પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જન ઔષધી યોજના શ્રેષ્ઠ અને પરવડે તેવા દરે દવાઓ પૂરી પાડશે
દરેક ભારતીયોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા ચાર લક્ષ્યો નિર્ધારિત કર્યા અને દરેક નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી સમજવા અનુરોધ કર્યો
Posted On:
07 MAR 2020 4:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજનાના લાભાર્થીઓ અને જન ઔષધી કેન્દ્રોના સ્ટોર માલિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જન ઔષધી દિવસ માત્ર આ યોજનાની ઉજવણીનો દિવસ નથી, પરંતુ આ એવો દિવસ છે જે આ યોજનાનો લાભ લેનારા લાકો ભારતીયો સાથે જોડાવાનો છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “દરેક ભારતીયની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે અમે ચાર લક્ષ્યો પર કામ કરી રહ્યાં છીએ. સૌથી પહેલું, દરેક ભારતીય બીમારી સામે સુરક્ષિત હોવો જોઇએ. બીજું, જો બીમારી આવે તો પરવડે તેવા દરે સારી સારવાર ઉપલબ્ધ હોવી જોઇએ. ત્રીજું, સારવાર માટે અદ્યતન હોસ્પિટલો, પૂરતી સંખ્યામાં સારા ડૉક્ટરો અને તબીબી સ્ટાફ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવું. અને ચોથું લક્ષ્ય, એક મિશનની જેમ કામ કરીને તમામ પડકારોમાંથી બહાર આવવાનું છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, જન ઔષધી યોજના દેશમાં દરેક ભારતીયને શ્રેષ્ઠ અને પરવડે તેવા દરે સારવાર ઉપલબ્ધ કરાવવાની મહત્વપૂર્ણ કડી છે.
તેમણે ઉમેર્યું હતું કે, “મને ઘણો સંતોષ છે કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 6000થી વધુ જન ઔષધી કેન્દ્રો શરૂ થઇ ગયા છે. આ નેટવર્ક હજુ પણ વિસ્તરી રહ્યું છે, આથી હજુ પણ વધુને વધુ લોકો સુધી આનો લાભ પહોંચવાનો છે. આજે, દર મહિને એક કરોડથી વધુ પરિવારો આ કેન્દ્રોના માધ્યમથી ખૂબ જ પરવડે તેવા દરે દવાઓ મેળવી રહ્યા છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જન ઔષધી કેન્દ્રો પર ઉપલબ્ધ દવાઓ બજારના ભાવની સરખામણીએ 50%થી 90% સુધી સસ્તા ભાવે મળે છે. ઉદાહરણ તરીકે, કેન્સરમાં ઉપયોગમાં લેવાતી એક દવા બજારમાં રૂપિયા 6,500માં મળે છે પરંતુ જન ઔષધી કેન્દ્ર પર તે માત્ર રૂ. 800માં મળે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અગાઉના સમયની સરખામણીએ અત્યારે સારવારનો ખર્ચ ઘટી રહ્યો છે. હું કહી શકું છું કે, અત્યાર સુધીમાં દેશભરમાં જન ઔષધી કેન્દ્રોના કારણે કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય ભારતીયોના રૂપિયા 2200 કરોડથી વધુ રકમની બચત થઇ શકી છે.”
પ્રધાનમંત્રીએ જન ઔષધી કેન્દ્રો ચલાવવામાં હિતધારકોની ભૂમિકા વિશે પણ ટિપ્પણી કરી હતી. આ યોજનાના માધ્યમથી યોગદાન આપનારા લોકોની કામગીરીને બિરદાવવા માટે જન ઔષધી યોજના સંબંધિત પુરસ્કારોની શરૂઆત કરવા અંગેના નિર્ણયની પણ તેમણે જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જન ઔષધી યોજના દિવ્યાંગ સહિત આપણા તમામ યુવાનોમાં ખૂબ જ સારો આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ પણ બની રહી છે. હજારો યુવાનો પ્રયોગશાળામાં જેનેરિક દવાઓના પરીક્ષણથી માંડીને જાહેર સ્વાસ્થ્ય કેન્દ્રો સુધી તેના વિતરણના અંતિમ તબક્કા સુધીની વિવિધ પ્રક્રિયાઓમાં નોકરી મેળવી શક્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ”સરકાર દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓનું વિસ્તરણ કરવા માટે તમામ પગલાં લઇ રહી છે. જન ઔષધી યોજના પર ચાલી રહેલી અવિરત કામગીરી પણ વધુ અસરકારક છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અંદાજે 90 લાખ ગરીબ લોકોએ આયુષમાન ભારત યોજના અંતર્ગત સારવાર મેળવી છે. ડાયાલિસિસ કાર્યક્રમ હેઠળ 6 લાખથી વધુ ડાયાલિસિસ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ઉપરાંત, એક હજારથી વધુ આવશ્યક દવાઓના ભાવ પર નિયંત્રણ કરવાથી રૂ. 12,500 કરોડ બચી શક્યા છે. સ્ટેન્ટ અને ની (ઘૂંટણ/ ઢાંકણી) ઇમ્પાલન્ટના ખર્ચ ઘટવાથી લાખો દર્દીઓને નવજીવન મળ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, “વર્ષ 2025 સુધીમાં, અમે દેશને ટીબીના રોગથી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યાં છીએ. આ યોજના અંતર્ગત, અદ્યતન સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોનું દેશના દરેક ગામડામાં નિર્માણ થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં આવા 31 હજારથી વધુ કેન્દ્રો તૈયાર કરવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે તેમની જવાબદારી સમજવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, “આપણે સ્વચ્છતા, યોગ, સંતુલિત ભોજન, રમતગમતો અને અન્ય કસરતોને આપણી દિનચર્યામાં અચુક મહત્વ આપવું જોઇએ. તંદુરસ્તીની દિશામાં આપણા પ્રયાસો સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરશે.”
SD/GP/DS
(Release ID: 1605764)
Visitor Counter : 201