સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.25% નોંધાયો


કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ, સાજા થયેલા દર્દીની સંખ્યા આજે 9.5 લાખનો આંકડો વટાવી ગઇ

ગઇકાલે 35,000થી વધુ દર્દી સાજા થયા હોવાનું નોંધાયું

Posted On: 28 JUL 2020 3:01PM by PIB Ahmedabad

ભારતમાં કોવિડના કારણે દર્દીઓના મૃત્યુદર (CFR)માં પ્રગતિપૂર્વક ઘટાડો નોંધાઇ રહ્યો છે અને આજે મૃત્યુદર ઘટીને 2.25% નોંધાયો હતો. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની આગેકૂચ સતત જળવાઇ રહી છે. ઘરે-ઘરે સર્વે, સઘન પરીક્ષણ અને સંભાળના અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના અમલીકરણના પરિણામે મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાયો છે તેમજ લક્ષણો ના ધરાવતા હોય તેવા દર્દીઓને હોમ આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવતા હોવાથી હોસ્પિટલોમાં વધારાનું ભારણ ના થાય તે પણ સુનિશ્ચિત થઇ શક્યું છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો ગંભીર કેસોના અસરકારક તબીબી વ્યવસ્થાપન પર અને ફિલ્ડ આરોગ્ય સંભાળ કર્મચારીઓની મદદ લઇને અતિ જોખમ ધરાવતા લોકોને સારવારમાં પ્રાથમિકતા આપીને મૃત્યુદર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના આ પ્રયાસોના કારણે ભારતમાં CFRમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. CFR જૂનના મધ્ય સમયમાં લગભગ 3.33%ની આસપાસ નોંધાયો હતો, જે આજે ઘટીને 2.25% સુધી પહોંચી ગયો છે.

ત્રિ-સ્તરીય હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિની સાથે-સાથે ત્વરીત અને અવિરતપણે દર્દીઓના વ્યવસ્થાપનના કારણે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સતત વધારો જાળવી રાખવામાં સફળતા મળી છે. ભારતમાં સળંગ પાંચમા દિવસે દૈનિક 30,000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. કેન્દ્ર સરકાર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વહેલા નિદાન અને આઇસોલેશન ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિષ્ણાતોની ટીમો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને વધુ કેસો ધરાવતા ક્ષેત્રોમાં સમયાંતરે કેન્દ્રની ટીમો દ્વારા મુલાકાતના પરિણામે, દેશમાં કોવિડમાંથી દર્દીઓ સાજા થવાનો દર સતત વધુ નોંધાઇ રહ્યો છે.

મધ્ય જૂનના સમયમાં સાજા થવાનો દર 53%ની આસપાસ નોંધાતો હતો, જેમાં હવે ઝડપી ઉછાળો થયો છે અને આજે સાજા થવાના દરમાં 64% કરતાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડમાંથી 35,176 દર્દી સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીનો આંકડો વધીને 9,52,743 થઇ ગયો છે.

સાજા થનારા દર્દીઓની દૈનિક સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાથી, હાલમાં સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 4,55,755 વધારે છે. વર્તમાન સ્થિતિ અનુસાર, સક્રિય કેસનું કુલ ભારણ 4,96,988 છે અને તમામ દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT



(Release ID: 1641815) Visitor Counter : 276