વિદ્યુત મંત્રાલય

પાવરગ્રિડે કોવિડ-19 મહામારી સામે લડવા સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરી

Posted On: 14 APR 2020 5:10PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી મોટી ચિંતાનું કારણ બની છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે વીજ મંત્રાલયના નેજા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની પાવરગ્રિડે ચોવીસેય કલાક - 24x7 અવિરત વીજળીનું પ્રસારણ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ભારતમાં મહામારીનો માર ઝીલી રહેલાઓની મદદ માટે માનવતાવાદી રાહત પ્રવૃત્તિઓ પણ સક્રિયપણે શરૂ કરી છે.

એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે પાવરગ્રિડ કોવિડ-19 મહામારી સંબંધિત સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરનારી સૌપ્રથમ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીએ પીએમ કેર્સ ફંડમાં રૂા. 200 કરોડનું યોગદાન આપ્યું છે. ઉપરાંત, પાવરગ્રિડના તમામ કર્મચારીઓએ પીએમ કેર્સ ફંડમાં પોતાનો એક દિવસનો પગાર અનુદાન પેટે આપ્યો છે.

પીએમ કેર્સ ફંડમાં નાણાંકીય યોગદાન આપવાની સાથે સાથે જાહેર ક્ષેત્રની આ કંપનીએ તેના કરાર હેઠળના કર્મચારીઓ, શ્રમિકો અને તેના સબ-સ્ટેશન અને ટ્રાન્સમિશન લાઈનની ઓફિસોની આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરતમંદોને ફૂડ પેકેટ્સ / કરિયાણું પણ વહેંચ્યું હતું. આ આવશ્યક ચીજવસ્તુઓ ઉપરાંત કંપનીએ માસ્ક્સ, સેનિટાઈઝર્સ અને સાબુ પણ વહેંચ્યાં હતાં. અત્યાર સુધીમાં દેશભરમાં 200થી વધુ સ્થળોએ આશરે 81,000 લાભાર્થીઓને રૂા. 4.27 કરોડના રાશન / ખાદ્ય ચીજો અપાઈ છે.
પાવરગ્રિડે હોસ્પિટલોને વેન્ટિલેટર્સ ખરીદવા, તબીબી સવલતો વધુ મજબૂત બનાવવાં તેમજ આ મહામારીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પણ મદદ કરી છે. દેશભરની વિવિધ હોસ્પિટલોને કોવિડ-19 સામેની લડતમાં સાથ આપવા માટે કંપનીએ પીપીઈ કિટ્સ, વેન્ટિલેટર્સ અને હોસ્પિટલનાં અન્ય ઉપકરણો વહેંચ્યાં છે.

આ ઉપરાંત, દેશનાં વિવિધ સ્થળોએ આવેલી પાવરગ્રિડની ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓની ટુકડીઓ આ મહામારી દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વ વિશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાથી આ જીવલેણ બીમારીનું પ્રસરણ કેવી રીતે અટકી શકે છે, તે અંગે લોકોને સજાગ કરી રહી છે.

RP

******(Release ID: 1614480) Visitor Counter : 60