માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વના સૌથી મોટા ઓનલાઇન હૈકાથોનના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ 21મી સદીની યુવા પેઢીની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, એનઇપીનો ઉદ્દેશ પરિવર્તનકારક સુધારા કરવાનો છે; જેમાં રોજગારવાંચ્છુઓને બદલ રોજગારીનાં સર્જકો બનાવવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
કેન્દ્રીય એચઆરડી મંત્રીએ સવારે સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન (સોફ્ટવેર) – 2020ની ચોથી એડિશનની ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન કર્યું
એસઆઇએચ – 2020 દુનિયાનું સૌથી મોટું ઇનોવેશન મોડલ છે, જેમાં 4.5 લાખ વિદ્યાર્થીઓ, 2000થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ, 1000થી વધારે માર્ગદર્શકો, 1500થી વધારે મૂલ્યાંકનકર્તાઓ, 70થી વધારે સમસ્યાઓનું સમાધાન સંકળાયેલું છે
Posted On:
01 AUG 2020 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વના સૌથી મોટા ઓનલાઇન હૈકાથોનના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વાતચીત કરી.
સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન
પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, એના કેટલાંક નિરાકરણો શોધવા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. સમસ્યાઓનાં સમાધાનો પ્રદાન કરવાની સાથે વિદ્યાર્થીઓની કામગીરી ડેટા, ડિજિટાઇઝેશન અને હાઇ-ટેક ભવિષ્ય સાથે સંબંધિત ભારતની આકાંક્ષાઓને પણ મજબૂત કરશે. ઝડપથી આગળ વધી રહેલી 21મી સદીમાં ભારતે અસરકારક ભૂમિકા સતત ભજવવા પોતાને ઝડપથી બદલવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઇનોવેશન, સંશોધન, ડિઝાઇન, વિકાસ અને ઉદ્યોગસાહસિકતા માટે દેશમાં જરૂરી ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે ભારતની શિક્ષણ વ્યવસ્થાને વધારે આધુનિક બનાવવા અને પ્રતિભાઓ માટે તકોનું સર્જન કરવાના ઉદ્દેશ પર ભાર મૂક્યો હતો.
નવી શિક્ષણ નીતિ
પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિ પર કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીની યુવા પેઢીના વિચારો, જરૂરિયાતો, આશાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત નીતિગત દસ્તાવેજ નથી, પણ 130 કરોડથી વધારે ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું હતું કે, “આજે પણ બાળકો માને છે કે, તેમનું મૂલ્યાંકન તેમને રસ ન હોય એવા વિષયોને આધારે થાય છે. માતા-પિતાઓ, સગાસંબંધીઓ, મિત્રો વગેરેના દબાણને કારણે બાળકોને એમની પસંદગીના વિષયોમાં અભ્યાસ કરવાની ફરજ પાડે છે. એને પરિણામે મોટી સંખ્યામાં લોકો સારી રીતે શિક્ષિત છે, પણ તેમણે જેનો અભ્યાસ કર્યો છે, એ તેમના માટે ઉપયોગી નથી.” તેમણે ધ્યાન દોર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં વ્યવસ્થિત સુધારા લાવીને આ અભિગમને બદલવા ઇચ્છે છે તથા શિક્ષણનો આશય અને સામગ્રી એમ બંનેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ, સંશોધન અને ઇનોવેશન પર કેન્દ્રિત બનાવીને વિદ્યાર્થીઓને ફળદાયક, બહોળો અનુભવ પ્રદાન કરવા ઇચ્છ છે, જે વ્યક્તિની સ્વાભાવિક શક્તિઓને ખીલવવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, “આ હૈકાથોનમાં તમે પહેલી વાર સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો નથી, કે તમારો પ્રયાસો છેલ્લો નથી.” તેમણે યુવાનોને ત્રણ બાબતો જીવનમાં ઉતારવાની શીખ આપી હતીઃ સતત શીખવું, પ્રશ્રો પૂછવાં અને એનું સમાધાન કરવું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ શીખે છે, ત્યારે વ્યક્તિની અંદર જિજ્ઞાસાવૃત્તિ જાગે છે અને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ બાળકોને શાળાની બેગના ભારણમાંથી મુક્તિ આપીને મહત્ત્વપૂર્ણ વિચારશક્તિ ખીલાવવા તરફ પ્રોત્સાહન આપે છે.
શિક્ષણની સુલભતા
શિક્ષણ તમામને મળવું જોઈએ એવું બાબાસાહેબ આંબેડકરનું વિધાન ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ શિક્ષણ તમામને સુલભ કરવાના વિચાર પ્રત્યે સમર્પિત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ તમામને શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચતર શિક્ષણ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું હતું કે, આ નીતિનો ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણીનો રેશિયો વધારીને 50 ટકા કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ શિક્ષણ નીતિ રોજગારવાંચ્છુઓને બદલે રોજગારસર્જકો બનાવવા પર ભાર મૂકે છે. એ એક રીતે આપણી માનસિકતા અને આપણા અભિગમમાં મોટો સુધારો કરવાનો પ્રયાસ છે.
આંતરરાષ્ટ્રીય સંકલન પર ભાર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે લોકલ પર નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ત્યારે એટલો જ ભાર આંતરરાષ્ટ્રીય સંકલન પર મૂકવામાં આવ્યો છે. ટોચની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં કેમ્પસ ખોલવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એનાથી ભારતીય યુવા પેઢીને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ અને તકોનો પરિચય થશે તથા તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સજ્જ થવામાં મદદ મળશે. આ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થશે, જે છેવટે ભારતને આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર બનાવશે.
આજે સવારે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ (એચઆરડી)મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ નવી દિલ્હીમાં સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન (સોફ્ટવેર) – 2020ની ચોથી એડિશનનાં ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય એચઆરડી મંત્રી શ્રી સંજય ધોત્રે, ઉચ્ચ શિક્ષણના સચિવ શ્રી અમિત ખરે, એઆઇસીટીઇના ચેરમેન પ્રોફેસર અનિલ સહસ્ત્રબુદ્ધે, ચીફ ઇનોવેશન ઓફિસર ડો. અભય જેરે ઉપસ્થિત રહ્યાં હતાં. હૈકાથોનનું આયોજન ભારત સરકાર એચઆરડી મંત્રાલયે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ), પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને i4cએ કર્યું છે.
એચઆરડી મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું કે, આ વર્ષની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 4.5 લાખથી વધારે વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા દેશમાં ડિજિટલ અસમાનતા દૂર કરવાનું અને ડિજિટલ સાક્ષરતાને વધારે પ્રોત્સાહન આપવાનું સ્વપ્ન સેવ્યું છે, જેથી વિસ્તૃત જન આંદોલનનો વિકાસ થશે અને ભારતમાં દરેકની પહોંચમાં વહીવટ આવશે. અમે હાલ કોવિડ-19 રોગચાળામાં ડિજિટલ ઇન્ડિયા પહેલોનો લાભ જોઈ રહ્યાં છીએ.
શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, આ હૈકાથોન વિશ્વનું સૌથી મોટું ઓપન ઇનોવેશન મોડલ છે, જેમાં 4.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ, 2000થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ, 1000થી વધારે માર્ગદર્શકો, 1500થી વધારે મૂલ્યાંકનકર્તાઓ, 70થી વધારે સમસ્યાઓનું સમાધાન કરતી સંસ્થાઓ સંકળાયેલી છે, જેમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારનાં વિભાગો અને ખાનગી ઉદ્યોગો સામેલ છે, જેથી ખરાં અર્થમાં સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ ધરાવે છે. આ પ્રકારનું મોડલ દુનિયામાં કોઈ દેશમાં અસ્તિત્વ ધરાવતું નથી, જ્યાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગીઓ થશે.
શ્રી પોખરિયાલે આત્મનિર્ભર ભારત માટે ઇનોવેશનની સંસ્કૃતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એસઆઇએચના સહભાગીઓએ ઊભા કરેલા સોલ્યુશન અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીના આશય “વોકલ ફોર લોકલ”ને મજબૂત થશે. મંત્રીએ જાણકારી આપી હતી કે, ચાલુ વર્ષે અમે કેન્દ્ર સરકારનાં 37 વિભાગો, 13 રાજ્ય સરકારો અને 20 ઉદ્યોગો પાસેથી 243 સમસ્યાઓનું સમાધાન કરવા 10,000થી વધારે સહભાગીઓ ધરાવીશું. દરેક સમસ્યાનું સમાધાન વિદ્યાર્થીની ઇનોવેશન થીમ સિવાય રૂ. 1,00,000ની પ્રાઇઝ મની ધરાવે છે, જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા ઇનામ તરીકે અનુક્રમે રૂ. 1,00,000, રૂ. 75,000 અને રૂ. 50,000 હશે.
આ પ્રસંગે શ્રી ધોત્રેએ કહ્યું હતું કે, આપણે આપણા રોજિંદા જીવનમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ. એટલે પ્રોડક્ટ ઇનોવેશન અને સમસ્યાનું સમાધાન કરવાની માનસિકતા વસ્તીવિષય લાભ, યુવાનોના વિચારો અને ઉત્સાહનો ઉપયોગ કરશે એટલે આખું વર્ષ સંસ્થાગત ધોરણે આ પ્રકારની વિવિધ એક્ટિવિટી હાથ ધરવાની જરૂર છે. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, સંસ્થાઓએ સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂર પડશે, જેથી વિદ્યાર્થી એમના રસ મુજબ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી શકે છે. વિદ્યાર્થીઓને અટલ ટિન્કરિંગ લેબ્સ દ્વારા શાળા સ્તરે તેમની અંદર રહેલી ક્ષમતાઓ વિકસાવવા પ્રોત્સાહન મળશે. અટલ ટિન્કરિંગ લેબ્સમાં વિચારો કે, વિકસાવવામાં આવેલા મોડલને એસઆઇએચમાં વધુ આગળ વધારી શકાશે. અન્ય પ્રસિદ્ધ ડ્રગ ડિસ્કવરી હૈકાથોન આ પ્રકારના રોગચાળા સામે લડવામાં મદદરૂપ થવા નવી દવાઓ શોધવાની રીત છે.
ઉચ્ચ શિક્ષણના સચિવ શ્રી અમિત ખરેએ જણાવ્યું હતું કે, સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન 2020ની સોફ્ટવેર એડિશન ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાઈ છે. શિક્ષણ વ્યવસ્થા અભ્યાસના ઓનલાઇન પ્લેટફોર્મ્સ અપનાવીને પરિવર્તિત થઈ રહી છે. સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનને મોટી સફળતા પ્રાપ્ત થયા પછી બે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય હૈકાથોન એટલે કે ઇન્ડિયા-પોર્ટુગલ હૈકાથોન અને ઇન્ડિયા-ASEAN હૈકાથોન યોજાઈ છે, જે ખરાં અર્થમાં લોકલ ટૂ ગ્લોબલનો સંકેત છે.
તેમણે જણાવ્યું હતું કે, એસઆઇએચ વિકાસલક્ષી પ્રક્રિયામાં સંપૂર્ણપણે સહભાગી થવા જરૂરી જાણકારી, કુશળતા અને આત્મવિશ્વાસ સાથે યુવા પેઢીને સક્ષમ બનાવવા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ માધ્યમ પૈકીનું એક માધ્યમ છે. નવી શિક્ષણ નીતિ ઇનોવેશનની જરૂરિયાત અને એના અમીલકરણ પર ભાર પણ મૂકે છે. ઉપરાંત એસઆઇએચ સરકારી ખાનગી ભાગીદારીનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનું એક ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં ઇનોવેશનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા આતુર છીએ. લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ અમારા વિદ્યાર્થીઓએ “આઇડિયેથોન” અને “સમાધાન” વર્ચ્યુઅલ હૈકાથોનમાં સહભાગી થયા છે, જેણે ચાલુ વર્ષની એસઆઇએચ સોફ્ટવેર એડિશનનું વર્ચ્યુઅલી આયોજન કરવાનો પાયો નાંખ્યો છે.
એઆઇસીટીઈના ચેરમેન પ્રોફેસર અનિલ સહસ્રબુદ્ધેએ કહ્યું હતું કે, એનઇપી ભારતના સમૃદ્ધ પ્રાચીન વારસાને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)માં સોશિયલ રિસર્ચ ઇન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં સંશોધનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણ સંશોધન અને ઇનોવેશનનું કલ્ચર ધરાવવાની સારી નિશાની છે.
ડો. અભય જેરેએ કહ્યું હતું કે, આ હૈકાથોનથી દેશમાં હૈકાથોન કલ્ચર શરૂ થયું છે અને હવે નાનાં શહેરો અને નગરપાલિકીઓ પણ તેમનો વહીવટ સુધારવા નવીન વિચારો મેળવવા અને યુવા પેઢીઓને જોડવા હૈકાથોનનું આયોજન કરે છે.
અત્યાર સુધી સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનની આશરે 331 પ્રોટોટાઇપ વિકસી છે, 71 સ્ટાર્ટઅપ્સ બની રહી છે, 19 સ્ટાર્ટઅપ્સે સફળતાપૂર્વક નોંધણી કરાવી છે. ઉપરાંત વિવિધ વિભાગોમાં 39 સોલ્યુશન્સ કાર્યરત થયા છે અને આશરે 64 સંભવિત સોલ્યુશનોને વધુ વિકાસ માટે ફંડ પૂરું પાડવામાં આવે છે. એસઆઇએચથી સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનું કલ્ચર વિકસાવવામાં મદદ મળી છે.
SD/GP/BT
(Release ID: 1642993)
Visitor Counter : 318