નાણા મંત્રાલય

સરકાર બેન્કિંગ ક્ષેત્ર દ્વારા રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા ઉપર બારિકાઇથી નજર રાખી રહી છે અને ભારતની વિકાસ ગાથા લખવામાં સંપતિ સર્જનોના પ્રયત્નોને સ્વીકારે છેઃ PHD ચેમ્બર સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં નાણાં મંત્રીએ જણાવ્યું

Posted On: 19 JUN 2020 6:23PM by PIB Ahmedabad

આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે PHD ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સંચાલન સમિતિના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન કેન્દ્રીય નાણાં અને વાણિજ્ય બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, સરકારે સંપતિના સર્જકોના મહત્ત્વને હંમેશા સ્વીકૃતિ આપી છે, કારણ કે તેઓ રોજગારીની તકોનું સર્જન કરે છે અને દેશના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ઇષ્ટતમ રીતે સંશાધનોનો ઉપયોગ કરે છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ MSME માટે હંમેશા મદદનો હાથ આગળ વધાર્યો છે અને તેને સ્વીકૃતિ આપી છે. તેમણે જણાવ્યું હતું કે બેન્કો સાથે પરામર્શમાં અમે પરિસ્થિતિ ઉપર ખૂબ જ બારિકાઇપૂર્વક નજર રાખી રહ્યાં છે જેથી સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પગલાઓ જમીની સ્તર સુધી અસરકારક રીતે પહોંચી શકે ખાસ કરીને ઘટાડેલા વ્યાજ દરોના સંદર્ભમાં ગ્રાહકોને રેપો રેટમાં ઘટાડાનો લાભ મળી શકે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વેપાર અને ઉદ્યોગ ઉપર કોવિડ-19 મહામારીના ભયાવહ પ્રભાવને દૂર કરવા વ્યવસાય માટે રૂ. 3 લાખ કરોડના જામીન મુક્ત સ્વયંસંચાલિત ઋણની જોગવાઇ અંતર્ગત લોનના વિતરણમાં આગળ વધી રહેલી કામગીરી ઉપર પણ નજર રાખી રહી છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર હંમેશા 'મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ'ના સૂત્ર ઉપરને નજર સમક્ષ રાખે છે, જેમાં ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાય છે અને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

સરકારે ખાસ કરીને MSME સહિત ઉદ્યોગના તમામ હિતધારકોને કોઇપણ ભેદભાવ વગર હંમેશા મદદ પુરી પાડી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા નોંધપાત્ર સુધારાલક્ષી પગલાઓની પ્રશંસા કરતાં, PHD ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ ડૉ. ડી. કે. અગ્રવાલે પોતાના સ્વાગત વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે રૂ. 20.97 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ ખૂબ જ સર્વગ્રાહી અને નોંધપાત્ર છે તથા વિશ્વના અન્ય દેશોમાં પૂરા પડાયેલા પેકેજમાં સૌથી મોટા પેકજ પૈકીનું એક છે.

ડૉ. ડી. કે. અગ્રવાલે જણાવ્યું હતું કે આ પેકેજ માત્ર વિત્તીય અને નાણાકીય પ્રોત્સાહન નથી, પરંતુ તેમાં ભારતને નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા માટે મહત્ત્વપૂર્ણ સુધારાઓનો પણ સમાવેશ થાય છે.

તેમણે સૂચવ્યું હતું કે પ્રવાસન, ઉડ્ડયન, મનોરંજન, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઇલ જેવા ગંભીર રીતે પ્રભાવિત થયેલા ક્ષેત્રો માટે તેમના વર્ગીકરણને અસર કર્યા વગર લોનનું એક-વખત પુનર્ગઠન સમયની જરૂરિયાત છે.

ડૉ. અગ્રવાલે સૂચવ્યું હતું કે, બેન્કના અધિકારીઓના મનમાં રહેલા ભયને દૂર કરવા માટે બેન્કિંગ ક્ષેત્રને સરકાર તરફથી ઔપચારિક સંદેશા વ્યવહાર પણ કરી શકાય છે, જેથી બેન્કના અધિકારીઓ કોઇપણ ભય વગર વેપાર અને ઉદ્યોગને ઋણ મંજૂર કરવા અને વિતરણ કરવા સક્ષમ બની શકે.

તેમણે જણાવ્યું હતું કે, જો કોઇ વ્યાજબી કારણોસર કોઇ વ્યવસાયિક એકમ NPAમાં તબદિલ થાય તો તેની સામે કોઇ ફોજદારી કાર્યવાહી હાથ ધરવી જોઇએ નહીં.

ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારી ખર્ચમાં વધારા દ્વારા તાત્કાલિક માંગનું સર્જન અને સાથે સાથે ભારતને રોકાણ માટે આકર્ષક ગંતવ્યસ્થાન બનાવવા ઝડપી શ્રમ, કાયદા અને જમીનના સુધારા દ્વારા સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતામાં વધારો કરવાની જરૂર છે.

PHD ચેમ્બરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નાણામંત્રીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ભારત કોવિડ-19 સામેની લડાઇમાં વિજયી સાબિત થશે. ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે, PHD ચેમ્બર સરકાર અને તેના દેશવાસીઓને આ અત્યંત મુશ્કેલ સમયમાં પોતાના સંપૂર્ણ સહકારની ખાતરી પૂરી પાડે છે.

નાણામંત્રીએ PHDCCIના સભ્યો રજૂ કરેલી ચિંતાઓનું વિનમ્રતાપૂર્વક સમાધાન કર્યું હતું અને અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગના વિવિધ પાસાઓ ઉપર PHD ચેમ્બર દ્વારા પુરા પડાયેલા સૂચનોની નોંધ લીધી હતી. આ સત્રમાં ભારત સરકારના મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલયના સચિવ (નાણાં) શ્રી અજય ભૂષણ પાંડે, ભારત સરકારના નાણાકીય સેવાઓના વિભાગ, નાણાં મંત્રાલયના સચિવ શ્રી દેબાષિશ પાંડા, ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ શ્રી રાજેશ વર્મા, ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગ, નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર શ્રી ક્રિષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ, PHD ચેમ્બરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી સંજય અગ્રવાલ, PHD ચેમ્બરના ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપ મુલતાની, PHD ચેમ્બરના મહાસચિવ શ્રી સૌરભ સન્યાલ, PHD ચેમ્બરના ભૂતપૂર્વ અધ્યક્ષો અને સંચાલન સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો.

 

 

GP/DS



(Release ID: 1632738) Visitor Counter : 207