સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મંત્રીઓના ઉચ્ચ સ્તરીય સમૂહે કોવિડ-19ના નિવારણ અને તેના વ્યવસ્થાપન અંગેની વર્તમાન સ્થિતિ તેમજ પગલાની સમીક્ષા કરી
સ્વાસ્થ્ય મંત્રાલયે સામાજિક અંતર જાળવવા અંગે વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડી
Posted On:
16 MAR 2020 7:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે નિર્માણ ભવન ખાતે કોવિડ-19 માટે રચાયેલા ઉચ્ચ સ્તરીય મંત્રીઓના સમૂહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ એસ. પુરી, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ સ્ટાફના વડા શ્રી બિપીન રાવત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સુશ્રી પ્રીતિ સુદાન, નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી પ્રદીપસિંહ ખારોલા, ફાર્માસ્યુટિકલ્સ સચિવ શ્રી પી. ડી. વાઘેલા, DGHS ડૉ. રાજીવ ગર્ગ, DHR સચિવ અને ICMRમના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ, સચિવ (કાપડ) શ્રી રવિ કપૂર, વિશેષ સચિવ (સ્વાસ્થ્ય) શ્રી સંજીવ કુમાર, અધિક સચિવ (જહાજ) શ્રી સંજીવ બંદોપાધ્યાય, વિદેશ મંત્રાલયના અધિક સચિવ શ્રી દામ્મુ રવિ, અધિક સચિવ (MHA) શ્રી અનિલ મલિક, ઇન્સ્પેક્ટર જનરલ (ITBP) શ્રી આનંદ સ્વરૂપ અને સંયુક્ત સચિવ (MoHFW) શ્રી લવ અગ્રવાલ ઉપરાંત આર્મી, ITBP, ફાર્મા અને કાપડ મંત્રાલયના વિવિધ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીઓના સમૂહ દ્વારા આજે યોજાયેલી બેઠકમાં કોવિડ-19ના નિવારણ અને વ્યવસ્થાપન બાબતે નીચે આપેલા મુદ્દાઓ પર વિગતવાર વિચારવિમર્શ થયો હતો. વિગતવાર ચર્ચા પછી, સુરક્ષાત્મક વ્યૂહનીતિ તરીકે સામાજિક અંતરના માપદંડોનો અમલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. દેશમાં કોવિડ-19નો ચેપ ફેલાતો અટકાવવા માટે આ માપદંડો સુરક્ષાત્મક પગલાં તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે અને 31 માર્ચ 2020 સુધી હંગામી ધોરણે તે લાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ માપદંડો નીચે અનુસાર છે:
- તમામ શૈક્ષણિક સંસ્થાઓ (શાળા, યુનિવર્સિટી વગેરે), જીમ, સંગ્રહાલયો, સાંસ્કૃતિક અને સામાજિક કેન્દ્રો, સ્વિમિંગ પૂલ અને થિયેટરો બંધ રાખવા. વિદ્યાર્થીઓને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઑનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવું.
- બિન-જરૂરી પ્રવાસ ટાળવો. જાહેર પરિવહનમાં બસો, ટ્રેનો અને વિમાનોમાં સામાજિક અંતર મહત્તમ રાખવું તેમજ તેમની નિયમિત અને યોગ્ય સફાઇ કરવી અને ચેપમુક્ત રાખવા.
- ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ/નોકરીદાતાઓ શક્ય હોય ત્યાં સુધી તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા.
- શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગોનું આયોજન કરવું. મોટી સંખ્યામાં લોકો સામેલ થતા હોય તેવી મિટિંગ અનિવાર્ય હોય ત્યાં સુધી ઓછી કરવી અથવા તેમના સમયમાં ફેરફાર કરવો.
- રેસ્ટોરન્ટ્સે વારંવાર સ્પર્શ થતી સપાટીઓની યોગ્ય સફાઇ જાળવવી અને હાથ ધોવાનો પ્રોટોકોલ સુનિશ્ચિત કરવો. ટેબલ વચ્ચે પૂરતું અંતર સુનિશ્ચિત કરવું; વ્યવહારુ રીતે શક્ય હોય ત્યાં પૂરતા પ્રમાણમાં અંતર સાથે ખુલ્લામાં બેઠક વ્યવસ્થા કરવી.
- મોટી સંખ્યામાં લોકો સામેલ થતા હોય તેવા રમતગમતના કાર્યક્રમો અને સ્પર્ધાઓના આયોજકો સાથે સ્થાનિક અધિકારીઓએ ચર્ચા કરવી અને આવા કાર્યક્રમો મુલતવી રાખવાની તેમને સલાહ આપવી.
- મોટી સંખ્યામાં લોકોના એકત્રીકરણને નિયંત્રિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ મંતવ્ય આપનારા અગ્રણીઓ અને ધાર્મિક વડાઓ સાથે ચર્ચા કરે અને ભીડ એકત્ર ન થવા દેવા/લોકો વચ્ચે ઓછામાં ઓછું એક મીટરથી વધુ અંતર જળવાય તેની ખાતરી કરવા માટે તેમને જણાવવું.
- સ્થાનિક અધિકારીઓએ વ્યાપારી સંગઠનો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરીને કામના કલાકો નિયંત્રિત કરવા, “આટલું કરો” અને “આટલું ના કરો”ના નિર્દેશો બહાર પાડવા અને શાકભાજી બજાર, અનાજ બજાર, બસ ડીપો, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વગેરે જ્યાં આવશ્યક વસ્તુઓ કે સેવાઓ મળે છે તેવા બજારોમાં જઇને લોકો સાથે સંચાર કરવો.
- સમુદાયોને સતત માહિતગાર રાખવા.
મુસાફરી અંગે વધારાની માર્ગદર્શિકા: અતિ જોખમી વિસ્તારોમાંથી કોવિડ-19ને વધુ ફેલાતો રોકવા માટે મુસાફરી સંબંધિત વધુ પ્રતિબંધો અમલમાં મુકવામા આવ્યા છે.
- UAE, કતાર, ઓમાન અને કુવૈતમાંથી આવતા/ત્યાંની મુલાકાત લેનારા મુસાફરોને શરૂઆતમાં ઓછામાં ઓછા 14 દિવસ સુધી ફરજિયાત ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. 18 માર્ચ 2020ના રોજ 1200 GMTથી પ્રથમ પ્રસ્થાન પોર્ટ પર તેનો અમલ થશે.
- યુરોપીયન સંઘ, યુરોપીયન મુક્ત વ્યાપાર સંગઠન, તુર્કી અને યુનાઇટેડ કિંગડમથી આવતા મુસાફરો પર 18 માર્ચ 2020ના રોજથી ભારતમાં આગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દેશોમાંથી કોઇપણ એરલાઇન 18 માર્ચ 2020ના રોજ 1200 GMTથી ભારતમાં મુસાફરો લાવી શકશે નહીં. એરલાઇને પ્રારંભિક પ્રસ્થાનના પોર્ટ પર આનો અમલ કરવાનો રહેશે.
- આ બંને સૂચનાઓ હંગામી પગલાં છે અને 31 માર્ચ 2020 સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવશે.
આજે ઇરાનથી 53 નાગરિકોની ચોથી બેચ સ્વદેશ લાવવામાં આવી હતી અને તમામને જૈસલમેર ખાતે સૈન્યની ક્વૉરેન્ટાઇન સુવિધામાં લઇ જવામાં આવ્યા છે. પ્રોટોકોલ અનુસાર તમામને અત્યારે અસાધારણ સ્થિતિમાં ગણાવવામાં આવ્યા છે અને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
4 નવા કેસ – છેલ્લા અપડેટથી અત્યાર સુધીમાં ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કેરળ એમ ચારેય જગ્યાએ એક-એક કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં આજના દિવસ સુધીમાં 114 કેસો હોવાની પુષ્ટિ થઇ છે જેમાં 13 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 2 દર્દી મૃત્યુ પામ્યા છે. પોઝિટીવ કેસોના દર્દીઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તેવા 5,200થી વધુ લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેઓ દેખરેખ હેઠળ છે.
SD/RP
(Release ID: 1606657)
Visitor Counter : 369