વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિને ગંધ અને સ્વાદ પારખવા માટે જવાબદાર સંપૂર્ણ ચેતાતંત્રને અસર થઈ શકે છે

Posted On: 26 APR 2020 6:31PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), જોધપુરના વિજ્ઞાનીઓએ કોવિડ 19 વાયરસ SARS-CoV-2ની ન્યૂરોઇન્વેસિવ (ચેતાતંત્ર અને સ્નાયુઓ પર આક્રમણ કરવાની) પ્રકૃતિનું સંશોધન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, વ્યક્તિની ગંધ અને સ્વાદ રાખવાની ક્ષમતા જતી રહેવાથી તેમનાં સંપૂર્ણ ચેતાતંત્ર (સીએનએસ)ને અસર થાય છે તથા એની સાથે સંબંધિત મગજનું માળખાને વાયરલ ઇન્ફેક્શનથી વધારે નુકસાનકારક અસર થાય છે.

ડૉ. સુરજિત ઘોષ અને એમની ટીમે ધ્યાન દોર્યું છે કે, SARS-CoV-2 મનુષ્યના ચેતાતંત્રને સંકેત આપવા માટે જાણીતા માનવીય ઉત્સેચક hACE2 (હ્યુમન એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ-2) સાથે આદાનપ્રદાન કરવા માટે જાણીતો છે, જે વાયરસનું પ્રવેશદ્વાર પણ છે. ઉત્સેચક ફેંફસાની કામ કરતી પેશીથી લઈને નાકની લીંટ સુધી મનુષ્યનાં લગભગ બધા અંગોમાં હાજર હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, વાયરસનાં બે મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વારા નાક અને મુખ છે. એટલે ઇન્ફેક્શનની શરૂઆતમાં વ્યક્તિ ગંધ કે સ્વાદ પારખવાની ક્ષમતા ગુમાવે છે. પછી વાયરસ ધ્રાણેન્દ્રિયની લીંટના ન્યૂરોનનો ઉપયોગ કરીને ધ્રાણેન્દ્રિયનાં મૂળ તરફના માર્ગ તરફ ધીમે ધીમે આગળ વધી શકે છે. ધ્રાણેન્દ્રિયનું મૂળ અગ્ર મસ્તિષ્કમાં એક માળખું છે, જે મુખ્યત્વે સૂંઘવાની ઇન્દ્રિય માટે જવાબદાર હોય છે. કોવિડ-19ના ચિહ્નો જોવા મળ્યાં હોય એવા ઘણા દર્દીઓમાં સૂંઘવાની ક્ષમતા ગુમાવવાનું ચિહ્ન સંકળાયેલુ છે અને વાયરલ ઇન્ફેક્શનથી સંપૂર્ણ ચેતાતંત્રને જોખમ ઊભું થઈ શકે છે.

એસીએસ કેમિકલ ન્યૂરોસાયન્સમાં સ્વીકૃત પેપરમાં અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની અધિકૃત સંસ્થા સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ રિસર્ચ બોર્ડ (એસઇઆરબી) ઉપચારની સંભવિત રીતો સૂચવી છે, જે કોવિડ-19ની ચેતાતંત્રને નુકસાન કરવાની સમજણને આધારે એનો સામનો કરવામાં અપનાવી શકાશે.

તાજેતરમાં કોવિડ-19 વાયરસથી અસરગ્રસ્ત એક દર્દીના બ્રેઇન સ્કેન (સીટી અને એમઆરઆઈ) પર હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરના પેપરમાં દર્શાવવામાં આવ્યું છે કે, એએનઈ તરીકે ઓળખાતો દુલર્ભ રોગ એન્સેફેલોપેથી આંચકી અને મનમાં ભ્રામક સ્થિતિ પેદા કરીને મગજની કામગીરીને ખોરવી નાંખે છે. પેપરમાં સંકેત આપવામાં આવ્યો છે કે, સીએનએસમાં માનવીય ACE2 રિસ્પેટર્સની હાજરીમાં મગજને ધ્રાણેન્દ્રિયના મૂળ દ્વારા વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે છે અને એની આસપાસના ચેતાતંત્રને અસર કરી શકે છે અથવા લોહીના પરિભ્રમણમાં ભળીને મગજ અને લોહીના અવરોધને દૂર કરીને ચેતાતંત્રને નિશાન બનાવી શકે છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એનાથી મગજના નીચેના ભાગનાં મજ્જાતંત્રનો સંપૂર્ણ નાશ થઈ શકે છે, જ્યાંથી શ્વાસોશ્વાસ, હૃદય અને રક્તવાહિનીઓની કામગીરીનું નિયમન થાય છે.

પેપરમાં એનોસ્મિયા (ગંધ પારખવાની ક્ષમતા) અને એજીયુશિયા (સ્વાદ પારખવાની ક્ષમતા) ધરાવતી વ્યક્તિએ શક્ય એટલી વહેલી તકે પોતાને સેલ્ફ-ક્વારેન્ટાઇન કરવા જોઈએ અને તેઓ કોરોનાના વાહક બને અગાઉ નેફ્રોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. એમાં કોવિડ-19ના દર્દીઓના મગજની ઓટોપ્સી લેવાનું અને તેમના મસ્તિષ્કમેરુ પ્રવાહીનું વિશ્લેષણ કરવાનું સૂચન પણ કર્યું હતું.

ડીએસટીનાં સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, “SARS-CoV-2ના ઇન્ફેક્શનનો માર્ગ અને એની વિવિધ અંગો પર અસર મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેનાથી ભવિષ્યમાં ઉપચાર માટે તાર્કિક અભિગમ અપનાવવામાં મદદ મળશે. વાયરસની ચેતાતંત્ર પર હુમલો કરવાની પ્રકૃતિ તથા ગંધ અને સ્વાદ પારખવાની ઇન્દ્રિયો પરની અસર રસપ્રદ છે અને સંશોધન માટે ઉપયોગી બાબતો છે.”

પેપરમાં એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે, ધુમ્રપાનથી કોવિડ-19 ઇન્ફેક્શનનો ભોગ બનવાની શક્યતા વધી શકે છે, જે માટે hACE2 રિસેપ્ટર અને નિકોટિન રિસેપ્ટરનું આદાનપ્રદાન અને સહ-અભિવ્યક્તિ જવાબદાર છે, જે ધુમ્રપાનથી પ્રેરિત થાય છે.

પેપરમાં ઉપચારક એજન્ટો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, જેમાં વાયરસ પ્રોટિન અને માનવીય ઉત્સેચક વચ્ચે આદાનપ્રદાનને નિયંત્રણ કરશે એવી પેપ્ટાઇડ-આધારિત ઉપચારની પદ્ધતિથી લઈને ACE2 સાથે આદાનપ્રદાન કરનાર વાયરલ સ્પાઇક પ્રોટિન સામે ડિઝાઇન કરેલા નાનાં પરમાણુ અવરોધોની વ્યૂહાત્મક ડિઝાઇન સામેલ છે. પેપર એન્ટિબોડી-આધારિત દવાઓ સાથે શુદ્ધ વાયરસમાંથી રસીઓના પેટાએકમ વિકસાવવાનું સૂચન પણ કરે છે.

 

[પ્રકાશન: https://dx.doi.org/10.1021/acschemneuro.0c00201

વધારે વિગત મેળવવા માટે કૃપા કરીને સંપર્ક કરો પ્રોફેસર સુરજીત ઘોષ, sghosh@iitj.ac.in, મોબાઇલ:  +91-9903099747]

 

 

GP/DS



(Release ID: 1618505) Visitor Counter : 250