વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સામે લડવા માટે દુર્ગપૂરના CSIR-CMERI દ્વારા ડિસઇન્ફેક્શન વૉક-વે અને રોડ સેનિટાઇઝર તૈયાર કરાયું

Posted On: 10 APR 2020 11:52AM by PIB Ahmedabad

નોવલ કોરોનાવાયરસ (કોવિડ-19) બીમારીએ અત્યારે સમગ્ર દુનિયામાં ઉત્પાત મચાવ્યો છે ત્યારે, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલ (CSIR) દ્વારા S&T ઉકેલો આપવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુર્ગપૂર ખાતે આવેલી CSIRની અગ્રણી લેબમાંથી એક ગણાતી CSIR- સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CMERI) દ્વારા એવી ટેકનોલોજી અને ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે આ વાયરસનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે.

વર્તમાન સમયની માંગને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી કેટલીક વિશેષ ટેકનોલોજીનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

ડિસઇન્ફેક્શન વૉક-વે: ડિસઇન્ફેક્શન વૉક-વેને વર્તમાન સમયમાં ઉપલબ્ધ સૌથી વ્યાપક ડિસઇન્ફેક્શન ડિલિવરી સિસ્ટમમાંથી એક ગણી શકાય. આ વૉક-વેમાં કોઇપણ વ્યક્તિગત રીતે ઢંકાઇ જતી ઓછામાં ઓછી જગ્યાને બાદ કરતા મહત્તમ વિસ્તાર આવરી લેવામાં આવે છે. આ વૉક-વે આઇસોલેશન/ ક્વૉરેન્ટાઇન સુવિધાઓ, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમના પ્રવેશ દ્વાર, તબીબી કેન્દ્રો અને જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય તેવા કોઇપણ સ્થળો કે જે બહુવિધ રીતે મહત્વપૂર્ણ હોય ત્યાં લગાવી શકાય છે.

CSIR-CMERI દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિસઇન્ફેક્શન વૉક-વેના બે વેરિઅન્ટ્સ ઉપલબ્ધ છે:

  1. ન્યૂમેટિક વેરિઅન્ટ ડિસઇન્ફેક્શન વૉક-વે: વૉક-વે ડિસઇન્ફેક્શનના આ વેરિઅન્ટમાં છ બારનું પ્રેશર કોમ્પ્રેસર હોય છે જેથી મહત્તમ પ્રમાણમાં ઝાકળનો છંટકાવ થઇ શકે છે. આ વૉક-વેમાં સાથે લગાવેલા સેન્સરની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે આ સિસ્ટમનો પરિચાલનનો સમય 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધીની રેન્જમાં રહી શકે. આ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત ઘણી વધારે હોવા છતાં, આ સિસ્ટમનો પરિચાલન ખર્ચ ઘણો ઓછો છે અને આ સિસ્ટમમાં ડિસઇન્ફેક્ટન્ટનો મહત્તમ ઉપયોગ થઇ શકતો હોવાથી સરવાળે ખર્ચ ઘટે છે. CMERI ખાતે આ સિસ્ટમ લગાવવામાં આવી છે અને CMERI ઇન્સ્ટિટ્યુટના મુખ્ય દરવાજા ખાતે લગાવેલા આ વૉક-વેનું માપ 2 મીટર ઊંચાઇ, 2.1 મીટર લંબાઇ અને 1 મીટર પહોળાઇ છે.

 

2. હાઇડ્રોલિક વેરિઅન્ટ ડિસઇન્ફેક્શન વૉક-વે: આમાં 1 hp પ્રેશરાઇઝ્ડ મોટર હાઇ વેલોસિટી પમ્પ હોય છે અને સાથે નોઝલ લગાવેલા હોય છે જેથી મહત્તમ માત્રામાં ઝાકળનો છંટકાવ થઇ શકે. આ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત અન્યની તુલનાએ ઓછી છે. આ વૉક-વેમાં સાથે લગાવેલા સેન્સરની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે આ સિસ્ટમનો પરિચાલનનો સમય 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધીની રેન્જમાં રહી શકે. ડિસઇન્ફેક્શન વૉક-વેનું આ વેરિઅન્ટ CMERI મેડિકલ સેન્ટર ખાતે લગાવવામાં આવ્યું છે.

દિલ્હી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર, દુર્ગપૂર મ્યુનિસિપલ કોર્પોરેશન અને દુર્ગપૂરમાં આવેલી ઇશ્વરચંદ્ર હાઇસ્કૂલે આ ડિસઇન્ફેક્ટન્ટ વૉક-વેમાં રસ દાખવ્યો છે.

રોડ સેનિટાઇઝર યુનિટ:

CSIR-CMERI રોડ સેનિટાઇઝર યુનિટ એ ટ્રેક્ટરમાં લગાવેલી રોડ સેનિટાઇઝિંગ સિસ્ટમ છે. આ રોડ સેનિટાઇઝિંગ યુનિટ ધોરીમાર્ગો પર લાંબા અંતરમાં, ટૉલ પ્લાઝાની આસપાસનો વિસ્તાર વગેરે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિકનું ભારણ હોય છે અને ચેપનો ફેલાવો થવાની ઘણી વધુ શક્યતા હોય છે ત્યાં અસરકારક રીતે લગાવી શકાય છે. રહેણાંક પરિસરો, ઓફિસ પરિસરો, રમતગમતના સ્થળો, એપાર્ટમેન્ટની ઇમારતો વગેરેમાં પણ તે લગાવી શકાય છે.

રોડ સેનિટાઇઝર 16 ફૂટનો ફેલાવો ધરાવે છે અને અસરકારક રીતે સેનિટાઇઝર છોડવા માટે તેમાં 15 થી 35 બારના પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં 2000 થી 5000 લીટર સુધીની ટાંકીનો ઉપયોગ થાય છે અને સાથે 22 LMPનો પમ્પ લગાવેલો હોય છે જેનો ઉપયોગ કરીને 75 કિલોમીટર સુધીના રસ્તાને સેનિટાઇઝ કરી શકાય શકે છે.

આસન્સોલ મ્યુનિસિપલ કોર્પોરેશને આ યુનિટનું નિરીક્ષણ કર્યા પછી આવી ચાર સિસ્ટમ માટે ઑર્ડર આપ્યો છે જેમાંથી એક સિસ્ટમની ડિલિવરી કરી દેવામાં આવી છે. દુર્ગપૂર મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ યુનિટમાં રસ દાખવ્યો છે અને ખરીદી માટેની વાટાઘાટો ચાલી રહી છે. કેટલાક MSME અને લઘુ ઉદ્યોગ ક્લસ્ટર દ્વારા પણ આ યુનિટમાં રસ દાખવવામાં આવ્યો છે અને તેમની સાથે પણ ખરીદી સંબંધિત વાટાઘાટોની પ્રક્રિયા ચાલી રહી છે.



(Release ID: 1612932) Visitor Counter : 222