નાગરિક ઉડ્ડયન મંત્રાલય

26 થી 30 માર્ચ 2020 સુધીના પાંચ દિવસમાં 62 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ ચલાવવામાં આવી, 15.4 ટન માલનું પરિવહન

Posted On: 31 MAR 2020 7:14PM by PIB Ahmedabad

કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇના ભાગરૂપે, સમગ્ર દેશ અને બહારના ભાગોમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા “લાઇફલાઇન ઉડાન” ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 26 થી 30 માર્ચ 2020 સુધીના પાંચ દિવસના સમયગાળા દરમિયાન 62 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ ચલાવવામાં આવી છે જેમાં 15.4 ટનથી વધુ આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. 62માંથી 45 ફ્લાઇટ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ઉડાડવામાં આવી છે.

લાઇફલાઇન ઉડાન કામગીરીઓમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ઇન્ડિયન એરફોર્સ (IAF) અને પવન હંસ સામેલ છે. તેમને એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (AAI), AAICLAS (AAI)ની કાર્ગો અને લોજિસ્ટિક્સ પેટા કંપની), AI એરપોર્ટ્સ સર્વિસિસ (AIASL), PPP હવાઇમથકો અને ખાનગી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓ દ્વારા સહકાર આપવામાં આવે છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને બ્લુ ડાર્ટ જેવી ખાનગી કંપનીઓ પણ મેડિકલ કાર્ગો ફ્લાઇટ્સનું વ્યાપારિક ધોરણે પરિચાલન કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા MoCAના ટોચના હોદ્દેદારોની દેખરેખ હેઠળ ઉભા કરવામાં આવેલા કંટ્રોલરૂમ દ્વારા આ ફ્લાઇટ્સનું સંકલન કરવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ્સ, તબીબી ઉપકરણો, પરીક્ષણ કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને કોરોના સામે લડતા યોદ્ધાઓ માટે જરૂરી અન્ય ઍક્સેસરીનું સમગ્ર ભારતમાં પરિવહન કરવામાં આવે છે.

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું આયોજન હબ એન્ડ સ્પોક મોડેલ અનુસાર કરવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલોર અને કોલકાતામાં કાર્ગો હબ સ્થાપિત કરવામાં આવ્યા છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ આ હબને એકબીજાની સાથે જોડે છે અને ત્યાંથી દેશના અન્ય ભાગોને જોડવામાં આવ્યા છે.

ફ્લાઇટ્સની વિગતવાર માહિતી નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ ફ્લાઇટ

1

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

04 *

10 *

06

--

-

20

5

30.3.2020

04

-

03

--

-

07

 

Total Flights

18

27

09

06

02

62

* એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેના (IAF)એ લદ્દાખ માટે જોડાણ કર્યું છે.

પૂર્વોત્તર પ્રદેશ (NER), ટાપુ પ્રદેશો અને પર્વતીય રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. NERને લાઇફલાઇન ઉડાન દ્વારા કોલકાતા, બેંગલોર અને ગુવાહાટીમાં આવેલા પ્રાદેશિક હબ મારફતે જોડવામાં આવ્યા છે. આ હબ સાથે દીબ્રુગઢ, શિંલોગ, ઐઝવલ, અગરતલા, ઇમ્ફાલ અને દીમાપુર જેવા શહેરોને ટર્બોપ્રોપ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જોડવામાં આવ્યા છે.

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ માટેની વેબસાઇટ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) અને MoCA દ્વારા ખૂબ ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવી છે જેથી વિવિધ એજન્સીઓ વચ્ચે વિના અવરોધે સંકલન કરી શકાય. આ વેબસાઇટ (www.civilaviation.gov.in) ની મદદથી રાજ્ય સરકારો અને એરલાઇન્સ તેમના કન્સાઇન્મેન્ટ (માલસામાન) અને ફ્લાઇટ્સની વિગતો અગાઉથી જ અપલોડ કરી શકે છે. બાદમાં MoCA કંટ્રોલ રૂમ અલગ અલગ ફ્લાઇટ્સને કાર્ગો કન્સાઇન્મેન્ટ્સની ફાળવણી કરે છે અને ગંતવ્ય સ્થળ સુધી તે પહોંચી જાય ત્યાં સુધી બહુવિધ હિતધારકો સાથે આ સંબંધે સંકલનમાં રહે છે. આ વેબસાઇટ પર કોઇ જ સર્વિસ ફી લેવામાં આવતી નથી.

આંતરરાષ્ટ્રીય મોરચે, એર ઇન્ડિયા દ્વારા ભારત અને ચીન વચ્ચે કાર્ગો એર-બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અને પૂરવઠા માટે નિયમિત કાર્ગો ફ્લાઇટ્સ 3 એપ્રિલ 2020 પછી કાર્યરત થશે તેવી સંભાવના છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તમામ ઉડ્ડયન હિતધારકો કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇમાં મદદરૂપ થવા માટે સતત સહકારથી કામ કરીને સૌથી કાર્યદક્ષ રીતે, વિના અવરોધે અને ઓછા ખર્ચમાં વાયુ માર્ગે આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરી રહ્યા છે.

RP

****(Release ID: 1609740) Visitor Counter : 227