પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'ગૃહ પ્રવેશમ' કાર્યક્રમમાં સંબોધન કર્યું
મધ્યપ્રદેશમાં PMAY-G હેઠળ ઘર મેળવનારા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
Posted On:
12 SEP 2020 2:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં યોજાયેલા 'ગૃહ પ્રવેશમ' કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. જેમાં 1.75 લાખ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) અંતર્ગત પાકા ઘરની સોંપણી કરવામાં આવી છે.
શ્રી નરેન્દ્ર મોદીએ PMAY-G અંતર્ગત મધ્યપ્રદેશમાં ઘર મેળવનારા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે 1.75 લાખ લાભાર્થીઓ તેમના નવા ઘરમાં સ્થળાંતરિત થઇ રહ્યાં છે તેમને પોતાના સપનાંનું ઘર મળ્યું છે અને તેમના બાળકોના ભાવિ અંગે તેમનામાં આત્મવિશ્વાસ પણ જાગ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જે લાભાર્થીઓને આજે ઘર મળ્યું છે તેઓ એવા 2.25 કરોડ પરિવાર સાથે જોડાઇ ગયા છે જેમણે છેલ્લા 6 વર્ષમાં પોતાનું ઘર પ્રાપ્ત કર્યું છે અને હવે તેઓ ભાડાના મકાનમાં અથવા ઝૂંપડપટ્ટીમાં અથવા કાચા મકાનમાં રહેવાના બદલે પોતાના ઘરમાં રહે છે. તેમણે લાભાર્થીઓને દીવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ વ્યક્તિગત રીતે તેમની સાથે આ ખુશીઓની પળ વહેંચનારાઓમાંથી એક વ્યક્તિ હોત.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની આ ઘડી માત્ર 1.75 લાભ ગરીબ પરિવારો માટે યાદગાર ઘડી નથી પરંતુ દેશમાં ઘરવિહોણા દરેક પરિવારને પાકુ ઘર આપવાની દિશામાં આ ખૂબ મોટું પગલું છે. તેમણે કહ્યું હતું કે આનાથી દેશમાં ઘરવિહોણા લોકોની આશા વધુ મજબૂત બને છે અને તેનાથી એ પણ પુરવાર થાય છે કે, સરકારે કેવી સાચી વ્યૂહનીતિ અને લાભાર્થીઓ સુધી પહોંચવાના ઇરાદા સાથે આ યોજનાનો અમલ કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ઉભા થયેલા પડકારોથી ડર્યા વગર, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ અંતર્ગત 18 લાખ મકાનોનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે અને તેમાંથી મધ્યપ્રદેશમાં 1.75 લાખ મકાનોનું કામ પૂરું કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, PMAY-G અંતર્ગત સરેરાશ 125 દિવસમાં એક મકાનનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ કોરોનાના સમય દરમિયાન, તે કામ માત્ર 45 થી 60 દિવસમાં જ પૂરું કરવામાં આવ્યું તે પણ પોતાની રીતે એક વિક્રમ જ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંખ્યાબંધ સ્થળાંતરિત શ્રમિકો આ સમયમાં શહેરો છોડીને તેમના વતન ગામડાંઓમાં પરત ફર્યાં તેના કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ પડકારને અવસરમાં રૂપાંતરિત કરવાનું આ એક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. તેમણે કહ્યું કે, આ સ્થળાંતરિત શ્રમિકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો સંપૂર્ણ લાભ ઉઠાવીને તેમના પરિવારોની પૂરતી કાળજી લીધી છે અને સાથે સાથે તેમના ગરીબ ભાઇઓ માટે ઘર બાંધવાનું કામ પણ પાર પાડ્યું છે.
પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં મધ્યપ્રદેશ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં રૂપિયા 23 હજાર કરોડની પરિયોજનાઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત પૂરી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત, દરેક ગામમાં ગરીબ પરિવારો માટે મકાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, દરેક ઘર સુધી પાણીનો પૂરવઠો પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે, આંગણવાડીઓ અને પંચાયતોના ભવનોનું નિર્માણ થઇ રહ્યું છે અને સાથે સાથે ગાયો માટે ગમાણ, તળાવો અને કુવા જેવા વિવિધ કાર્યો પણ ચાલી રહ્યાં છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આનાથી બે પ્રકારે ફાયદો થયો છે. એક તો, લાખો સ્થળાંતરિત શ્રમિકો કે જેઓ શહેરો છોડીને તેમના વતન ગામડામાં પરત આવી ગયા છે તેમને અર્થપૂર્ણ રોજગારી મળી છે. અને બીજો ફાયદો એ છે કે, બાંધકામ સંબંધિત માલસામાન જેમ કે ઈંટો, સીમેન્ટ, રેતી વગેરેનું વેચાણ પણ વધ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનથી મુશ્કેલીના આ સમયમાં ગ્રામીણ અર્થતંત્રને ખૂબ જ મોટો આધાર મળ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવા માટે દેશમાં દાયકાથી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ માનભેર જીવન આપવાનું, કરોડો ગરીબોને ઘર આપવાનું લક્ષ્ય ક્યારેય સિદ્ધ થઇ શક્યું નથી. આનું કારણ એ છે કે, આવા કાર્યોમાં સરકારનો વધુ પડતો હસ્તક્ષેપ હતો, પારદર્શકતાનો અભાવ હતો અને વાસ્તવિક લાભાર્થીઓ સાથે કોઇપણ પ્રકારે વિચારવિમર્શ કરવામાં આવતો નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉની યોજનાઓમાં પારદર્શકતાના અભાવના કારણે તે યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા મકાનો પણ નબળી ગુણવત્તાના હતા.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 2014માં અગાઉના અનુભવોનું વિશ્લેષણ કર્યા પછી યોજનામાં સુધારા કરવામાં આવ્યા અને નવી વ્યૂહનીતિ સાથે તેને પ્રધાનમંત્રી આવાસ યોજના નામથી શરૂ કરવામાં આવી. લાભાર્થીઓની પસંદગીથી માંડીને તૈયાર મકાનોની સોંપણી સુધીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક કરવામાં આવી. તેમણે કહ્યું કે, અગાઉ ગરીબોને સરકારની પાછળ પાછળ દોડવું પડતું હતું, હવે સરકાર લોકો સુધી સામે ચાલીને પહોંચી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે પસંદગીથી માંડીને ઉત્પાદન માટે વૈજ્ઞાનિક અને પારદર્શક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. માત્ર આટલું જ નહીં, સામગ્રીથી માંડીને બાંધકામમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અને ઉપયોગમાં લેવાતા માલસામાનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, મકાનોની ડિઝાઇન સ્થાનિક જરૂરિયાતો અને શૈલીને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે તૈયાર કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મકાનના બાંધકામના દરેક તબક્કા પર સંપૂર્ણપણે દેખરેખ રાખવામાં આવે છે. દરેક તબક્કાનું બાંધકામ પૂરું થયા પછી નાણાંના વિવિધ હપતાની ચુકવણી કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગરીબોને માત્ર મકાન નથી મળી રહ્યાં પરંતુ તેમને સાથે સાથે શૌચાલયો, ઉજ્જવલા ગેસ જોડાણ, સૌભાગ્ય યોજના, વીજળીનું જોડાણ, LED બલ્બ અને પાણીના જોડાણો પણ મળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ ગ્રામીણ બહેનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની અંદાજે 27 કલ્યાણકારી યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા ઘરો મોટાભાગે મહિલાના નામે અથવા પરિવારની મહિલાના નામ સાથે સંયુક્ત રીતે નોંધવામાં આવે છે. સાથે સાથે નવી કામની તકોનું પણ સર્જન થઇ રહ્યું છે, મોટી સંખ્યામાં કડિયાકામ કરતી મહિલાઓને આ બાંધકામ માટે રાખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, માત્ર મધ્યપ્રદેશમાં જ 50 હજારથી વધુ કડિયાઓને તાલીમ આપવામાં આવી છે જેમાંથી 9,000 મહિલા કડિયાએ તાલીમ લીધી છે. આથી, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ પણ વધુ મજબૂત બન્યો છે. આ આત્મવિશ્વાસને વધુ મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2024 સુધીમાં દેશના દરેક ગામડામાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ 15 ઑગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આગામી 1000 દિવસમાં દેશના અંદાજે 6 લાખ ગામડાંને ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવાના વચનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીના સમય દરમિયાન પણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત આ કામગીરી ખૂબ જ સારી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, માત્ર થોડા અઠવાડિયા પહેલાં જ 5000 કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઇબર 116 જિલ્લામાં નાંખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 1250થી વધુ ગ્રામ પંચાયતોને અંદાજે 19 હજાર ઓપ્ટિકલ ફાઇબર જોડાણો દ્વારા જોડવામાં આવી છે અને અંદાજે 15 હજાર વાઇફાઇ હોટસ્પોટ પૂરાં પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ગામડાંમાં બહેતર અને ઝડપી ઇન્ટરનેટ સેવાઓ આવી જશે ત્યારે ગામડાંમાં રહેતા બાળકોને તેમના શિક્ષણમાં આગળ વધવા માટે અને યુવાનોને વ્યવસાયમાં આગળ વધવા માટે બહેતર તકો મળી રહેશે. તેમણે કહ્યું હતું કે, આજે સરકારમાં દરેક સેવાઓ ઑનલાઇન કરી દેવામાં આવી છે જેથી લાભો પણ ઝડપથી મળી રહ્યાં છે અને કોઇપણ પ્રકારે ભ્રષ્ટાચારનો અવકાશ રહેતો નથી તેમજ ગામવાસીઓને પણ તેમના નાના-નાના કામકાજો માટે શહેરો સુધીના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. તેમણે કહ્યું હતું કે, ગામડાંઓ અને ગરીબોને વધુ સશક્ત બનાવવા માટે આ અભિયાન આવા જ આત્મવિશ્વાસ સાથે વધુ ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1653659)
Visitor Counter : 295
Read this release in:
Tamil
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam