કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ મંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખરીફ પાક પર રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
રાજ્યોએ મિશન મોડમાં ખરીફ લક્ષ્યાંક હાંસલ કરવાનું અને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ: શ્રી નરેન્દ્રસિંહ તોમર
નાણાકીય વર્ષ 2020-21 માટે ખાદ્યાન્ન ઉત્પાદન લક્ષ્ય 298.0 મિલિયન ટન નિર્ધારિત કરવામાં આવ્યું
“પ્રધાનમંત્રીએ ખાતરી આપી છે કે, કટોકટીના સમયમાં ‘ગામ, ગરીબ અને ખેડૂત’ને મુશ્કેલી નહીં પડે”: શ્રી તોમર
Posted On:
16 APR 2020 3:26PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોએ મિશન મોડમાં ખરીફ લક્ષ્યાંક હાંસલ કરવાનું અને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખરીફ પાક પર રાષ્ટ્રીય પરિષદ 2020ને સંબોધતા તેમણે રાજ્યોને ખાતરી આપી હતી કે, ભારત સરકાર રાજ્યો ને પડી રહેલી તમામ સમસ્યાઓ દૂર કરશે.
રાષ્ટ્રીય ખરીફ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સમસ્યાઓ અને લૉકડાઉનની સ્થિતિને અનુલક્ષીને ખરીફ પાકના વાવેતર અંગે પૂર્વતૈયારીઓ વિશે રાજ્યો સાથે પરામર્શના આધારે તૈયાર કરવામાં આવેલી વિવિધ પગલાંની યાદી અંગે ચર્ચા કરવાનો હતો.
શ્રી તોમરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે ઉભી થયેલી અસામાન્ય સ્થિતિ સામે કૃષિ ક્ષેત્રએ પૂરા જુસ્સા સાથે લડવાનું છે અને આ સ્થિતિમાંથી દરેક વ્યક્તિએ બહાર આવીને પોતાના તરફથી શ્રેષ્ઠ કામગીરી કરવાની છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે આ કટોકટીના સમયમાં “ગામ, ગરીબ અને ખેડૂત”ને કોઇપણ પ્રકારે મુશ્કેલી નહીં પડવામા દેવામાં આવે. શ્રી તોમરે રાજ્યોને વિનંતી કરી રહી કે, બે યોજના – પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંગે દરેક ખેડૂતને સમજાવવામાં આવે.
મંત્રીએ તમામ રાજ્યોને માહિતી આપી હતી કે, લૉકડાઉનના કારણે ખેતી ક્ષેત્રને કોઇ અસર પડી નથી તે સુનિશ્ચિત કરવા માટે ઓલ ઇન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કૉલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમણે રાજ્યોને એમ પણ કહ્યું હતું કે, e-NAMનો ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. શ્રી તોમરે રાજ્યોને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સામાજિક અંતર અને સામાજિક જવાબદારીઓના માપદંડોનું પાલન કરતી વખતે કૃષિ ક્ષેત્ર માટે આપવામાં આવેલી છુટછાટો અને રાહતોનો અમલ કરવા માટે વિનંતી કરી હતી.
નાણાકીય વર્ષ 2020-21 માટે ખાદ્યાન્નનું લક્ષ્ય 298.0 મિલિયન ટન નિર્ધારિત કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન નક્કી કરવામાં આવેલા 291.0 મિલિયન ટનના લક્ષ્યની સામે ઉત્પાદન વધીને 292 મિલિયન ટન થવાની અપેક્ષા છે કારણ કે ક્ષેત્રફળમાં વધારો થયો છે અને વિવિધ પાકોની ઉત્પાદકતા પણ વધી છે.
કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ રાષ્ટ્રીય પરિષદમાં સહભાગીઓને સંબોધતી વખતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના લાભો ખેડૂતોને સમજાવવા જોઇએ. શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં કૃષિ અને બાગાયત ક્ષેત્ર ઘણા રાજ્યોમાં આર્થિક વિકાસ માટે મુખ્ય ચાલક ઘટક બની ગયા છે. ગત વર્ષે (2018-19) દેશમાં વિક્રમી પ્રમાણમાં ખાદ્યાન્નના ઉત્પાદન ઉપરાંત, 313.85 મિલિયન મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અંદાજે 25.49 મિલિયન હેક્ટર વિસ્તારમાં થયું હતું જે દુનિયામાં ફળફળાદીના કુલ ઉત્પાદનમાંથી 13 ટકા હિસ્સો છે. તેમણે કહ્યું હતું કે, ચીન પછી ભારત સમગ્ર દુનિયામાં બીજુ સૌથી મોટું શાકભાજી ઉત્પાદક રાષ્ટ્ર છે.
રાજ્યમંત્રી (કૃષિ) શ્રી કૈલાશ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે હાલમાં વરસાદ આવવાની રૂપરેખા પણ બદલાઇ છે, તેવી સ્થિતિમાં વર્ષ 2018-19માં 285 મિલિયન ટન જેટલા વિક્રમી જથ્થામાં ખાદ્યાન્નનું ઉત્પાદન થયું છે અને 2019-20માં તો તે હજુ પણ વધીને 292 મિલિયન ટન થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, આ બધુ જ ટેકનોલોજીમાં વિવિધ સુધારા સહિત અદ્યતન ટેકનોલોજી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સમર્પિત અને સંકલિત પ્રયાસોના પરિણામે શક્ય બન્યું છે.
શ્રી સંજય અગ્રવાલ, સચિવ (કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ)એ આ પરિષદના સમાપન વખતે બોલતા કહ્યું હતું કે, આપણા દેશમાં અન્ન સિલક હોવા છતાં, આપણે હજુ પણ કૃષિ અને બાગાયત ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં અન્ન અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત થઇ શકે. તેમણે તમામ ઉપસ્થિતોને પાકમાં વધારો કરવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો જેમ કે, પાણી અને ખાતરની કાર્યદક્ષતા વધારવા માટે ટપક અને ફુવારા સિંચાઇને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (PMKSY) હેઠળ “દરેક ટીંપાથી વધુ પાક” જેવા સૂત્રોની મદદથી ખેડૂતોમાં વધુ સિંચાઇ અંગે જાગૃતિ લાવવી, પરમ પ્રગત કૃષિ વિકાસ યોજના (PKVY), સુધારેલી ખેડૂતલક્ષી “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)”, ખેડૂતોને ઇલેક્ટ્રોનિક ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે e-NAM પહેલ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆત, પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના (PM-KPY) નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની શરૂઆત, તેલીબિયા, કઠોળ અને પાક માટે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે PM-AASHA યોજનાની શરૂઆત અને ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછા બે ગણા સ્તરે લઘુતમ ટેકાના ભાવ (MSP) આપવા તેમજ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સીધા માર્કેટિંગ માટે વિવિધ જોગવાઇઓ અને લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતો બહેતર આર્થિક પુનરાગમન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે કૃષિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શિકા/ સલાહ વિશે માહિતી આપી હતી.
ખરીફ મોસમમાં ખાસ કરીને મહામારીના કારણે લૉકડાઉન દરમિયાન પાક વ્યવસ્થાપન માટે વ્યૂહનીતિના વિગતવાર પ્રેઝન્ટેશન સાથે કૃષિ આયુક્ત ડૉ. એસ. કે. મલહોત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયદામાં (1988-89 થી 2018-19)માં વાવણી/કૃષિલાયક જમીનમાં 2.74 મિલિયન હેક્ટરનો ઘટાડો થયો છે. જોકે, આ સમય દરમિયાન જ, ચોખ્ખો પાકનો વિસ્તાર 182.28 મિલિયન હેક્ટરથી વધીને 196.50 મિલિયન હેક્ટર થયો છે. જેમાં વાવેતરનો ચોખ્ખો વિસ્તાર મોટાભાગે બદલાયા વગર 140 મિલિયન હેક્ટર રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સમયગાળામાં વિવિધ ટેકનોલોજીમાં સુધારા અને નીતિગત હસ્તક્ષેપોના કારણે ખાદ્યાન્નનું ઉત્પાદન 169.92 મિલિયન ટનથી વધીને 284.96 મિલિયન ટન થયું છે.
જો રવી પાકની વાત કરીએ તો, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ રાજ્યો ગામડા/બ્લૉક સ્તરેથી ખરીદી સુનિશ્ચિત કરશે કારણ કે ખેડૂતોને લૉકડાઉનની સ્થિતિમાં તેમના બ્લૉકમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. વધુમાં, તમામ રાજ્યો ખેડૂતો પાસે ઉત્પન થયેલા પાકના સીધા માર્કેટિંગ/ખરીદી માટે વિવિધ પગલાં લઇ રહ્યા છે.
સમગ્ર દેશમાં ગ્રામ્ય/બ્લૉક સ્તરે બિયારણ અને ખાતર જેવા કૃષિ ઇનપુટ્સ સમયસર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે આવી ચીજોનું વહન કરતી ટ્રકો/વાહનોની હેરફેર માટે તમામ રાજ્યોમાં સલાહ/માર્ગદર્શિકા ઇશ્યુ કરવામાં આવી છે અને રાહતો આપવામાં આવી છે. સરકારે e-NAM સિસ્ટમ પણ વધુ મજબૂત કરી છે જેથી ખેડૂતોને ઇલેક્ટ્રોનિક ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે અને તેમને બહેતર આર્થિક વળતર મળી રહે.
છેલ્લા દાયકાઓમાં કેટલાક પ્રયાસો કરવા છતાં, મોટો કૃષિ વિસ્તાર હજુ પણ ચોમાસા પર નિર્ભર છે અને જો ચોમાસુ નિષ્ફળ જાય તો એવી સ્થિતિમાં ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે “પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના” (PMKSY)નો અમલ કરવામાં આવી રહ્યો છે જેથી નિશ્ચિત સિંચાઇ હેઠળ વાવેતરનો વિસ્તાર વધારી શકાય અને ખેતરમાં પાણીની કાર્યદક્ષતા વધારી શકાય તેમજ પાણીનો બગાડ ઘટે. આ માટે ચોક્કસ સિંચાઇ અને અન્ય પાણી બચાવતી ટેકેનોલોજી આ યોજના હેઠળ અપનાવવામાં આવે છે.
રાષ્ટ્રીય અન્ન અને પોષણ સુરક્ષા મિશન (NF&NSM)ના અમલીકરણ માટે આગોતરા આયોજન માટે સ્ટેટ એક્શન પ્લાન (SAP)નું પ્રારૂપને વધુ સરળ બનાવવામાં આવ્યું છે અને તેને ઘટાડીને એક પાનાનું કરવામાં આવ્યું છે જેથી રાજ્યો ઓછામાં ઓછા પ્રયાસો સાથે SAP તૈયાર કરી શકે છે અને સંબંધિત અધિકારી પાસેથી માન્યતા મળ્યા પછી ભારત સરકારમાં જમા કરાવી શકે. NF&NSM મુખ્યત્વે ખાદ્યાન્નના ઉત્પાદનનો આદેશ છે અને રાજ્ય કૃષિ વિભાગો દ્વારા સમગ્ર દેશમાં પરિયોજના મોડ ધોરણે તેનો અમલ કરવામાં આવ્યો છે.
એકવાર SAP પ્રાપ્ત થઇ જાય પછી, તેને એક અઠવાડિયામાં ચકાસવામાં આવશે અને અમલીકરણ એજન્સીને તે મોકલી આપવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે SAP તૈયાર કરવામાં માર્ગદર્શન આપતી અને ફિલ્ડ મુલાકાત તેમજ ખેડૂતો સાથે વાર્તાલાપ દ્વારા દેખરેખ રાખતી પરિયોજના દેખરેખ ટીમ પણ નિયુક્ત કરવામાં આવી છે. વિવિધ હસ્તક્ષેપોનું જીઓ-ટેગિંગ પણ કરવામાં આવે છે જેથી સમગ્ર કાર્યક્રમના અમલીકરણમાં પારદર્શકતા રહે.
વિશેષ સચિવો, અધિક સચિવ (કૃષિ) અને DAC&FW, ICARના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ રાજ્ય સરકારના અધિકારીઓએ રાષ્ટ્રીય પરિષદમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો. કૃષિ ઉત્પાદન આયુક્તો અને તમામ રાજ્યોના અગ્ર સચિવો સાથે પાંચ સમૂહોમાં વાર્તાલાપ સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી સંબંધિત રાજ્યોની સિદ્ધિ, પડકારો, વધુ કૃષિ વિસ્તાર આવરી લેવા માટે અપનાવવાની હોય તે વ્યૂહનીતિ, કૃષિ ક્ષેત્રમાં ખરીફ મોસમમાં ઉત્પાદન અને ઉત્પાદકતા અંગે મંતવ્યોનું આદાનપ્રદાન થઇ શકે.
GP/DS
(Release ID: 1615030)
Visitor Counter : 518
Read this release in:
Telugu
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam