સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના અંતરિયાળ વિસ્તારોના લોકો માટે વિશેષ ટપાલગાડીની વ્યવસ્થા કરવામાં આવી


પોસ્ટ ઓફિસો દ્વારા વૃદ્ધ પેન્શનરોને ઘરે જઇને પેન્શનની રકમ આપવામાં આવે છે

Posted On: 15 APR 2020 4:48PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે લડવા માટે અને સામાજિક અંતરનો હેતુ સિદ્ધ કરવા માટે તેમજ પોસ્ટ ઓફિસોમાં ભીડ ન થાય તે આશયથી પોસ્ટ ઓફિસો દ્વારા વૃદ્ધ પેન્શનરોને તેમના ઘરે જઇને પેન્શનની રકમ ચૂકવવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસો સમાજને તેમની સેવાઓ પૂરી પાડીને કોવિડ-19ના આ પડકારજનક સમયમાં આર્થિક, આરોગ્ય સંભાળ અને લોકોની સુખાકારી માટે રાજ્ય/ સ્થાનિક વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરે છે.

જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી પોસ્ટ ઓફિસો સ્થાનિક લોકોને આર્થિક વ્યવહારોની સુવિધા આપવા-સરળતાથી નાણાં જમા કરાવવા અને ઉપાડવાની સુગમતા ઉભી કરવાના પ્રાથમિક હેતુથી ખોલવામાં આવી છે જેથી લોકો પાસે તેમની દૈનિક અને મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં હોય. આ સંદર્ભે, પોસ્ટ ઓફિસો ખાતે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ (AePS) શરૂ કરવામાં આવી છે જેથી કોઇપણ બેંકમાં ખાતું ધરાવતા લોકો કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી દર મહિને રૂ. 10000/- સુધીની રકમ ઉપાડી શકે. આ માટે માત્ર એક જ શરત છે કે લાભાર્થીનું બેંકનું ખાતું આધાર નંબર સાથે લિંક કરેલું હોવું જોઇએ.

ગ્રાહકો જમ્મુ તાવી ખાતે આર્થિક વ્યવહારો કરી રહ્યા છે
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં અંતરિયાળ વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ વગેરે અગ્રતા ધરાવતી ટપાલોનું સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ટપાલગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. અગ્રતા ટપાલોની વિન્ડો ડિલિવરી પણ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવે છે.

લદ્દાખમાં ટપાલોનું પરિવહન અને વિનિમય
પોસ્ટ ઓફિસ પોતાની સામાજિક જવાબદારીઓ અંગે અને કટોકટીના આ સમયમાં સમાજના ગરીબ તેમજ નબળા વર્ગને રાહત અને સંકટ સહાય પહોંચાડવા અંગે જાગૃત છે. રાજ્ય/ સ્થાનિક વહીવટીતંત્રો સાથે નીકટતાથી સંકલનમાં રહીને સુકુ રેશન અને માસ્ક, સેનિટાઇઝર તેમજ સાબુ જેવી સલામતીની ચીજો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિભાગીય ટપાલ મોટર વાહનો જિલ્લા/મ્યુનિસિપલ સત્તામંડળના સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ખાદ્ય અને અન્ય ચીજો, દવાઓ વગેરેના વિતરણ માટે લોજિસ્ટિક્સ મદદ આપી શકાય. મ્યુનિસિપલ સત્તામંડળો સાથે સંકલન કરીને પોસ્ટ ઓફિસ પરિસરોના સેનિટાઇઝેશનનું કામ પણ કરવામાં આવે છે.

GP/RP



(Release ID: 1614755) Visitor Counter : 198