વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટનું ઉત્પાદન વધારવા CSIR - સેન્ટ્રલ ઈલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CSIR - CECRI) ઉદ્યોગ સાથે મળીને વિકલ્પો તપાસી રહી છે


રસ ધરાવતી ગ્રામીણ મહિલાઓને ડિજિટલ માધ્યમ દ્વારા તાલીમ અપાશે

Posted On: 08 APR 2020 11:27AM by PIB Ahmedabad

હાલમાં જ્યારે મહામારી કોવિડ-19 ફાટી નીકળી છે, ત્યારે  CSIRના વિશેષ પ્રયાસોની સાથે સાથે તેના જ નેજા હેઠળ તામિલનાડુમાં કારાઈકુડી સ્થિત લેબોરેટરી  CSIR - CECRI (સેન્ટ્રલ ઈલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ) કોવિડ-19નો હુમલો ખાળવા માટે વિજ્ઞાનને લગતી સેવા મારફતે સમાજની મદદ માટે હાથ લંબાવીને ઊભી છે. હાલની પરિસ્થિતિમાં સેનિટાઈઝર્સ, હોસ્પિટલમાં સહાયરૂપ સાધનો તેમજ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ - સ્વસુરક્ષાનાં સાધનો (પીપીઈ) અનિવાર્ય છે. 

આ દિશામાં  CSIR - CECRIએ તેની લેબોરેટરીમાં ડબલ્યુએચઓની ભલામણો મુજબ (ISO-પ્રોપેનોલ 75 ટકા, ગ્લિસેરોલ 1.45 ટકા, હાઈડ્રોજેન પેરોક્સાઈડ 0.125 ટકા વત્તા સુગંધ માટે લેમનગ્રાસનું તેલ) હેન્ડ સેનિટાઈઝર સોલ્યુશન્સ, કોપરેલનો ઉપયોગ કરીને હેન્ડ વોશ તેમજ સોડિયમ હાઈપોક્લોરાઈટ આધારિત જંતુનાશક સોલ્યુશન્સ સહિત પીપીઈની શ્રેણી વિકસાવી છે. આ સોલ્યુશન્સ કન્ટેઇનર્સમાં પેક કરાય છે, કન્ટેઇનર્સ ઉપર વપરાશ માટેની સૂચનાઓ છાપેલી હોય છે અને વિના મૂલ્યે જરૂરિયાત ધરાવતી સંસ્થાઓને વહેંચવામાં આવી રહ્યાં છે.

અત્યાર સુધીમાં 350 લિટર હેન્ડ સેનિટાઈઝર્સ, 250 લિટર હેન્ડ વોશ સોલ્યુશન્સ અને 1000 લિટર હાઈપો-ડિસઈન્ફેક્ટન્ટ્સનું વિતરણ કરાયું છે. સેનિટાઈઝેશનનાં આ સોલ્યુશન્સનું જેમને વિતરણ કરાયું છે, તે લાભાર્થીઓમાં કારાઈકુડી મ્યુનિસિપલ કોર્પોરેશન, દેવકોટ્ટાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, શિવગંગા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ, કારાઈકુડીની સરરકારી હોસ્પિટલ, શિવગંગાના એસપીની કચેરી તેમજ કારાઈકુડીમાં આવેલાં પોલીસ સ્ટેશનો અને તેની આસપાસ આવેલાં અન્ય પોલીસ સ્ટેશનો, તાલુકા કચેરી અને નજીકનાં પંચાયત યુનિયનો ઉપરાંત સક્કોટ્ટાઈ, કોટ્ટૈયુર, આર.એસ. પટ્ટિનામ, નેર્કુપ્પાઈનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે સામેલ છે. દેશ કોવિડ-19ના સંકટમાંથી બહાર આવીને ફરી સામાન્ય પરિસ્થિત હાંસલ ન કરે ત્યાં સુધી CECRI આ વિતરણ ચાલુ રાખશે.

ઉપરાંત,  CSIR-CECRIએ તાજેતરમાં જ રસ ધરાવતી ગ્રામીણ મહિલાઓને ડિજિટલ માધ્યમ મારફતે ફેસ માસ્ક બનાવવાની તાલીમ આપવી શરૂ કરી છે, જેથી તેઓ પોતે આ માસ્ક ઉપયોગમાં લઈ શકે અને આસપાસના વિસ્તારોની જરૂરિયાત પણ સંતોષી શકે. બીજી તરફ, ફરી વપરાશમાં લઈ શકવાના વિકલ્પો સાથે થ્રીડી પ્રિન્ટેડ ફેસ શિલ્ડ (થ્રીડી પ્રિન્ટ ધરાવતાં મુખાવરણો) ઈન-હાઉસ પ્રિન્ટ કરીને  CSIR-CECRIના દવાખાનાના કર્મચારીઓનું દર્દીઓ સાથે વાતચીત કરતી વખતે છીંક, ઉધરસ તેમજ એરોસોલ સામે અસરકારક રીતે રક્ષણ થાય તે માટે તેમને ભેટ આપ્યાં છે.
 
CSIR-CECRI મોટા પાયે ઉત્પાદન માટે ઉદ્યોગ સાથે જોડાણ કરી રહી છે અને તેણે ફેસ શિલ્ડના ઉત્પાદન માટે બેંગ્લોરની કંપની થ્રીડી લિકન સાથે ભાગીદારી કરી છે.  CSIR - CECRI હવે સૌથી ટૂંકી સંભવિત અવધિમાં એન્ટિમાઈક્રોબિયલ ક્ષમતા ધરાવતાં ફેસ શિલ્ડના સંકલિત રીતે સુધારેલી આવૃત્તિ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.  CSIR - CECRI તેની ટેકનોલોજીને હવે હાઈપો-ક્લોરાઈટ (જંતુનાશક)ની ઈલેક્ટ્રોકેમિકલ સિન્થેસિસ ઉપર આધારિત લોકપ્રિય ટેકનોલોજીમાં પણ ફેરવી રહી છે. આ ટેકનોલોજી જંતુનાશક સ્પ્રેના મોટા પાયે ઉત્પાદન અને  જાહેર સ્થળો, હોસ્પિટલો વગેરે જેવાં વિશાળ જરૂરિયાત ધરાવતાં સ્થળોએ પુરવઠો પૂરો પાડવા માટે રસ ધરાવતાં એમએસએમઈ (નાના એકમ)ને અપાશે. આ રીતે,  CSIR - CECRI સમાજની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી છે અને હજુ પણ સમાજને જ્યારે પણ આવશ્યકતા હોય, ત્યારે તે પાછી પાની કરતી નથી. આ રીતે, તે ભવ્ય વારસો ધરાવતી સાંસ્કૃતિક નગરી કરાઈકુડીમાં  CSIR - CECRI સ્થાપવા માટે જમીન અને રોકડનું દાન કરીને માધ્યમ બનનારા મહાન પરોપકારી ડૉ. આરએમ. અલગપ્પા ચેટ્ટિયારનાં સ્વપ્ન પણ સાકાર કરી રહી છે.

CSIR-સેન્ટ્રલ ઈલેક્ટ્રોકેમિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CECRI), નવી દિલ્હીની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના નેજા હેઠળની અગ્રણી સંશોધન સંસ્થા છે, જે ઈલેક્ટ્રોકેમિકલ સાયન્સ અને ટેકનોલોજીનાં તમામ પાસાંને આવરી લેતી તમામ સમસ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે: જેમકે, કોરોઝન સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રોકેમિકલ પાવર સોર્સીઝ, ઈલેક્ટ્રોકેમિકલ મટિરિયલ્સ સાયન્સ, ઈલેક્ટ્રો - ઓર્ગેનિક અને ઈલેક્ટ્રો - ઈનઓર્ગેનિક કેમિકલ્સ, ઈલેક્ટ્રોડિક્સ અને ઈલેક્ટ્રોકેટાલિસિસ, ઈલેક્ટ્રો-મેટલર્જી, ઈલેક્ટ્રો પ્લેટિંગ અને મેટલ ફિનિશિંગ ટેકનોલોજી.  
CSIR - CECRIની પ્રવૃત્તિઓ ઈલેક્ટ્રોકેમિકલ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે નવાં અને વધુ સારાં ઉત્પાદનો અને પ્રક્રિયાઓ વિકસાવવા માટે ઉપરાંત નવપ્રવર્તનો માટે નિર્દેશિત કરાઈ છે.  CSIR - CECRIએ ભારતની તેમજ વિદેશની લેબોરેટરીઓ તેમજ ખાનગી કંપનીઓ સાથે મળીને કેટલાક પ્રોજેક્ટો હાથ ધર્યા છે.

CSIR - CECRI ભારતના ઉદ્યોગોને સર્વેક્ષણો હાથ ધરીને તેમજ પ્રોજેક્ટો માટે સલાહ-પરામર્શ આપીને મદદ કરે છે. CECRI, તેના માનવ સંસાધન વિકાસ કાર્યક્રમ હેઠળ કેમિકલ અને ઈલેક્ટ્રોકેમિકલ એન્જિનિયરીંગમાં બી.ટેકનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ચલાવે છે તેમજ એકેડેમી ઑફ સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચ (એ CSIR) હેઠળ પીએચ.ડી. કરી રહેલા વિદ્યાર્થીઓને તેમના સંશોધન માટે પ્રોત્સાહન આપે છે. ઉપરાંત,  CSIR - CECRI ભારતના યુવાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમ અને જિજ્ઞાસા કાર્યક્રમ ઑફર કરીને સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે.


(Release ID: 1612273)