પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામમાં તેલના કુવામાં વિસ્ફોટ અને આગની ઘટના અંગે સમીક્ષા કરી
Posted On:
18 JUN 2020 8:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, આસામના તિન્સુકિયા જિલ્લામાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના બાઘજાન-5 નંબરના તેલના કુવામાં થયેલા વિસ્ફોટ અને પ્રચંડ આગની ઘટનાની સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કુવામાંથી 27 મે 2020ના રોજથી અનિયંત્રિત રીતે ગેસનું ગળતર ચાલુ જ છે. તે પછી, આ ગળતરને અંકુશમાં લેવા માટે તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે, 9 જૂન 2020ના રોજ ત્યાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અહીંથી ખસેડીને રાજ્ય સરકાર દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ઉભી કરવામાં આવેલી રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે. અંદાજે, 9,000 લોકોએ હાલમાં આ રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે. તાકીદના રાહતના પગલાં રૂપે દરેકને રૂ. 30,000ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સહાય માટે 1610 પરિવારોને ઓળખી કાઢવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રીના માધ્યમથી આસામના લોકોને ખાતરી આપી હતી કે, ભારત સરકાર તમામ અસરગ્રસ્ત પરિવારોને સહકાર આપવા અને રાહત તેમજ પુનર્વસનની કામગીરીમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણે આવેલા મુશ્કેલીના સમયમાં સતત રાજ્ય સરકારની પડખે છે. તેમણે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયને એવા નિર્દેશો પણ આપ્યા હતા કે, આ ઘટના બનાવના કારણોનો અભ્યાસ થવો જોઇએ અને તેનું દસ્તાવેજીકરણ થવું જોઇએ જેથી તેમાંથી જાણવા મળેલી બાબતો ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે. ભવિષ્યમાં આવી કોઇપણ દુર્ઘટનાઓ ટાળવા માટે અને જો કોઇ આવી આફત ઉભી થાય તો, તેનો સામનો કરવા માટે આપણા પોતાના જ સંગઠનોમાં વધુ ક્ષમતાઓ અને તજજ્ઞતાઓ વિકસાવવવા જોઇએ.
આ સમીક્ષા બેઠક દરમિયાન, એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલના કુવામાંથી નીકળી રહેલા ગેસના પ્રવાહને અંકુશમાં લેવા માટે અને તેને ઢાંકવા માટે ભારતીય તેમજ વિદેશી નિષ્ણાતોની મદદથી વિગતવાર યોજના ઘડી કાઢવામાં આવી છે. આ યોજનાનો અમલ નિર્ધારિત શિડ્યૂલ અનુસાર કરવામાં આવી રહ્યો છે અને સલામતીના જરૂરી પગલાં લીધા પછી 7 જુલાઇએ આ કુવાને ઢાંકી દેવાનો હાલમાં પ્રસ્તાવ છે.
GP/DS
(Release ID: 1632517)
Visitor Counter : 224
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam