નાણા મંત્રાલય

શ્રીમતી નિર્મલા સીતારમણે આઇએમએફની આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ભંડોળ સમિતિ (આઇએમએફસી)ની સંપૂર્ણ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો

Posted On: 16 APR 2020 7:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ભંડોળ સમિતિ (આઇએમએફસી)ની સંપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો, જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)ની મંત્રીસ્તરીય સમિતિ છે.

બેઠકમાં ચર્ચા આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટરના વૈશ્વિક નીતિગત એજન્ડા પર આધારિત હતી, જેનું શીર્ષક હતુંઅસાધારણ પરિસ્થિતિઓઅસાધારણ પગલાં. આઇએમએફસીના સભ્ય દેશોએ કોવિડ-19નો મુકાબલો કરવા માટે સભ્ય દેશો દ્વારા ઉઠાવેલા વિવિધ પગલાં અને ઉપાયો પર સમિતિને અપડેટ કરી હતી અને સાથે સાથે વૈશ્વિક તરલતા અને સભ્ય દેશોની નાણાકીય પોષણ સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આઇએમએફ દ્વારા પ્રસ્તુત થયેલા સંકટ સમાધાન પેકેજ પર પણ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

શ્રીમતી સીતારમણે બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન સ્વાસ્થ્ય સાથે સંબંધિત સંકટનું સમાધાન કરવાની સાથે એની અસરોને ઓછી કરવા માટે ભારતમાં ઉઠાવેલા વિવિધ પગલાંની રૂપરેખા આપી હતી. સંબંધમાં તેમણે સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા 2 અબજ ડોલર (15,000 કરોડ રૂપિયા)ની ફાળવણી, ગરીબો અને મૂળભૂત સુવિધાઓથી વંચિત મુશ્કેલીઓને  ઓછી કરવા માટે 23 અબજ ડોલર (1.70 લાખ કરોડ રૂપિયા)ની રકમનો સામાજિક સહાયતા ઉપાયોની એક યોજનાની જાહેરાત, બંધારણીય અને નિયમનકારક પાલનમાં કંપનીઓને રાહત આપવા માટે જોગવાઈ, આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિમાં છૂટછાટો આપવી, અને લોનના હપ્તાની ચુકવણીમાં ત્રણ મહિનાની છૂટછાટ આપવા વિશે ઉલ્લેખ કર્યો હતો. નાણાં મંત્રીએ અન્ય દેશોની આવશ્યક દવાઓ પ્રદાન કરીને વૈશ્વિક સમુદાયને એક જવાબદાર સભ્ય દેશ સ્વરૂપે ભારતની ભૂમિકા વિશે પણ આઈએમએફસીને જાણકારી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સાર્ક નેતાઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત બેઠકમાં સાર્ક ક્ષેત્ર માટે કોવિડ-19 કટોકટી ભંડોળ બનાવવા માટેની પહેલ વિશે પણ જાણકારી આપી હતી.

કોવિડ-19 સંકટ સમયે સભ્ય દેશોની સહાયતા કરવા સાથે સંબંધિત આઇએમએફની ચેનલનો ઉલ્લેખ કરીને શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ભંડોળ વ્યવસ્થાને સ્થિર જાળવી રાખવા આઇએમએફએ હંમેશા મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આઇએમએફનાં વૈશ્વિક માળખાગત માળખા માટે સંસ્થાએ પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને આગળ પણ સતત જાળવી રાખવી જોઈએ.

 

 

GP/DS



(Release ID: 1615510) Visitor Counter : 251