રસાયણ અને ખાતર મંત્રાલય

કોવીડ-19 રોગચાળા વચ્ચે ખાતર વિભાગ દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેની ખાતરી કરવા માટે દેશમાં ખાતરના ઉત્પાદન, હેરફેર અને તેની ઉપલબ્ધતા ઉપર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે

Posted On: 16 APR 2020 3:08PM by PIB Ahmedabad

કોવીડ-19 રોગચાળાના પરિણામે ઉદભવેલી વિષમ પરિસ્થતિને પહોંચી વળવા માટે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી વી સદાનંદ ગૌડા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને ખાતર વિભાગના સચિવ શ્રી છબિલેન્દ્ર રાઉલ દ્વારા દેશમાં ખાતરના ઉત્પાદન અને વિતરણની પ્રવૃત્તિઓ ઉપર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમની સમીક્ષા કરવામાં આવી રહી છે. વિભાગમાં સર્વોચ્ચ સ્તર પર બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે સમગ્ર દેશમાં ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ખાતર મળી રહે. ઉત્પાદન અને પુરવઠા શ્રુંખલામાં કોઇપણ સમસ્યાને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રના સ્તર પર જુદી જુદી સંસ્થાઓ સાથે સંપૂર્ણપણે સંકલન સાધવામાં આવી રહ્યું છે.

ખેડૂતો માટે ખાતરનો પુરવઠો જાળવી રાખવા અંગે સરકારની પ્રતિબદ્ધતા અંગે વાત કરતા શ્રી ગૌડાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધી ઉપલબ્ધતાની સ્થિતિ સામાન્ય છે”.

ખાતર વિભાગ (DoF) જ્યારે અને જ્યાં જરૂર પડે ત્યારે આંતરમંત્રાલય સ્તર પર મુદ્દાઓને હાથમાં લઇ રહ્યું છે અને કામગીરીના અવરોધોને લગતા મુદ્દાઓને ઉકેલવા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે.

DoF દ્વારા તમામ ખાતર ઉત્પાદન કરતી કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્લાન્ટથી પોર્ટ સુધી ખાતરની સુગમ હેરફેરની ખાતરી કરે અને લોકડાઉનના કારણે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતરના જે રેક્સ અટવાઈ ગયા છે તેની પણ માહિતી પૂરી પાડે. અટવાઈ ગયેલા રેક્સનું અનલોડીંગ રેલવે મંત્રાલય અને સંલગ્ન રાજ્ય કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસોના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. કલાકે કલાકે અને દરરોજ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તેમને નજીકના પ્લાન્ટમાં ખાતરના જથ્થાના સંગ્રહની વધારાની શક્યતા શોધી કાઢવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

DoF ખાતરના પ્રાથમિક બર્થીંગ માટે અને પોર્ટ્સ ઉપર ખાતરના અનલોડીંગ તથા હેરફેર માટેની પરવાનગી આપવા શીપીંગ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના કૃષિ વિભાગો, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને વિનંતી કરવામાં આવી છે કે એક અતિ મહત્વના સામાન તરીકે ખાતરના સતત આવાગમનની ખાતરી કરવામાં આવે. તમામ ખાતર ઉત્પાદન કરતી કંપનીઓને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ઘનિષ્ઠ સંકલન સ્થાપિત કરવાની સલાહ આપીને જમીની સ્તરના સંકલનની ખાતરી કરવામાં આવી રહી છે જેથી સિંગલ સ્થળો માટે એક કરતા વધુ રેક ડીસ્પેચને ટાળી શકાય અને લોજીસ્ટીક ચેનને સુગમતાથી ચાલુ રાખી શકાય. એવી પણ સલાહ આપવામાં આવી છે કે તમામ કામગીરીઓમાં આરોગ્ય સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગની જોગવાઈઓનું કડકપણે પાલન કરવામાં આવે.

ખાતર વિભાગે ભારત સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવેલ જુદા જુદા દિશા નિર્દેશોને ધ્યાનમાં રાખીને કેટલાક સાવચેતીના પગલા પણ લીધા છે અને તે અનુસાર ખાતર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ માટે તથા ખાતર વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ રહેલ જાહેર ક્ષેત્રના એકમોને જરૂરી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે જેથી રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ, યોગ્ય સ્વાસ્થ્યની આદતો અને સ્વચ્છતા વગેરેની ખાતરી કરી શકાય.

ખાતર ક્ષેત્રમાં મધ્યમથી લાંબા ગાળામાં વૃદ્ધિને પુનઃસ્થાપિત કરી શકાય તે માટે એક મુખ્ય સુધારાઓ અને અન્ય પહેલોને લગતો એક સ્પષ્ટ રોડ મેપ તૈયાર કરવા અને રોડ મેપનું અમલીકરણ કરવા તેની ઉપર દેખરેખ રાખવા માટે અધિકારીઓની એક ટીમની પણ રચના કરવામાં આવી છે.

સામાજિક જવાબદારીના ભાગરૂપે રસાયણ અને ખાતર મંત્રી દ્વારા જાહેર ક્ષેત્રના એકમો અને ખાતર ઉદ્યોગોને તેમના CSR બજેટમાંથી રોગચાળાને નાથવા માટે અને તેની વિનાશક અસરોને દૂર કરવા માટે લેવાઈ રહેલા પગલાઓમાં મદદ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી. તેમણે ખાસ કરીને તેઓને પીએમ કેર ભંડોળ કે જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે તેમાં પોતાનું દાન આપવા માટે અપીલ કરી હતી. અત્યાર સુધીમાં જાહેર ક્ષેત્રના એકમો સહીત જુદી જુદી કંપનીઓ દ્વારા પીએમ કેર ભંડોળમાં 45 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

DoFના સ્ટાફ અને DoFના વહીવટી નિયંત્રણ હેઠળ આવતા CPSEsના સ્ટાફના લોકોને પણ પીએમ કેર ભંડોળમાં ઉદારતાથી દાન આપવાની વિનંતી કરવામાં આવી છે.

ઉપરાંત, કોવીડથી અસરગ્રસ્ત લોકોના ઈલાજ માટે દવાખાનાની તૈયારીઓને લગતી આરોગ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઇઝરી NFL અને RCF, કે જે DoF હેઠળના CPSUs છે જેમને તેમના પોતાના દવાખાનાઓ છે, તેમને મોકલી દેવામાં આવી છે.

GP/DS



(Release ID: 1615023) Visitor Counter : 204