માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારત દૂરદર્શન નિહાળે છે, ભારત કોરોના સામે લડે છે

Posted On: 02 APR 2020 7:20PM by PIB Ahmedabad

લૉકડાઉનના સમયગાળા દરમિયાન DD નેશનલ અને DD ભારતી પર જૂના જમાનાની લોકપ્રિય ટીવી શ્રેણીઓનું ફરી પ્રસારણ શરૂ કરવાથી, ભારતીયોના દિલમાં દૂરદર્શને ફરી એકવાર રાષ્ટ્રીય પ્રસારણકર્તા તરીકે પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (BARC)ના તાજેતરના અહેવાલ અનુસાર દૂરદર્શને જુની સદાબહાર શ્રેણીઓનું ફરી પ્રસારણ કરીને લોકોને ઘરમાં જ રહેવામાં મદદરૂપ થવાનો હેતુ સિદ્ધ કર્યો છે. BARCના અહેવાલ અનુસાર, 2015માં ટીવી પ્રેક્ષકોની સંખ્યા માપવા માટે BARCની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં રામાયણના ફરી પ્રસારણને હિન્દી GEC શો માટે સર્વાધિક રેટિંગ મળ્યું છે.

કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનના પગલે, સાર્વજનિક સેવા પ્રસારણકર્તા (પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર) દ્વારા 80ના દાયકાની લોકપ્રિય ઐતિહાસિક ટીવી શ્રેણી ‘રામાયણ’ અને ‘મહાભારત’નું ફરી પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક શ્રેણીઓના પુનઃપ્રસારણની લોકમાગણી હોવાથી ઘરે રહેતા પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડવા માટે આ શ્રેણીઓના ફરી પ્રસારણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવી રીતે લોકમાગણીને ધ્યાનમાં રાખીને સાર્વજનિક પ્રસારણકર્તાએ મહાભારત ઉપરાંત શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, ચાણક્ય, દેખ ભાઇ દેખ, બુનિયાદ, સર્કસ અને વ્યોમકેશ બક્ષી જેવી કેટલીક અન્ય લોકપ્રિય ટીવી શ્રેણી DD નેશનલ પર શરૂ કરી છે. આ ઉપરાંત, DD ભારતી પર અલીફ લૈલા, ઉપનિષદ ગંગાનું પણ ફરી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે.

28 માર્ચ 2020થી DD નેશનલ પર દરરોજ બે એપિસોડ સાથે આ બંને ઐતિહાસિક શ્રેણીઓનું ફરી પ્રસારણ શરૂ થયા પછી, આ સાર્વજનિક પ્રસારણકર્તાની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઇ હતી જેમાં સંખ્યાબંધ હસ્તીઓ દ્વારા પણ આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે. આ બંને લોકપ્રિય શ્રેણીઓના તમામ કલાકારોએ તેમના પોતાના વીડિયો અને દૂરદર્શનના આ પ્રયાસોની પ્રશંસા કરતી ટિપ્પણીઓ તેમજ લોકોને ફરી ટેલિવિઝન પર આ શ્રેણી નિહાળવાની અપીલો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. રામાયણ દરરોજ સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે કોઇપણ પુનરાવર્તન વગર DD નેશનલ પર પ્રસારિત કરવામાં આવે છે જ્યારે દરરોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે DD ભારતી પર મહાભારતના એપિસોડ પુનરાવર્તન વગર પ્રસારિત કરવામાં આવે છે. DD નેશનલ પર બપોર પછી શરૂ થતા મનોરંજનના રસથાળમાં બપોરે 3 વાગે સર્કસ, 4 વાગે શ્રીમાન શ્રીમતી, 5 વાગે બુનિયાદનું પ્રસારણ કરવામાં આવે છે. તેવી જ રીતે, સાંજે DD નેશનલ પર 6 વાગે દેખ ભાઇ દેખ, ત્યારપછી 8 વાગે શક્તિમાન, 9 વાગે રામાયણ અને દિવસના અંતે રાત્રે 10 વાગે ચાણક્ય બતાવવામાં આવે છે. દૂરદર્શન દ્વારા DD ભારતી પર સવારે 10.30 કલાકે અલીફ લૈલા તેમજ સાંજે 6 વાગે આ ચેનલ પર જ ઉપનિષદ ગંગાનું પ્રસારણ પણ કરવામાં આવે છે.

કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર ભારતના લોકો ઘરમાં જ રહેતા હોવાથી, દૂરદર્શનની સામગ્રીમાં લોકોની રુચિ અને સંભવિત વ્યૂઅરશિપમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિના કારણે, ભારતના સાર્વજનિક પ્રસારણકર્તાને દેશવ્યાપી સંપૂર્ણ લૉકડાઉનને સફળ બનાવવામાં પોતાની જવાબદારી નિભાવવાનું સામર્થ્ય મળ્યું છે.

RP

********



(Release ID: 1610523) Visitor Counter : 265