રાષ્ટ્રપતિ સચિવાલય

NEP એ સમાન અને જીવંત જ્ઞાન સમાજનો વિકાસ કરવા માટેની દૂરંદેશી નિર્ધારિત કરી છે: રાષ્ટ્રપતિ કોવિંદ


NEP દ્વારા સર્વ સમાવેશિતા અને ઉત્કૃષ્ટતા હાંસલ થઈ શકશે

ભારતના રાષ્ટ્રપતિએ ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગે મુલાકાતીઓના પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 19 SEP 2020 12:06PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (19 સપ્ટેમ્બર, 2020) ‘ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ’ શીર્ષક હેઠળ મુલાકાતીઓના પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કોવિંદે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મૂળ ઉદ્દેશ સૌની સમાવેશિતા અને ઉત્કૃષ્ટતાના બે મૂખ્ય લક્ષ્યો પ્રાપ્ત કરીને 21મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે શિક્ષણ વ્યવસ્થાનું પુનઃદિશામાન કરવાનો છે. તે તમામ લોકોને સમાન શિક્ષણ પૂરું પાડીને એકસમાન અને ધબકતા જ્ઞાન સમાજના વિકાસની દૂરંદેશી નિર્ધારિત કરે છે.

શિક્ષણ મંત્રાલય અને આ નીતિ તૈયાર કરનારા ડૉ. કસ્તુરીરંગન તેમજ તેમની ટીમે કરેલા પ્રયાસોની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કર્યો હતો કે, આ નીતિ 2.5 લાખ ગ્રામ પંચાયતો, 12,500થી વધારે સ્થાનિક સંગઠનો અને અંદાજે 675 જિલ્લા સાથે વિચાર-વિમર્શ કરીને બે લાખ કરતાં વધારે સૂચનો પ્રાપ્ત કર્યા પછી તૈયાર કરવામાં આવી છે જેથી તેમાં પાયાના સ્તરની સમજણ પ્રતિબિંબિત થાય છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રપતિ કોવિંદના ધ્યાનમાં આવ્યું હતું કે, ભારતને વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનાવવામાં આ સંસ્થાઓના ખભે ખૂબ જ મોટી જવાબદારી છે. આ સંસ્થાઓ દ્વારા સીમાચિહ્નરૂપે નિર્ધારિત કરવામાં આવેલા ગુણવત્તાના ધોરણોનું પાલન અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નીતિના મૂળભૂત સિદ્ધાંતોમાં સર્જનાત્મકતા અને મહત્વપૂર્ણ વિચારસરણી સામેલ છે જેથી તાર્કિક ચર્ચા અને નવાચારને પ્રોત્સાહન આપી શકાય. તેમણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મુક્ત રીતે સંદેશાવ્યવહાર અને ચર્ચાની પરિકલ્પનાનો પુનરુચ્ચાર કરતી વખતે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ તેમજ અર્જૂન વચ્ચે થયેલા સંવાદ પરથી મળતી પ્રેરણા પર ધ્યાન દોર્યું હતું. NEPમાં પણ મહત્વપૂર્ણ વિચારસરણી અને જિજ્ઞાસાવૃત્તિ સાથે પ્રશ્નો કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમણે એવું પણ મંતવ્ય આપ્યું હતું કે, NEP 2020ના અસરકારક અમલીકરણથી તક્ષશિલા અને નાલંદાના સમયની જેમ ફરી એકવાર અભ્યાસના મહાન કેન્દ્ર તરીકે ભારતની કિર્તી પાછી આવશે.

રાષ્ટ્રપતિ કોવિંદે NEPની વિશેષ ખાસિયતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આનાથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ પ્રણાલી પણ શરૂ કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓમાંથી પ્રાપ્ત કરેલી શૈક્ષણિક ક્રેડિટ્સને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલી આ ક્રેડિટ્સના આધારે ડિગ્રી એનાયત કરી શકાય. આના કારણે વિદ્યાર્થીઓને તેમની રોજગારલક્ષી, વ્યાવસાયિક અથવા બૌદ્ધિક જરૂરિયાતો અનુસાર અભ્યાસક્રમો પસંદ કરવાની આઝાદી મળશે અને પોતાની અનુકૂળતાએ પ્રવેશ અને છોડવા માટેના સ્થાન પણ મેળવી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, B.Ed., રોજગારલક્ષી અને દૂરના અંતરેથી અભ્યાસ કરવામાં આવતા અભ્યાસક્રમો પર ચુસ્ત દેખરેખ રાખવાની જરૂરિયાત અંગે પણ આ નીતિમાં કાળજી લેવામાં આવી છે.

સંબોધન દરમિયાન, રાષ્ટ્રપતિએ એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ ગુણોત્તર એટલે કે GERમાં વર્ષ 2035 સુધીમાં 50 ટકાની વૃદ્ધિ કરવાનું લક્ષ્ય પણ NEP 2020 નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમણે ધ્યાને લીધું હતું કે, આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ઑનલાઇન શિક્ષણ વ્યવસ્થાનો પણ ઉપયોગ થઇ શકે જેમાં ખાસ કરીને મહિલા વિદ્યાર્થો અથવા જેઓ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પ્રત્યક્ષ રીતે પહોંચી શકતા નથી તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે તેમના માટે આ વ્યવસ્થા ઘણી ઉપયોગી છે. આંકડાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, 2018-19 માટે અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષણ સર્વે અનુસાર, પુરુષોની સરખામણીએ મહિલાઓ માટે GER સહેજ વધારે છે. જોકે, રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓમાં મહિલા વિદ્યાર્થીઓનો હિસ્સો અત્યંત ઓછો છે જેમાં ખાસ કરીને ટેકનિકલ શિક્ષણમાં આ હિસ્સેદારી ઘણી નીચલા સ્તરે છે. NEPમાં સૌને સમાનતા અને સમાવેશિતા પર ધ્યાન આપવામાં આવ્યું છે તે બાબત ભારપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ઉચ્ચ શિક્ષણમાં આ પ્રકારની લૈંગિક અસમાનતા દૂર કરવી જોઈએ. રાષ્ટ્રપતિએ એ બાબતે પણ અવલોકન કર્યું હતું કે, આ સંસ્થાઓના વડાઓની પણ ભૂમિકા રહેશે જેની અસર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર પડશે અને તેથી સંસ્થાઓના વડાઓએ આ નીતિના અમલીકરણમાં સક્રિયપણે રસ લેવો જોઈએ.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ આ પરિસંવાદમાં પ્રારંભિક નિવેદનો આપ્યા હતા. આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા મહાનુભવોનો સ્વાગત સત્કાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. મજબૂત શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવે તે સરકારની માત્ર બંધારણીય જ નહીં પરંતુ નૈતિક જવાબદારી પણ છે. શ્રી પોખરિયાલે આશા વ્યક્ત કરી હતી કે, NEP 2020 આપણી શિક્ષણ વ્યવસ્થાને વિકેન્દ્રિત કરશે અને વધુ મજબૂત બનાવશે.

શ્રી પોખરિયાલે જુના સ્મરણો યાદ કરતા કહ્યું કે, 7 સપ્ટેમ્બર 2020ના રોજ આ વિષય પર રાષ્ટ્રપતિના માર્ગદર્શન હેઠળ રાજ્યપાલો સાથે પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નીતિના અમલીકરણ માટે વ્યૂહનીતિ ઘડવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું અને તેમાં મૂળભૂતરૂપે દેશમાં શિક્ષણના ધોરણોની ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ નીતિએ વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઓપન કેમ્પસમાં આવવા માટે તેમજ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી ઓપન કેમ્પસમાં જવા માટે સુવિધા કરી આપી છે જે ભારતને જ્ઞાનની મહાસત્તા બનાવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ રહેશે.

NEP પર વિશેષ ભાર મૂકતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ધ્યાનમાં લીધું હતું કે, NEPના અમલીકરણની પ્રક્રિયામાં વચ્ચે આવતા તમામ અવરોધોમાંથી બહાર આવવું જોઇએ અને તમામ હિતધારકો સાથે વિચારવિમર્શ થવો જોઇએ. તેમણે વધુમાં વિનંતી કરી હતી કે, તમામ કુલપતિઓ અને સંસ્થાઓના વડાઓએ આ નીતિ મહત્તમ લોકો સુધી લઇ જવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, અમલીકરણની પ્રક્રિયા વિશે મગજ કસવામાં તમામ વર્ગોનો સહકાર આવશ્યક છે. શ્રી પોખરિયાલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, તમામ સંસ્થાઓ અને શૈક્ષણિક વિદ્વાનો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય તાલમેલથી NEP 2020નો ઝડપથી અમલ કરવામાં મદદ મળી રહેશે.

આ પરિસંવાદમાં તમામ કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિઓ અને IIT, NIT, SPA વગેરેના નિદેશકો સહિત વિવિધ મહાનુભવોએ હાજરી આપી હતી.

 

SD/GP/BT



(Release ID: 1656657) Visitor Counter : 239