ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે કોવિડ-19ના કારણે આ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરી: હરસીમરત કૌર બાદલ

Posted On: 30 MAR 2020 7:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જેવા મુખ્ય ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સમાં ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાના સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ ટીમને પહેલાંથી જ 222 સમસ્યાઓ મળી ચૂકી છે જેમાંથી 98નું નિરાકરણ કરવામાં આવ્યું છે અને બાકીની સમસ્યાઓ ઉકેલની પ્રક્રિયામાં છે.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન, આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ શ્રીમતી હરસીમરત કૌર બાદલને જણાવ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન અને હેરફેર માટે મંજૂરી આપવાના નિર્દેશો આપી દીધા હોવા છતાં, રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ પ્રકારે તેમને અટકાવવામાં આવે છે.

ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને હેરફેર માટે તમામ રાજ્યોમાં એકસમાન પ્રારૂપની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. પ્રતિનિધિઓએ ફેક્ટરી શટડાઉન, ગોદામો ચલાવવા માટેની મંજૂરી, વ્યક્તિગત આવનજાવન અને લોજિસ્ટિક ખેલલ સહિત વિવિધ પ્રકારે થતી સમસ્યાઓ જણાવી હતી. આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરળતાથી ઉત્પાદન થાય તે માટે જરૂરી શ્રમિકો ઉપલબ્ધ નથી અને પરિવહન સેવાની પણ અછત છે. તેમણે વધુમાં વિનંતી કરી હતી કે, આગળની કામગીરી પણ સ્થાપિત થઇ છે તેની ખાતરી કરવા માટે સમગ્ર દેશમાં ‘કરિયાણાની દુકાનો’ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે.

FPI મંત્રીએ જણાવ્યું હતું કે, ખાદ્ય સામગ્રીનું સરળતાથી પરિવહન થઇ શકે અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને સરળતાથી કાચો માલ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ સંગઠનો સાથે વાતચીત શરૂ કરવામાં આવશે.

તેમણે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, તેઓ તમામ સૂચનોની સમીક્ષા કરશે અને તેમની ફરિયાદો ટાસ્ક ફોર્સ સુધી પહોંચાડવામાં આવશે.

RP

*****



(Release ID: 1609418) Visitor Counter : 152