સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આયુષ્યમાન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)એ કોવિડના સમયમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો


માત્ર એક અઠવાડિયામાં 43,000થી વધુ કેન્દ્રોમાં કુલ 44 લાખથી વધુ લોકો આવ્યા

Posted On: 27 JUL 2020 4:45PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી દરમિયાન, ખાસ કરીને ગ્રામીણ પ્રદેશો સહિત સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય તંત્ર માટે ભારતની દૃઢતા સ્પષ્ટ જોવા મળી હતી અને આ સમય દરમિયાન આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)એ તેમનું પરિચાલન સતત ચાલુ રાખીને બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું યથાવત રાખ્યું હતું અને કોવિડ-19ના નિરાકરણ અને નિયંત્રણ માટે તાકીદના કાર્યો પાર પાડવામાં પણ મોટી મદદ કરી હતી.

મહામારીના સમય (જાન્યુઆરીથી જુલાઇ 2020) દરમિયાન વધારાના 13,657 HWCને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે, જેથી સંખ્યાબંધ આરોગ્ય સંભાળ સેવાઓ વિશાળ જનસમુદાય સુધી ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત થઇ શકે. 24 જુલાઇ, 2020ની સ્થિતિ અનુસાર, દેશના અલગ-અલગ ભાગોમાં હાલમાં 43,022 HWC કાર્યાન્વિત છે.

18 જુલાઇથી 24 જુલાઇ સુધીના માત્ર એક જ અઠવાડિયાના સમયમાં AB-HWC દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્ય અને સુખાકારી સેવાઓનો 44.26 લાખ લોકોએ લાભ લીધો હતો. HWCનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી (એટલે કે, 14 એપ્રિલ 2018) આજદિન સુધીમાં આ કેન્દ્રોની મુલાકાત લેનારાઓની સંખ્યા વધીને 1923.93 લાખ સુધી પહોંચી ગઇ છે. HWC દ્વારા તેમના સમુદાયોમાં કરવામાં આવતી પાયાની કામગીરીનો આ પુરાવો છે. તેમણે બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ ક્યાંય પણ અટક્યા વગર સતત ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે.

ગત અઠવાડિયે સમગ્ર ભારતમાં AB-HWCમાં 32,000 યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. 14.24 લાખ યોગ સત્રોનું આયોજન જ્યારથી AB-HWCનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં કરવામાં આવ્યું છે.

આ તમામ કામગીરીઓ ઉપરાંત, HWC દ્વારા બિન-ચેપી રોગો માટે સામુહિક સ્ક્રિનિંગ (તપાસ)માં પણ ઘણી મોટી ભૂમિકા નિભાવવામાં આવી રહી છે. ગત અઠવાડિયે, 3.83 લાખ લોકોનું હાઇપરટેન્શન માટે, 3.14 લાખ લોકોનું ડાયાબિટિસ માટે, 1.15 લાખ લોકોનું મોંના કેન્સર માટે, 45,000 લોકોનું સ્તન કેન્સર માટે અને 36,000 લોકોનું ગર્ભાશયના મુખના કેન્સર માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. HWCનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં કુલ 4.72 કરોડ લોકોનું હાઇપરટેન્શન માટે, 3.14 કરોડ લોકોનું ડાયાબિટિસ માટે, 2.43 કરોડ લોકોનું મોનાં કેન્સર માટે, 1.37 કરોડ લોકોનું સ્તન કેન્સર માટે અને 91.32 લાખ લોકોનું ગર્ભાશયના મુખના કેન્સર માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.

મહામારીના સમયમાં AB-HWCની કામગીરી ખૂબ જ ઉપયોગી નીવડી હતી કારણ કે, તેમના દ્વારા બિન-ચેપી રોગો માટે વસ્તી આધારિત સ્ક્રિનિંગ કરીને રાજ્યોના આરોગ્ય સત્તામંડળોને ગંભીર બીમારી તેમજ કોવિડનો ચેપ લાગવા માટે વધુ સંવેદનશીલ લોકો, સહ-બીમારી ધરાવતા લોકોની યાદી આપવામાં આવતી હોવાથી કોવિડ-19 સામે આવા લોકોને પ્રાથમિકતાના ધોરણે સુરક્ષિત કરવામાં મદદ મળી છે. સહ-બીમારી ધરાવતા લોકોની ઝડપથી તપાસ કરવાની તેમની ક્ષમતા અને ચેપ સામે સુરક્ષિત રહેવા માટે આપવામાં આવતી સલાહના કારણે લોકોનો વિશ્વાસ જીતવામાં પણ તેમની કામગીરી મુખ્ય આધારરૂપ પુરવાર થઇ હતી. HWCની ટીમો દ્વારા ઇમ્યુનાઇઝેશન સત્રોનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ગર્ભવતી મહિલાઓની તબીબી તપાસ તેમજ ટીબી, રક્તપિત, હાઇપરટેન્શન અને ડાયાબિટિસના દર્દીઓને આવશ્યક દવાઓ આપવાની કામગીરી કરવામાં આવે છે.

 

SD/GP/BT



(Release ID: 1641543) Visitor Counter : 335