પ્રવાસન મંત્રાલય

પ્રવાસન મંત્રાલયે દેખો અપના દેશ સીરિઝ અંતર્ગત એના 42મા વેબિનાર “ધ મિસ્ટિકલ ટ્રાઇએંગલ – મહેશ્વર, માંડુ અને ઓમકારેશ્વર”નું આયોજન કર્યું

Posted On: 20 JUL 2020 12:56PM by PIB Ahmedabad

ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે દેખો અપના દેશ વેબિનાર સીરિઝ અંતર્ગત 18 જુલાઈ, 2020ના રોજ ધ મીસ્ટિકલ ટ્રાઇએંગલ મહેશ્વર, માંડુ એન્ડ ઓમકારેશ્વર નામના વેબિનારનું આયોજન કર્યું હતું.

ઇન્દોરના આવકવેરા વિભાગના કમિશનર શ્રીમતી આશિમા ગુપ્તા અને સિંગાપોર સ્થિત માર્કેટિંગ પ્રોફેશનલ સરિતા અલુર્કર દ્વારા પ્રસ્તુત આ વેબિનારમાં ત્રણેય આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રવાસન સ્થળોના સમૃદ્ધ વારસાની જાણકારી આપવામાં આવી હતી તથા દર્શકોને મધ્યપ્રદેશ રાજ્યના પવિત્ર અને આકર્ષક પ્રવેશદ્વાર સમાન મહેશ્વર, માંડુ અને ઓમકારેશ્વરના દર્શનીય ત્રિકોણથી વાકેફ કર્યા હતા. દેખો અપના દેશ વેબિનાર સીરિઝ એક ભારત, શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતની સમૃદ્ધ વિવિધતા પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે તેમજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એક ભારત શ્રેષ્ઠ ભારતના જુસ્સાનો સતત પ્રસાર કરે છે.

આ આધ્યાત્મિક ત્રિકોણનું પ્રથમ સ્ટોપ મહેશ્વર કે મહિષ્મતી છે, જે ઇન્દોર શહેરથી 90 કિલોમીટરના અંતરે સ્થિત ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું પવિત્ર, રળિયામણુ અને આકર્ષક સ્થાન છે. શહેરનું નામ ભગવાન શિવ કે મહેશ્વર પરથી પડ્યું છે. મહેશ્વરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા પૌરાણિક મહાકાવ્યોમાં મળે છે. પ્રસ્તુતકર્તાઓએ હોલ્કર સામ્રાજ્ય વિશે અને આ સામ્રાજ્યમાં લોકજીવન વિશે વિગતવાર જાણકારી આપી હતી. આ નગર નર્મદા નદીના ઉત્તર કિનારા પર વસેલું છે. મહારાણી રાજમાતા અહિલ્યા દેવી હોલ્કરના સમયકાળમાં માળવા સામ્રાજ્યની આ રાજધાની હતી. મહારાણીએ નગરમાં અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું અને પ્રજાહિતના કાર્યો કર્યા હતા. અહીં મહારાણીનું નિવાસસ્થાન એટલે કે રાજમહેલ, અનેક મંદિરો, કિલ્લો અને નદીકિનારા પર વિવિધ ઘાટ છે. અહિલ્યા દેવીએ 6 જાન્યુઆરી, 1818 સુધી શાસન કર્યું હતું. પછી મલ્હારરાવ હોલ્કર ત્રીજાએ સામ્રાજ્યની આ રાજધાની ખસેડીને ઇન્દોર લઈ ગયા હતા. અઢારમી સદીના અંતે મહેશ્વર મહાન મરાઠા મહારાણી રાજમાતા અહિલ્યા દેવી હોલ્કરની રાજધાની હતી.

મહારાણી પોતાની સાદગી માટે જાણીતા છે, જેનો પુરાવો હાલ રાજવાડા કે શાહી નિવાસસ્થાન છે, જ્યાં રાજમાતા દરરોજ પ્રજાજનોને મળતાં હતાં. આ મહેલ બે માળનો છે. પ્રવાસીઓ મહારાણી સાથે સંબંધિત ચીજવસ્તુઓ સાથે શાહી મહેલને જોઈ શકે છે અને એ જમાનાની ચીજવસ્તુઓ અને સ્થાપત્યનો અનુભવ મેળવી શકે છે.

રાજમાતા અહિલ્યા દેવી જે મંદિરમાં પૂજાઅર્ચના કરતા હતા એ અહિલ્યેશ્વર મંદિર, એની નજીક સ્થિત વિઠ્ઠલ મંદિરમાં આરતીના દર્શન અચૂક કરવા જોઈએ. આ મંદિરોનું સ્થાપત્ય બેનમૂન છે. રાજમાતાએ આશરે 91 મંદિરોનું નિર્માણ કર્યું છે.

મહેશ્વરમાં વિવિધ ઘાટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો શ્રેષ્ઠ નજારો જોવા મળે છે. વળી અહિલ્યા ઘાટ પરથી કિલ્લાનું સંકુલ પણ શ્રેષ્ઠ રીતે જોઈ શકાશે. તમે સૂર્યોસ્ત સમયે ખલાસી નર્મદા માતાની પૂજા માટે નાના દીપ પ્રકટાવે પછી હોડીમાં સવારી કરવાની મજા માણી શકો છો. અહીં સ્થિત બાણેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જે મહેશ્વરમાં અચૂક જોવા જેવું મંદિર છે, ખાસ કરીને સૂયાસ્ત સમયે. અહીં નર્મદા ઘાટ પર સૂર્યાસ્ત પછી નર્મદા મૈયાની આરતી થાય છે.

અહીનું અન્ય એક મહત્ત્વપૂર્ણ પાસું વસ્ત્ર છે, જેને અહિલ્યા દેવીએ વિકસાવ્યું હતું. રાજમાતાએ સુરત અને દક્ષિણ ભારતમાંથી કુશળ વણકરોને નગરમાં વસાવીને વિશિષ્ટ ડિઝાઇન ધરાવતી સાડીઓ વિકસાવી હતી તેમજ એ સમયે દેશભરમાં મહેશ્વરની સાડીઓની માગ હતી. આ સાડીઓની ડિઝાઇન નર્મદાના વહેતા નીર અને કિલ્લાના સ્થાપત્યથી પ્રેરિત હતી. આ સાડીઓ શાહી મહેમાનોને ભેટમાં આપવામાં આવતી હતી.

રાજમાતા અહિલ્યા દેવી હોલ્કર કળાના ઉદાર સંરક્ષક હતા. તેમને સાડીઓ પસંદ હતી અને ઇ.સ. 1760માં સુરતના પ્રસિદ્ધ વણકરોને શાહી પરિવાર માટે અમૂલ્ય અને સુંદર વસ્ત્ર સાથે એમના રાજ્યને સમૃદ્ધ કરવા બોલાવ્યા હતા. હોલ્કર રજવાડાના સંરક્ષણ હેઠળ વણકરોની કળાને પ્રોત્સાહન મળ્યું હતું અને નગર હાલના મહેશ્વરી વસ્ત્રમાં વિશેષતા ધરાવતું હતું. એક સમયે કપાસ કે કોટનનું વણાટકામ બંધ થયું હતું – 1950માં રેશમનો ઉપયોગ શરૂ થયો હતો અને ધીમે-ધીમે રેશમી વસ્ત્રો સામાન્ય થઈ ગયા છે. જોકે વર્ષ 1979માં સ્થાપિત સેવાભાવી સંસ્થા રેહવા સોસાયટીએ મહેશ્વરના વણકરો માટે મહેશ્વરી વસ્ત્રોની વણાટકળાને પુનર્જીવન આપ્યું છે. સંસ્થા વણકરો અને કારીગરોના ઉત્થાન માટે કાર્યરત છે.

ત્રિકોણમાં બીજા સ્થળ ઓમકારેશ્વરમાં 33 દેવતા અને 108 પૂજનીય શિવલિંગનો વાસ છે. આ એકમાત્ર શિવલિંગ નર્મદાના ઉત્તર કિનારા પર સ્થિત છે. ઓમકારેશ્વર મધ્યપ્રદેશનું આધ્યાત્મિક નગર છે, જે ઇન્દોરથી 78 કિલોમીટરના અંતરે સ્થિત છે. મહેશ્વર મંદિરની મુલાકાત લીધા વિના ઓમકારેશ્વર મંદિરની મુલાકાત અધૂરી ગણાય છે. એક માન્યતા મુજબ, અહીં દરરોજ રાત્રે 8.30 વાગે શયન આરતી નામની વિશેષ આરતી થાય છે. આ આરતી પૂર્ણ થયા બાદ ભગવાન શિવ અને પાર્વતી મૈયા કે દેવી માટે પાસાં રમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં દરરોજ ભગવાન શિવ અને પાર્વતી દેવી આરામ કરવા પધારે છે. અહીં સિદ્ધાંત મંદિર પણ અતિ સુંદર અને રળિયામણું મંદિર છે તથા વ્યક્તિએ આ પવિત્ર મંદિરની મુલાકાત લેવા અવશ્ય સમય ફાળવવો જોઈએ.

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત માંડુ નગર માંડવગઢ, શાદિયાબાદ (આનંદનું નગર) તરીકે પણ જાણીતું છે. આ ઇન્દોરથી આશરે 98 કિલોમીટરના અંતરે 633 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. માંડુની નજીકનું રેલવે સ્ટેશન રતલામ (124 કિમી) છે. માંડુનો કિલ્લો 47 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે અને કિલ્લાની દિવાલ 64 કિલોમીટરની છે.

માંડુ મુખ્યત્વે સુલતાન બાજ બહાદુર અને રાણી રુપમતીની પ્રેમકથા માટે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે, એકવાર બાજ બહાદુર શિકાર કરવા નીકળ્યાં હતાં. આ સમયે રુપમતી નામની ભરવાડણ એની સખીઓ સાથે પસાર થઈ હતી. રુપમતી સુંદર અને કર્ણપ્રિય અવાજમાં ગીતો ગાતી હતી. બાજ બહાદુર એને જોતા જ પ્રેમમાં પડી ગયા અને રુપમતીને રાજધાનીમાં લઈ ગયા. પણ રુપમતીએ બાજ બહાદુર સમક્ષ એક શરત મૂકી હતી કે, એ રાજધાનીમાં પવિત્ર નર્મદા નદીના કિનારે હોય એવા મહેલમાં જ રહેશે. એટલે બાજ બહાદુરે માંડુમાં રેવા કુંડનું નિર્માણ કર્યું હતું. રુપમતીની સુંદરતા અને કર્ણપ્રિય અવાજની વાતો સાંભળીને મુઘલોએ માંડુ પર આક્રમણ કરીને બાજ બહાદુર અને રુપમતીને બંદી બનાવવાનો નિર્ણય કર્યો હતો. માંડુનો પરાજય થયો હતો અને જ્યારે મુઘલોની સેનાએ કિલ્લા તરફ આગેકૂચ કરી હતી, ત્યારે રુપમતીએ બંદી બનવાને બદલે ઝેરનો પ્યાલો પી જવાનો નિર્ણય કર્યો હતો.

બાજ બહાદુરના મહેલનું નિર્માણ 16મી સદીમાં થયું હતું, જે વિશાળ હોલ અને ઊંચી અગાશીઓથી ઘેરાયેલા વિશાળ પ્રાંગણ માટે પ્રસિદ્ધ છે. આ મહેલ રુપમતીના મંડપની નીચે સ્થિત છે અને મંડપમાંથી જોઈ શકાય છે.

રેવા કુંડ

બાજ બહાદુરે રાણી રુપમતીના મંડપ માટે પાણીનો પુરવઠો પહોંચાડવા માટે એક જળાશય બંધાવ્યું હતું. આ જળાશય મંડપની નીચે સ્થિત હોવાથી સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે.

જહાજ મહલ /શિપ પેલેસ

બે કૃત્રિમ જળાશયો વચ્ચે સ્થિત આ બે માળનાં સ્થાપત્યનાં ઉત્કૃષ્ટ નમૂનાને જહાજ મહલ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ મહેલ પાણીમાં તરતા જહાજ જેવું લાગે છે. સુલ્તાન ગ્યાસુદ્દીન ખિલજીએ બનાવેલો આ જહાજ મહલ સુલતાનનો હરમ હતો.

જ્યારે કોઈ આ સર્કિટનો પ્રવાસ કરે, ત્યારે તેમણે પૌઆ, કચોરી, બાફલા જેવી સ્થાનિક વાનગીઓનો સ્વાદ લેવાનું ચૂકવું ન જોઈએ.

વેબિનારના અંતમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ રુપિન્દર બ્રારે પ્રવાસ અને અનુભવનો અમૂલ્ય આનંદના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

અત્યારે વેબિનારોના સેશન નીચેની લિન્ક પર પણ ઉપલબ્ધ છે

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured

http://tourism.gov.in/dekho-apna-desh-webinar-ministry-tourism

https://www.incredibleindia.org/content/incredible-india-v2/en/events/dekho-apna-desh.html

વેબિનાર પરના તમામ સેશન ભારત સરકારના પ્રવાસ મંત્રાલયના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે.

આગામી વેબિનાર ‘એક્સપ્લોરિંગ વિઝાગ’ 25 જુલાઈ, 2020ના રોજ સવારે 11 વાગે પ્રસારિત થશે.

 

DS/GP/BT



(Release ID: 1639934) Visitor Counter : 297