નાણા મંત્રાલય

નાણાં મંત્રાલયે કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈઓમાં છૂટછાટ) વટહુકમ, 2020 જાહેર કર્યો

Posted On: 31 MAR 2020 10:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાંમંત્રીએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રો સાથે સંબંધિત કાયદેસર અને નિયમનકારી પાલન માટે 24.03.2020ના રોજ અખબારી યાદી મારફતે કેટલીક જાહેરાતો કરી હતી, જેના અમલીકરણ માટે સરકારે 31.03.2020ના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જે કરવેરા અને બેનામી કાયદા અંતર્ગત વિવિધ સમયમર્યાદા લંબાવવાની મંજૂરી આપે છે. વળી આ વટહુકમ નિયમો કે અધિસૂચનામાં સામેલ સમયમર્યાદા લંબાવવા માટેની જોગવાઈ પણ ધરાવે છે, જે આ કાયદાઓ હેઠળ સૂચિત છે/ઇશ્યૂ કરવામાં આવી છે.

એ પણ ધ્યાનમાં લેવાની બાબત છે કે, દુનિયાનાં ઘણા દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19) રોગચાળાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને ભારત સરકાર સહિત દુનિયાના ઘણા દેશોની સરકારોએ એને મહામારી જાહેર કરી છે. આ વાયરસના પ્રસારને અટકાવવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ)ને સ્વીકારવામાં આવ્યું છે, જેના કારણે દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની સંજોગો હેઠળ નીતિનિયમોની જરૂરિયાતો પૂર્ણ કરવા કરદાતાઓના પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણાંમંત્રીએ 24.03.2020ના રોજ એક અખબારી યાદી બહાર પાડીને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રો માટે કાયદાકીય અને નીતિનિયમોનાં પાલન સાથે સંબંધિત કેટલાંક રાહત પગલાંની જાહેરાત કરી હતી.

કેટલીક મહત્ત્વપૂર્ણ ખાસિયતો અને આ વટહુકમ દ્વારા લંબાવવામાં આવેલી સમયમર્યાદાઓ નીચે મુજબ છેઃ-

પ્રત્યક્ષ કરવેરા અને બેનામી:

  1. નાણાકીય વર્ષ 2018-19 (આકલન વર્ષ 2019-20) માટે મૂળની સાથે-સાથે સંશોધિત આવકવેરા રિટર્ન પણ ભરવાની અંતિમ તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
  2. આધાર કાર્ડ અને પેનને લિન્ક કરવાની અંતિમ તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
  3. આવકવેરા ધારાના પ્રકરણ (છએ-બી) જેમાં ધારા 80સી (એલઆઈસી, પીપીએફ, એનએસસી વગેરે), 80ડી (મેડિક્લેમ), 80જી (દાન) વગેરે સામેલ છે, અંતર્ગત કરમુક્તિનો દાવો કરવા માટે વિવિધ રોકાણ/ચૂકવણી કરવાની તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે. એટલે નાણાકીય વર્ષ 2019-20 માટે આ ધારાઓ અંતર્ગત કરમુક્તિનો દાવો કરવા માટે 30 જૂન, 2020 સુધી રોકાણ/ચૂકવણી થઈ શકે છે.
  4. આવકવેરા ધારા 54 થી 54બી અંતર્ગત મૂડીગત લાભના સંબંધમાં રોલઓવર લાભ/કરમુક્તિનો દાવો કરવા માટે રોકાણ/નિર્માણ/ખરીદ કરવાની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે. એટલે 30 જૂન, 2020 સુધી કરેલું રોકાણ/નિર્માણ/ખરીદી નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન થનાર મૂડીગત લાભથી કરમુક્તિના દાવા કરવાને પાત્ર બનશે.
  5. આવકવેરા ધારાની કલમ 10એએ અંતર્ગત કરમુક્તિનો દાવો કરનાર સેઝ એકમો (યુનિટ) માટે કામગીરી શરૂ કરવાની તારીખ પણ આ એકમો માટે લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે, જેને 31 માર્ચ, 2020 સુધી જરૂરી મંજૂરી મળી ગઈ છે.
  6. વિવિધ પ્રત્યક્ષ કરવેરા અને બેનામી કાયદા અંતર્ગત અધિકારીઓ દ્વારા આદેશ કે નોટિસ જાહેર કરવાની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
  7. આ જોગવાઈ કરવામાં આવી છે કે, 9 ટકા ઘટાડેલો વ્યાજ આવકવેરો (જેમ કે એડવાન્સ ટેક્સ, ટીડીએસ, ટીસીએસ), સમકારી વેરો, સીક્યોરિટી ટ્રેડિંગ ટેક્સ (એસટીટી), કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીટીટી)ની ચૂકવણી પર નહીં લેવામાં આવે (જેની ચૂકવણી 20 માર્ચ, 2020થી 29 જૂન, 2020 સુધી કરવાની છે), પણ એમાં શરત એ છે કે, 30 જૂન, 2020 સુધી ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત એની ચૂકવણી ન થવા પર કોઈ દંડ પણ નહીં લેવામાં આવે/કેસ શરૂ કરવામાં નહીં આવે.
  8. વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત પણ તારીખ 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે. એટલે આ યોજના અંતર્ગત ઘોષણા અને ચૂકવણી વગેરે વધારાની ચૂકવણી જ 30 જૂન, 2020 સુધી કરી શકાશે.

પરોક્ષ કરવેરા:

  1. માર્ચ, એપ્રિલ અને મે, 2020માં ભરવાનું સેન્ટ્રલ એક્સાઇઝ રિટર્ન્સ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
  2. સેન્ટ્રલ એક્સાઇઝ ધારા, 1944 અને એ અંતર્ગત બનાવેલા નિયમો હેઠળ જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020થી 29 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
  3. કસ્ટમ્સ ધારા, 1962 અને એ અંતર્ગત બનાવેલા નિયમો અંતર્ગત જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020 થી 29 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
  4. જ્યાં પણ સર્વિસ ટેક્સ સાથે સંબંધિત અપીલ વગેરે દાખલ કરવાની અંતિમ તારીખ 20 માર્ચ, 2020 થી 29 જૂન, 2020 છે, એને લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
  5. સબકા વિશ્વાસ કાયદા વિવાદ સમાધાન યોજના 2019 અંતર્ગત લાભ મેળવવા માટે ચૂકવણી કરવાની તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે. એટલે કરદાતાઓને પોતાના વિવાદોનું સમાધાન કરવા માટે વધારે સમય આપવામાં આવ્યો છે.

ઉપરોક્ત કરવેરા અને બેનામી કાયદા હેઠળ સમયમર્યાદા લંબાવવા ઉપરાંત સીજીએસટી ધારા, 2017માં એક સક્ષમ ધારા સામેલ કરવામાં આવી છે, જે અંતર્ગત બાહ્ય પુરવઠાનું વિવરણ, રિફંડ દાવો દાખલ કરવા, અપીલ દાખલ કરવા વગેરે સહિત વિવિધ નિયમોનું પાલન કરવા માટે નક્કી તારીખો વધારવાનો અધિકાર સરકારને આપવામાં આવ્યો છે, જેમ કે જીએસટી પરિષદની ભલામણો પર ધારા અંતર્ગત સૂચિત, નિર્ધારિત કે અધિસૂચિત કરવામાં આવી છે.

પીએમ કેર્સ ફંડ

  1. કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા માટે કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેર્સ ફંડ) નામથી એક વિશેષ ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે. વટહુકમ અંતર્ગત આવકવેરા ધારાની જોગવાઈઓમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે, જેથી પીએમ કેર્સ ફંડ માટે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માટે મળતી રાહતો મળે. એટલે પીએમ કેર્સ ફંડમાં કરેલું દાન આઈટી કાયદાની કલમ 80જી અંતર્ગત 100 ટકા કરમુક્તિને પાત્ર હશે. આ ઉપરાંત કુલ આવકના 10 ટકા હિસ્સાની કરમુક્તિની મર્યાદા પણ પીએમ કેર્સ ફંડમાં કરેલા દાન પર લાગુ નહીં થાય.

આઇટી ધારાની કલમ 80જી અંતર્ગત કરમુક્તિનો દાવો કરવાની તારીખ 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે એટલે 30 જૂન, 2020 સુધી કરેલું દાન પણ નાણાકીય વર્ષ 2019-20ની આવકમાં કરમુક્તિને પાત્ર બનશે. એટલે નવી વ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2020-21ની આવક પર કન્સેશનલ ટેક્સની ચૂકવણી કરનારી કંપનીઓ સહિત કોઈ પણ વ્યક્તિ 30 જૂન, 2020 સુધી પીએમ કેર્સ ફંડમાં દાન કરી શકે છે અને નાણાકીય વર્ષ 2019-20ની આવક પર કલમ 80જી અંતર્ગત કરમુક્તિનો દાવો કરી શકે છે તેમજ એની સાથે જ નાણાકીય વર્ષ 2020-21ની આવક માટે કન્સેશનલ ટેક્સની વ્યવસ્થામાં કરવેરાની ચૂકવણી કરવાની પોતાની લાયકાત પણ નહીં ગુમાવે.

 

GP/RP

*****



(Release ID: 1609853) Visitor Counter : 705