PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
25 JUL 2020 6:48PM by PIB Ahmedabad
 
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 25.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતમાં માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક 4.2 લાખથી વધુ કોવિડના પરીક્ષણો થયા; આજદિન સુધીમાં દેશમાં કુલ 1.6 કરોડ પરીક્ષણો થયા; દર્દીઓનો મૃત્યુદર તીવ્ર ઘટાડા સાથે 2.35% નોંધાયો
દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે. પરીક્ષણની સંખ્યામાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે. આ સિદ્ધિમાં યોગદાન આપનારું પ્રબળ પાસું દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સુવિધામાં એકધારી થઇ રહેલી વૃદ્ધિ છે. જાન્યુઆરી 2020માં કોવિડના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી તેની સરખામણીએ હાલમાં 1301 લેબોરેટરીઓ કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે. આજે કોવિડના કારણે દર્દીઓનો મૃત્યુદર ઘટીને 2.35% નોંધાયો હતો. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 32,223 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 8,49,431 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 63.54% નોંધાયો છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત પણ વધીને 3,93,360 થઇ ગયો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641166
કેબિનેટ સચિવે કેસોનું સૌથી વધુ ભારણ ધરાવતા નવ રાજ્યોમાં કોવિડ-19ના વ્યવસ્થાપનની સમીક્ષા કરી
કેન્દ્ર સરકાર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સાથે મળીને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તબક્કાવાર, પૂર્વ-સક્રિય અને પ્રગતિપૂર્ણ તેમજ સારી રીતે સંકલિત પ્રયાસોના પરિણામે, કોવિડના કારણે મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે, હજુ પણ કેટલાક એવા રાજ્યો છે જ્યાં તાજેતરના સમયમાં દૈનિક સક્રિય કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને આ સ્થિતિ કોવિડ વ્યવસ્થાપનના દૃશ્ટિકોણથી ચિંતાનો વિષય બની રહી છે. કોવિડ-19 મહામારીના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને સરકાર દ્વારા સંકલિત વ્યૂહનીતિના ભાગરૂપે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં દેશમાં વર્તમાન સમયમાં જ્યાં સૌથી વધુ સક્રિય કેસોનું ભારણ જોવા મળી રહ્યું છે તેવા નવ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેનારા નવ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ છે. રાજ્યોના ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે, ચેપગ્રસ્ત કેસોના વહેલા નિદાન અને સમયસર દર્દીઓના તબીબી વ્યવસ્થાપનની કામગીરી કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય પરિબળ છે. રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, કન્ટેઇન્મેન્ટ પ્લાનનું ચુસ્ત પાલન કરવામાં આવે, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવે અને ચેપગ્રસ્ત દર્દીઓનું અસરકારક તબીબી વ્યવસ્થાપન થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641039
નાણામંત્રીએ આવકવેરા વિભાગ દ્વારા લોકોને આપવામાં આવતા પ્રતિભાવના અભિગમની પ્રશંસા કરી
160માં આવકવેરા દિવસ નિમિત્તે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી નિર્મલા સીતારમણે આવકવેરા વિભાગ દ્વારા કરવેરા વહીવટીતંત્રને કરદાતાઓને અનુકૂળ, પારદર્શક બનાવવા બદલ અને સ્વૈચ્છિક રીતે લોકો અનુપાલન કરે તેવી સુવિધા ઉભી કરવા માટે સતત પ્રયાસો કરવા બદલ આ વિભાગની પ્રશંસા કરી હતી. તાજેતરના વર્ષોમાં માત્ર મહેસૂલ એકત્ર કરનારા એક સંગઠનમાંથી લોક કેન્દ્રિત સંગઠનમાં રૂપાંતરિત થવા માટે આ વિભાગે કરેલા આમૂલ પરિવર્તનોની તેમણે નોંધ લીધી હતી. નાણાં મંત્રીએ મહામારીના સમયમાં કરદાતાઓના જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવ આપીને તેમને વિવિધ અનુપાલનોની આવશ્યકતાઓમાં રાહત આપવા બદલ તેમજ કરદાતાઓની પ્રવાહિતીની ચિંતાનો ઉકેલ લાવવા બદલ પણ આ વિભાગની પ્રશંસા કરી હતી.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640966
મુક્ત વ્યાપાર કરાર માટે સહિયારી પ્રતિબદ્ધતા માટે ભારત – યુકેએ એકબીજાને ખાતરી આપી
ભારત અને યુકે વચ્ચે ગઇકાલે સંયુક્ત આર્થિક અને વ્યાપાર સમિતિની 14મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલ અને યુકેના આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ મહામહિમ સુશ્રી એલિઝાબેથ ટ્રૂસની સહ અધ્યક્ષતામાં યોજાઇ હતી. મુક્ત વ્યાપાર કરાર માટે સહિયારી પ્રતિબદ્ધતા બાબતે બંનેએ એકબીજાને ખાતરી આપી હતી અને તે દિશામાં તબક્કાવાર રીતે વહેલી તકે હાર્વેસ્ટ ડીલ્સ કરવાની ખાતરી આપી હતી. રાજ્યમંત્રી પૂરી અને મંત્રી જયવર્દેના બંને દેશો વચ્ચે વાર્તાલાપ વધુ સઘન બનાવવા માટે માસિક બેઠકનું આયોજન કરશે. બંને પક્ષે ખાસ કરીને વર્તમાન કોવિડ-19 મહામારીને અનુલક્ષીને આરોગ્ય ક્ષેત્રમાં સહકાર આપવા માટે મક્કમતા દાખવી હતી.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641126
કોવિડ-19 માટે ઝડપી નિયમનકારી માળખું તૈયાર કરવામાં આવ્યું
કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય સંભાળ પડકારોનો સામનો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા નિદાન, ઉપચાર, દવાઓ અને રસી તૈયાર કરવા માટે સક્રિયતાપૂર્વક કામગીરી શરૂ કરવામાં આવી છે. DBTએ સંશોધન કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપોને ઝડપથી આગળ વધારવાની સુવિધા પૂરી પાડવા માટે પણ કેટલાક પગલાં લીધા છે. કોવિડ-19નો સામનો કરવા માટે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને સુવિધા પૂરી પાડવા માટે ટોચના પ્રયાસોના ભાગરૂપે, DBTએ નીચે આપવામાં આવેલી સૂચનાઓના રૂપમાં ઝડપી પ્રતિક્રિયા નિયમનકારી માળખું તૈયાર કર્યું છે.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢઃ ચંદીગઢના પ્રશાસકે પોલીસ, મહેસૂલ અને મહાનગર પાલિકાના અધિકારીઓને બજાર, બગીચા અને સુખના તળાવ વગેરે જેવા જાહેર સ્થળો પર લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન અને માસ્ક પહેરી રહ્યાં છે કે નહીં તેની તપાસ કરવા વધારે પ્રમાણમાં નિરીક્ષણ હાથ ધરવા નિર્દેશ આપ્યાં છે. પ્રશાસકે વધુમાં કમિશનર, મહાનગર પાલિકા અને નાયબ કમિશનરને વિવિધ બજારોમાં ઓચિંતી મુલાકાત લઇને નિયમોના પાલન સંબંધી તપાસ હાથ ધરવા નિર્દેશો આપ્યાં છે. પ્રશાસકે ચેતવણી આપી હતી કે, જો કોઇ બજારમાં, કોઇ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળશે તો, રહેવાસીઓની સલામતી માટે તે બજારને બંધ કરવામાં આવશે.
- પંજાબઃ પંજાબ સરકારે 10 જિલ્લાઓમાં 7,520 પથારીઓની કુલ ક્ષમતા સાથે નવા સ્તર-1 કોવિડ સંભાળ કેન્દ્રો (CCC)ની કામગીરી શરૂ કરીને 60 વર્ષથી ઓછી ઉંમરના હળવા લક્ષણો ધરાવતા કેસો માટે તેની કોવિડ સંભાળ ક્ષમતામાં વધારો કર્યો છે. બાકી રહેલા 12 જિલ્લાઓમાં ટૂંક જ સમયમાં 100 પથારીઓ ધરાવતા આજ પ્રકારના કેન્દ્રો ખોલવામાં આવશે. આ કેન્દ્રો પૂરતી સ્વચ્છતા અને સુરક્ષા સુવિધાઓ સાથે પથારીઓની સુવિધા સાથે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, તેની ઉપર ડૉક્ટર, નર્સ, અર્ધતબીબી કર્મચારીઓ, હોસ્પિટલ સંચાલકો અને કાઉન્સેલર દ્વારા 24 કલાક દેખરેખ રાખવા આવી રહી છે. આ તમામ કેન્દ્રો ઓક્સીજન, ECG, તબીબી પૂરવઠા વગેરે જેવી તમામ જરૂરી આપાતકાલીન સેવાઓ ધરાવે છે.
- હરિયાણાઃ હરિયાણાના ગૃહ અને આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજે રોહતકમાં આવેલી પંડિત ભાગવત દયાળ શર્મા અનુસ્નાતક તબીબી વિજ્ઞાન સંસ્થા (PGIMS) ખાતે પ્લાઝમા બેન્કનું ડિજિટલ ઉદઘાટન કર્યું હતું. આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી કે રોહતકમાં PGIMSના પરિસરોની અંદર આ પ્લાઝમા બેન્કની સ્થાપના બાદ, રાજ્ય સરકાર રાજ્યમાં વધુ પ્લાઝમા બેન્ક ખોલવાનું પણ આયોજન કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થઇ ગયેલા લોકોએ પ્લાઝમાનું દાન કરવું જોઇએ જેથી અન્ય દર્દીઓની સારવાર આસાનીથી કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 સંક્રમણમાંથી સાજો થયેલો કોઇપણ વ્યક્તિ 14 દિવસ બાદ તેના પ્લાઝમાનું દાન કરી શકે છે. અત્યાર સુધી હરિયાણામાં આશરે 28,000 લોકોના કોવિડ-19 પરીક્ષણો પોઝિટીવ આવ્યાં છે, જેમાંથી 21,000 લોકો સાજા થઇ ચૂક્યાં છે. આવા લોકો હવે તેમના પ્લાઝમાનું દાન કરી શકે છે. તેમણે દાન કરેલા પ્લાઝમાથી ઓછામાં ઓછી બે દર્દીઓની સારવાર થઇ શકે છે.
- હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ નિર્દેશો આપ્યા છે કે, કોવિડ-19 સંભાળ કેન્દ્રોમાં દાખલ થયેલા કોરોના વાયરસના દર્દીઓની તબીબી તપાસ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે અને તેમને સમતોલ આહાર પૂરો પાડવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઇન પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવું જોઇએ. તે ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત એકમોના સંચાલકોની જવાબદારી છે કે ક્વૉરેન્ટાઇન પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂકેલા શ્રમિકોને જ કામ પર રાખવામાં આવે.
- મધ્યપ્રદેશઃ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તે પોતે ક્વૉરેન્ટાઇન થશે અને સરકારી દિશા-નિર્દેશો અનુસાર સારવાર પ્રાપ્ત કરશે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવવા અને પોતાને ક્વૉરેન્ટાઇન કરવાની અપીલ કરી છે. મધ્યપ્રદેશમાં 736 નવા પોઝિટીવ કેસો નોંધાતા કુલ સંખ્યા 26,210 પર પહોંચી ગઇ છે, જેમાંથી 7,553 કેસો સક્રિય છે.
- મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું હતું કે, તેઓ માત્ર આર્થિક સમસ્યાઓના સમાધાન માટે રાજ્યમાં કોવિડના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનને સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નથી. તેમણે જણાવ્યું હતું કે, મહામારીના કારણે સર્જાયેલા પડકારને ધ્યાનમાં રાખતા આરોગ્ય અને અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ વચ્ચે સમતોલન જાળવવાની જરૂર છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9,615 નવા કેસો નોંધાતા મહારાષ્ટ્રમાં કુલ કેસોનો આંકડો 3.57 લાખ ઉપર પહોંચી ગયો છે. આ કેસોમાંથી 1.43 લાખ કેસો સક્રિય છે. નાગપુર શનિવાર અને રવિવારે બે દિવસના જનતા કર્ફ્યૂનું પાલન કરશે.
- ગુજરાતઃ શુક્રવારે ગુજરાતમાં કોવિડ-19ના નવા 1,068 કેસો નોંધાયા હતા અને 26 લોકોના મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,283 પર પહોંચી ગઇ છે, જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 53,631 થઇ ગઇ છે. અત્યારે 12,518 કેસો સક્રિય છે, જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટરની સહાયથી સારવાર મેળવી રહ્યાં છે.
- રાજસ્થાનઃ આજે સવારે 557 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 34,735 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યારે 9,029 કેસો સક્રિય છે ત્યારે કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 24,657 છે અને મૃત્યુઆંક 608 પર પહોંચ્યો છે.
- છત્તીસગઢઃ શુક્રવારે છત્તીસગઢમાં વિક્રમજનક 426 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે. માત્ર રાયપુરમાં જ 164 નવા કેસો નોંધાયા હતા, ત્યારબાદ રાજનંદગાંવમાંથી 28 કેસો અને દુર્ગમાંથી 19 કેસો સામે આવ્યા હતા. હવે રાજ્યમાં કોવિડ-19ની કુલ સંખ્યા 6,819 પર છે, જ્યારે કુલ સક્રિય કેસોની સંખ્યા 2,216 છે.
- ગોવાઃ શુક્રવારે 190 નવા પોઝિટીવ કેસો મળી આવ્યા હતા. તેના પરિણામે રાજ્યની કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 4,540 પર પહોંચી ગઇ છે. જોકે, શુક્રવારે 210 લોકો સાજા થતા, કુલ સક્રિય કેસોની સંખ્યા 1,675 છે.
- અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશના કુરુમકુમે જિલ્લામાં નાયબ કમિશનરે પગથી સંચાલિત સેનિટાઇઝર મશીનનું વિતરણ કર્યુ હતું, જેને કોવિડ-19ના સંક્રમણને નિયંત્રિત કરવા જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. અરૂણાચલ પ્રદેશ સરકારે સૈન્ય અને અર્ધલશ્કરી દળોની તબીબી ટીમોને રેપિડ એન્ટિજેન/ RT-PCR અને ટ્રૂ-નેટ ટેસ્ટિંગ હાથ ધરવા માટે તાલીમ આપવાની તૈયારી દર્શાવી છે.
- મણિપુરઃ મણિપુરમાં થૌબાલ જિલ્લામાં કોઇ પ્રવાસ ઇતિહાસ ન ધરાવતા કેસો ધ્યાન ઉપર આવતાં આરોગ્ય સત્તાધિકારીઓએ કોવિડ-19 પોઝિટીવ દર્દીના નજીકથી સંપર્કમાં આવેલા શંકાસ્પદ કેસોના પરીક્ષણ માટે ઘરે-ઘરે રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ હાથ ધર્યુ છે.
- નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં દીમાપુર જિલ્લા પ્રશાસને કોવિડ-19નો ફેલાવો રોકવા માટે NST દીમાપુરના જનરલ મેનેજરની કચેરી સિલ કરવા માટે આદેશો આપ્યા છે અને રેલવે પાર્સલ સેક્સન ઓફિસ, રેલવે યુનિયન કર્મચારી કોલોની અને જનરલ રેલવે પોલીસ DS ફ્લેટ સિલ કરવા પણ આદેશો આપ્યાં છે.
- સિક્કિમઃ સિક્કિમમાં નવા ગંગટોકમાં નવી STNM હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં એક ડૉક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. એક અઠવાડિયા માટે ઇમરજન્સી વોર્ડને બંધ રાખવામાં આવશે અને ત્યાં સુધી મણિપાલ સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલ ઇમરજન્સી આરોગ્ય સેવાના કેસો સંભાળશે.
- કેરળઃ કેરળમાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓ કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે. આ મૃત્યુ ઇર્નાકુલમ, કન્નૂર, પલક્કડ અને વાયાનાડમાં નોંધાયા હતાં. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 58 પર પહોંચી ગઇ છે. કાઝિકોડમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી, સત્તાવાળાઓએ ધારણા કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયાઓમાં જિલ્લામાં 4,000 જેટલા દર્દીઓ નોંધાઇ શકે છે. પલક્કડ જિલ્લાના એક પરીક્ષા કેન્દ્ર ખાતે કેરળ એન્જિનિયરિંગ, કૃષિ અને તબીબી પ્રવેશ પરીક્ષા (KEAM)માં એક નિરીક્ષકનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં આ પરીક્ષામાં ઉપસ્થિત થનારા ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 885 નવા સક્રિય કેસોની પુષ્ટી થઇ હતી. 9,371 લોકો સારવાર લઇ રહ્યાં છે અને સમગ્ર રાજ્યમાં 1.56 લાખ લોકો ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના નવા 139 કેસ નોંધાયા છે; આથી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 2654 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 2055 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે 38 વ્યક્તિઓ મૃત્યુ પામી છે. ધારાસભ્યોના કોવિડ-19ના ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી પુડુચેરી વિધાનસભાનું સત્ર ખુલ્લી જગ્યામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકાર સામે DMKના વડા સ્ટાલિને લગાવેલા કથિત આક્ષેપોના જવાબમાં રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા WHOના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને આજદિન સુધી કોવિડના કારણે મૃત્યુ પામનારાઓનો કોઇ આંકડો છુપાવવામાં આવ્યો નથી. તામિલનાડુમાં ગઇકાલે કોવિડ-19ના નવા 6785 કેસ પોઝિટીવ મળી આવ્યા હતા અને વધુ 88 દર્દીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા હતા. ચેન્નઇમાં 1110 કેસ નવા નોંધાયા છે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 1,99,749; સક્રિય કેસ: 53,132; મૃત્યુ પામ્યા: 3320; ચેન્નઇમાં સક્રિય કેસ: 13,743.
- કર્ણાટક: કેન્દ્ર સરકારે કર્ણાટક તેમજ અન્ય આઠ રાજ્યોને પરીક્ષણોની સંખ્યા વધારવાની સલાહ આપી છે. પરીક્ષણ માટે સ્ટાફની અછતને પહોંચી વળવા માટે તબીબી શિક્ષણ મંત્રી ડૉ. સુધાકરે અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે કોવિડની ફરજો માટે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવે. સીધી ભરતી ઉપરાંત, લેબ ટેકનિશિયન કોર્સમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ, RGUHSના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને કોવિડ માટે ફરજ પર નિયુક્ત કરતા પહેલાં તેમને યોગ્ય તાલીમ પૂરી પાડવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 5007 કેસ નોંધાયા હતા જ્યારે 2037 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 110 દર્દી મૃત્યુ પામ્યા હતા; બેંગલોર શહેરમાં 2267 નવા કેસ નોંધાયા હતા. કુલ નોંધાયેલા કેસ: 85,870; સક્રિય કેસ: 52,791; મૃત્યુ પામ્યા: 1724.
- આંધ્રપ્રદેશ: ઇલુરુ CRR કોવિડ સંભાળ કેન્દ્રમાંથી 25 જુલાઇના રોજ વ્યસ્ત કલાકો દરમિયાન કોવિડ-19થી અસરગ્રસ્ત બે કેદીઓ નાસી છુટ્યા છે. એવું કહેવામાં આવે છે કે, પશ્ચિમ ગોદાવરી જેલમાંથી કોવિડ-19 વાયરસથી ચેપગ્રસ્ત થયેલા 13 દર્દીઓને ઇલુરુ કોવિડ સંભાળ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આનો લાભ ઉઠાવીને, બે કેદીઓ આ કેન્દ્રમાંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. કુર્નૂલ રાજ્ય કોવિડ હોસ્પિટલે સફળતાપૂર્વક કોવિડ પોઝિટીવ દર્દીમાં પ્લાઝ્મા પદ્ધતિથી સારવાર કરી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ ઉપચાર અત્યાર સુધીમાં પાંચ દર્દીને આપવામાં આવ્યો છે જેમાંથી ચાર દર્દી સાજા થઇ ગયા છે. ઇન્ટરમીડિયેટ શિક્ષણ રાજ્ય બોર્ડે માતા-પિતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો પાસેથી શાળાઓ ફરી ખોલવા અંગે અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાં ગઇકાલે કોવિડથી ચેપગ્રસ્ત વધુ 8147 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતા જ્યારે 49 દર્દીઓ આ ઘાતક વાયરસથી મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા કેસ: 80,858; સક્રીય કેસ: 39,990; મૃત્યુ પામ્યા: 933.
- તેલંગાણા: આઇટી અને ઉદ્યોગમંત્રી કે.ટી. રામા રાવે જણાવ્યું હતું કે, તેલંગાણાની બહાર આવેલા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો રેમડેસિવીર અને ફેવીપિરાવીર સહિત જીવનરક્ષક દવાઓ પૂરા પાડી રહ્યા હોવાથી કોવિડ-19ના કેસોને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. ગઇકાલે રાજ્યમાં કોવિડના નવા 1640 કેસ નોંધાયા હતા જ્યારે 1007 દર્દી સાજા થઇ ગયા હતા અને 08 દર્દી મૃત્યુ પામ્યા હતા; નવા નોંધાયેલા 1640 કેસમાંથી, 683 કેસ GHMCમાંથી નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ- 52,466; સક્રિય કેસ: 11,677; મૃત્યુ પામ્યા- 455; રજા આપવામાં આવી: 40,334.

(Release ID: 1641275)
|