પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોલકતામાં બેલુર મઠ ખાતે પ્રધાનમંત્રીશ્રીના સબોધનનો મૂળપાઠ
Posted On:
12 JAN 2020 12:35PM by PIB Ahmedabad
રામકૃષ્ણ મઠના મહા સચિવ શ્રીમાન સ્વામી સુવિરાનંદજી મહારાજ, સ્વામી દિવ્યાનંદજી મહારાજ, અહી ઉપસ્થિત પૂજ્ય સંત સમુદાય, અતિથિગણ અને મારા યુવાન સાથીદારો,
આપ સૌને સ્વામી વિવેકાનંદ જ્યંતિના આ પવિત્ર પ્રસંગે એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. દેશવાસીઓ માટે બેલુર મઠની પવિત્ર ભૂમિ ઉપર આવવુ તે કોઈ તિર્થ યાત્રાથી ઓછુ નથી. પરંતુ મારા માટે તો તે હંમેશાં ઘેર આવવા જેવું જ રહયું છે. હું પ્રેસીડેન્ટ સ્વામીનો અને અહીંના તમામ વ્યવસ્થાપકોનો હૃદયપૂર્વક ખૂબ જ આભારી છું, કારણ કે મને અહીં ગઈ રાત્રે રોકાવાની છૂટ આપવામાં આવી છે. કારણ કે સરકારમાં પ્રોટોકોલ, સિક્યોરિટી વગેરે કારણોથી જ્યાં ત્યાં જઈ શકાતુ નથી, પરંતુ મારી વિનંતિ અહીંના વ્યવસ્થાપકોએ માની છે અને મને અહીં રાત વિતાવવાનુ સૌભાગ્ય હાંસલ થયું છે. આ ભૂમિમાં, અહીંની હવામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ, મા શારદા દેવી, સ્વામિ બ્રહ્માનંદ અને સ્વામિ વિવેકાનંદ સહિત તમામ ગુરૂઓનુ સાનિધ્ય દરેક વ્યક્તિને પ્રતિત થાય છે. હું જ્યારે પણ બેલુર મઠ આવુ છું, ત્યારે અતિતનાં એ પાનાં ખૂલી જાય છે. જેને કારણે હું આજે અહીયાં છું અને 130 કરોડ ભારતવાસીઓની સેવામાં થોડુ કર્તવ્ય નિભાવી રહ્યો છું.
ગઈ વખતે જ્યારે હું અહીંયાં આવ્યો હતો ત્યારે ગુરૂજી સ્વામી આત્મ આસ્થાનંદજીના આશિર્વાદ લઈને ગયો હતો, અને હું એ કહી શકુ તેમ છું કે તેમણે મારી આંગળી પકડીને મને જન સેવા એ જ પ્રભુ સેવાનો માર્ગ બતાવ્યો છે. આજે તે શારિરિક સ્વરૂપે આપણી વચ્ચે નથી, પણ તેમનુ કામ, તેમણે ચિંધેલો માર્ગ આપણને રામ કૃષ્ણ મિશનના સ્વરૂપે સદા સર્વદા આપણા પંથને ઉજાળતો રહેશે.
અહી ઘણા યુવાન બ્રહ્મચારીઓ પણ બેઠા છે. એમની વચ્ચે થોડી ક્ષણો વિતાવવાની મને તક મળી છે. જે મન: સ્થિતિ અત્યારે તમારી છે તેવી ક્યારેક મારી પણ હતી, અને તમે અનુભવ કર્યો હશે કે આપણામાંથી ઘણા લોકો અહીં આકર્ષિત થઈને આવે છે. તેનુ કારણ વિવેકાનંદજીના વિચારો, વિવેકાનંદજીની વાણી, વિવેકાનંદજીનુ વ્યક્તિત્વ, આ બધુ આપણને અહીંયાં સુધી ખેંચી લાવે છે.
પણ, આ ભૂમિમાં આવ્યા પછી, માતા શારદા દેવીનો પાલવ આપણને અહીં વસી જવા માટે માનો પ્રેમ આપતો રહે છે. અહીં જેટલા પણ બ્રહ્મચારી લોકો છે તેમને એ બાબતની અનુભૂતિ થતી હશે, જે મને પણ ક્યારેક થતી હતી.
સાથીઓ, સ્વામી વિવેકાનંદનુ હોવું તે માત્ર એક વ્યક્તિ હોવાપણુ નથી પણ એક જીવન ધારા છે, જીવનશૈલીનુ એક નામ છે. તેમણે ગરીબોની સેવા કરી અને ભારત ભક્તિને જ પોતાના જીવનનો આદિ અને અંત માની લીધો હતો. તેમણે જે કાંઈ કર્યું તેવુ જીવન જીવવા માટે તેમણે કરોડો લોકોને માર્ગ પણ બતાવ્યો છે.
આપ સૌ, દેશના તમામ યુવાનો, અને હું વિશ્વાસ સાથે કહું છું કે દેશનો દરેક યુવક ભલે તે વિવેકાનંદને જાણતો હોય કે ના જાણતો હોય, તે જાણે અજાણે પણ તે સંકલ્પ સિધ્ધિનો હિસ્સો બની જાય છે. સમય બદલાયો છે, દાયકો બદલાયો છે, સદી પણ બદલાઈ ગઈ છે, પરંતુ સ્વામીજીના સંકલ્પોને સિધ્ધિ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી ઉપર છે, આવનારી પેઢીઓ ઉપર છે. અને આ કોઈ એવુ કામ નથી કે જેને એક વાર કરી દીધુ એટલે પૂરૂ થઈ ગયું. એ સંકલ્પનુ કામ છે અને તેને અવિરત આગળ ધપાવવાનુ રહે છે. યુગ યુગ સુધી કરવુ પડે તેવુ આ કામ છે.
ઘણી વાર આપણે એવુ વિચારતા હોઈએ છીએ કે મારા એકલાના કામ કરવાથી શું થશે, મારી વાત કોઈ સાંભળતુ તો નથી. હું જે કાંઈ ઈચ્છુ છું, હું જે કાંઈ વિચારૂ છું. તેની ઉપર કોઈ ધ્યાન તો આપતુ જ નથી. પરંતુ આવી હાલતમાંથી યુવા માનસને બહાર કાઢવાની ખૂબ જ જરૂર છે. અને હું તો એક સીધો સાદો મંત્ર બતાવુ છું. અને તે પણ હુ મારા ગુરૂજનો પાસેથી શિખ્યો છું કે આપણે કયારેય એકલા હોતા નથી.આપણી સાથે એવો કોઈ એક હોય છે, જે આપણને દેખાતો નથી. જે ઈશ્વરના રૂપ સમાન હોય છે. આપણે ક્યારેય પણ એકલા હોતા નથી. આપણો સર્જનહાર આપણી સાથે જ હોય છે. સ્વામીજીની એ વાત આપણે હંમેશાં યાદ રાખવાની રહે છે અને તે એ છે કે “ મને જો 100 ઉર્જાવાન યુવાનો મળી જાય તો હું ભારતને બદલી નાખીશ. ” સ્વામીજીએ ક્યારેય એવુ કહ્યું ન હતું કે મને જો 100 યુવાનો મળી જશે તો હુ આમ બની જઈશ. તેમણે એવુ કહ્યું હતું કે ભારત બદલાઈ જશે. એનો અર્થ એ થાય કે પરિવર્તન લાવવા માટે આપણુ જોશ અને સંકલ્પ જરૂરી બની રહે છે.
સ્વામીજી તો ગુલામીના એ કાળમાં આ પ્રકારના 100 યુવાનોની શોધ ચલાવી રહ્યા હતા. પરંતુ 21મી સદીને ભારતની સદી બનાવવા માટે, નવા ભારતનુ નિર્માણ કરવા માટે તો કરોડો ઉર્જાવાન યુવાનો હાલમાં ભારતના દરેક ખૂણે ઉભા છે. દુનિયાની સૌથી મોટી યુવા વસતીનો ખજાનો આપણી પાસે છે.
સાથીઓ, 21મી સદીના ભારતના આ યુવાનોની પાસેથી જ નહી, પણ દરેક દેશના યુવાનો પાસેથી માત્ર ભારતને જ નહી તમામ વિશ્વને ઘણી બધી અપેક્ષાઓ છે. તમે બધા જાણો છો કે દેશ 21મી સદી માટે નવા ભારતુ નિર્માણ કરવા એક સંકલ્પ લઈને ડગલાં ભરી રહ્યો છે.આ સંકલ્પ માત્ર સરકારનો નથી, પણ 130 કરોડ ભારતવાસીઓનો અને યુવાનોનો પણ સંકલ્પ છે. વિતેલા પાંચ વર્ષનો અનુભવ બતાવે છે કે દેશના યુવાનો જે ઝુંબેશમાં લાગી જાય છે તેને સફળતા મળવાનુ નક્કી હોય છે. ભારત સ્વચ્છ થઈ શકે કે નહી તે બાબતે પાંચ વર્ષ પહેલાં માત્ર નિરાશાભાવ પ્રવર્તતો હતો. પરંતુ દેશના યુવાનોએ સુકાન સંભાળી લીધુ છે અને પરિવર્તન સામે દેખાઈ રહ્યું છે.
ચાર થી પાંચ વરસ પહેલાં અનેક લોકોને એ કામ અશક્ય જણાતુ હતુ કે ભારતમાં ડિજીટલ પેમેન્ટનો વ્યાપ આટલો વધી શકે કે નહી? પરંતુ ભારત આજે સૌથી ઝડપથી વિકસી રહેલી ડિજિટલ અર્થવ્યવસ્થામાં સ્થાન પામી ચૂક્યો છે અને મજબૂતી સાથે ઉભો રહ્યો છે.
થોડાક વરસ પહેલાં ભ્રષ્ટાચારના મુદ્દે દેશના યુવાનો સડક પર ઉતરી આવ્યા હતા. તે પણ આપણે જોયું છે, ત્યારે એવુ લાગતુ હતું કે દેશની વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનુ કામ મુશ્કેલ છે. પરંતુ યુવાનોએ આ પરિવર્તન લાવી બતાવ્યું છે.
સાથીઓ, માત્ર યુવા શક્તિ અને યુવા ઉર્જા 21મી સદીના આ દાયકામાં ભારતમાં પરિવર્તન લાવવાનો આધાર બની રહેશે. એક રીતે કહીએ તો નવા વર્ષની શરૂઆત શુભેચ્છાઓથી થતી હોય છે. પરંતુ આપણે એ વાત પણ યાદ રાખવાની રહેશે કે આ એક નવા વર્ષ કે નવા દાયકાની શરૂઆત નથી. અને એટલા માટે જ આપણે આપણાં સપનાંને નવા વર્ષના સંકલ્પની સાથે જોડીને સિધ્ધિ હાંસલ કરવાની દિશામાં અને અધિક ઉમંગ સાથે, અધિક ઉર્જા સાથે અને અધિક સમર્પણની ભાવના સાથે જોડવાનુ રહે છે.
નૂતન ભારતનો સંકલ્પ તમારી મારફતે જ પૂરો થવાનો છે. એ યુવા વિચારધારા છે જે કહે છે કે સમસ્યાઓને ટાળો નહી, જો તમે યુવાન હશો તો સમસ્યાને ટાળવાનો કદી વિચાર પણ નહી કરી શકો. યુવાનનો અર્થ થાય છે સમસ્યા સાથે લડાઈ, સમસ્યાઓનો ઉપાય શોધવો, પડકારને જ પડકાર આપી દેવો, આ વિચારધારાને આગળ ધપાવતાં ધપાવતાં જ કેન્દ્ર સરકાર પણ દેશની સામે દાયકાઓથી ઉપસ્થિત સમસ્યાઓને પડકાર આપવાનુ કામ કરી રહી છે.
સાથીઓ, વિતેલા થોડા સમયથી દેશના યુવાનોમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એકટની ચર્ચા થઈ રહી છે. આ કાયદો શું છે, તેને લાવવાની શું જરૂર હતી? યુવાનોના માનસમાં આવા ઘણા બધા સવાલો ગુમરાઈ રહ્યા છે. આ સવાલો યુવાનોના માનસમાં સુપેરે ઘુસાડી દેવામાં આવ્યા છે. ઘણા બધા નવયુવાનો જાગૃત છે. પરંતુ એવા પણ કેટલાક યુવાનો છે કે જે આ ભ્રમનો સુપેરે શિકાર બન્યા છે. અફવાઓનો ભોગ બન્યા છે. એવા દરેક યુવાનને સમજાવવાની આપણી સૌની જવાબદારી છે અને તેમને સંતુષ્ટ કરવાની પણ આપણા સૌની જવાબદારી છે. અને એટલા માટે જ રાષ્ટ્રીય યુવા દિને હું ફરી એક વાર દેશના નવયુવાનોને, પશ્ચિમ બંગાળના નવયુવાનોની વચ્ચે ઉભો રહીને ચોકકસ કશુંક કહેવા માગુ છું.
સાથીઓ, એવુ નથી કે દેશની નાગરિકતા આપવા માટે દેશમાં રાતોરાત કોઈ નવો કાયદો બનાવી દેવામાં આવ્યો છે. આપણને સૌને ખબર હોવી જોઈએ કે બીજા દેશમાંથી અન્ય ધર્મનો કોઈ પણ વ્યક્તિ જે ભારતમાં શ્રધ્ધા રાખે છે, ભારતના બંધારણને માને છે તે ભારતની નાગરિકતા મેળવી શકે છે. આ બાબતે કોઈ શંકા પ્રવર્તતી નથી. હું વધુ એક વાર કહીશ કે સિટીઝનશિપ એકટ નાગરિકતા છીનવી લેવાનો નહી પણ નાગરિકતા આપવા માટેનો કાયદો છે, અને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એકટ એ કાયદામાં માત્ર સુધારો છે. આ સંશોધન અને આ સુધારો શું છે? અમે ફેરફાર કર્યો છે કે જેથી ભારતની નાગરિકતા લેવાની સરળતા વધુ વધારી દેવામાં આવી છે. આ સરળતા કોને માટે વધારવામાં આવી છે? એ લોકો માટે કે જેમની ઉપર ભાગલા પછી પાકિસ્તાનમાં તેમના ધર્મને કારણે તેમની ઉપર જુલમ કરવામાં આવ્યો હતો, જીવન જીવવુ મુશ્કેલ બની ગયું હતુ. હવે હું તમને સવાલ કરૂ છું કે જે લોકો ઉપર તેમના ધર્મને કારણે, પાકિસ્તાનમાં તેમના ધર્મને કારણે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જીવવાનુ મુશ્કેલ બની ગયું છે , જેમની બેન દિકરીઓની આબરૂ સુરક્ષિત રહી નથી. હવે આપણી પહેલને કારણે પાકિસ્તાને જવાબ આપવો પડે છે કે 70 વર્ષ સુધી તેમણે લઘુમતીઓ ઉપર જુલમ શા માટે કર્યો?
સાથીઓ, આઝાદી પછી મહાત્મા ગાંધીજીથી માંડીને મોટા મોટા દિગ્ગજોનુ એવુ કહેવુ હતું કે ભારતે આવા લોકોને નાગિરકતા આપવી જોઈએ, જેમની ઉપર તેમના ધર્મને કારણે પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. હવે મારે તમને પુછવુ છે કે આવા શરણાર્થીઓને આપણે મરવા માટે પાછા મોકલી દેવા જોઈએ? શું તેમની તરફની આપણી કોઈ જવાબદારી છે કે નહી ? તેમને આપણા જેવા નાગરિક બનાવવા જોઈએ કે નહી બનાવવા જોઈએ? અને તે કાયદા પાળીને બંધનોની સાથે રહેતો હોય તો, સુખ ચેનની જીંદગી જવતો હોય તો આપણને સંતોષ થશે કે નહી થાય? આપણે આવુ કરવુ જોઈએ કે નહી કરવુ જોઈએ. બીજાની ભલાઈ માટે કામ કરવુ તે સારૂ છે કે ખરાબ છે? જો મોદી આ કામ કરે તો તેમને તમારો સાથ છે કે નહી?
તમારી સરકારે દેશને આઝાદી અપાવનાર મહાન સપૂતોની ઈચ્છાનુ માત્ર પાલન કર્યું છે. જે મહાત્મા ગાંધીજી કહીને ગયા હતા તે કામ અમે કર્યું છે.અને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એકટમાં અમે નાગરિકતા આપી રહ્યા છીએ, કોઈની નાગરિકતા છીનવી રહ્યા નથી. કોઈની પણ, કોઈની પણ નાગરિકતા છીનવી રહ્યા નથી. આ ઉપરાંત આજે પણ જો કોઈ પણ ધર્મનો વ્યક્તિ ભગવાનને માનતો હોય કે ના માનતો હોય, તે નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતની નાગરિકતા લઈ શકે છે. આ બાબત તમને સાફ સાફ સમજણમાં આવી છે કે નથી આવી. સમજી ગયા છો ને, જે નાના નાના વિદ્યાર્થી છે તે પણ સમજી ગયા છે. જે તમે સમજી રહ્યા છો તે નાગરિકતાનો ખેલ ખલનારા લોકોની સમજવા માટે તૈયાર નથી. તે પણ સમજદાર છે, પણ સમજવા માગતા નથી. તમે સમજદાર છો અને દેશની ભલાઈ ઈચ્છતા નવ યુવાન પણ છો.
અને હા, જ્યાં સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોનો સવાલ છે. અમને ગર્વ છે. ઉત્તર પૂર્વનાં રાજ્યો ઉપર અમને ગર્વ છે. ઉત્તર પૂર્વનાં રાજ્યોની સંસ્કૃતિ, ત્યાંની પરંપરા, ત્યાની વસતી રચના (ડેમોગ્રાફી) , ત્યાંના રિતરિવાજ, ત્યાની રહેણીકરણી, તેમની ખાન-પાનની ટેવો, આ બધાને કોઈ અસર થાય નહી તે રીતે આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને એમાટે કાયદામાં જોગવાઈ પણ કેન્દ્ર સરકાર મારફતે કરવામાં આવી છે.
સાથીઓ, આટલી સ્પષ્ટતા કરવા છતાં પણ, કેટલાક લોકો રાજકિય કારણોથી ભ્રમ ફેલાવી રહ્યા છે, મને આનંદ છે કે આજનો યુવાન આવા લોકોના ભ્રમથી દૂર રહે છે.
આ બધા ઉપરાંત પાકિસ્તાનમાં જે રીતે બીજા ધર્મના લોકો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.તેના માટે પણ આપણા યુવાનો દુનિયાભરમાં અવાજ ઉઠાવી રહ્યા છે, અને એ બાબત પણ બિલકુલ સ્પષ્ટ છે કે નાગરિકતા કાયદામાં આપમે આ ફેરફાર લાવ્યા ના હોત તો નવો વિવાદ છેડાઈ જાત અને દુનિયાને ખ્યાલ પણ આવત નહી કે પાકિસ્તાનમાં લઘુમતિ ઉપર કેવા કેવા અત્યાચાર થઈ રહ્યા છે, માનવ અધિકારનો કેવી કેવી રીતે ભંગ થઈ રહ્યો છે. કેવી રીતે બહેન દિકરીઓની જીંદગી બરબાદ કરી દેવામાં આવી રહી છે. આ અમારી પહેલનુ પરિણામ છે કે પાકિસ્તાને પણ જવાબ આપવો પડી રહ્યો છે કે 70 વર્ષમાં ત્યાં લઘુમતી ઉપર કેવો અત્યાચાર કર્યો છે.
સાથીયો, આ બાબતે જાગૃત રહીને, જાગગૃતિ ફેલાવવાનુ અને અન્ય લોકોને જાગૃત કરવાની પણ આપણા સૌની જવાબદારી છે. એવા અન્ય ઘણા વિષય છે કે જેની બાબતે સામાજીક જાગૃતિ, લોક આંદોલન, જનચેતના આવશ્યક છે, તમે પાણીનુ જ ઉદાહરણ લો, પાણીની બચત કરવી તે આજે દરેક નાગરિકની જવાબદારી બની રહી છે. સિંગલયુઝ પ્લાસ્ટિક વિરૂધ્ધનુ અભિયાન હોય કે પછી ગરીબો માટેની સરકારની અનેક યોજનાઓ હોય, આ બધી બાબતોમાં મે જાગૃતિ વધારવામાં તમારો સહયોગ મળશે તો દેશની મોટી મદદ થશે.
સાથીઓ, આપણી સંસ્કૃતિ અને આપણુ બંધારણ આપણી પાસેથી એ બાબતની અપેક્ષા રાખે છે કે એક નાગરિક તરીકેની આપણી ફરજો આપણે ઈમાનદારી સાથે અને સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે નિભાવીએ. આઝાદીનાં 70 વર્ષ સુધી આપણે અધિકાર, અધિકાર એવુ ઘણુ સાંભળ્યું છે. અધિકાર માટે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા છે. અને તે જરૂરી પણ હતું. પણ હવે અધિકાર કોઈ એકલાનો નહી પણ દરેક હિન્દુસ્તાનીના કર્તવ્ય તરીકે પણ ખૂબ મહત્વનો હોવો જોઈએ. અને આ માર્ગ ઉપર ચાલતાં ચાલતાં, આપણે વિશ્વના પટલ ઉપર આપણા ભારતનુ સ્વાભાવિક સ્થાન જોઈ શકીશું.સ્વામી વિવેકાનંદની દરેક ભારતીય માટે કૈંક આવી જ અપેક્ષા હતી.
સ્વામી વિવેકાનંદજી પણ આવુંજ ઈચ્છતા હતા. તે ભારત માતાને ભવ્ય સ્વરૂપે જોવા માગતા હતા, અને આપણે બધા પણ તેમના સંકલ્પને સાકાર કરવા માટે સંકલ્પ લઈ રહ્યા છીએ. આજે વધુ એક વાર, સ્વામી વિવેકાનંદજીના પવિત્ર પર્વ પ્રસંગે બેલુર મઠની આ પવિત્ર ધરતી ઉપર સમય વિતાવવાનુ મને જે સૌભાગ્ય હાંસલ થયું છે. આજે વહેલી સવારે ખૂબ લાંબા સમય સુધી પૂજ્ય સ્વામી વિવેકાનંદજી જે ખંડમાં બિરાજમાન થતા હતા તે ખંડમાં એક આધ્યાત્મિક ચેતના અને સ્પંદન છે. આ વાતાવરણ વચ્ચે આજે સાંજે સમય વિતાવવાની તક મને મળી છે. હું એવો અનુભવ કરી રહ્યો હતો કે જાણે પૂજ્ય સ્વામી વિવેકાનંદજી આપણને વધુ કામ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે, નવી ઉર્જા પૂરી પાડી રહ્યા છે. આપણા પોતાના સંકલ્પોમાં નવુ સામર્થ્ય ભરી રહ્યા છે અને એ ભાવના સાથે, એ જ પ્રેરણા સાથે ફરી એક વાર, આપ સૌ સાથીઓ સાથે આ ભૂમિના આશિર્વાદ સાથે હું આજે અહીંથી એ જ સપનાં સાકાર કરવા માટે ચાલી નીકળીશ, ચાલતો જ રહીશ. કશું ને કશું કરતો જ રહીશ.
તમામ સંતોના આશિર્વાદ જળવાઈ રહે, આપ સોને પણ મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું અને સ્વામીજીએ હંમેશાં કહ્યું હતું કે બધુ જ ભૂલી જાઓ, મા ભારતીને જ દેવી માનીને એના માટે લાગી પડો. આવી ભાવના સાથે તમે મારી સાથે બોલશો બંને મુઠ્ઠી સાથે હાથ પર ઉઠાવીને બોલો.
ભારત માતાની જય,
ભારત માતાની જય,
ભારત માતાની જય.
ખૂબ ખૂબ ધન્યવાદ.
GP/DS
(Release ID: 1599281)
Visitor Counter : 362