પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લખનૌમાં ડિફેન્સ એક્ષ્પોનું ઉદ્ઘાટન કર્યું


ભારત બજાર હોવાની સાથે આખી દુનિયા માટે એક તક છેઃ પ્રધાનમંત્રી



‘સંરક્ષણ ક્ષેત્રનું ડિજિટલ પરિવર્તન’ થીમ ભવિષ્યનાં પડકારોનું પ્રતિબિંબિ છેઃ પ્રધાનમંત્રી



સંરક્ષણ ક્ષેત્રની ચીજવસ્તુઓનું સ્વદેશીકરણ કરવાનું અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન સાકાર થયુઃ પ્રધાનમંત્રી



નવા ભારત માટે નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યાં છેઃ પ્રધાનમંત્રી

Posted On: 05 FEB 2020 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં લખનૌમાં ડિફેન્સએક્ષ્પોની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનાં દ્વિવાર્ષિક સૈન્ય પ્રદર્શનમાં ગ્લોબલ સંરક્ષણ નિર્માણ કેન્દ્ર સ્વરૂપે બહાર આવવાની દેશની સંભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવી છે. ડિફેન્સએક્ષ્પો, 2020 ભારતનો સૌથી મોટો સંરક્ષણ પ્રદર્શન મંચ અને દુનિયાનાં ટોચનાં ડિફેન્સએક્ષ્પોમાંથી એક બની ગયો છે. આ આવૃત્તિમાં દુનિયાભરનાં 1,000થી વધારે સંરક્ષણ ઉત્પાદકો અને 150 કંપનીઓએ ભાગ લીધો છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને ભારતનાં પ્રધાનમંત્રીની સાથે ઉત્તરપ્રદેશનાં સાંસદ સ્વરૂપે ડિફેન્સએક્ષ્પોની 11મી આવૃત્તિમાં તમામનું સ્વાગત કરવાની બમણી ખુશી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અહીં લોકો અને ભારતનાં યુવાનો માટે એક બહુ મોટી તક છે. મેક ઇન ઇન્ડિયાથી ભારતની સુરક્ષા વધવાની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં રોજગારની નવી તકોનું સર્જન થશે. એનાથી ભવિષ્યમાં સંરક્ષણ સાથે સંબંધિત નિકાસને પ્રોત્સાહન મળશે.

 

ભારત બજાર હોવાની સાથે આખી દુનિયા માટે એક વિશાળ તક

 

અત્યારે ડિફેન્સએક્ષ્પો ભારતની વિશાળતા, એની વ્યાપકતા, એની વિવિધતા અને દુનિયામાં એની વિસ્તૃત ભાગીદારીનું જીવતોજાગતો પુરાવો છે. આ એ વાતનું પ્રમાણ છે કે, ભારત સુરક્ષા અને સંરક્ષણનાં ક્ષેત્રમાં મજબૂત ભૂમિકા સાથે આગળ વધી રહ્યું છે. આ એક્ષ્પો ફક્ત સંરક્ષણ સાથે સંબંધિત ઉદ્યોગની સાથે ભારત પ્રત્યે દુનિયાનાં વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે. જે લોકો સંરક્ષણ અને અર્થતંત્ર વિશે જાણે છે એમને ચોક્કસ ખબર હશે કે ભારત ફક્ત બજાર નથી, પણ આખી દુનિયા માટે એક વિશાળ તક પૂરી પાડે છે.

 

સંરક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન ભવિષ્યનાં પડકારોને પ્રતિબિંબિત કરે છે

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડિફેન્સએક્ષ્પોની પેટાથીમ સંરક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન ભવિષ્યની ચિંતાઓ અને પડકારોને દર્શાવે છે. જેમ જેમ જીવનમાં ટેકનોલોજીથી પરિવર્તન થઈ રહ્યું છે, તેમ તેમ સુરક્ષા સાથે સંબંધિત મુદ્દા અને પડકારો વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. આ ફક્ત વર્તમાન માટે જ નહીં, પણ આપણાં ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. જેમ જેમ દુનિયાભરનાં સંરક્ષણ ક્ષેત્ર ક્ષમતા વિકસાવવા નવી ટેકનોલોજીઓ તૈયાર કરી રહી છે, તેમ તેમ ભારત પણ દુનિયા સાથે તાલમેળ સ્થાપિત કરી રહ્યો છે. અનેક પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અમારો ઉદ્દેશ આગામી પાંચ વર્ષ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ઓછામાં ઓછા 25 ઉત્પાદન વિકસિત કરવાનો છે.

 

અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન સાકાર થવું

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લખનૌમાં ચાલતો એક્ષ્પો એક અન્ય કારણથી પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ દેશમાં સંરક્ષણ ઉપકરણોનાં નિર્માણનું સ્વપ્ન જોયું હતું અને આ માટે અનેક પગલાં ઉઠાવ્યાં હતાં.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વાજપેયીએ વિચારેલા માર્ગને અપનાવીને અમે અનેક સંરક્ષણ ઉત્પાદનોનાં નિર્માણને વેગ આપ્યો છે. આપણે વર્ષ 2014માં 217 ડિફેન્સ લાઇસન્સ ઇશ્યૂ કર્યા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં આ સંખ્યા  460 થઈ ગઈ છે. અત્યારે ભારત આર્ટિલરી ગન, વિમાનવાહકોથી લઈને યુદ્ધજહાજ સબમરિનનું નિર્માણ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસમાં ભારતનો હિસ્સો પણ વધ્યો છે. છેલ્લાં બે વર્ષમાં ભારતે આશરે રૂ. 17,000 કરોડનાં મૂલ્યનાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. હવે અમારો લક્ષ્યાંક સંરક્ષણ નિકાસને વધારીને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો છે.

 

સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ, રાષ્ટ્રની નીતિનો એક મોટો હિસ્સો

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષ દરમિયાન અમારી સરકારે સંશોધન અને વિકાસને આપણા રાષ્ટ્રની  નીતિનો મુખ્ય ભાગ બનાવ્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ તથા નિર્માણ માટે દેશમાં આવશ્યક મૂળભૂત માળખાગત સુવિધાઓ તૈયાર કરી છે. અન્ય દેશો સાથે સંયુક્ત ઉદ્યોગસાહસોની ચકાસણી ચાલુ છે. એક કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે તમામ સાઇલોનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એનાથી એક એવું વાતવરણ તૈયાર થશે, જેમાં લોકો રોકાણ અને ઇનોવેશન માટે તૈયાર રહેશે.

 

વપરાશકર્તા અને ઉત્પાદક વચ્ચે ભાગીદારી

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વપરાશકર્તા અને ઉત્પાદક વચ્ચે ભાગીદારીથી રાષ્ટ્રીય સુરક્ષાને વધારે મજબૂત બનાવી શકાય છે.

તેમણે કહ્યું હતું કે, “સંરક્ષણ નિર્માણ સરકારી સંસ્થાઓ પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પણ એમાં ખાનગી ક્ષેત્રની સમાન ભાગીદારી હોવી જોઈએ.

 

નવા ભારતનો લક્ષ્ય

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સંરક્ષણ ઉપકરણોનાં નિર્માણ માટે બે મોટા કોરિડોર ઊભા કરવામાં આવ્યાં છે. એક  કોરિડોર તમિલનાડુમાં અને અન્ય એક કોરિડોર ઉત્તરપ્રદેશમાં હશે. ઉત્તરપ્રદેશનાં સંરક્ષણ કોરિડોર અંતર્ગત લખનૌ ઉપરાંત અલીગઢ, આગ્રા, ઝાંસી, ચિત્રકૂટ અને કાનપુરમાં નોડ્સ સ્થાપિત કરવામાં આવશે. ભારતમાં સંરક્ષણ ઉત્પાદોનાં નિર્માણને વેગ આપવા નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યાં છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં સંરક્ષણનાં ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈની સંખ્યા 15,000થી વધારે લઈ જવાની છે. આઈ-ડીઈએક્સનાં વિચારને પ્રોત્સાહન આપવા 200 નવા સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ પ્રયાસ ઓછામાં ઓછા 50 નવી ટેકનોલોજી અને ઉત્પાદનોને વિકસિત કરવા માટે હાથ ધરવામાં આવ્યો છે. મારું સૂચન છે કે, દેશનાં મુખ્ય ઉદ્યોગ સંગઠનો સંરક્ષણ ચીજવસ્તુઓનું નિર્માણ કરવા માટે એક સહિયારો મંચ બનાવે, જેથી તેઓ સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનાં વિકાસ અને ઉત્પાદન બંનેનો લાભ ઉઠાવી શકે.

 

SD/GP/DS



(Release ID: 1602188) Visitor Counter : 239