પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઝાંસીમાં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીની કોલજ અને વહીવટી પરિસરોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 AUG 2020 3:38PM by PIB Ahmedabad

આપણાં દેશના કૃષિ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા અન્ય સાથી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, અન્ય અતિથિગણ, સૌ વિદ્યાર્થી મિત્રો અને દેશના પ્રત્યેક ખૂણેથી જોડાયેલા આ વર્ચ્યુઅલ સમારોહમાં ઉપસ્થિત તમામ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયના નવા શૈક્ષણિક અને વહીવટી ભવન માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક શુભકામનાઓ આપું છું. અહીથી ભણીને ઘણું બધુ શીખીને નીકળનાર યુવા સાથી દેશના કૃષિ ક્ષેત્રને સશક્ત કરવાનું કામ કરશે.

વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તૈયારીઓ, તેમનો ઉત્સાહ અને અત્યારે જે સંવાદ થઈ રહ્યો હતો અને જે મારી તમારા લોકો સાથે જે વાત કરવાનો મને અવસર મળ્યો, હું ઉત્સાહ, ઉમંગ, વિશ્વાસનો અનુભવ કરી રહ્યો હતો, તે જોવા મળ્યું. મને વિશ્વાસ છે કે, આ નવી ઇમારત બનવાથી અનેક નવી સુવિધાઓ મળશે. આ સુવિધાઓ વડે વિદ્યાર્થીઓને હજી વધારે કામ કરવાની પ્રેરણા મળશે અને વધુ પ્રોત્સાહન મળશે.

સાથીઓ, એક સમય હતો જ્યારે રાણી લક્ષ્મીબાઈએ બુંદેલખંડની ધરતી પર ગર્જના કરી હતી, “હું મારી ઝાંસી નહિ આપું”. આપણને સૌને આ વાક્ય બરાબર યાદ છે, “હું મારી ઝાંસી નહિ આપું”. આજે એક નવી ગર્જનાની જરૂરિયાત છે અને આ જ ઝાંસી પરથી, આ જ બુંદેલખંડની ધરતી પરથી જરૂરિયાત છે. મારી ઝાંસી, મારુ બુંદેલખંડ આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે, એક નવા અધ્યાયની રચના કરશે.

તેમાં ઘણી મોટી ભૂમિકા કૃષિની છે, એગ્રિકલ્ચરની છે. જ્યારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ તો તે માત્ર ખાદ્યાન્ન સુધી જ સીમિત નથી પરંતુ તે ગામની સંપૂર્ણ અર્થવ્યવસ્થાની આત્મનિર્ભરતાની વાત છે. તે દેશના જુદા જુદા ભાગોમાં ખેતી વડે ઉત્પન્ન થનારા ઉત્પાદનોમાં મૂલ્ય ઉમેરણ કરીને દેશ તથા દુનિયાના બજારોમાં પહોંચાડવાનું મિશન છે. કૃષિમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય ખેડૂતોને એક ઉત્પાદકની સાથે જ ઉદ્યમી બનાવવાનું પણ છે. જ્યારે ખેડૂત અને ખેતી ઉદ્યોગની જેમ આગળ વધશે તો મોટા પાયા પર ગામડાઓમાં અને ગામડાઓની નજીકમાં જ રોજગાર અને સ્વ-રોજગારના અવસરો ઊભા થવાના છે.

સાથીઓ, વર્તમાન સમયમાં, અને જ્યારે આપણે આ સંકલ્પની સાથે જ તાજેતરમાં કૃષિ સાથે સંકળાયેલા ઐતિહાસિક સુધારાઓ આ સરકાર સતત કરી રહી છે, અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. ભારતમાં ખેડૂતને સાંકળોમાં જકડનારી કાયદાકીય વ્યવસ્થાઓ, મંડી કાયદો જેવા જરૂરી વસ્તુ કાયદો, આ બધામાં ઘણો મોટા પાયે સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂત હવે બાકી ઉદ્યોગોની જેમ આખા દેશમાં બજારોની બહાર પણ જ્યાં તેને વધારે કિંમત મળે છે, ત્યાં પોતાનો પાક વેચી શકે છે.

એટલું જ નહિ, ગામની પાસે ઉદ્યોગોના ક્લસ્ટર બનાવવાની વ્યાપક યોજના બનાવવામાં આવી છે. આ ઉદ્યોગોને વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા મળે, તેની માટે એક લાખ કરોડ રૂપિયાનું ખાસ ભંડોળ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળના માધ્યમથી આપણાં કૃષિ ઉત્પાદક સંઘ, આપણાં એફપીઓ હવે સંગ્રહ સાથે જોડાયેલ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર કરી શકશે અને પ્રક્રિયા (પ્રોસેસિંગ) સાથે જોડાયેલ ઉદ્યોગ પણ લગાવી શકશે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરનારા યુવાનો અને તેમના તમામ સાથી, આ બધાને નવા અવસર મળી શકશે, નવા સ્ટાર્ટ અપ્સ માટે રસ્તાઓ ખુલશે.

સાથીઓ, આજે બિયારણથી લઈને બજાર સુધી ખેતીને ટેકનોલોજી સાથે જોડવાનું, આધુનિક સંશોધનના ફાયદાઓને જોડવાનું સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘણી મોટી ભૂમિકા સંશોધન સંસ્થાનો અને કૃષિ વિશ્વવિદ્યાલયોની પણ છે. છ વર્ષ પહેલાંની વાત કરીએ તો જ્યાં દેશમાં માત્ર એક કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય હતી, આજે ત્રણ-ત્રણ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ દેશમાં કાર્ય કરી રહી છે. તે સિવાય ત્રણ અન્ય રાષ્ટ્રીય સંસ્થાન – IARI ઝારખંડ, IARI - આસામ અને બિહારના મોતિહારીમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ, તેની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંશોધન સંસ્થાનો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નવા અવસરો તો આપશે જ, સ્થાનિક ખેડૂતો સુધી ટેકનોલોજીના લાભ પહોંચાડવામાં પણ તેમની ક્ષમતા વધારવામાં મદદ કરવાના છે.

અત્યારે દેશમાં સોલર પંપ, સોલર ટ્રિ, સ્થાનિક જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવેલ બીજ, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, ટપક સિંચાઇ પદ્ધતિ, અનેક ક્ષેત્રોમાં એકસાથે કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખાસ કરીને બુંદેલખંડના ખેડૂતોને તેની સાથે જોડવા માટે આપ સૌની ઘણી મોટી ભૂમિકા રહેલ છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ અને તેની સાથે જોડાયેલ પડકારો સામે લડવા માટે કઈ રીતે કામ આવી રહ્યો છે- હમણાં વર્તમાન સમયમાં તેનું એક અન્ય ઉદાહરણ જોવા મળ્યું છે.

તમને યાદ હશે, અહિયાં બુંદેલખંડમાં મે મહિનાની અંદર તીડના ટોળાંનો બહુ મોટો હુમલો થયો હતો. અને પહેલા તો આ તીડનું ટોળું પોતાનામાં જ એક, સમાચારો આવે છે ને જ્યારે કે તીડનું ટોળું આવવાનું છે તો ખેડૂત આખી-આખી રાત સૂઈ નથી શકતો, બધી મહેનત મિનિટોમાં નષ્ટ કરી નાખે છે. કેટલાય ખેડૂતોના પાક, શાકભાજી બરબાદ થવા એકદમ નિશ્ચિત થઈ જાય છે. મને જણાવવામાં આવ્યું છે કે બુંદેલખંડમાં લગભગ-લગભગ 30 વર્ષ પછી તીડે હુમલો કર્યો છે નહિતર પહેલા આ ક્ષેત્રમાં તીડના ટોળાં નહોતા આવતા.

સાથીઓ, માત્ર ઉત્તર પ્રદેશ જ નહિ, દેશના દસથી વધુ રાજ્ય તીડના ટોળાં અથવા લોકસ્ટના હુમલા વડે પ્રભાવિત થયા હતા. જેટલી ઝડપથી તે ફેલાઈ રહ્યા હતા તેની ઉપર સામાન્ય રીત ભાતો, પરંપરાગત માધ્યમો વડે નિયંત્રણ પ્રાપ્ત કરવું અઘરું હતું. અને જે રીતે ભારતે આ તીડના ટોળાથી મુક્તિ પ્રાપ્ત કરી છે, આટલા મોટા હુમલાને ખૂબ વૈજ્ઞાનિક રીતે જે રીતે સંભાળી લીધો છે, જો કોરોના જેવી અન્ય વસ્તુઓ ના હોત તો કદાચ હિન્દુસ્તાનના મીડિયામાં આખા અઠવાડિયા સુધી આની ખૂબ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હોત, એટલું મોટું કામ કરવામાં આવ્યું છે.

અને એવામાં તીડના ટોળાના હુમલા વડે ખેડૂતોના પાકને બચાવવા માટે જે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું છે. ઝાંસી સહિત અનેક શહેરોમાં ડઝનબંધ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા, ખેડૂતો સુધી પહેલેથી જ જાણકારી પહોંચી જાય તેની વ્યવસ્થા કરવામાં આવી. તીડના ટોળાને મારવા અને ભગાડવા માટે જે સ્પ્રે વાળી વિશેષ મશીનો હોય છે તે પણ એ સમયે આપણી પાસે એટલી સંખ્યામાં નહોતી કારણ કે આ હુમલાઓ આવી રીતે આવતા પણ નથી. સરકારે તાત્કાલિક આવી ડઝનબંધ આધુનિક મશીનો ખરીદીને જિલ્લાઓ સુધી પહોંચાડી. ટેન્કર હોય, ગાડીઓ હોય, કેમિકલ હોય, દવાઓ હોય, આ બધા જ સંસાધનો લગાવી દેવામાં આવ્યા જેથી ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય.

એટલું જ નહિ, ઊંચા વૃક્ષોને બચાવવા માટે, મોટા ક્ષેત્રોમાં એક સાથે દવાનો છંટકાવ કરવા માટે ડઝનબંધ ડ્રોન લગાવી દેવામાં આવ્યા, હેલિકોપ્ટર સુદ્ધાં વડે દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ બધા જ પ્રયાસો પછી જ ભારત પોતાના ખેડૂતોનું ઘણું વધુ નુકસાન થવાથી બચાવી શક્યું છે.

સાથીઓ, ડ્રોન ટેકનોલોજી હોય, બીજી કોઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી હોય, આધુનિક કૃષિ સાધનો હોય, તેને દેશના કૃષિ ક્ષેત્રે વધુને વધુ ઉપયોગમાં લાવવા માટે તમારા જેવા યુવા સંશોધકોએ, યુવા વૈજ્ઞાનિકોએ સતત એક સમર્પિત ભાવથી, વન લાઈફ વન મિશનની માફક કામ કરવું પડશે.

છેલ્લાં વર્ષથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સંશોધનને ખેતી સાથે સીધો સંબંધ હોય, ગ્રામ્ય સ્તરે નાનામાં નાના ખેડૂતને પણ વૈજ્ઞાનિક પરામર્શ ઉપલબ્ધ હોય. હવે કેમ્પસથી માંડીને ફિલ્ડ સુધી નિષ્ણાતોના, જાણકારોના ઈકોસિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે કામ થાય તે જરૂરી છે. તેમાં તમારી યુનિવર્સિટીની પણ ઘણી મહત્ત્વની ભૂમિકા છે.

સાથીઓ, કૃષિ સાથે સંકળાયેલા શિક્ષણને, તેના વ્યવહારુ અમલને શાળાકીય સ્તરે લઈ જવાની પણ જરૂર છે. પ્રયાસ છે કે ગ્રામ્ય સ્તરે મિડલ સ્કૂલ લેવલે કૃષિના વિષયનો પરિચય કરાવાય. તેનાથી બે લાભ થશે. એક લાભ તો થશે કે ગામડાના બાળકોમાં ખેતી સાથે જોડાયેલી એક સ્વાભાવિક સમજ હોય છે, તે વૈજ્ઞાનિક રીતે વિસ્તરશે. બીજો લાભ થશે કે ખેતી અને તેની સાથે જોડાયેલી ટેકનિક, વ્યાપાર-ધંધા, વિશે પોતાના પરિવારને વધુ જાણકારી આપી શકાશે. તેનાથી દેશમાં એગ્રો એન્ટરપ્રાઈઝને પણ વધુ પ્રોત્સાહન મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેના માટે પણ અનેક જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

સાથીઓ, કેટલાયે પડકારો ભલે હોય, તેમનો સતત સામનો કરવો, હંમેશા, ફક્ત લક્ષ્મીબાઈના જમાનાથી નહીં, હંમેશાથી બુંદેલખંડે આગેવાની કરી છે, બુંદેલખંડની ઓળખ છે કે કોઈ પણ સંકટનો સામનો કરવાનો છે.

કોરોના સામે પણ બુંદેલખંડના લોકો લડત આપી રહ્યા છે. સરકારે પણ પ્રયાસ કર્યો છે કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. ગરીબને ભૂખ્યા સૂવું પડે, તે માટે ઉત્તર પ્રદેશના કરોડો ગરીબ અને ગ્રામીણ પરિવારોને દેશના અન્ય પ્રદેશોમાં જે રીતે વિના મૂલ્ય રાશન અપાઈ રહ્યું છે, તમારા પ્રદેશમાં પણ આપવામાં આવી રહ્યું છે. બુંદેલખંડની આશરે 10 લાખ ગરીબ બહેનોને દરમિયાન વિના મૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં છે. લાખો બહેનોના જનધન ખાતામાં હજારો કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યાં છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ એકલા ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે, જેના હેઠળ લાખો કામદાર સાથીઓને રોજગાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે, અભિયાન હેઠળ અહીં બુંદેલખંડમાં પણ અનેક તળાવોની મરમ્મત કરવાનાં તેમજ અન્ય નવાં તળાવો બનાવવાનાં કામ કરવામાં આવ્યાં છે.

સાથીઓ, ચૂંટણી પૂર્વે જ્યારે હું ઝાંસી આવ્યો હતો, ત્યારે મેં બુંદેલખંડની બહેનોને કહ્યું હતું કે પાછલાં પાંચ વર્ષ શૌચાલય માટે હતાં અને આવનારાં પાંચ વર્ષ પાણી માટે હશે. બહેનોના આશીર્વાદથી દરેક ઘરે પાણી પહોંચાડવાનું અભિયાન ઝડપભેર આગળ વધી રહ્યું છે. યુપી અને એમપીમાં પથરાયેલા બુંદેલખંડના તમામ જિલ્લામાં પાણીના સ્ત્રોતો ઊભાં કરવાંનું તેમજ પાઈપલાઈન પાથરવાનું કામ નિરંતર ચાલુ છે. પ્રદેશમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુનાં આશરે 500 વૉટર પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. છેલ્લા બે મહિનામાં તેમાંથી લગભગ 3 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો ઉપર કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે પ્રોજેક્ટો તૈયાર થઈ જશે, ત્યારે તેનાથી બુંદેલખંડના લાખો પરિવારોને સીધો લાભ મળશે. એટલું નહીં, બુંદેલખંડમાં ભૂગર્ભ જળનાં સ્તરને ઉપર લાવવા માટે અટલ ભૂજલ યોજના ઉપર પણ કામ ચાલી રહ્યું છે. ઝાંસી, મહોબા, બાંદા, હમીરપુર, ચિત્રકૂટ અને લલિતપુરની સાથે સાથે ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારોના અનેક ગામડાંમાં જળ સ્તર સુધારવા માટે 700 કરોડ રૂપિયાથી વધુની યોજના ઉપર કામ ચાલુ છે.

સાથીઓ, બુંદેલખંડની એક તરફ બેતવા વહે છે અને બીજી તરફ કેન નદી વહે છે. ઉત્તર દિશામાં માતા યમુનાજી છે. પરંતુ સ્થિતિ એવી છે કે નદીઓના પાણીનો પૂરેપૂરો લાભ, સમગ્ર ક્ષેત્રને નથી મળી શકતો. સ્થિતિ બદલવા માટે પણ કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. કેન બેતવા નદી લિન્ક પ્રોજેક્ટમાં પ્રદેશનું ભાગ્ય બદલવાની ઘણી શક્તિ છે. દિશામાં અમે બંને રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છીએ, કામ કરી રહ્યા છીએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, એકવાર જ્યારે બુંદેલખંડને પૂરતું જળ ઉપલબ્ધ થશે, ત્યારે અહીં જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.

બુંદેલખંડ એક્સપ્રેસ વે હોય કે પછી ડિફેન્સ કોરિડોર, હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પણ અહીં રોજગારની હજારો નવી તક સર્જવાનું કામ કરશે. દિવસ હવે દૂર નથી, જ્યારે વીરોની ભૂમિ, ઝાંસી અને તેની આસપાસનો સમગ્ર પ્રદેશ દેશને સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં એક મહત્ત્વના ક્ષેત્ર તરીકે વિકસેલો હશે. એટલે કે એક રીતે બુંદેલખંડમાંજય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનો મંત્ર ચારેય દિશાઓમાં ગૂંજશે. કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બુંદેલખંડની પ્રાચીન ઓળખને, ધરતીના ગૌરવને સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ભવિષ્ય માટે મંગળકામનાઓ સાથે ફરી એકવાર યુનિવર્સિટીની નવી ઈમારત માટે આપ સહુને ખૂબ-ખૂબ અભિનંદન.

દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી, મંત્રને આપ હંમેશા યાદ રાખજો. આપ સુરક્ષિત રહેશો, તો દેશ સુરક્ષિત રહેશે.

આપ સહુનો ખૂબ - ખૂબ આભાર.

ધન્યવાદ.

SD/GP/BT

 



(Release ID: 1649595) Visitor Counter : 220