસ જેવા કે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા, વાયરલ આરએનએ એકસ્ટ્રેકશન કીટ અને આરટી-પીસીઆર કીટસ વિકસાવીને આ બાબત પૂરવાર કરી છે. એમ તો મને પણ એ બાબતે અનુભવ છે કે, આ મહામારીના વખતમાં શૈક્ષણિક બેઠકોનું સંચાલન કરવું અને પોતાનુ સંશોધન કાર્ય ચાલુ રાખવું તે કેટલું બધું કઠીન કામ હતું. આમ છતાં પણ તમે આ સફળતા હાંસલ કરી છે. તમારા આ પ્રયાસો બદલ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં તમારૂં આ યોગદાન પ્રાપ્ત થયું છે તે બદલ હું તમને અભિનંદન આપુ છું.

સાથીઓ, આત્મનિર્ભર ભારત માટે આપણી શિક્ષણ વ્યવસ્થાનું કેટલું મોટું મહત્વ છે તે અંગે તમે વિતેલા દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબતે ઘણું બધુ વાંચ્યુ હશે. કેટલીક ચર્ચાઓ પણ કરી હશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના તમારા જેવા યુવાનો માટે જ છે. એવા યુવાનો કે જે દુનિયાને નેતૃત્વ પૂરૂં પાડી શકે. વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને મોખરાનું સ્થાન આપે. અને એટલું જ નહીં, શિક્ષણ નીતિમાં તમામ એવી બાબતો છે કે જે તમારા જેવા વિદ્યાર્થીઓની ઈચ્છાઓની યાદીમાં સૌથી ઉપર હશે.

સાથીઓ મને એ બાબતે વિશ્વાસ છે કે તમારા શિક્ષણની મજલમાં તમે એ બાબતનો અનુભવ કર્યો હશે કે શિક્ષણ અને પરીક્ષા આપણાં વિદ્યાર્થીઓ માટે બોજારૂપ બનવા જોઈએ નહીં. વિદ્યાર્થીઓને તેમને ગમતા હોય તેવા વિષયો ભણવાની વધુ મુક્તિ મળવી જોઈએ. અને એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનેક વિષયલક્ષી બનાવવામાં આવી છે. અભ્યાસના વિષયો બાબતે સુગમતા પૂરી પાડવામાં આવી છે. અનેક વખતે પ્રવેશ અને બહાર નિકળવાની તકો આપવામાં આવી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે શિક્ષણને નવી શિક્ષણ નીતિ ટેકનોલોજી સાથે જોડશે. ટેકનોલોજીને આપણાં વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયાનો આંતરિક હિસ્સો બનાવશે. આનો અર્થ એ થાય કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી બાબતે પણ ભણશે અને ટેકનોલોજીના માધ્યમથી પણ ભણશે. શિક્ષણમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થાય, ઓનલાઈન અભ્યાસ વધે તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ રસ્તા ખોલી દીધા છે.

શિક્ષણ અને ભણતર બાબતે વહિવટ અને મૂલ્યાંકનમાં ટેકનોલોજીની ભૂમિકા રહેશે. તેના માટે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની રચના કરવામાં આવી છે. આપણે એક એવી વ્યવસ્થાના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં યુવાનો ટેકનોલોજીથી ભણશે અને શીખવા માટે નવી ટેકનોલોજીનું ઈનોવેશન પણ કરશે. આઈઆઈટીના સાથીઓ માટે તો એમાં અપાર સંભાવનાઓ પડેલી છે. નવા સોફ્ટવેર, નવી પધ્ધતિઓ અને ગેઝેટ કે જે શિક્ષણના માર્ગને ક્રાંતિકારી બનાવશે. તે બાબતે તમારે વિચારવાનું છે. આ તમારા માટે એક તક છે. તમારે તમારૂં ઉત્તમ તત્વ બહાર લાવીને તેનો ઉપયોગ કરવાનો છે.

સાથીઓ, દેશમાં સંશોધનની સંસ્કૃતિને સમૃધ્ધ બનાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન એટલે કે એનઆરએફની રચના માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. એનઆરએફ સંશોધન માટેના ભંડોળથી માંડીને સંશોધન એજન્સીઓની સાથે સંકલન કરશે અને કોઈપણ વિદ્યાશાખા, પછી ભલેને તે વિજ્ઞાન હોય કે માનવ સંશોધન શાસ્ત્ર (હ્યુમેનિટીઝ) હોય. તમામ માટે ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. જે સક્ષમ સંશોધન હશે, જેમાં વાસ્તવિક અમલીકરણની સંભાવના હશે તેની ઓળખ કરવામાં આવશે અને તેનું અમલીકરણ પણ કરવામાં આવશે. તેના માટે સરકારી એજન્સીઓ અને ઉદ્યોગો વચ્ચે સંકલન કરીને ઘનિષ્ટ લીંકેજ સ્થાપિત કરવામાં આવશે. મને એ બાબતનો આનંદ છે કે આજે આ પદવીદાન સમારંભમાં આશરે 300 યુવાન સાથીદારોને પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી રહી છે તે એક ખૂબ જ હકારાત્મક તરાહ છે. મને વિશ્વાસ છે કે તમે સૌ આટલેથી જ અટકશો નહીં અને તમારા માટે સંશોધન એક ટેવ બની જશે. તમારી વિચાર પ્રક્રિયાનો હિસ્સો બની જશે.

સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાનને કોઈ સરહદ હોતી નથી. દેશના શિક્ષણ ક્ષેત્રને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખૂલ્લું મૂકવાની વાત કરે છે. ઉદ્દેશ તો એવો છે કે વિદેશની યુનિવર્સિટીઓના સંકુલો પણ દેશમાં ખૂલે. આપણાં વિદ્યાર્થીઓને દુનિયાભરની યુનિવર્સિટીઓનો પરિચય અહિંયા જ થાય. આ રીતે ભારતીય અને વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓની વચ્ચે સંશોધન માટે સહયોગ મળે અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમને પ્રોત્સાહિત કરીને તેનો શિક્ષણ સંસ્થાઓમાં સમાવેશ કરવામાં આવશે. અને એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને વૈશ્વિક શિક્ષણ મથક તરીકે પણ સુસ્થાપિત કરશે. ઉચ્ચ કામગીરી કરતી આપણી શિક્ષણ સંસ્થાઓને વિદેશોમાં પણ સંકુલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આઈઆઈટી, ગુવાહાટીને સરહદની પેલેપાર વિસ્તરીત કરવાના વિઝનની મહત્વની ભૂમિકા બજાવવાની છે. પૂર્વોતરનું આ ક્ષેત્ર ભારતની એક્ટ ઈસ્ટ નીતિનું કેન્દ્ર પણ છે.

આ ક્ષેત્ર દક્ષિણ- પૂર્વ એશિયાથી ભારત સાથેના સંપર્ક અને સંબંધનું પ્રવેશ દ્વાર પણ બનવાનું છે. આ દેશો સાથે ભારતના સંબંધનો મુખ્ય આધાર, સંસ્કૃતિ, વાણિજ્ય, કનેક્ટીવિટી અને ક્ષમતા બની રહેશે. શિક્ષણ હવે આપણાં જોડાણ માટેનું એક નવું માધ્યમ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આઈઆઈટી, ગુવાહાટી તેનું ખૂબ મોટું કેન્દ્ર બની શકે છે. તેનાથી પૂર્વોતરને એક નવી ઓળખ પણ પ્રાપ્ત થવાની છે. અને અહિંયા નવી તકો પણ ઉભી થઈ શકે છે. હાલમાં પૂર્વોત્તરના વિકાસને ગતિ આપવા માટે અહિંયા રેલવે, ધોરિમાર્ગો, એરવેઝ, અને જળ માર્ગોની માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેના કારણે સમગ્ર પૂર્વોત્તર વિસ્તાર માટે નવી-નવી તકો ઉભી થઈ રહી છે. વિકાસના આ કામોમાં આઈઆઈટી ગુવાહાટીની ખૂબ મોટી ભૂમિકા બની રહેશે.

સાથીઓ, આજે આ પદવીદાન સમારંભ પછી ઘણાં બધા વિદ્યાર્થીઓ અહિંયા રહેશે. ઘણાં બધા અહીંથી ચાલ્યા જશે. આઈઆઈટી ગુવાહાટીના અન્ય વિદ્યાર્થીઓ પણ આ સમયે મને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. આજના આ વિશેષ દિવસે હું આપને થોડો આગ્રહ કરવા માંગુ છું, કેટલાક ઉપાયો પણ સૂચવવા માંગુ છું. સાથીઓ, તમારા જીવનમાં આ વિસ્તારનું પણ યોગદાન છે. તમે આ વિસ્તારને જોયો, સમજ્યો અને અનુભવ્યો પણ છે. આ ક્ષેત્રમાં જે પડકારો પડેલા છે, આ ક્ષેત્રમાં જે સંભાવનાઓ પડેલી છે તેના સાથે તમારૂં સંશોધન કેવી રીતે જોડાઈ શકે તે તમારે વિચારવું જોઈએ. ઉદાહરણ તરીકે વાત કરૂં તો, સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોમાસ અને હાઈડ્રો ઈલેક્ટ્રીક એનર્જીમાં પણ અનેક સંભાવનાઓ પડેલી છે. અહિંયા ચોખા, ચા અને વાંસ જેવી સંપત્તિ પડેલી છે. અહિંયા જે પ્રવાસન ઉદ્યોગ છે તેને શું તમારૂં કોઈ ઈનોવેશન ગતિ આપી શકે તેમ છે?

સાથીઓ, અહિંયા જીવ વૈવિધ્ય પણ છે અને પારંપરિક અપાર જ્ઞાન અને હુન્નર પણ છે. આ પરંપરાગત હુન્નરનો, જ્ઞાનનો અને એટલે સુધી કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરા સાથે તેને જોડવામાં આવી શકે તેમ છે. એક પેઢી આ જ્ઞાન બીજી પેઢીને આપે છે. તે પછી આગળની પેઢીને જ્ઞાન મળે છે. આ પરંપરા ચાલતી રહે છે. શું આપણે તેને આધુનિક ટેકનોલોજી સાથે જોડી શકીએ તેમ છીએ? શું આપણે આ મિશ્રણમાંથી નવી ટેકનોલોજી ઉભી કરી શકીએ તેમ છીએ ? મારૂં માનવું છે કે, આપણે એક આધુનિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયાના સાધન વડે સાંસ્કૃતિક જ્ઞાન, કૌશલ્ય અને માન્યતાઓને સમૃધ્ધ અને આધુનિક વ્યવસાયિક વિકાસ કાર્યક્રમો સાથે સજ્જ બનાવવાની છે. મારૂં એવું સૂચન છે કે, આઈઆઈટી ગુવાહાટી તેમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે અને એક સેન્ટર ફોર નૉલેજ સિસ્ટમની સ્થાપના કરે. તેના માધ્યમથી આપણે પૂર્વોતરને દેશ અને દુનિયાને એવું ઘણું બધુ આપી શકીએ તેમ છીએ કે જે મૂલ્યવાન બની રહેશે.

સાથીઓ, આસામ અને પૂર્વોત્તર દેશના એવા વિસ્તારો છે કે જે અનેક સંભાવનાઓથી ભરેલા છે, પરંતુ આ વિસ્તારોને પૂર, ભૂકંપ, ભૂઃસ્ખલન અને ઘણી ઔદ્યોગિક આપદાઓ જેવી મુશ્કેલીઓ પણ ઘેરતી રહી છે. આ આપદાઓથી કામ પાર પાડવામાં આ રાજ્યોની ઉર્જા અને પ્રયાસો ખર્ચાઈ જાય છે. આવી સમસ્યાઓનો અસરકારક રીતે ઉકેલ આવે તે માટે ઉચ્ચ સ્તરની ટેકનોલોજીનો ટેકો અને દરમિયાનગીરીની જરૂર પડે છે. હું આઈઆઈટી ગુવાહાટીને એ અનુરોધ કરૂં છું કે, તમે એક સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિસ્ક રિડક્શનની સ્થાપના પણ કરો. આ કેન્દ્ર આ વિસ્તારની આપત્તિઓ સામે કામ પાર પાડવા માટે નિપુણતા પણ પૂરી પાડશે અને મુશ્કેલીઓને અવસરમાં પણ બદલી દેશે. મને એ વાતનો પૂરો ભરોસો છે કે આઈઆઈટી ગુવાહાટી અને આપ સૌ આઈઆઈટીના વિદ્યાર્થીઓ આગળ વધશો તો આ સંકલ્પ પણ જરૂર સિદ્ધ થશે. સાથીઓ, સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે-સાથે આપણી નજર વૈશ્વિક ટેકનોલોજીસના મોટા ફલક ઉપર પણ સ્થાપિત કરવાની છે. ઉદાહરણ તરીકે વાત કરૂં તો શું આપણે સંશોધન અને ટેકનોલોજીના મહત્વના ક્ષેત્રો શોધી શકીએ તેમ છીએ ? આપણે એવા ક્ષેત્રો, એવા વિષયો કે જેની ઉપર આપણાં દેશે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શું આપણે તેની ઓળખ કરીને તેને અગ્રતા આપી શકીએ તેમ છીએ ?

સાથીઓ, તમે જ્યારે દુનિયામાં કોઈપણ સ્થળે જશો તો તમે પોતાને ગૌરવરૂપ આઈઆઈટીયન હોવાનો અનુભવ કરશો. પરંતુ તમારી પાસે મને એવી અપેક્ષા છે કે તમે તમારી સફળતા, સંશોધનમાં તમારૂં યોગદાન એવું હોવું જોઈએ કે જેના કારણે આઈઆઈટી ગુવાહાટી વધુ ગર્વ સાથે કહી શકે કે તમે તેના વિદ્યાર્થી છો. મને પૂરો વિશ્વાસ છે કે, તમે આઈઆઈટી ગુવાહાટીને અને તમારા અધ્યાપકોને આ તક, આ ગુરૂ દક્ષિણા અવશ્ય આપશો. સમગ્ર દેશ, 130 કરોડ દેશવાસીઓ તમારી પર ભરોસો મૂકે છે. તમે આ રીતે જ સતત સફળ બનો, આત્મનિર્ભર ભારતની સફળતાના સારથી બનો. અનેક-અનેક નવી ઉંચાઈ પ્રાપ્ત કરીને આગળ ધપતા રહો. જીવનમાં જે સપનાં સજાવ્યા છે તે તમામ સપનાંઓ સંકલ્પ બને, જે સંકલ્પ લો તેમાં પરિશ્રમની પરાકાષ્ટા હોય અને નિત્ય નવી સિદ્ધિઓના ચઢાણ સર કરતાં રહો. અનેક શુભેચ્છાઓ સાથે, તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે, કોરોનાના આ સમયમાં જે સૌથી વધુ જરૂરી પણ છે તેની તમે પણ ચિંતા કરશો. તમારા પરિવારની ચિંતા કરશો. તમે તમારી આસપાસના લોકોની ચિંતા કરશો. ખુદની પણ સંભાળ રાખશો અને પરિવારની પણ સંભાળ લેશો. આસપાસના મિત્રોની પણ સંભાળ લેશો. સૌને સ્વસ્થ બનવામાં મદદ કરશો અને જાતે પણ સ્વસ્થ રહેશો.

આ એક ભાવના સાથે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આપનો ખૂબ-ખૂબ આભાર.

સૌનો આભાર.

SD/GP/BT



(Release ID: 1657948) Visitor Counter : 340