ગૃહ મંત્રાલય
મોદી સરકાર કોવિડ-19 સામે લડવા માટે અમલી 21 દિવસના લૉકડાઉન સમય દરમિયાન લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સમર્પિત છે: કેન્દ્રીય ગૃહ મંત્રી
આ સમય દરમિયાન વિસ્થાપિત શ્રમિકોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરતી વખતે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો લૉકડાઉન માપદંડોનું અવશ્ય પાલન કરાવે: શ્રી અમિત શાહ
Posted On:
29 MAR 2020 6:35PM by PIB Ahmedabad
કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લૉકડાઉન સમયગાળા દરમિયાન લોકોની મુશ્કેલીઓ દૂર કરવાની એકંદરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી સાથે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને લૉકડાઉનના આ સમયગાળા દરમિયાન વિસ્થાપિત શ્રમિકોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે પગલાં લેતી વખતે લૉકડાઉનના માપદંડોનું અવશ્ય યોગ્ય રીતે પાલન કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીના નિર્દેશો હેઠળ, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને તમામ મૂળભૂત સુવિધાઓ સાથે રાહત શિબિરો બનાવવા માટે અને શ્રમિકોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લેવાની તાકીદ કરી છે જેથી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકોનું તેમના વતન રાજ્યમાં સ્થળાંતરને ઘટાડી શકાય અને તેના પરિણામરૂપે કોવિડ-19નો ફેલાવો પણ નિવારી શકાય.
લૉકડાઉનના પગલાંનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે અને વિસ્થાપિત શ્રમિકોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નીચે દર્શાવેલા પગલાંનો અમલ કરવાની સલાહ આપવામાં આવી છે:
- રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો વિસ્થાપિત શ્રમિકો, લૉકડાઉનના કારણે ફસાઇ ગયેલા લોકો સહિત તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે તેમના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં આશ્રયો અને ભોજન વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરે;
- જે વિસ્થાપિત લોકો તેમના ગૃહ રાજ્ય/ શહેરોમાં જવા માટે નીકળી ગયા છે તેમને સંબંધિત રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર દ્વારા નજીકમાં આશ્રય આપવામાં આવે અને પ્રમાણભૂત સ્વાસ્થ્ય પ્રોટોકોલ અનુસાર તેમનુ યોગ્ય સ્ક્રિનિંગ કર્યા પછી ઓછામાં ઓછા 14 દિવસ સુધી ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવે;
- ઉદ્યોગો અથવા દુકાનો અને વ્યાપારિક સંસ્થાઓના તમામ નોકરીદાતાઓ તેમના કામદારોને તેમના કાર્યસ્થળે નિર્ધારિત તારીખે લૉકડાઉનના સમય દરમિયાન તેમની દુકાનો કે સંસ્થા બંધ રહ્યા હોય તે સમયની કોઇપણ પ્રકારની કપાત વગર તેમના વેતનની ચુકવણી કરે;
- વિસ્થાપિત શ્રમિકો સહિત કોઇપણ કામદારો જ્યાં પણ ભાડે રહેતા હોય ત્યાં તે મિલકતના મકાન માલિકો તેમની પાસેથી એક મહિનાનું ભાડું ન માંગે તે સુનિશ્ચિત કરવામાં આવે.
- જો કોઇપણ મકાનમાલિક શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની જગ્યા ખાલી કરવા માટે દબાણ કરે તો, તેમના વિરુદ્ધ કાયદા હેઠળ પગલાં લેવા પાત્ર રહેશે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત માપદંડોના ઉલ્લંઘનના કિસ્સામાં સંબંધિત રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત જરૂરી પગલાં લેવામાં આવશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ/ નાયબ કમિશનર અને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ/ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ/ નાયબ પોલીસ કમિશનર લૉકડાઉનના સમયગાળા દરમિયાન ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે જેના માટે અગાઉ માપદંડો ઇશ્યુ કરવામાં આવ્યા છે.
GP/DS
(Release ID: 1609136)
Visitor Counter : 300