પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચાર રિફર્બિશ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી

Posted On: 11 JAN 2020 9:20PM by PIB Ahmedabad

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકતામાં ચાર રિફર્બિશ્ડ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી હતી. આ બિલ્ડિંગોમાં જૂની કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડેર હાઉસ, મેટકાફે હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજના દિવસને વિશેષ ગણાવ્યો હતો, કારણ કે આ બિલ્ડિંગો દેશને અર્પણ કરવાની સાથે ભારતની કળા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત રાખવાનું તેમજ તેમને રિઇન્વેન્ટ, રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ થયું છે.

દુનિયામાં હેરિટલ ટૂરિઝમનું કેન્દ્રઃ

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા એના સાંસ્કૃતિક વારસા અને માળખાનું સંરક્ષણ કરવા અને એને આધુનિક ઓપ આપવા ઇચ્છતો હતો. આ ઉત્સાહ સાથે કેન્દ્ર સરકારે ભારતને દુનિયામાં હેરિટેજ ટૂરિઝમનાં મોટાં કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં 5 આઇકોનિક સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને જાળવશે. તેમણે ઉમેર્યું હતું કે, આની શરૂઆત કોલકાતામાં ઇન્ડિયન મ્યુઝિયમ સાથે થઈ છે, જે દુનિયામાં સૌથી જૂનાં મ્યુઝિયમોમાંનું એક છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સંસાધનો ઊભા કરવા માટે આ આઇકોનિક સાંસ્કૃતિક વારસાનાં કેન્દ્રોનું મેનેજમેન્ટ કરવામાં કેન્દ્ર  સરકાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ કન્ઝર્વેશન શરૂ કરવાનો વિચાર કરી રહી છે, જેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોલકાતામાં ચાર આઇકોનિક ગેલેરીઓનું રિનોવેશન કાર્ય પૂર્ણ થયું છે, જેમાં જૂની કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડેર હાઉસ, વિક્ટોરિયા મેમોરિયલ અને મેટકાફે હાઉસ સામેલ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સરકારે બેલ્વેડેર હાઉસને મ્યુઝિયમ ઓફ ધ વર્લ્ડ તરીકે વિકસાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કોલકાતામાં ઇન્ડિયન ગવર્મેન્ટ મિન્ટ ખાતે કોઇનેજ એન્ડ કોમર્સનું મ્યુઝિયમ સ્થાપિત કરવાનો વિચાર કરી રહી છે.

બિપ્લબી ભારત

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિક્ટોરિયા મેમોરિયલની 5 ગેલેરીમાંથી 3 ગેલેરીઓ લાંબા સમયથી બંધ હતી અને આ સારી સ્થિતિ નહોતી. અમે તેને પુનઃ શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતનાં સ્વતંત્રતા સેનાનીઓને પ્રદર્શિત કરવા માટે થોડી જગ્યા આપવી જોઈએ એવી મારી વિનંતી છે. મારું માનવું છે કે, એને બિપ્લબી ભારત નામ આપવું પડશે. અહીં આપણે સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાસબિહારી બોઝ, ખુદીરામ બોઝ, બાગા જતિન, બિનોય, બાદલ, દિનેશ વગેરે જેવા લીડરને પ્રદર્શિત કરી શકીએ.

તેમણે કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ભારતની દાયકાઓ જૂની લાગણીઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં લાલ કિલ્લામાં એક સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવ્યું છે તથા આંદમાન અને નિકોબારના દ્વિપસમૂહોમાં ટાપુને એમનું નામ આપ્યું છે.

બંગાળનાં આઇકોનિક લીડરોને શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા યુગમાં પશ્ચિમ બંગાળનાં આઇકોનિકો લીડર અને પનોતા પુત્રોને ઉચિત શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, જેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "અત્યારે આપણે શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની 200મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યાં છીએ. એ જ રીતે વર્ષ 2022માં ભારત એની આઝાદીનું 75મું વર્ષ ઉજવશે, જે પ્રસિદ્ધ સામાજિક સુધારક અને શિક્ષાવિદ્ શ્રી રાજા રામમોહન રાયની 250મી જન્મજયંતિ પણ હશે. આપણે દેશનો આત્મવિશ્વાસ વધારવા માટે એમના પ્રયાસોને, યુવાનોનાં કલ્યાણોને પ્રોત્સાહન આપવામાં, મહિલાઓ અને બાળકીઓને દૂધ પીતી કરવાની કુપ્રથા નાબૂદ કરવા માટેનાં એમના પ્રયાસોને યાદ કરવાની જરૂર છે. આ ઉત્સાહ સાથે આપણે એમની 250મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય ઉત્સવ સ્વરૂપે કરવી જોઈએ.

ભારતીય ઇતિહાસનું સંરક્ષણ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયનાં મહાન નેતાઓ, ભારતીય સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ, ભારતીય ઇતિહાસની જાળવણી રાષ્ટ્રનિર્માણનાં મુખ્ય પાસાઓનું એક છે.

તેમણે કહ્યું હતું કે, “આ કમનસીબ બાબત છે કે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય ઇતિહાસ લખાયો છે, જેમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાં વિસરાઈ ગયા છે. હું ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે વર્ષ 1903માં લખેલી એક વાતને ટાંકવા માંગું છું. તેમણે લખ્યું હતું કે, ‘ભારતનો ઇતિહાસ આપણે જે અભ્યાસ કરીએ છીએ અને આપણે પરીક્ષાઓ માટે યાદ રાખીએ છીએ એ જ નથી. એમાં બહારથી લોકોએ આપણી પર વિજય મેળવવા કેવી રીતે પ્રયાસ કર્યો છે, બાળકોએ તેમના પિતાઓની કતલ કરવાનો પ્રયાસ કેવી રીતે કર્યો હતો અને તાજ મેળવવા માટે ભાઈઓ એકબીજા સામે કેવી રીતે લડ્યાં હતાં એની જ વાતો કરવામાં આવે છે. ઇતિહાસનું આ પ્રકારનું નિરૂપણ ભારતીય નાગરિકો, ભારતીય લોકો કેવી રીતે જીવતા હતા એની વાતો કરતું જ નથી. તેમને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું જ નથી.’ "

તેમણે ઉમેર્યું હતું કે, “ગુરુદેવે એવું પણ કહ્યું હતું કે, ‘તોફાનની તાકાત ગમે તેટલી હોઈ શકે, પણ વધારે મહત્ત્વપૂર્ણ બાબત લોકોએ એનો સામનો કેવી રીતે કર્યો એ છે.’

તેમણે કહ્યું હતું કે, "મિત્રો, ગુરુદેવની આ વાત આપણને યાદ કરાવે છે કે, એ ઇતિહાસકારોએ બહારથી થયેલા આક્રમણોને જ જોયા છે. પણ તેમણે આ તોફાનનો સામનો કરનાર લોકો પર ધ્યાન જ આપ્યું નથી. લોકોએ આ તોફાનનો સામનો કેવી રીતે કર્યો હતો એની સમજણ આક્રમણખોરોની નજરે જોનાર ઇતિહાસકારોને નહીં પડે. "

તેમણે કહ્યું હતું કે, "ઇતિહાસકારોએ દેશનાં આ પ્રકારનાં મુદ્દાઓ પર ધ્યાન આપ્યું નહોતું.

 

તેમણે જણાવ્યું હતું કે, “એ અસ્થિરતા અને યુદ્ધનાં ગાળા દરમિયાન જે લોકોએ દેશનાં હાર્દ કે દેશના આત્માને સંરક્ષિત રાખ્યો હતો, તેમણએ આપણી મહાન પરંપરાઓને આગામી પેઢી સુધી પહોંચાડી હતી."

તેમણે કહ્યું હતું કે, "આ કામગીરી આપણી કળા, આપણા સાહિત્ય, આપણાં સંગીત, આપણાં સંતો, આપણાં સાધુઓએ કરી હતી."

ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "કોઈ પણ વ્યક્તિ ભારતનાં દરેક ખૂણામાં વિવિધ પ્રકારનાં કળાં અને સંગીત સાથે સંબંધિત વિશેષ પરંપરાઓ જુએ છે. એ જ રીતે બૌદ્ધિકો અને સંતો ભારતનાં દરેક વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ વ્યક્તિઓ, તેમનાં વિચારો, કળા અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોથી ઇતિહાસ સમૃદ્ધ છે. આ મહાનુભાવોએ ભારતનાં ઇતિહાસમાં સૌથી મોટાં કેટલાંક સામાજિક સુધારાઓ કરવાની આગેવાની લીધી હતી. તેમણે પ્રશસ્ત કરેલો માર્ગ આજે પણ આપણને પ્રેરિત કરે છે.

તેમણે કહ્યું હતું કે, "ભક્તિ આંદોલન ગીતો અને કેટલાંક સામાજિક સુધારાકોનાં વિચારોથી સમૃદ્ધ હતું. સંત કબીર, તુલસીદાસ અને અન્ય કેટલાંકે સમાજને જાગૃત કરવામાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે યાદ રાખવું પડશે કે સ્વામી વિવેકાનંદએ મિશિગન યુનિવર્સિટીમાં એમનાં પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે – ‘વર્તમાન સદી ભલે તમારી હોય, પણ 21મી સદી ભારતની હશે.’ આપણે એમનું સ્વપ્ન સાકાર કરવા સખત મહેનત કરવાનું જાળવી રાખવું પડશે.

GP/DS



(Release ID: 1599226) Visitor Counter : 221