પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી ‘જતિર પિતા’ બંગબંધુ શેખ મુજીબુર રહમાનના જન્મ શતાબ્દી સમારોહમાં સામેલ થયા


પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો સમાન ધરોહર અને વારસો તથા બંગ બંધુએ આપેલી પ્રેરણા પર આધારિત છે

Posted On: 17 MAR 2020 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો મેસેજ મારફતે ‘જતિર પિતા’ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લીધો હતો.

શ્રી મોદીએ શેખ મુજીબુર રહેમાનને વિતેલી સદીના સૌથી મહાન વિભૂતિ તરીકે ઓળખાવતાં જણાવ્યું હતું કે “આપણા માટે તેમનુ સમગ્ર જીવન ખૂબ જ પ્રેરણારૂપ છે.”

પ્રધાનમંત્રી મોદીએ બંગબંધુને એક સાહસિક પુરૂષ તથા શાંતિ દૂત તરીકે ઓળખાવતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશના ‘જતિર પિતા’એ એ સમયના યુવાનોને દેશને મુક્ત કરવાનો પડકાર ઉપાડી લેવાની પ્રેરણા આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમામ લોકશાહી મૂલ્યોની અવમાનના કરતા જુલમી અને ક્રૂર શાસકોએ બંગલા ભૂમિ ઉપર અન્યાયનુ શાસન ચલાવી લોકો પર હિંસા અને તારાજી ફેલાવી હતી તેની યાદ અપાવીને બંગબંધુએ કેવી રીતે પોતાના જીવનની દરેક ક્ષણ બાંગ્લાદેશને હિંસા ને અત્યાચારમાંથી બહાર લાવવા માટે તથા હકારાત્મક અને પ્રગતિશીલ સમાજની રચના માટે ખર્ચી નાખી હતી તેની યાદ અપાવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંગબંધુ અત્યંત સ્પષ્ટ હતા કે ધિક્કાર અને નકારાત્મકતા કોઈ દિવસ કોઈ દેશના વિકાસનો પાયો બની શકે નહી, પરંતુ બંગબંધુના વિચારો અને પ્રયાસો કેટલાક લોકોને પસંદ પડયા નહોતા અને તે લોકોએ આપણી પાસેથી તેમને છીનવી લીધા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “આપણે સૌએ જોયુ છે કે કેવી રીતે રાજકારણનાં આતંક અને હિંસાનાં સાધનો સમાજ માટે વિનાશ નોતરે છે. દુનિયા પણ જોઈ રહી છે કે આતંક અને હિંસાના ટેકેદારો હાલમાં ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે, જ્યારે બાંગ્લાદેશ તો નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.”

પ્રધાનમંત્રીએ એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે બંગલાદેશના લોકો દિવસ રાત સમર્પણ ભાવનાથી પોતાના રાષ્ટ્રને મુજીબુર રહેમાને જેની કલ્પના કરી હતી તેવા દેશ ‘સોનાર બંગલાનુ’ નિર્માણ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ બંગબંધુની પ્રેરણા મુજબ સમાવેશી અને વિકાસલક્ષી નીતિઓ વડે મહામહિમ શેખ હસીનાના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની થઈ રહેલી પ્રગતીની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અર્થતંત્ર હોય કે રમત-ગમતના કે અન્ય સામાજિક સ્થિતિ હોય દરેકમાં નવા સિમાચિન્હો સ્થાપિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કૌશલ્ય, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તીકરણ અને માઈક્રો ફાઇનાન્સ જેવાં વિવિધ ક્ષેત્રોમાં બાંગ્લાદેશની અભૂતપૂર્વ પ્રગતિની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત ને બાંગ્લાદેશે દ્વિપક્ષીય સંબંધોમાં એક સુવર્ણ પ્રકરણ આલેખ્યું છે અને બંને દેશો વચ્ચે જટિલ પ્રકારના સિમા વિવાદો મૈત્રીપૂર્ણ પદ્ધતિથી હલ કરવામાં વધેલા વિશ્વાસને કારણે આપણી ભાગીદારીને એક નવુ પરિમાણ અને દિશા મળી છે. ”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર તો છે જ પણ સાથે-સાથે વિકાસમાં પણ ભાગીદાર છે. તેમણે બંને દેશો વચ્ચે થયેલા કનેક્ટિવીટી વધે તેવા વીજ વિતરણ, ફ્રેન્ડશિપ પાઈપલાઈન, માર્ગો, રેલવે, ઈન્ટરનેટ, એરવેઝ અને જળમાર્ગો જેવા સંખ્યાબંધ સહયોગોની યાદી આપતાં જણાવ્યું હતું કે આ બધુ બંને દેશોના લોકોને પણ વધુને વધુ પ્રમાણમાં જોડે છે.

પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બંને દેશોનો વારસો ટાગોર, કાજી નઝરૂલ ઈસ્લામ, ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, લલોન શાહ, જીવણાનંદ દાસ અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવા બૌદ્ધિકો પાસેથી મળેલો છે.

તેમણે જણાવ્યું હતું કે બંગબંધુ પાસેથી મળેલો વારસો અને પ્રેરણાથી બંને દેશોનો વારસો ખૂબ જ ઘનિષ્ઠ અને ઉંડાણ ધરાવનારો બન્યો છે અને બંગબંધુએ વિતેલા દાયકામાં બંને દેશો વચ્ચે ભાગીદારી, પ્રગતી અને સમૃદ્ધિનો મજબૂત પાયો નાખ્યો છે.

બંને દેશો માટેના હવે પછીના સિમાચિન્હોનો નોંધ લેતાં તેમણે આવતા વર્ષે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ તથા વર્ષ 2022માં ભારતની આઝાદીની 75 વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બંને સિમાચિન્હો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિકાસ તો લાવશે જ પણ સાથે-સાથે બંને દેશો વચ્ચે મૈત્રીનો નાતો પણ વધુ મજબૂત બનાવશે.

 

RP


(Release ID: 1606848) Visitor Counter : 168