સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત નવી ઊંચાઇએ પહોંચ્યું - દૈનિક પરીક્ષણની આજદિન સુધીમાં સર્વાધિક સંખ્યા નોંધાઈ


પ્રથમ વખત, છેલ્લા 24 કલાકમાં જ કોવિડના 12 લાખથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા

પ્રચંડ વૃદ્ધિ સાથે કુલ પરીક્ષણોની સંખ્યા 6.36 કરોડનો આંક વટાવી ગઈ

Posted On: 20 SEP 2020 11:01AM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતે એક મહત્વપૂર્ણ મુકામ પાર કર્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, પ્રથમ વખત, દેશમાં માત્ર એક જ દિવસમાં 12 લાખ કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 12,06,806 પરીક્ષણો સાથે, દેશમાં આજદિન સુધીમાં કુલ પરીક્ષણોની સંખ્યા 6.36 કરોડ કરતાં વધારે (6,36,61,060) થઇ ગઇ છે.

આ બાબત દેશમાં કોવિડ-19ના પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રચંડ વધારો થયો હોવાનું બતાવે છે. દેશની પરીક્ષણની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. 8 એપ્રિલના રોજ દૈનિક સરેરાશ માત્ર 10,000 પરીક્ષણની ક્ષમતા હતી જે આજે વધીને દૈનિક 12 લાખનો આંકડો વટાવી ગઇ છે.

છેલ્લા એક કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં જ કરવામાં આવ્યા છે.

પરીક્ષણોના વધુ દરના કારણે પોઝિટીવ કેસની વહેલી ઓળખ અને સમયસર તેમજ અસરકારક સારવાર શક્ય બન્યા છે. આના કારણે દેશમાં તબક્કાર મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો છે.

પૂરાવા દર્શાવે છે કે, મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દરમાં પણ ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દરમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે લોકોમાં સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે.

ભારતની દૈનિક પરીક્ષણની સંખ્યા દુનિયામાં સૌથી વધુ પરીક્ષણો ધરાવતા દેશોમાંથી એક છે.

કોવિડ-19ના સંદર્ભમાં કેન્દ્રની નીતિ સતત વિકસી રહી છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં પરીક્ષણો કરાવવામાં આવે તે માટે સુવિધા પૂરી પાડવાના કેટલાક પગલાંરૂપે કેન્દ્ર સરકારે પહેલી વખત “ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ”ની સુવિધાનો પ્રારંભ કર્યો છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો મોટી સંખ્યામાં પરીક્ષણો કરી શકે તે માટે મોડેલિટીમાં સરળતા આપવા માટે તેમને વ્યાપક પ્રમાણમાં અનુકૂલનતાઓ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કોઇપણ રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરની ભલામણથી પણ કોવિડ-19ના પરીક્ષણની મંજૂરી આપી છે અને આ પરીક્ષણ માટે માત્ર સરકારી ડૉક્ટરનું જ સૂચન હોવું આવશ્યક નથી. કેન્દ્રએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રબળપણે સલાહ આપી છે કે, તેઓ ખાનગી પ્રેક્ટિશનરો સહિત તમામ ક્વૉલિફાઇડ મેડિકલ પ્રેક્ટિશનરોની મદદથી વહેલામાં વહેલી તકે પરીક્ષણની સુવિધાઓ માટે તાકીદના પગલાં લે જેથી ICMRની માર્ગદર્શિકા અનુસાર પરીક્ષણ માટે તમામ માપદંડો પૂર્ણ કરતી વ્યક્તિને કોવિડના પરીક્ષણ માટે સૂચન કરી શકાય.

મોટી સંખ્યામાં પરીક્ષણો ચેઝ ધ વાયરસ વ્યૂહનીતિનો એક અભિન્ન હિસ્સો છે. આ વ્યૂહનીતિનો ઉદ્દેશ વાયરસનો ફેલાવો રોકવા માટે તમામ ચેપગ્રસ્ત વ્યક્તિને ઓળખી લેવાનો છે. રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે, રેપિડ એન્ટીજેન પરીક્ષણોમાં નેગેટિવ પરિણામ આવ્યું હોય તેવા તમામ લક્ષણો ધરાવતા લોકોનું ફરજિયાતપણે RT-PCR પરીક્ષણ કરવામાં આવે.

વિસ્તારવામાં આવેલા નિદાનની લેબોરેટરીના નેટવર્ક અને સમગ્ર દેશમાં સરળતાથી પરીક્ષણ માટેની સુવિધાથી પરીક્ષણ સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા વધીને 46,131 થઇ ગઇ છે.

WHO દ્વારા સલાહ આપવામાં આવી છે કે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140 પરીક્ષણ થવા જોઈએ. આ સલાહને ભારતે ખૂબ જ સારી રીતે પૂરી કરી છે. WHO દ્વારા “કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્યના સમાયોજન અને સામાજિક માપદંડો માટે જાહેર આરોગ્ય માપદંડ” નામથી આપવામાં આવેલી માર્ગદર્શન નોંધમાં આ સલાહ આપવામાં આવી છે.

વધુ એક સિદ્ધિ રૂપે, 35 રાજ્યો/ કેન્દ્ર શાસિક પ્રદેશોએ સલાહ આપવામાં આવેલી પરીક્ષણોની સંખ્યાનો આંકડો વટાવી દીધો છે.

પરીક્ષણોની સંખ્યા વધારવા માટે દેશમાં નિદાનની લેબોરેટરીના નેટવર્કમાં એકધારું વિસ્તરણ કરવું એ મુખ્ય જરૂરિયાત છે. આ સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી આજે દેશમાં કુલ 1773 લેબોરેટરીમાં કોવિડનું નિદાન થઇ રહ્યું છે જેમાં 1061 લેબોરેટરી સરકારી ક્ષેત્રની અને 712 લેબોરેટરી ખાનગી છે. આની વિગતો નીચે પ્રમાણે છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 902 (સરકારી: 475 + ખાનગી: 427)

TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 746 (સરકારી: 552 + ખાનગી: 194)

CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 125 (સરકારી: 34 + ખાનગી: 91)

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT



(Release ID: 1656961) Visitor Counter : 159