કૃષિ મંત્રાલય

સમગ્ર ઉત્તર ભારતમાં તીડનાં ઝુંડ ઉભા પાકને ખતમ કરી રહ્યા હોવાથી, અસરગ્રસ્ત રાજ્યો રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં નિયંત્રણની કામગીરીઓ ઝડપી કરવામાં આવી


200 તીડ સર્કલ કચેરીઓ અને હંગામી શિબિરો દ્વારા સર્વે અને નિયંત્રણ કામગીરીઓ ચાલી રહી છે

કેન્દ્રીય કૃષિ મંત્રીએ યુકે પાસેથી વધુ 60 સ્પ્રેયર ખરીદવાની મંજૂરી આપી, ટુંક સમયમાં ડ્રોન તૈનાત કરવામાં આવશે

Posted On: 27 MAY 2020 8:42PM by PIB Ahmedabad

સમગ્ર પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ત્રાટકેલા તીડના ઝુંડો ખેતરોમાં ઉભા પાકમાં ભારે તારાજી સર્જી રહ્યા હોવાથી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે (DAC&FW) અસરગ્રસ્ત રાજ્યો રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તીડના નિયંત્રણની કામગીરી વધુ ઝડપી કરી છે. આજની તારીખે રાજસ્થાનના બાડમેર, જોધપુર, નાગૌર, બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સિકર, જયપુર જિલ્લામાં જ્યારે મધ્યપ્રદેશના સતના, ગ્વાલિયર, સીધી, રાજગઢ, બૈતુલ, દેવાસ, અગર મલાવા જિલ્લામાં અપરિપકવ તીડના સક્રિય ઝુંડ ફરતા જોવા મળ્યા છે.

વર્તમાન સ્થિતિ અનુસાર, 200 તીડ સર્કલ કચેરી (LCO) દ્વારા અસરગ્રસ્ત રાજ્યોમાં જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ ફિલ્ડ મશીનરી સાથે નીકટતાપૂર્વકના સંકલનમાં સર્વે અને તીડ નિયંત્રણ કામગીરી ચાલી રહી છે. રાજ્ય કૃષિ વિભાગો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને તીડ નિયંત્રણની કામગીરી અત્યારે તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહી છે. રાજસ્થાનમાં 21 જિલ્લા, મધ્યપ્રદેશમાં 18 જિલ્લા, પંજાબમાં એક જિલ્લો અને ગુજરાતમાં 2 જિલ્લાને અત્યાર સુધીમાં તીડ નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યા છે. અનુસૂચિત રણ વિસ્તારો ઉપરાંત અન્ય વિસ્તારોમાં અસરકારક તીડ નિયંત્રણ માટે રાજસ્થાનમાં અજમેર, ચિત્તોડગઢ અને દૌસા; મધ્યપ્રદેશમાં મંદસૌર, ઉજ્જૈન અને શિવપુરી તેમજ ઉત્તરપ્રદેશમાં ઝાંસી ખાતે હંગામી નિયંત્રણ શિબિરો ઉભા કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં (તા. 26.05.2020 સુધીમાં) રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ 303 સ્થળોએ 47,308 હેક્ટર વિસ્તારમાં LCO દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય કૃષિ વિભાગ સાથે સંકલન સાધીને તીડ સામે નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ દિવસોએ જરૂરિયાત અનુસાર જંતુનાશકોના છંટકાવ માટે 89 ફાયર બ્રિગેડ; 120 સર્વે વાહનો; 47 નિયંત્રણ વાહનોછંટકાવના ઉપકરણો સાથે અને 810 ટ્રેક્ટરમાં લગાવેલા સ્પ્રેયરની મદદથી અસરકારક રીતે તીડ નિયંત્રણની કામગીરી ચાલી રહી છે.

સામાન્ય રીતે, દર વર્ષે ઉનાળુ સંવર્ધનના સમયમાં ચોમાસાની શરૂઆત સાથે જુન/ જુલાઇ મહિનામાં પાકિસ્તાનમાંથી ભારતમાં અનુસૂચિત રણ વિસ્તારમાં તીડના ઝુંડ ત્રાટકતા હોય છે. જોકે વર્ષે, પાકિસ્તાનમાં તીતીઘોડા અને ગુલાબી તીડના ઝુંડનું આક્રમણ સમય કરતા વહેલું જોવા મળ્યું છે કારણ કે, ગત મોસમમાં પાકિસ્તાન તીડ પર નિયંત્રણ મેળવી શક્યું હોવાથી સંખ્યાબંધ તીડ બચી ગયા હોવાથી તેમની વસ્તીમાં ઝડપી વધારો થયો છે. 11 એપ્રિલ 2020 સુધીમાં તીતીઘોડા તીડ અને 30 એપ્રિલ 2020થી ગુલાબી અપરિપકવ પુખ્ત તીડનું આક્રમણ રાજસ્થાન અને પંજાબમાં થયું હોવાનું નોંધાયું હતું. જોકે, તેને નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યા હતા. ગુલાબી અપરિપકવ પુખ્ત તીડ ઊંચાઇએ ઉડે છે અને પાકિસ્તાન તરફથી ફુંકાતા પશ્ચિમી પવન સાથે દિવસના કલાકો દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ લાંબુ અંતર કાપી લે છે. મોટાભાગના ગુલાબી અપરિપકવ તીડ રાત્રીના સમયે ઝાડ પર બેસી જાય છે અને ઘણાખરા દિવસ દરમિયાન ઉડતા જોવા મળે છે.

વર્ષે તીડના વહેલાં આક્રમણથી ચિંતિત કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં જંતુનાશક ઉત્પાદકો અને તમામ સંબંધિત હિતધારકોની 6 મે 2020ના રોજ સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં અસરગ્રસ્ત રાજ્યોમાં તીડના નિયંત્રણ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ મંત્રી શ્રી તોમરના નિર્દેશોનું પાલન કરીને, DAC&FWના સચિવ શ્રી સંજય અગ્રવાલની અધ્યક્ષતામાં 22 મે 2020ના રોજ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા કૃષિ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં NDMAના પ્રતિનિધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તીડ અંગે લોકોમાં જાગૃતિ માટેનું સાહિત્ય, SOP, માન્યતા પ્રાપ્ત જંતુનાશકો અને લોકજાગૃતિ સંબંધિત વીડિયો સામગ્રી બેઠક દરમિયાન રાજ્યોને આપવામાં આવી હતી. અગાઉ, 5 મે 2020ના રોજ અગ્ર સચિવ (કૃષિ) અને રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના તીડ સંભવિત જિલ્લાઓના DM સાથે DAC&FWના સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરી પગલાં લેવા માટે તમામ જિલ્લાઓની તૈયારીઓ અને તીડ સંભવિત રાજ્યો સાથે આગળના સંકલનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

11 માર્ચ 2020ના રોજ ભારતમાં FAO પ્રતિનિધીઓની કચેરી ખાતે દક્ષિણ- પશ્ચિમ એશિયન દેશોમાં રણના તીડ બાબતે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર સભ્ય દેશો (અફઘાનિસ્તાન, ભારત, ઇરાન અને પાકિસ્તાન)ના પ્રતિનિધીઓ અને FAOના પ્લાન્ટ સંરક્ષણ વિભાગ, રોમના પ્રતિનિધીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રાજ્યમંત્રી (કૃષિ અને ખેડૂત કલ્યાણ) શ્રી કૈલાશ ચૌધરી અને DAC&FWના સચિવ બેઠકમાં ભારત વતી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સભ્યો દેશોના ટેકનિકલ અધિકારીઓની દર સોમવારે સ્કાઇપે દ્વારા વર્ચ્યુઅલ બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં આવી નવ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને પંજાબ રાજ્ય માટે તીડના આક્રમણ અને તેના અસરકારક નિયંત્રણ માટે જરૂરી પગલાં તેમજ ઉભો પાક હોય તેવા વિસ્તારોમાં તીડના અસરકારક નિયંત્રણ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા જંતુનાશકો અંગે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

વર્તમાન સમયમાં તીડ નિયંત્રણ કચેરીઓ પાસે 21 માઇક્રોનએર અને 26 ઉલ્વામાસ્ટ (47 સ્પ્રે ઉપકરણો) ઉપલબ્ધ છે જેનો ઉપયોગ તીડના નિયંત્રણ માટે કરવામાં આવી રહ્યો છે. કૃષિ મંત્રી શ્રી તોમરે મંજૂરી આપી હોવાથી, વધારાના 60 સ્પ્રેયરનો પૂરવઠો પહોંચાડવાનો ઓર્ડર મેસર્સ માઇક્રોન, યુનાઇટેડ કિંગડમને આપવામાં આવ્યો છે. ઊંચા ઝાડ અને પહોંચી શકાય તેવી જગ્યાઓએ હવામાંથી જંતુનાશકોનો છંટકાવ કરીને તીડ પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે ડ્રોન સેવા પૂરી પાડવા માટે નિર્ધારિત એજન્સીઓ પાસેથી -ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 21 મે 2020ના રોજતીડ વિરોધી કામગીરી માટે દૂરથી સંચાલિત એરક્રાફ્ટ સિસ્ટમના ઉપયોગ માટે સરકારી સંસ્થા (DPPQS)ને શરતી છુટછાટ આપી છેઅને આદેશના અનુપાલન સાથે, બે કંપનીઓને તીડ નિયંત્રણ માટે ડ્રોન દ્વારા જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ટેન્ડર પદ્ધતિ મારફતે નક્કી કરવામાં આવી છે.

દરમિયાન, નિયંત્રણની સંભાવનાઓ વધુ મજબૂત બનાવવા માટે વધુ 55 વાહનો તૈનાત કરવા માટે પણ તેની ખરીદીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તીડ નિયંત્રણ સંગઠનો પાસે પૂરતા પ્રમાણમાં જંતુનાશકોનો જથ્થો જાળવવામાં આવ્યો છે (53,000 લીટર મેલેથીઓન). કૃષિ યાંત્રિકીકરણ પર પેટા-મિશન અંતર્ગત, રાજસ્થાનમાં રૂપિયા 2.86 કરોડના ખર્ચે 800 ટ્રેક્ટરમાં લગાવેલા સ્પ્રે ઉપકરણોની મદદ લેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ઉપરાંત, RKVY અંતર્ગત, રાજસ્થાનમાં વાહનો, ટ્રેક્ટરો ભાડે રાખવા માટે તેમજ ઉપયોગમાં લેવાનારા રૂપિયા 14 કરોડના જંતુનાશકોની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. RKVY અંતર્ગત, ગુજરાતમાં રૂપિયા 1.80 કરોડના ખર્ચે વાહનો, છંટકાવ ઉપકરણો, સલામતી યુનિફોર્મ, એન્ડ્રોઇડ એપ્લિકેશનની ખરીદી અને તાલીમ માટે મંજૂરી આપવામાં આવી છે.

FAOની માહિતી અનુસાર, 21 મે 2020ના રોજ તીડની સ્થિતિ પર નજર કરીએ તો, પૂર્વ આફ્રિકામાં વર્તમાન સ્થિતિ અત્યંત ચેતવણીજનક છે કારણ કે ત્યાં તીડના કારણે ખાદ્ય સુરક્ષા અને આજીવિકા પર અભૂતપૂર્વ જોખમ ઉભું થયું છે. તીડના નવા ઝુંડ ઉનાળુ સંવર્ધનના વિસ્તારોમાં હિજરત કરશે જેમાં ખાસ કરીને ઇન્ડો-પાકિસ્તાન સરહદની બંને બાજુએ તેમજ સુદાન અને પશ્ચિમ આફ્રિકા તરફ ઝુંડ જશે. જેમ જેમ હરિયાળી સુકાશે તેમ તીડના વધુ ટોળાં અને ઝુંડ બનશે અને ઉનાળુ સંવર્ધન વિસ્તારોમાં ઇન્ડો-પાકિસ્તાન સરહદની બંને બાજુ તરફ મોટી સંખ્યામાં તે હિજરત કરશે. જૂનના પ્રથમ પખવાડિયામાં ઇન્ડો-પાકિસ્તાન સરહદી વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી હોવાથી સમયમાં તે મોટી સંખ્યામાં ઇંડા મૂકશે.

વર્ષ 2019-20 દરમિયાન, ભારતમાં ખૂબ મોટાપાયે થયેલા તીડના આક્રમણો પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી શકાયું હતું. 21 મે 2019થી 17 ફેબ્રુઆરી 2020 સુધીમાં કુલ 4,03,488 હેક્ટર વિસ્તારમાં તીડ વિરોધી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને તેના પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ઉપરાંત, રાજસ્થાન અને ગુજરાતના રાજ્ય કૃષિ વિભાગોએ રાજ્યમાં ખેતીનો ઉભો પાક હોય તેવા વિસ્તારોમાં સંકલિત રીતે તીડ નિયંત્રણ કામગીરી કરી હતી. વર્ષ 2019-20 દરમિયાન, રાજસ્થાનમાં 11 જિલ્લામાં 3,93,933 હેક્ટર વિસ્તારમાં; ગુજરાતમાં 2 જિલ્લામાં 9,505 હેક્ટર વિસ્તારમાં અને પંજાબમાં એક જિલ્લામાં 50 હેક્ટર વિસ્તારમાં તીડ નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી. FAOના વરિષ્ઠ તીડ અનુમાન અધિકારીએ 16 અને 17 જાન્યુઆરી 2019 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી અને ભારતમાં તીડ નિયંત્રણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

દરરોજ તીડ નિયંત્રણ સંગઠનો અને જિલ્લા સત્તામંડળો તેમજ રાજ્ય કૃષિ વિભાગના અધિકારીઓ LCOના નિયંત્રણ છંટકાવ વાહનો, ટ્રેક્ટરમાં લગાવેલા સ્પ્રેયર અને ફાયર ટેન્ડર્સની મદદથી વહેલી સવારના સમયમાં તીડ નિયંત્રણ કામગીરી કરે છે. અપરિપકવ તીડ ખૂબ સક્રિય હોય છે અને તે ઝડપથી ગતિશીલ થતા હોવાથી આવા તીડના ઝુંડને એક જગ્યાએ નિયંત્રણમાં લેવા ખુબ મુશ્કેલ છે અને અલગ અલગ સ્થળે કોઇ ચોક્કસ તીડના ઝુંડોને નિયંત્રણમાં લેતા 4 થી 5 દિવસનો સમય લાગે છે.

તીડ એક પ્રકારની સર્વભક્ષી અને હિજરતી જીવાંત છે જે સાથે મળીને ઝુંડમાં સેંકડો કિલોમીટર સુધી સ્થળાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. તીડ એકબીજા દેશોની સરહદોમાં ત્રાટકીને મોટાપાયે ઉભા પાકને નુકસાન પહોંચાડે છે. આફ્રિકા, મધ્યપૂર્વના દેશો અને એશિયામાં મળી આવતા તીડની પ્રજાતિઓ અંદાજે 60 દેશમાં મળી આવે છે અને તે સમગ્ર પૃથ્વીમાં પાંચમાં ભાગના જમીન વિસ્તારને આવરી લે છે. રણના તીડ સમગ્ર દુનિયામાં દસમા ભાગની માનવ વસ્તીની આર્થિક આજીવિકા માટે મોટાપાયે જોખમરૂપ થઇ શકે છે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં આફ્રિકા/ અખાતી દેશો/ દક્ષિણ પશ્ચિમ એશિયામાંથી ભારતના રણ વિસ્તારોમાં તીડના ઝુંડ ત્રાટકે છે અને વસંતમાં સંવર્ધનની મોસમ દરમિયાન ભારતમાંથી ઇરાન, અખાતી દેશો તેમજ આફ્રિકન દેશોમાં પાછા જતા રહે છે.

ભારતમાં 2 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર અનુસૂચિત રણ પ્રદેશ હેઠળ આવે છે. ભારત સરકારનું તીડ ચેતવણી સંગઠન અને 10 તીડ સર્કલ કચેરી (LCO) રાજસ્થાન (જૈસલમેર, બિકાનેર, ફાલોડી, બાડમેર, જાલોર, ચુરુ, નાગૌર, સુરતગઢ), ગુજરાત (પાલનપુર અને ભૂજ)માં આવેલી છે અને રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને અનુસૂચિત રણ પ્રદેશોમાં રણના તીડના આક્રમણ બાબતે દેખરેખ રાખવા માટે, સર્વેક્ષણ કરવા માટે તેમજ તેના પર નિયંત્રણ કરવા માટે જવાબદાર છે.

 

GP/DS


(Release ID: 1627371) Visitor Counter : 367