ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

સરકારે ડિસ્ટીલરી / ખાંડની મીલોને હેન્ડ સેનિટાઇઝરનું મહત્તમ ઉત્પાદન કરવા કહ્યું


100 ડિસ્ટીલરી અને 500થી વધુ ઉત્પાદકોને હેન્ડ સેનિટાઇઝરના ઉત્પાદનની મંજૂરી આપી

Posted On: 26 MAR 2020 3:42PM by PIB Ahmedabad

લૉકડાઉનના સમયમાં નોવલ કોરોના વાયરસને ડામવા માટે જીવનજરૂરી ચીજોનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો શક્ય હોય તેવા તમામ પગલાં લઇ રહી છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે લોકો, સ્વાસ્થ્ય કર્મચારીઓ, હોસ્પિટલો વગેરે દ્વારા હેન્ડ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસેને દિવસે સેનિટાઇઝર્સની માગ વધી રહી હોવાથી માગ અને પૂરવઠાને સંતુલિત રાખવા માટે રાજ્ય આબકારી આયુક્તો, કેન આયુક્તો, દવા નિયામકો તેમજ વિવિધ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સહિત રાજ્ય સરકારના સત્તામંડળોને સલાહ આપવામાં આવી છે કે, હેન્ડ સેનિટાઇઝર્સના ઉત્પાદકોને ઇથેનોલ/ENAના પૂરવઠામાં કોઇપણ પ્રકારની અડચણો દૂર કરવી અને હેન્ડ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરવા માગતી ડિસ્ટીલરી (દારૂનું ઉત્પાદન કરતા એકમો) સહિત તમામ અરજદારોને મંજૂરી/ લાઇસન્સ આપવા. ડિસ્ટીલરી/સુગર મીલ હેન્ડ સેનિટાઇઝર્સનું જથ્થાબંધ ઉત્પાદન કરી શકતા હોવાથી હેન્ડ સેનિટાઇઝર્સના ઉત્પાદન માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉત્પાદકોને તેમનું ઉત્પાદન મહત્તમ સ્તરે લઇ જવા માટે ત્રણ પાળીમાં કામ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અંદાજે 45 ડિસ્ટીલરી અને 564 અન્ય ઉત્પાદકોને હેન્ડ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે; 55થી વધુ ડિસ્ટીલરીને એકથી બે દિવસમાં આ મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે; અને વર્તમાન પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને બીજા સંખ્યાબંધ ઉત્પાદન એકમોને સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગનાએ ઉત્પાદન શરૂ કરી દીધું છે અને અન્ય એકમો એકાદ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે; આમ, ગ્રાહકો અને હોસ્પિટલોને હેન્ડ સેનિટાઇઝર્સનો પૂરતા પ્રમાણમાં પૂરવઠો મળી રહેશે.

સામાન્ય જનતા અને હોસ્પિટલોને વાજબી કિંમતે હેન્ડ સેનિટાઇઝર્સ ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે, સરકારે સેનિટાઇઝર્સની મહત્તમ છુટક વેચાણ કિંમત નિર્ધારિત કરી છે. હેન્ડ સેનિટાઇઝર્સની છુટક વેચાણ કિંમત 200 mlના રૂ. 100થી વધુ ન હોવી જોઇએ; અન્ય જથ્થામાં હેન્ડ સેનિટાઇઝર્સની કિંમતો પણ આ કિંમતના પ્રમાણમાં જ નક્કી કરવામાં આવી છે.

RP



(Release ID: 1608378) Visitor Counter : 150