મંત્રીમંડળ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ ભારતને ઐતિહાસિક પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી મંત્રીમંડળની બેઠકનું નેતૃત્ત્વ કર્યું
ખેડૂતોને ફાયદો થાય તે માટે અને કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા
આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમનમાં સુધારો કરીને ખેડૂતો માટે નિયમનકારી વ્યવસ્થા ઉદાર બનાવવામાં આવી
કૃષિ પેદાશોના અવરોધમુક્ત આંતરરાજ્ય વ્યાપારની સાથે સાથે રાજ્યની અંદર પણ વેપારને પ્રોત્સાહન આપવા માટે વટહુકમ લાવવા મંજૂરી
પ્રોસેસર્સ, એગ્રિગેટર્સ, જથ્થાબંધ વેપારીઓ, મોટા રિટેલર્સ અને નિકાસકારો સાથે સોદા કરવા માટે ખેડૂતોને સશક્ત બનાવવામાં આવ્યા
Posted On:
03 JUN 2020 5:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ત્રીજી જૂન, 2020ના રોજ મંત્રીમંડળની બેઠક યોજાઈ. બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવાયા, જે દેશના ખેડૂતોને મદદરૂપ થવાની સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવામાં પણ ઘણા સહાયરૂપ સાબિત થશે.
આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમમાં ઐતિહાસિક સુધારા
મંત્રીમંડળે આજે આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમમાં ઐતિહાસિક સુધારાને મંજૂરી આપી છે. આ સુધારા કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવા માટે તેમજ ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક દૂરંદેશીભર્યું પગલું છે.
પૃષ્ઠભૂમિઃ
સામાન્ય રીતે ભારતમાં કૃષિ જણસો કે પેદાશોના ઉત્પાદનમાં સરપ્લસ (ફાજલ)ની સ્થિતિ છે, પરંતુ આમ છતાં કોલ્ડ સ્ટોરેજ, પ્રક્રિયા અને નિકાસમાં રોકાણનો અભાવ હોવાથી ખેડૂત તેની ઉપજનું યોગ્ય વળતર મેળવી શકતો નથી. કેમકે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની લટકતી તલવારને કારણે તેની ઉદ્યોગસાહસિકતા પાછી પડે છે. એવામાં જ્યારે પણ ઝડપથી નાશ પામે તેવી કૃષિ પેદાશનું વિક્રમી ઉત્પાદન થાય છે, ત્યારે ખેડૂતે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જો પ્રક્રિયાની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ હોય તો મોટા પાયે આ પ્રકારની બરબાદી અટકાવી શકાય છે.
લાભ
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારા મારફતે અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલો, ડુંગળી અને બટાટાં જેવી પેદાશોને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી હટાવી દેવામાં આવશે. આ વ્યવસ્થાથી ખાનગી રોકાણકારો વધુ પડતી નિયમનકારી દરમ્યાનગીરીના ભયથી મુક્ત થઈ જશે.
ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને સપ્લાય કરવા માટેની આઝાદીને પગલે વ્યાપક સ્તરે ઉત્પાદન કરવું સંભવ થશે અને તેની સાથે જ કૃષિ ક્ષેત્રમાં ખાનગી / સીધાં વિદેશી રોકાણ આકર્ષી શકાશે. તેનાથી કોલ્ડ સ્ટોરેજમાં રોકાણ વધશે અને સપ્લાય ચેઇન (પુરવઠાની શ્રૃંખલા)ના આધુનિકીકરણમાં મદદ મળશે.
ગ્રાહકોના હિતોની રક્ષા કરાશે
સરકારે નિયમનકારી વ્યવસ્થા ઉદાર બનાવવાની સાથે સાથે ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થાય તે પણ સુનિશ્ચિત કર્યું છે. સુધારા હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દુકાળ, યુદ્ધ, ભાવમાં અસાધારણ વધારો તેમજ કુદરતી આપત્તિ જેવી પરિસ્તિતિઓમાં આ કૃષિ પેદાશોના ભાવ સરકાર નિયંત્રિત કરી શકશે. જોકે, કૃષિ ક્ષેત્રમાં રોકાણ અટકે નહીં તે સુનિશ્ચિત કરી શકાય એ માટે મૂલ્ય સાંકળ (વેલ્યુ ચેઇન)ના કોઈ પણ સહભાગીની સ્થાપિત ક્ષમતા અને કોઈ પણ નિકાસકારની નિકાસ માગ આ પ્રકારની જથ્થા મર્યાદા લાગુ કરવામાંથી મુક્ત રહેશે.
જાહેર કરાયેલા સુધારા અમલમાં આવવાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદગાર સાબિત થશે. ા સાથે જ ગોદામોની સુવિધાઓના અભાવને કારણે થતો કૃષિ પેદાશોનો વેડફાટ પણ અટકાવી શકાશે.
કૃષિ પેદાશનો અવરોધ મુક્ત વેપાર
મંત્રીમંડળે કૃષિ પેદાશ વાણિજ્ય અને વેપાર (પ્રોત્સાહન અને સુવિધા) વટહુકમ 2020ને મંજૂરી આપી.
પૃષ્ઠભૂમિઃ
અનેક પ્રકારે નિયમનકારી પ્રતિબંધોને કારણે દેશના ખેડૂતોને તેમની ઉપજ વેચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અધિકૃત એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (એપીએમસી)ના બજાર વિસ્તારની બહાર ખેડૂતોને ઉપજ વેચવા ઉપર વિવિધ પ્રતિબંધો છે. તેમણે પોતાની ઉપજ સરકાર દ્વારા પરવાનો ધરાવતા ગ્રાહકોને જ વેચવાનું ફરજિયાત છે. આ ઉપરાંત, એક રાજ્યથી બીજા રાજ્યને આ ઉપજોના સુગમ વેપારના માર્ગમાં પણ અનેક પ્રકારના અવરોધો છે.
લાભ
વટહુકમ અમલમાં આવતાં, ખેડૂતો માટે એક સુગમ અને મુક્ત માહોલ તૈયાર થઈ શકશે, જેમાં તેમને પોતાની સગવડ પ્રમાણે કૃષિ પેદાશ ખરીદવાની અને વેચવાની સ્વતંત્રતા હશે. વટહુકમથી રાજ્યની અંદર અને બહાર બંને જગ્યાએ એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (એપીએમસી) વટહુમ હેઠળ જણાવાયેલાં છે, તેવી કૃષિ પેદાશોનો મુક્ત વેપાર આવાં બજારોની બહાર પણ કરી શકાશે અને તે સુગમ બની જશે.
તેનાથી ખેડૂતોને વધુ વિકલ્પો મળશે. બજાર ખર્ચ ઘટશે અને તેમને પોતાની ઉપજનો વધુ સારો ભાવ મળી શકશે. એ ઉપરાંત, વધુ પડતું ઉત્પાદન ધરાવતાં ક્ષેત્રોમાં પણ ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી શકશે અને એ સાથે બીજી તરફ, ઓછું ઉત્પાદન ધરાવતાં ક્ષેત્રોમાં ગ્રાહકોને વધુ કિંમત પણ નહીં ચૂકવવી પડે. વટહુકમમાં કૃષિ પેદાશોના સુગમ વેપાર સુનિશ્ચિત કરવા માટે એક ઈ-પ્લેટફોર્મ બનાવવાનો પ્રસ્તાવ પણ છે.
એક દેશ, એક કૃષિ બજાર
વટહુકમનો મૂળ ઉદ્દેશ એપીએમસી બજારોની મર્યાદાઓની બહાર ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે, જેનાથી તેમને પ્રતિસ્પર્ધાત્મક માહોલમાં પોતાની ઉપજના સારા ભાવ મળી શકે.
આ વટહુકમ નિશ્ચિતપણે ‘એક દેશ, એક કૃષિ બજાર’ બનવા તરફનો માર્ગ કંડારશે અને કઠોર પરિશ્રમ કરનારા આપણા ખેડૂતો માટે કૃષિ પેદાશની મોં માંગી કિંમત સુનિશ્ચિત કરશે.
ખેડૂતોને પ્રોસેસર્સ, એગ્રિગેટર્સ, જથ્થાબંધ વેપારીઓ, મોટા રિટેલ વેપારીઓ, નિકાસકારો સાથે જોડીને સશક્ત બનાવવા
કેબિનેટે ભાવની ખાતરી માટેની સમજૂતી અને કૃષિ સેવા માટેના વટહુકમ ફાર્મર્સ (એન્ડોવમેન્ટ એન્ડ સિક્યોરિટી) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ અને એગ્રિકલ્ચરલ સર્વિસીઝ ઓર્ડિનન્સ, 2020ને સ્વીકૃતિ આપી છે.
પૃષ્ઠભૂમિઃ
ભારતમાં કૃષિ ક્ષેત્રે ખેતરોના નાના કદને કારણે વિખંડિત - ટૂકડા કરાયેલી ખેતી તરીકે વર્ગીકૃત કરાય છે અને આબોહવા ઉપરની નિર્ભરતા, ઉત્પાદનની અનિશ્ચિતતા તેમજ બજારની અનિશ્ચિતતા - તેની કેટલીક કમજોરીઓ છે. એના કારણે ખેતી જોખમ ભરેલી છે અને ઈનપુટ અને આઉટપુટ વ્યવસ્થાપન બાબતે બિનઅસરકારક છે.
લાભ
વટહુકમમાં ખેડૂતોને શોષણના ભય વિના સમાનતાને આધારે પ્રોસેસર્સ, એગ્રિગેટર્સ, જથ્થાબંધ વેપારીઓ, મોટા રિટેલ વેપારીઓ, નિકાસકારો વગેરે સાથે જોડાવા માટે સક્ષમ બનાવાશે. તેનાથી બજારની અનિશ્ચિતતાનું જોખમ પ્રાયોજક ઉપર ચાલ્યું જશે અને સાથે સાથે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને વધુ સારા ઈનપુટ મળે તે પણ સુનિશ્ચિત થશે. તેનાથી માર્કેટિંગ ખર્ચ ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
આ વટહુકમ ખેડૂતોની ઉપજની વૈશ્વિક બજારોમાં સપ્લાય માટે આવશ્યક સપ્લાય ચેઇન તૈયાર કરવા માટે ખાનગી ક્ષેત્રમાં રોકાણ આકર્ષવામાં પણ એક પ્રોત્સાહક પરિબળ તરીકે કામ કરશે. ખેડૂતોને ઊંચા મૂલ્ય ધરાવતી ખેતી માટે ટેકનિક અને સલાહ સુધીની પહોંચ સુનિશ્ચિત થશે, સાથે સાતે તેમને એવા પાક માટે તૈયાર બજાર પણ મળશે.
ખેડૂતો સીધા માર્કેટિંગ સાથે જોડાઈ શકશે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા નહીં રહે અને તેમને પોતાના પાકનું વધુ સારું વળતર મળશે. ખેડૂતોને પૂરતી સુરક્ષા આપવામાં આવશે અને અસરકારક વિવાદ નિવારણ વ્યવસ્થાતંત્ર પણ ઉકેલની સ્પષ્ટ સમયસીમા સાતે ઉપલબ્ધ કરાવાયું છે.
સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે
કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે અનેક પગલાંઓ જાહેર કરાયાં છે. તેમાં કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે છૂટક લોન આપવી, કૃષિ-માળખાગત યોજનાઓ માટે આર્થિક સહાય, પ્રધાનમંત્રી મત્સ્ય ઉદ્યોગ યોજના અને માછીમારી ઉદ્યોગને મજબૂત કરવા માટેનાં અન્ય પગલાં, પગ તેમજ મોંની બીમારી અને બ્રુસેલોસિસના રોગ નિવારણ માટે રસીકરણ, હર્બલ ખેતીને પ્રોત્સાહન, મધમાખી ઉછેરને પ્રોત્સાહન અને ઓપરેશન ગ્રીન જેવી જોગવાઈઓ સામેલ છે.
પીએમ કિસાન યોજના હેઠળ 9.25 કરોડથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે અને લોકડાઉનના ગાળા દરમ્યાન અત્યાર સુધીમાં 18,517 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યાં છે. પીએમ ફસલ વીમા યોજના હેઠળ કરાયેલા કુલ 6003.6 કરોડ રૂપિયાના દાવા લોકડાઉનના ગાળા દરમ્યાન ચૂકવાયા છે.
સરકારે લીધેલાં આ પગલાં એ શ્રેણીનાં કેટલાંક તાજેતરનાં પગલાં છે, જે ભારતના પરિશ્રમી ખેડૂતોના કલ્યાણ માટે તત્પર રહેવાની સરકારની નિરંતર પ્રતિબદ્ધતા દર્શાવે છે.
GP/DS
(Release ID: 1629106)
Visitor Counter : 470
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada