પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ નિવેદનનો મૂળપાઠ

Posted On: 25 FEB 2020 3:48PM by PIB Ahmedabad

મારા મિત્ર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,

અમેરિકી પ્રતિનિધિમંડળના સન્માનિત સદસ્યગણ,

દેવીઓ અને સજ્જનો,

નમસ્કાર.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં એકવાર ફરી હાર્દિક સ્વાગત છે. મને વિશેષ ખુશી છે કે આ યાત્રા પર તેઓ પોતાના પરિવારની સાથે આવ્યા છે. છેલ્લા આઠ મહિનાઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચેની આ પાંચમી મુલાકાત છે. ગઈકાલે મોટેરામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત હંમેશા યાદ રાખવામાં આવશે. ગઈકાલે એ બાબત ફરીથી સ્પષ્ટ થઇ કે અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના જ નથી પરંતુ લોકો સંચાલિત છે, લોકો કેન્દ્રી છે. આ સંબંધ 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાં છે. અને એટલા માટે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં અમારા સંબંધોને વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવાનો નિર્ણય લીધો છે. સંબંધોને આ પડાવ સુધી લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

મિત્રો,

આજે અમારી ચર્ચામાં અમે આ ભાગીદારીને પ્રત્યેક મહત્વના આયામ પર હકારાત્મક વિચાર કર્યો - પછી તે સંરક્ષણ અને સુરક્ષા હોય, ઊર્જામાં વ્યુહાત્મક ભાગીદારી હોય, ટેકનોલોજીમાં સહયોગ હોય, વૈશ્વિક સંપર્ક હોય, વેપારી સંબંધો હોય કે પછી લોકોનો લોકો સાથેનો સંબંધ. ભારત અને અમેરિકાની વચ્ચે વધતો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અમારી વ્યુહાત્મક ભાગીદારીનો એક બહુ મોટો હિસ્સો છે. અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને મંચ પર સહયોગ વડે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે. અમારા સંરક્ષણ ઉત્પાદન એકબીજાની પૂરવઠા શ્રુંખલાનો હિસ્સો બની રહ્યા છે. ભારતીય સેનાઓ આજે સૌથી વધુ તાલીમ એકસરસાઈઝ અમેરિકાની સેના સાથે કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમારી સેનાઓની વચ્ચે આંતરવ્યવહારિકતામાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થઇ છે.

મિત્રો,

એ જ રીતે અમે અમારી ગૃહભૂમિની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય અપરાધ સામે લડવા માટે પણ સહયોગ વધારી રહ્યા છીએ. આજે ગૃહભૂમિ સુરક્ષા પર થયેલા નિર્ણયો વડે આ સહયોગને વધુ બળ મળશે. આતંકના સમર્થકોને જવાબદાર ઠેરવવા માટે આજે અમે અમારા પ્રયાસોને વધુ વધારવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડ્રગ્સ અને ઓપીઓઈડ સંકટ સામેની લડાઈને પ્રાથમિકતા આપી છે. આજે અમારી વચ્ચે ડ્રગ ટ્રાફિકિંગ, નાર્કો ટેરરીઝમ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવી ગંભીર સમસ્યાઓ અંગે એક નવા વ્યવસ્થાતંત્ર પર પણ સહમતી સધાઈ છે.

મિત્રો,

થોડા સમય પહેલા જ સ્થપાયેલ અમારી વ્યુહાત્મક ઊર્જા ભાગીદારી સુદ્રઢ થતી જઈ રહી છે. અને આ ક્ષેત્રમાં પારસ્પરિક રોકાણ વધ્યું છે. તેલ અને ગેસની માટે અમેરિકા ભારત માટેનું એક બહુ મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે. પુનઃપ્રાપ્ય હોય કે ન્યુક્લિયર ઊર્જા, અમારા સહયોગને નવી ઊર્જા મળી રહી છે.

મિત્રો,

એ જ રીતે, ઇન્ડસ્ટ્રી 4.૦ અને 21મી સદીની અન્ય ઉભરતી ટેકનોલોજી પર પણ ભારત અમેરિકાની ભાગીદારી, ઇનોવેશન અને ઉદ્યોગોના નવા પડાવો સ્થાપિત કરી રહી છે. ભારતીય વ્યવસાયિકોની પ્રતિભાએ અમેરિકી કંપનીઓના ટેકનોલોજી નેતૃત્વને મજબૂત કર્યું છે.

મિત્રો,

ભારત અને અમેરિકા આર્થિક ક્ષેત્રમાં ખુલ્લાપણું અને ન્યાયોચિત તથા સંતુલિત વેપાર માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા ત્રણ વર્ષોમાં અમારા દ્વિપક્ષીય વેપારમાં ડબલ ડિજિટની વૃદ્ધિ થઇ છે, અને તે વધુ સંતુલિત પણ થયો છે. જો ઊર્જા, નાગરિક ઉડ્ડયન, સંરક્ષણ અને ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ વર્ષોમાં માત્ર આ ચાર ક્ષેત્ર એ જ ભારત અમેરિકાના આર્થિક સંબંધોમાં લગભગ 70 બિલિયન ડોલર્સનું યોગદાન આપ્યું છે. તેમાંથી ઘણું બધું રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ અને નિર્ણયોના કારણે શક્ય બન્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ આંકડો ઘણો વધી જશે. જ્યાં સુધી દ્વિપક્ષીય વેપારનો સવાલ છે, અમારા વાણિજ્ય મંત્રીઓની વચ્ચે હકારાત્મક ચર્ચાઓ થઇ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું સહમત છીએ કે અમારા વાણિજ્ય મંત્રીઓની વચ્ચે જે સમજૂતી સધાઈ છે તેને અમારી ટીમ કાયદાકીય સ્વરૂપ આપે. અમે એક મોટી વ્યાપારી સંધિ માટે ચર્ચા શરુ કરવા માટે પણ સહમત થયા છીએ. અમને આશા છે કે પારસ્પરિક હિતોમાં તેના સારા પરિણામો નીકળશે.

મિત્રો,

વૈશ્વિક સ્તર પર ભારત અને અમેરિકાનો સહયોગ અમારા સમાન લોકશાહી મૂલ્યો અને ઉદ્દેશ્યો પર આધારિત છે. ખાસ કરીને ઇન્ડો-પેસિફિક અને ગ્લોબલ કોમન્સમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય શિસ્ત માટે આ સહયોગ વિશેષ મહત્વ ધરાવે છે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સંતુલિત અને પારદર્શક નાણાકીય નીતિના મહત્વ પર સહમત છીએ. અમારો આ પારસ્પરિક તાલમેલ એકબીજાના જ નહી પરંતુ સમગ્ર વિશ્વના હિતમાં છે.

મિત્રો,

ભારત અને અમેરિકાની આ વિશેષ મિત્રતાનો સૌથી મહત્વપૂર્ણ પાયો અમારા લોકો સાથેના સંબંધોમાં છે. પછી તે વ્યવસાયિક હોય કે વિદ્યાર્થી, અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાનું તેમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે. ભારતના આ રાજદૂતો માત્ર પોતાની પ્રતિભા અને પરિશ્રમ વડે અમેરિકાની અર્થવ્યવસ્થામાં જ યોગદાન નથી આપી રહ્યા પરંતુ પોતાના લોકશાહી મૂલ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિ વડે અમેરિકન સમાજને પણ સમૃદ્ધ બનાવી રહ્યા છે. મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને અનુરોધ કર્યો છે કે અમારા વ્યવસાયિકોના સામાજિક સુરક્ષાના યોગદાન પર ટોટલાઈઝેશન સંધિને બંને પક્ષો દ્વારા ચર્ચા આગળ વધારવામાં આવે. તે પારસ્પરિક હિતમાં છે.

મિત્રો,

આ બધા જ પાસાઓમાં અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની યાત્રાએ ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે. એક વાર ફરી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત આવવા માટે અને ભારત અમેરિકા સંબંધોને નવી ઉંચાઈ પર પહોંચાડવા માટે હાર્દિક આભાર પ્રગટ કરું છું.

આપનો આભાર !!

 

SD/RP/GP/DS

 



(Release ID: 1604335) Visitor Counter : 235