આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોવિડ-19 મહામારીનો સામનો કરવા પીસીએમસીએ અપનાવેલી રીતો અને સમાધાનો

Posted On: 14 APR 2020 3:15PM by PIB Ahmedabad

પિમ્પરી ચિંચવાડ એ પૂણેની શહેરની બહાર વસેલી નગર વસાહત અને પૂણે મેટ્રોપોલિટન રિજનનો ભાગ છે. ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઊભું થયેલું અને પૂણે માટે મુખ્યત્વે ટેકારૂપ બની ગયેલી આ વસાહત અત્યારે મુખ્ય વિકસતું શહેર બની ગયું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અહીં વસ્તીમાં મોટો વધારો થયો છે તેમજ પિમ્પરીની રહેઠાણ ક્ષમતામાં પણ વધારો થયો છે. વસ્તીમાં વધારો થવાની સાથે કચરામાં પણ વધારો થયો છે. પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશને કચરાનું વ્યવસ્થાપન કરવામાં અને સાફસફાઈની સેવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. ઉપરાંત તાજેતરમાં પીસીએમસીએ કોવિડ-19 મહામારી સામે લડવામાં ઝડપી અને સતર્ક પ્રતિસાદ આપ્યો છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

પીસીએમસીએ વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા કેટલીક નવીન અને મહત્ત્વપૂર્ણ પહેલો હાથ ધરી છે. પણ ઘટનાઓ પર નજર રાખવા, પ્રતિભાવમાં સુધારોવધારો કરવા અને જરૂરી પરિવર્તનો કરવા કન્ટ્રોલ રૂમ (નિયંત્રણ કક્ષ) સિવાયની લડાઈ વ્યર્થ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીસીએમસીએ વોર રૂમ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી પિમ્પરી ચિંચવાડ સ્માર્ટ સિટી લિમિટેડ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી. રૂમ પીસીએમસીમાં કોવિડની સ્થિતિનું ઉચિત વ્યવસ્થાપન કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે અને જીઆઇએસ મેપિંગ, ડેટા એનાલીસિસ, ક્વારેન્ટાઇન ઘરો વગેરે જેવા ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાગરિકોની વહીવટીતંત્ર સુધી સીધી પહોંચ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવા એક હેલ્પલાઇન નંબર પણ ઊભો કરવામાં આવ્યો છે. વોર રૂમનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે થાય છે કે, આ તમામ પ્રશ્રો અને શંકાઓનું સમાધાન વ્યાવસાયિક દ્વારા આપી શકાશે. આ અતિ મહત્ત્વપૂર્ણ બાબત છે, ખાસ કરીને હાલ જેવા સંવેદનશી સમયમાં, જ્યારે બનાવટી સમાચારો ઓનલાઇન ઝડપથી ફેલાય છે.

પીસીએમસીએ મહામારીની સ્થિતિનો સામનો કરવા અસરકારક સાધન તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એપના ઉપયોગથી લઈને જીઆઇએસ ટૂલના ઉપયોગ કરીને નજર રાખવી અને ડેશબોર્ડ પર નજર રાખવા સુધી પીસીએમસી ઉચિત નિરીક્ષણ માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને શહેરમાં કોવિડની સ્થિતિ પર નજર રાખવા સક્ષમ બન્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસરકારક કામગીરી શ્રેષ્ઠ નિર્ણયો લેવા તરફ દોરી ગઈ છે.

પીસીએમસીના તમામ ડિજિટલ સોલ્યુશનમાં પીસીએમસી સ્માર્ટ સારથી મોબાઇલ એપ્લિકેશન ખરાં અર્થમાં ઉપયોગી પુરવાર થઈ છે. સૌપ્રથમ, આ એપ કોવિડ-19 સ્વ-મૂલ્યાંકન પરીક્ષણની ક્ષમતા ધરાવે છે. આ પીસીએમસી એરિયામાં વસતા નાગરિકો માટે ઓનલાઇન સ્વમૂલ્યાંકન કસોટી છે. આ કસોટી “રિસ્ક એસેસ્સમેન્ટ ક્રાઇટેરિયા” (જોખમ મૂલ્યાંકનનાં માપદંડો) આસપાસ બનેલી છે, જેના માધ્યમથી પ્રશ્રોના જવાબોને આધારે કોઈ પણ નાગરિકના સ્વાસ્થ્યનું જોખમ ઓળખી શકાશે. આ કસોટી નાગરિકોની સાથે કોર્પોરેશન માટે પણ ઉપયોગી છે, કારણ કે યુએલબી અસરકારક રીતે ઓનલાઇન ડેટાને એકત્ર કરી શકે છે, જેનું પછી કાર્યયોજના બનાવવા માટે ઉચિત રીતે વિશ્લેષણ કરી શકાય છે અને જોખમનું નિવારણ કરવા અસરકારક પ્રતિસાદ આપી શકાય છે. બે, એપ ક્વારેન્ટાઇન થયેલા લોકોની અવરજવર પર નિયંત્રણ ધરાવે છે. આ તેમના ભૌગોલિક સ્થાનની ઓળખ કરવાના ઇરાદા સાથે ક્વારેન્ટાઇન થયેલા દર્દીઓને જોડવા અને સર્વેમાં સામેલ કરવાની રીત છે. જો દર્દીનું લોકેશન ઓળખ કરાયેલા લોકેશન (હાલના લોકેશન)થી 100 મીટરથી વધારે દૂર હોય, તો એ એરિયાનાં સંબંધિત હેલ્થ વર્કરને ઓટોમેટિક અપડેટ મોકલવામાં આવે છે. ત્રણ, પીસીએમસીએ આ અભિયાન દ્વારા એપ મારફતે એક પહેલ શરૂ કરી છે, જેમાં કોર્પોરેશને નાગરિકોને રાહતના પગલાં લેવા સ્વયંસેવા આપવા નાગરિકોને અપીલ કરી છે. આ ઓનલાઇન અભિયાન સ્વયંસેવકોના ડેટાને એકત્ર કરે છે, જે પીસીએમસીની કાર્યયોજના માટે મદદરૂપ થશે. છેલ્લી અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ એપ ‘નીયર-મી’ ખાસિયત ધરાવે છે. આ હોસ્પિટલો, સરકારી કાર્યાલયો, બજારો વગેરે જેવા નજીકનાં સ્થળો દર્શાવે છે, જે કાર્યરત હોય છે અને નાગરિકો એમાંથી સેવા મેળવી શકે છે. આ નજીકમાં મફતમાં ભોજનનું વિતરણ કરતાં કેન્દ્રો અને જરૂરિયાતમંદ લોકો માટે આશ્રય સુવિધાઓના લોકેશનને પણ દર્શાવે છે. અત્યારે 40થી વધારે નિઃશુલ્ક ભોજન વિતરણ કેન્દ્રો, 9 આશ્રયસ્થાનો, 35થી વધારે ઇમરજન્સી ડિસ્પેન્સરી, 50થી વધારે ગ્રોસરી સ્ટોર સામેલ છે, જે હોમ ડિલિવરી કરે છે. પીસીએમસીએ આ વિભાગમાં અનાજ-કરિયાણું, દવાઓ, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડતી દુકાનો અને કોવિડ-19 ટેસ્ટિંગ અને સારવાર માટે માન્યતાપ્રાપ્ત હોસ્પિટલોનાં સરનામાં અને સંપર્ક વિગતો જેવી વધારાની માહિતી પૂરી પાડવાની યોજના પણ ધરાવે છે.

જ્યારે આ સુનિશ્ચિત કરવું અતિ મહત્ત્વપૂર્ણ છે કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરમાં રહે, ત્યારે મોખરે રહીને આ લડતમાં કામ કરતાં લોકોની કાળજી રાખવી પણ એટલી જ અગત્યની છે. એટલે આપણા સ્વચ્છતા યોદ્ધાઓનું રક્ષણ કરવા માટે પીસીએમસીએ તમામ સેનિટેશન વર્કર્સ માટે સ્પેશ્યલ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની જોગવાઈ કરી છે. આની સાથે સેનિટેશન સ્ટાફને માર્ગદર્શિકાઓની જોગવાઈ અને જાહેર સ્થળોમાં ડિસઇન્ફેક્શન હાથ ધરવા એસઓપી તેમજ ઘરેઘરે જઈને કચરો એકત્ર કરવા અને એનો નિકાલ કરવાની સાથે નિયમિત સૂચનાઓ પણ આપવામાં આવે છે.
પીસીએમસી નિયમિતપણે જાગૃતિ લાવે છે અને વિવિધ મીડિયા ચેનલો – સોશિયલ મીડિયા, સ્થાનિક મીડિયા – પ્રિન્ટ અને ટીવીમાં તેમની લેટેસ્ટ કામગીરી વિશે જાણકારી આપે છે. આ સાથે કચરો એકત્ર કરતાં તમામ વાહનો સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સંલગ્ન છે. તેમનો ઉપયોગ વિવિધ વિષયો પર ઓડિયો ક્લિપ વગાડવા માટે થાય છે, જેમાં કોવિડ અંગે જાગૃતિ લાવવા, તકેદારીના ભાગરૂપે સ્વચ્છતા જાળવવા, સરકારી સૂચનાઓ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યાં છે. આ દર્શાવે છે કે, પીસીએમસી કોવિડ-19 મહામારીથી તેના નાગરિકોનું રક્ષણ કરવા અને આ વિશે તેમની અંદર જાગૃતિ લાવવા સમર્પિત છે.

પિમ્પરીને વિવિધતા, ઉદારતા અને નવીનતા પર હંમેશા ગર્વ છે. એ જોઈને આનંદ થાય છે કે, મહારાષ્ટ્રનું એક ઉપનગર વૈશ્વિક મહામારી વચ્ચે એની સંપૂર્ણ અસરકારકતા જાળવીને કામગીરી કરી રહ્યું છે તથા એના તમામ પ્રયાસોમાં ખરાં અર્થમાં સ્વચ્છતા અને સ્વસ્થતાની સંસ્કૃતિને અપનાવી છે.



(Release ID: 1614422) Visitor Counter : 224