આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 1 કરોડથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી - બાંધકામ અને સંબંધિત ક્ષેત્રોમાં રોજગારની વિપુલ તકો

વિવિધ તબક્કાઓમાં અંદાજે 57 લાખ મકાનોનું બાંધકામ શરૂ - 30 લાખ મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ

કુલ રૂપિયા 6 લાખ કરોડનું રોકાણ – રૂ. 1.5 લાખ કરોડની કેન્દ્રની સહાય – રૂપિયા 60,000 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી

અત્યાર સુધીમાં PMAY- શહેરી હેઠળ 1.20 લાખ કરોડ રોજગારોનું સર્જન થયું

અંદાજે 178 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને અંદાજે 40 લાખ મેટ્રિક ટન લોખંડનો વપરાશ થયો

Posted On: 27 DEC 2019 3:27PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2019

 

આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપ એસ. પુરીએ માહિતી આપી હતી કે, શહેરી વિસ્તારોમાં 1.12 કરોડ મકાનોની માન્ય માગની સામે અત્યાર સુધીમાં 1 કરોડ મકાનોને મંજૂરી આપી દેવામાં આવી છે. વધુમાં, 57 લાખ મકાનો બાંધકામના વિવિધ તબક્કે નિર્માણાધિન છે જેમાંથી અંદાજે 30 લાખ મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. અગાઉની  JnNURM યોજનાની તુલનાએ PMAY(U)4.5 વર્ષના સમયગાળામાં 10 ગણું વધુ પરિણામ હાંસલ કર્યું છે જ્યારે અગાઉની યોજનાને ઘણા ઓછી સંખ્યામાં મકાનો તૈયાર કરવામાં પણ 10 વર્ષનો સમય લાગી ગયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), દુનિયાની સૌથી મોટી પરવડે તેવા આવાસો તૈયાર કરનારી યોજનાઓમાંની એક છે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ માહિતી આપી હતી કે, આ મિશનમાં 5.8 લાખ વરિષ્ઠ નાગરિકો, 2 લાખ બાંધકામના કામદારો, 1.5 લાખ સ્થાનિક કામદારો, 1.5 લાખ કારીગરો, 0.63 લાખ દિવ્યાંગ લોકો, 770 ટ્રાન્સજેન્ડર અને 500 રક્તપિત્તના દર્દીઓને અત્યાર સુધીમાં સમાવીને વિવિધ સામાજિક સમૂહોને આવરી લેવાયા છે. મહિલાઓના સશક્તીકરણની બાબતને આ યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં પાયાના સ્તરે રાખવામાં આવી છે જેમાં મકાનની માલિકી પરિવારની વડીલ મહિલાના નામે અથવા સંયુક્ત નામથી રાખવામાં આવે છે.

PMAY (U)ના અમલીકરણથી આવાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રમાણમાં રોકાણનો પ્રવાહ આવ્યો છે જેમાં ખાસ કરીને પરવડે તેવા મકાનોના વિભાગમાં ઘણું રોકાણ આવ્યું છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા મકાનોમાં અંદાજે 5.70 લાખ કરોડનું રોકાણ સામેલ છે જેમાં રૂ. 1.6 લાખ કરોડની કેન્દ્રની સહાય પણ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના વિવિધ બિંદુઓ હેઠળ ઘર દીઠ રૂપિયા 1 લાખથી રૂપિયા 2.67 લાખનું યોગદાન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં, અંદાજે રૂ. 60,000 કરોડ કેન્દ્રની સહાય પેટે આપી દેવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં, અંદાજે રૂ. 3 લાખ કરોડના કાર્યો ચાલી રહ્યા છે અને 1.12 કરોડ મકાનો બાંધવાનું મિશનનું લક્ષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં, આ સમગ્ર કામગીરીમાં રૂ. 7 લાખ કરોડથી વધુનું રોકાણ આવશે.

 

 

 

PMAY(U) હેઠળ વર્ષો વર્ષ મકાનોને આપેલી મંજૂરી (ISSR+AHP+BLC+CLSS)

 

PMAY(U) હેઠળ પૂર્ણ કરાયેલા મકાનો

 

આ યોજના લોકો અને સરકાર વચ્ચેની ભાગીદારીના તાલમેલને પ્રોત્સાહન આપે છે. મિશનની માર્ગદર્શિકાને અનુરૂપ, રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો પણ રૂ. 1- 2 લાખનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે જે સરેરાશ મકાન દીઠ રૂ. 6 લાખ સુધી જાય છે. લાભાર્થીઓ પણ ઘર દીઠ તેમના હિસ્સાના રૂ. 2 લાખથી રૂ. 5 લાખનું યોગદાન આપી રહ્યા છે.

અંદાજપત્ર હેઠળની સહાયથી ઉપર અને તે સિવાયની કેન્દ્રની મદદ પૂરી પાડવાની વધારાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, સરકારે રૂ. 60,000 કરોડ માટે વધારાના અંદાજપત્રીય સંસાધનો (EBR) ઉભા કરવાની જોગવાઇ બનાવી છે જેમાંથી રૂ. 32,000 ઉભા કરવામાં આવ્યા છે અને તેની ચૂકવણી પણ થઇ ગઇ છે. સરકારે HFCની માઇક્રો ફાઇનાન્સિંગ માટેની બેંકો/ આર્થિક સંસ્થાઓની પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણ અછતોનો ઉપયોગ કરીને રૂ. 10,000 કરોડની પ્રારંભિક સિલક સાથે રાષ્ટ્રીય આવાસ બેંક (NHB)માં પોષણક્ષમ આવાસ ભંડોળ (AHF)ની પણ રચના કરી છે.

મધ્યમ આવકના જૂથ (MIG) માટે આવાસ ક્ષેત્રમાં સૌપ્રથમ વખત ધિરાણ સાથે સાંકળેલી સબસિડી શરૂ કરવામાં આવી હતી જેનો અમલ 1 જાન્યુઆરી 2017થી કરવામાં આવ્યો છે. રૂપિયા 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા MIG લાભાર્થીઓ તેમની હાઉસિંગ લોન પર આ વ્યાજ સબસિડીનો દાવો કરવા માટે પાત્રતા ધરાવે છે. MIG માટે, સરકારે મકાનનું ક્ષેત્રફળ વધારીને 200 ચોરસ મીટર સુધી કર્યું છે. આના કારણે બેંકિંગ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર પડી છે અને આવાસ ક્ષેત્રે રોકાણમાં વધારો થયો છે. લોકોની સહભાગીતા અને પારદર્શકતા તેમજ તેના કારણે કાર્યક્ષમ ડિલિવરી અને લઘુતમ ફરિયાદો સુનિશ્ચિત કરવા માટે સરકારે વાસ્તવિક સમયમાં દેખરેખ માટે વેબ આધારિત સિસ્ટમ વિકસાવી છે જે CLSS આવાસ પોર્ટલ (CLAP)” તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત, આ યોજના હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓના કારણે રોજગારી નિર્માણમાં અનેકગણા પ્રભાવ સાથે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં પણ મોટી અસર પડી છે. લોખંડ, ઇંટોના ભઠ્ઠા, સિમેન્ટ, રંગ, હાર્ડવેર, સેનેટરી જેવા આગળ અને પાછળ સંકળાયેલા અંદાજે 250 સહાયક ઉદ્યોગો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.20 કરોડ રોજગારીઓનું સર્જન થયું છે.

આ યોજનામાં થઇ રહેલા રોકાણના કારણે, મંજૂર કરાયેલા મકાનો માટે અંદાજે 568 લાખ મેટ્રિક ટન સિમેન્ટની જરૂર ઉભી થશે: આમાંથી 178 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો અત્યાર સુધીમાં નિર્માણ થઇ ગયેલા મકાનોમાં વપરાશ થઇ ગયો છે. મંજૂર કરાયેલા મકાનો માટે અંદાજે 130 લાખ ટન લોખંડની જરૂર છે: અત્યાર સુધીમાં નિર્માણ થઇ ગયેલા મકાનોમાં અંદાજે 40 મેટ્રિક ટન લોખંડનો વપરાશ થઇ ગયો છે. તેનાથી પણ આજીવિકા, પરિવહન ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ, બાગાયત, બગીચા વિકાસ ક્ષેત્ર વગેરેમાં અસર પડી છે.

સરકારે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા દ્વારા સંખ્યાબંધ વૈકલ્પિક અને નાવીન્યપૂર્ણ ટેકનોલોજીઓ ઓળખી છે. તેના કારણે ભારતમાં બાંધકામ ટેકનોલોજીમાં આમૂલ પરિવર્તન આવશે અને તેનાથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સમગ્ર દેશમાં છ રાજ્યોમાં છ લાઇટ હાઉસ પરિયોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે મકાનોના ઝડપી અને સસ્તા નિર્માણ માટે ટકાઉક્ષમ, હરિત, પર્યાવરણને અનુકૂળ અને આપત્તિ પ્રતિરોધક હોય તેવી નાવીન્યપૂર્ણ અને પરખાયેલી બાંધકામ ટેકનોલોજીનું પ્રદર્શન કરતી જીવંત પ્રયોગશાળાઓ તરીકે કામ કરશે.

મંત્રાલય દ્વારા અંગીકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન પરિવર્તન વ્યવસ્થાપન માટે છે. આ અભિયાન લાભાર્થીઓને નવા બાંધવામાં આવેલા મકાનોમાં સ્થળાંતર કરવાથી જીવનમાં આવતા પરિવર્તનને અનુકૂળ બનવા સંબંધિત બાબતો પર ધ્યાન આપે છે અને તેમને આ અનુકૂલન માટે સક્ષમ બનાવે છે. આ અભિયાનને આયુષમાન ભારત અને ઉજ્જવલા જેવી સરકારની અન્ય યોજનાઓ સાથે એકસૂત્રમાં લાવવામાં આવ્યું છે જેથી લાભાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે. વર્તમાન સમયમાં 12 લાખથી વધુ પરિવારોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે જે હાલમાં ચાલુ છે અને 26 જાન્યુઆરી 2020ના રોજ તેનું સમાપન થશે.


(Release ID: 1597830) Visitor Counter : 1082