પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ ધિરાણ સુવિધા શરૂ થવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 AUG 2020 1:11PM by PIB Ahmedabad

આજે હળછઠ છે, ભગવાન બલરામની જયંતી છે.

તમામ દેશવાસીઓને, ખાસ કરીને ખેડૂત સાથીદારોને હળછઠની, દાઉ જન્મોત્સવની શુભેચ્છા !!

આ અતિ પવિત્ર પ્રસંગ પર દેશમાં ખેતીવાડી સાથે સંબંધિત સુવિધાઓ તૈયાર કરવા માટે એક લાખ કરોડ રૂપિયાના વિશેષ ફંડનો શુભારંભ કરવામાં આવ્યો છે. એનાથી ગામડે-ગામડે અનાજ અને શાકભાજીનો સંગ્રહ કરવા માટે વધારે સારી સુવિધા, આધુનિક કોલ્ડ સ્ટોરેજની ચેઇન તૈયાર કરવામાં મદદ મળશે અને ગામડામાં રોજગારીની અનેક તકોનું સર્જન થશે.

એની સાથે-સાથે સાડા 8 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિ સ્વરૂપે 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને પણ મને બહુ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, આ યોજનાનો જે લક્ષ્યાંક હતો, એ પૂરો થઈ રહ્યો છે.

દરેક ખેડૂતના કુટુંબ સુધી સીધી મદદ પહોંચે અને જરૂરિયાતના સમયે મળે – આ ઉદ્દેશમાં યોજનાની સફળતા સમાયેલી છે. છેલ્લાં દોઢ વર્ષમાં આ યોજનાના માધ્યમથી 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થઈ ગયા છે. એમાંથી 22 હજાર કરોડ રૂપિયા તો કોરોનાના કારણે લાગુ લોકડાઉન દરમિયાન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યાં છે.

સાથીઓ,

દાયકાઓથી એક માંગણી અને એના પર મંથન ચાલી રહ્યું હતું કે, ગામડાઓમાં ઉદ્યોગો સ્થાપિત કેમ થતા નથી?

જેમ ઉદ્યોગોને પોતાના ઉત્પાદનની કિંમત નક્કી કરવાની અને ઉત્પાદનનું વેચાણ દેશમાં કોઈ પણ જગ્યાએ કરવાની છૂટ મળે છે, તેમ ખેડૂતોને એમના પાકની કિંમત નક્કી કરવાની અને એનું વેચાણ દેશમાં કોઈ પણ જગ્યાએ કરવાની સુવિધા કેમ ન મળે?

આપણે જોઈએ છીએ કે, જો સાબુનું કારખાનું એક શહેરમાં હોય, તો એનું વેચાણ એ જ શહેરમાં કરવું પડે છે. પણ અત્યાર સુધી ખેતીવાડી ક્ષેત્રમાં આ જ પ્રથા ચાલતી હતી. જ્યાં અનાજ પેદા થાય છે, ત્યાં ખેડૂતને સ્થાનિક બજારમાં જ એનું વેચાણ કરવું પડતું હતું. વળી બીજી એ માંગણી પણ થતી હતી કે, અન્ય ઉદ્યોગોમાં કોઈ વચેટિયાઓ નથી, તો અનાજના વેપારમાં કેમ હોવા જોઈએ? જો ઉદ્યોગોને વિકાસ માટે માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવે છે, તો પછી કૃષિ ક્ષેત્રને પણ આધુનિક માળખાગત સુવિધાઓ મળવી જોઈએ.

સાથીઓ,

હવે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ખેડૂત અને કૃષિ સાથે સંબંધિત આ તમામ સવાલોનું સમાધાન શોધવામાં આવ્યું છે. એક દેશ, એક બજારના જે મિશનને લઈને છેલ્લાં 7 વર્ષથી કામ ચાલી રહ્યું હતું અને હવે એ પૂર્ણ થઈ રહ્યું છે. સૌપ્રથમ e-NAM મારફતે એક ટેકનોલોજી આધારિત મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. હવે કાયદો પસાર કરીને ખેડૂતને બજારની બહાર અને બજારનાં વેરામાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. હવે ખેડૂત પાસે અનેક વિકલ્પ છે. જો તેઓ પોતાના ખેતરમાં જ પોતાના પાકનો સોદો કરવા ઇચ્છે, તો એ કરી શકે છે.

કે પછી સીધો વખાર સાથે, e-NAM સાથે જોડાયેલા વેપારીઓ અને સંસ્થાઓ સાથે – કહેવાનો અર્થ એ છે કે જે કોઈ ખેડૂતને વધારે કિંમત ચુકવે, એની સાથે એ પાકનો સોદો કરી શકે છે.

આ જ રીતે એક નવો કાયદો બન્યો છે, એનાથી ખેડૂત હવે ઉદ્યોગો સાથે સીધી ભાગીદારી પણ કરી શકે છે.

હવે જેમ બટાટાના ખેડૂતો ચિપ્સ બનાવતી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે, તેમ ફળ ઉત્પાદકો જ્યુસ, મુરબ્બો, ચટણી કે સૉસ બનાવતા ઉદ્યોગો સાથે ભાગીદારી કરી શકે છે.

એનાથી ખેડૂતને પાકના વાવેતર સમયે જ નક્કી કિંમત મળશે, જેથી એને કિંમતોમાં ઘટાડાની ચિંતામાંથી મુક્તિ મળી જશે.

સાથીઓ,

આપણી ખેતીમાં ઉત્પાદકતા સમસ્યારૂપ નથી, પણ લણણી પછી ઉપજનો જે બગાડ થાય છે એ બહુ મોટી સમસ્યા છે. એનાથી ખેડૂતને પણ નુકસાન થાય છે અને દેશને પણ બહુ મોટું નુકસાન થાય છે. આ સમસ્યાનું સમાધાન કરવા એક તરફ કાયદેસર અવરોધોને દૂર કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ ખેડૂતોને સીધી મદદ કરવામાં આવે છે. જ્યારે એક સમયે દેશમાં ખાદ્યાન્નની તંગી હતી, ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંબંધિત એક કાયદો બન્યો હતો. પણ જ્યારે અત્યારે આપણે દુનિયામાં દ્વિતીય કક્ષાએ એ સૌથી મોટા ખાદ્યાન્ન ઉત્પાદક બની ગયા છે, ત્યારે પણ આ કાયદો લાગુ હતો.

જો ગામડામાં સારા વખાર ન બની શક્યાં, કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન ન મળ્યું, તો એનું એક મોટું કારણ એ કાયદો પણ હતો. આ કાયદાનો ઉપયોગ કરતા દુરુપયોગ વધારે થયો. એનાથી દેશના વેપારીઓ, રોકાણકારોને ડરાવવાનું કામ વધારે થયું. હવે આ પ્રકારનાં ડરથી કૃષિ સાથે સંબંધિત વેપારને મુક્ત કરવામાં આવ્યો છે. હવે વેપારી-રોકાણકારો ગામડાઓમાં સ્ટોરેજ બનાવવામાં અને બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આગળ આવી શકે છે.

સાથીઓ,

આજે જે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લોંચ કરવામાં આવ્યું છે, એનાથી ખેડૂત પોતાના સ્તરે પણ ગામડાઓમાં સંગ્રહ કરવાની આધુનિક સુવિધાઓનું નિર્માણ કરી શકશે. આ યોજનાથી ગામડામાં ખેડૂતોના જૂથોને, ખેડૂત મંડળીઓને, FPOsને વખારનું નિર્માણ કરવા માટે, કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માટે, ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત ઉદ્યોગ સ્થાપિત કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. આ જે ધન ખેડૂતોને ઉદ્યોગસાહસિક બનાવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, એના પર 3 ટકા વ્યાજની છૂટ પણ આપવામાં આવશે. થોડા સમય અગાઉ કેટલાંક ખેડૂત સંગઠનોએ મારી સાથે વાત પણ કરી. આ સંગઠનો વર્ષોથી ખેડૂતોની મદદ કરી રહ્યાં છે. આ નવા ફંડથી દેશભરમાં આ પ્રકારના સંગઠનોને બહુ મોટી મદદ મળશે.

સાથીઓ,

આ આધુનિક માળખાગત સુવિધાઓથી કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપિત કરવામાં બહુ મોટી મદદ મળશે.

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં પ્રસિદ્ધ ઉત્પાદનોને દેશ અને દુનિયાના બજાર સુધી પહોંચાડવા માટે એક મોટી યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના જુદાં જુદાં જિલ્લાઓમાં, ગામડાની પાસે જ કૃષિ ઉદ્યોગોનું ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યાં છે.

સાથીઓ,

હવે આપણે એ સ્થિતિ તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ, જેમાં ગામડાના કૃષિ ઉદ્યોગોમાંથી ખાદ્ય પદાર્થોને લગતા ઉત્પાદન શહેરમાં જશે અને શહેરોમાંથી બીજા ઔદ્યોગિક ચીજવસ્તુઓ બનીને ગામડાઓ સુધી પહુંચશે. આ જ આત્મનિર્ભર ભારત અભિયાનનો સંકલ્પ છે, જેના માટે આપણે કામ કરવાનું છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે, જે કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપિત થવાના છે, એને ચલાવશે કોણ? આ ઉદ્યોગોમાં પણ સૌથી વધુ હિસ્સો આપણા નાનાં ખેડૂતોને મોટા સમૂહ, જેને આપણે FPO કહીએ છીએ, કે પછી ખેડૂત ઉત્પાદક મંડળી કહી રહ્યાં છીએ, એનો હશે.

એટલે છેલ્લાં 7 વર્ષથી FPO-ખેડૂત ઉત્પાદન સંઘનું એક મોટું નેટવર્ક બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આગામી વર્ષોમાં આ પ્રકારનાં 10 હજાર FPO-ખેડૂત ઉત્પાદન સંઘ આખા દેશમાં બને એ માટે કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

એક તરફ, FPOનું નેટવર્ક બનાવવા માટે કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ખેતીવાડી સાથે જોડાયેલા સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 300 કૃષિ સ્ટાર્ટ અપ્સની મદદ કરવામાં આવી છે. આ સ્ટાર્ટ અપ, ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કૃષિ સાથે સંબંધિત સ્માર્ટ ઉપકરણનું નિર્માણ અને રિન્યૂએબલ એનર્જી સાથે સંબંધિત છે.

સાથીઓ,

ખેડૂતો સાથે સંબંધિત આ જેટલી પણ યોજનાઓ છે, જેટલા સુધારા થઈ રહ્યાં છે, એના કેન્દ્રમાં આપણો નાનો ખેડૂત છે. નાના ખેડૂતને જ સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આ જ નાના ખેડૂતને સરકારી લાભ પણ મળતો નથી. છેલ્લાં 6થી 7 વર્ષ દરમિયાન આ નાના ખેડૂતોની સ્થિતિને બદલવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. નાનો ખેડૂત દેશના કૃષિ ક્ષેત્રના સશક્તિકરણ સાથે પણ જોડાયેલો છે અને એ પોતે સશક્ત થાય, સક્ષમ બને – એ સુનિશ્ચિત કરવા પૂરજોશમાં પ્રયાસો ચાલી રહ્યો છે.

સાથીઓ,

હજુ 2 દિવસ અગાઉ દેશના નાના ખેડૂતો સાથે સંબંધિત એક બહુ મોટી યોજનાની શરૂઆત થઈ છે, જેનો આગામી સમયમાં આખા દેશને બહુ મોટો લાભ થવાનો છે. દેશની પ્રથમ કિસાન રેલવે મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરૂ થઈ ગઈ છે.

હવે મહારાષ્ટ્રમાંથી સંતરા, દ્રાક્ષ, ડુંગળી જેવી અનેક ફળફળાદિ અને કૃષિલક્ષી ઉત્પાદનો લઈને આ ટ્રેન નીકળશે અને બિહારના મખાના, લિચી, પાન, તાજી શાકભાજી, માછલીઓ જેવી અનેક સામગ્રી લઈને પરત ફરશે. બિહારનો નાનો ખેડૂત મુંબઈ અને પૂણે જેવા મોટા શહેરો સાથે સીધો જોડાઈ ગયો છે. આ પહેલી ટ્રેનનો લાભ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ખેડૂતોને પણ મળવાનો છે, કારણ કે આ ટ્રેન એમના રાજ્યોમાંથી પસાર થશે. આ ટ્રેનની ખાસિયત એ છે કે, આ સંપૂર્ણપણે વાતાનુકુલિત છે. એટલે કે એક પ્રકારે આ ટ્રેન પાટાં પર દોડતી કોલ્ડ સ્ટોરેજ છે.

આ ટ્રેનથી દૂધ, ફળફળાદિ અને શાકભાજી, માછલ ઉછેરનારા ખેડૂત  – એમ દરેક પ્રકારના ખેડૂતોને લાભ મળશે અને શહેરોમાં એનો ઉપયોગ કરનાર ગ્રાહકોને પણ ફાયદો થશે.

ખેડૂતોને એ લાભ થશે કે એને પોતાનો પાક સ્થાનિક બજારો કે હાટ-બજારોમાં ઓછી કિંમત પર વેચવા મજબૂર નહીં થવું પડે. ટ્રકોમાં ફળ-શાકભાજીનો જે રીતે બગાડ થાય છે એમાંથી મુક્તિ મળશે અને ટ્રકોની સરખામણીમાં ભાડું પણ અનેકગણું ઘટી જશે.

શહેરોમાં રહેતા સાથીદારોને એ લાભ થશે કે હવે હવામાનને કારણે કે અન્ય સંકટ સમયે તાજાં ફળફળાદિ, શાકભાજીની ખેંચ ઊભી નહીં થાય અને કિંમત પણ ઓછી રહેશે.

એટલું જ નહીં એનાથી ગામડાઓમાં નાનાં ખેડૂતોની સ્થિતિમાં અન્ય એક પરિવર્તન આવશે.

હવે જ્યાર દેશના મોટાં શહેરો સુધી નાનાં ખેડૂતોની પહોંચ ઊભી થઈ રહી છે, ત્યારે તેઓ તાજા શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલનની જેમ તેમને પણ પ્રોત્સાહન મળશે. એનાથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ વધારે આવક કરવાનો માર્ગ મોકળો થશે, રોજગારી અને સ્વરોજગારીની અનેક નવી તકો ઊભી થશે.

સાથીઓ,

આ જેટલા પણ પગલાં લેવામાં આવ્યા છે, એનાથી 21મી સદીમાં દેશનાં ગ્રામીણ અર્થતંત્રની તસ્વીર પણ બદલાઈ જશે, ખેતીમાંથી આવક પણ અનેકગણી વધશે.

તાજેતરમાં લેવામાં આવેલો નિર્ણય આગામી સમયમાં ગામની નજીક મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની છે.

છેલ્લાં 6 મહિનામાં આપણે જોયું છે કે, ગામડું અને ખેડૂત – કટોકટીની સ્થિતિમાં પણ દેશને કેવી રીતે ટેકો આપી શકે છે એ આપણે જોયું છે. આપણા ખેડૂતોએ જ લોકડાઉન દરમિયાન દેશને ખાણીપીણીની જરૂરી ચીજવસ્તુઓની સમસ્યા ઊભી થવા દીધી નથી. જ્યારે લોકડાઉન લાગુ હતું, ત્યારે આપણા ખેડૂતો ખેતરોમાં પાકની લણણી કરી રહ્યાં હતાં અને વાવેતરના નવા રેકોર્ડ કરતા હતા.

જો લોકડાઉનના પહેલા દિવસથી દિવાળી સુધી અને છઠ્ઠ સુધીના 8 મહિના માટે 80 કરોડથી વધારે દેશવાસીઓ સુધી અમે મફતમાં અનાજ પહોંચાડી શક્યાં છીએ, તો એનો શ્રેય આપણા ખેડૂતોનાં સામર્થ્યને જાય છે.

સાથીઓ,

સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે, ખેડૂતની ઉપજની રેકોર્ડ ખરીદી થાય, જેથી ગ વર્ષની સરખામણીમાં ખેડૂતોને લગભગ 27 હજાર કરોડ રૂપિયા વધારે મળ્યાં છે. બિયારણ હોય કે ખાતર હોય – આ વર્ષે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ રેકોર્ડ ઉત્પાદન થયું છે અને માગ મુજબ ખેડૂત સુધી પહોંચાડવામાં આવ્યું છે.

એ જ કારણસર આ મુશ્કેલ સમયમાં પણ આપણું ગ્રામીણ અર્થતંત્ર મજબૂત છે, ગામડાઓમાં પરેશાની કે મુશ્કેલી ઓછી છે.

આપણા ગામડાની આ તાકાત દેશના વિકાસની ગતિને પણ વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે, એ જ વિશ્વાસ સાથે તમને બધા ખેડૂત સાથીદારોને શુભેચ્છા.

તમે કોરોનાને ગામડાની બહાર રાખવાનું પ્રશંસનીય કામ કર્યું છે, એને ચાલુ રાખો.

દો ગજ કી દૂરી અને માસ્ક હૈ જરૂરી – એ મંત્ર પર અમલ કરતા રહો.

સતર્ક રહો, સુરક્ષિત રહો.

ધન્યવાદ !!

 

SD/BT



(Release ID: 1644593) Visitor Counter : 426