ગૃહ મંત્રાલય

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બંગાળની ખાડીમાં આવી રહેલાં ચક્રાવાત સામે પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે NCMC બેઠક યોજાઇ

Posted On: 16 MAY 2020 5:26PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આજે બંગાળની ખાડીમાં આવી રહેલાં ચક્રાવાત સામેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMD માહિતી આપી હતી કે, બંગાળની ખાડીમાં હવાનું દબાણ બની રહ્યું છે અને તે ચક્રાવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે તેમજ 20 મે 2020 સુધીમા ઓડિશા અને પશ્ચિમ બંગાળાના દરિયાકાંઠા વિસ્તારોમાંથી પસાર થઇ શકે છે. સમયમાં ખૂબ પવન અને દરિયામાં ભારે ભરતી સાથે અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

બેઠક દરમિયાન, સંબંધિત રાજ્યોના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, ચક્રાવાતી તોફાનના કારણે ઉભી થઇ શકે તેવી કોઇપણ તાકીદની પરિસ્થિતિનો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણપણે સજ્જ છે. વધુમાં, રાજ્ય સરકારોએ માછીમારોને અત્યારે દરિયો ખેડવાની પૂરતી ચેતવણી આપી છે. ચક્રાવાત સંબંધિત આશ્રયો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યાંથી લોકોનું સ્થાંતર કરવું જરૂરી હોય તેવા વિસ્તારો ઓળખી કાઢવામાં આવ્યા છે

NDRF, સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટગાર્ડને અત્યારે સતર્ક કરી દેવામાં આવ્યા છે અને તેઓ સતત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સંકલનમાં છે. તેઓ પૂરતા પ્રમાણમાં પૂર્વતૈયારીઓ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય પણ સતત સતર્કતા સાથે રાજ્ય સરકારો અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.

કેબિનેટ સચિવે વર્તમાન સ્થિતિ અને બચાવ તેમજ રાહત કામગીરીઓની તૈયારીનું આકલન કર્યું હતું અને નિર્દેશો આપ્યા હતા કે, જરૂર પડે ત્યારે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે.

ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તેમજ IMD, NDMA અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારોના મુખ્ય સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો હતો.

 

GP/DS



(Release ID: 1624503) Visitor Counter : 184