પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કૃષિ કર્મણ પુરસ્કારો એનાયત કર્યા

પ્રધાનમંત્રીએ PMKISAN યોજના હેઠળ 6 કરોડ લાભાર્થીઓ માટે રૂ. 2000નો ત્રીજો હપ્તો રીલીઝ કર્યો

Posted On: 02 JAN 2020 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના તુમકુર ખાતે એક જાહેરસભા દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીના કૃષિ કર્મ પુરસ્કારો અને રાજ્યોના પ્રશંસા પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી કિસાન (પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ) અંતર્ગત ડિસેમ્બર 2019થી માર્ચ 2020 સુધીના સમયગાળા માટે ખેડૂતોને રૂપિયા 2000ના ત્રીજા હપતાની રકમ પણ રીલીઝ કરી હતી. આનાથી અંદાજે 6 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. આ ઉપરાંત તેમણે કર્ણાટકના પસંદગીના ખેડૂતોમાં કિસાન ધિરાણ કાર્ડ (KCC)નું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના અંતર્ગત 8 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રધાનમંત્રીએ તામિલનાડુના પસંદગીના ખેડૂતોને ડીપ સી ફિશિંગ વેસેલ્સ (દરિયામાં દૂરના પાણીમાં માછીમારીની બોટ) અને ફિશિંગ વેસેલ્સ ટ્રાન્સપોન્ડર્સ (માછીમારીની બોટના ટ્રાન્સપોન્ડર્સ)ની ચાવીઓ સોંપી હતી.

 

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં નવા દાયકાની શરૂઆતમાં અન્નદાતા - આપણા ખેડૂત ભાઈ-બહેનો જોવા મળ્યા તે ખૂબ મોટો લ્હાવો છે. 130 કરોડ દેશવાસીઓ વતી, પ્રધાનમંત્રીએ દેશના ખેડૂતોનો તેમના કઠોર પરિશ્રમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટકની ભૂમિ PMKISAN યોજના અંતર્ગત દેશના અંદાજે 6 કરોડ ખેડૂત લાભાર્થીઓના અંગત ખાતામાં સીધા જ નાણાં ટ્રાન્સફર જવાની ઐતિહાસિક પળની સાક્ષી બની છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાના ત્રીજા હપતામાં કુલ રૂપિયા 12 હજાર કરોડ વહેંચવામાં આવ્યા છે.

 

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, જે રાજ્યોએ 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ' યોજનાનો અમલ નથી કર્યો તેઓ પણ હવે અમલ કરશે અને રાજકીય પક્ષો રાજનીતિથી ઉપર આવીને તેમના રાજ્યોના ખેડૂતો માટે તેમને મદદ કરશે.

 

એક એવો પણ સમય હતો જ્યારે, દેશમાં ગરીબો માટે એક રૂપિયો ખર્ચવામાં આવતો ત્યારે લાભાર્થી સુધી તેમાંથી માત્ર 15 પૈસા પહોંચતા હતા, તે સમયને પણ તેમણે યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે કોઇપણ વ્યક્તિના હસ્તક્ષેપ અથવા કોઇપણ વચેટિયાની દરમિયાનગીરી વગર નાણાં સીધા જ ગરીબોના ખાતામાં પહોંચી રહ્યાં છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક દાયકાઓથી સ્થગિત કરી દેવામાં આવેલી સિંચાઇ પરિયોજનાઓનો હવે અમલ થઇ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રએ પાક વીમો, ભૂમિ વીમા કાર્ડ અને 100% નીમ કોટિંગ વાળા યુરિયા જેવી વિવિધ યોજનાઓ થકી હંમેશા આપણા ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોનો કારણે, ભારતમાં તેજાના ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. “ભારતમાં તેજાનાઓનું ઉત્પાદન નોંધપાત્ર પ્રમાણમાં વધીને 2.5 મિલિયન ટન સુધી પહોંચ્યું છે, આથી નિકાસમાં પણ અંદાજે રૂપિયા 15 હજાર કરોડથી વધીને રૂપિયા 19 હજાર કરોડના આંકડાને આંબી ગઇ છે.”

 

તેમણે જણાવ્યું કે, બાગાયત ઉપરાંત, કઠોળ, તેલિબિયાં અને બરછટ ધાન્યના ઉત્પાદનમાં પણ દક્ષિણ ભારતનો હિસ્સો ઘણો મોટો રહ્યો છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સીડ હબ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી 30થી વધુ કેન્દ્રો કર્ણાટક, આંધ્ર, કેરળ, તમિળનાડુ અને તેલંગાણામાં જ છે.”

 

મત્સ્ય ઉદ્યોગક્ષેત્રમાં સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ ક્ષેત્રને મજબૂત કરવા માટે ત્રણ સ્તરે કામ કરી રહી છે.

 

પ્રથમ ગામડાઓમાં માછીમારોને આર્થિક સહાય આપીને મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન.

 

બીજુ - બ્લ્યુ રિવોલ્યુશન યોજના અંતર્ગત માછીમારીની બોટ્સનું આધુનિકીકરણ.

 

અને ત્રીજુ - મત્સ્ય વ્યાપાર અને વ્યવસાય સંબંધિત આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “માછીમારોને કિસાન ધિરાણ કાર્ડ સુવિધા સાથે સાંકળવામાં આવ્યા છે. માછીમારોને સવગડ માટે મોટી નદીઓ અને દરિયામાં નવા માછીમારી બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આધુનિક માળખાકીય સુવિધા માટે રૂ. 7.50 હજાર કરોડના વિશેષ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. માછીમારોની બોટ્સનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી જેઓ દરિયામાં દૂર સુધી માછલીઓ પકડી શકે અને માછીમારોની સુરક્ષા માટે ISROની મદદથી તેમની બોટ્સમાં નેવિગેશન ઉપકરણો પણ લગાવવામાં આવી રહ્યાં.”

 

દેશમાં પોષણ સંબંધિત સુરક્ષાને ધ્યાનમાં રાખતા, પ્રધાનમંત્રીએ કૃષિ કર્મણ પુરસ્કાર અંતર્ગત પોષક

ધાન્ય, બાગાયત અને સજીવ ખેતી માટે નવી શ્રેણી બનાવવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે,

આમ કરવાથી આ ક્ષેત્રમાં જોડાયેલા લોકો અને રાજ્યોને પ્રોત્સાહન મળશે.

 

NP/GP/DS



(Release ID: 1598343) Visitor Counter : 581