ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવાની મંજૂરી આપી – જુલાઈથી નવેમ્બર, 2020 સુધી પાંચ મહિના માટે આખા ચણાનું નિઃશુલ્ક વિતરણ થશે
Posted On:
08 JUL 2020 4:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કોવિડ-19ના આર્થિક પ્રતિસાદના ભાગરૂપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ પાંચ મહિના જુલાઈથી નવેમ્બર, 2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા, 2013 (એનએફએસએ) હેઠળ તમામ લાભાર્થી કુટુંબોને વિતરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 9.7 લાખ મેટ્રિક ટન આખા ચણાનું વિતરણ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દરેક લાભાર્થી કુટુંબને આગામી પાંચ મહિના એટલે કે જુલાઈથી નવેમ્બર, 2020 સુધી દર મહિને 1 કિલોગ્રામ ચણા નિઃશુલ્ક આપવામાં આવશે. આ યોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,849.24 કરોડ છે.
આ યોજના અંતર્ગત આશરે 19.4 કુટુંબોને આવરી લેવામાં આવ્યાં છે. પીએમજીકેએવાય લંબાવવાના તમામ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે. યોજનાને લંબાવવી એ ભારત સરકારની આગામી પાંચ મહિના દરમિયાન કોવિડથી પેદા થયેલા વિક્ષેપને કારણે ખાદ્યાન્નની અનુપલબ્ધતાને લીધે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને કોઈ પણ ગરીબ કુટુંબને ભૂખ્યા ન રહેવું પડે એવી કટિબદ્ધતાને અનુરૂપ કામગીરી છે. આખા ચણાનું નિઃશુલ્ક વિતરણ આ પાંચ મહિના દરમિયાન ઉપર ઉલ્લેખિત તમામ વ્યક્તિઓને પ્રોટિનની પર્યાપ્ત ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરશે.
આ પેકેજ માટે કઠોળનું વિતરણ એના બફર સ્ટોકની જંગી ઉપલબ્ધતામાંથી કરવામાં આવશે, જેની સ્થાપના 2015-16માં થઈ હતી. ભારત સરકાર પીએમજીકેએવાયના વધારાના ગાળા માટે વિતરણ કરવા ચણાનો પર્યાપ્ત જથ્થો ધરાવે છે.
પીએમજીકેએવાય (એપ્રિલથી જૂન, 2020 સુધી)ના પ્રથમ તબક્કામાં 4.63 લાખ મેટ્રિક ટન કઠોળનું વિતરણ થઈ ગયું છે, જેનાથી દેશમાં 18.2 કરોડ કુટુંબોને લાભ થયો છે.
પૃષ્ઠભૂમિ:
પ્રધાનમંત્રીએ 30.06.2020ના રોજ નવેમ્બર, 2020 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ લંબાવવાની જાહેરાત કરી હતી. એનો ઉદ્દેશ કોરોનાવાયરસ અને એનાથી પ્રેરિત લોકડાઉન દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ઊભા થયેલા વિક્ષેપને કારણે વંચિતો કે ગરીબોને પડતી હાડમારીઓ ઘટાડવાનો છે.
GP/DS
(Release ID: 1637270)
Visitor Counter : 215