પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે
છેલ્લાં પાંચ વર્ષમાં લક્ષ્યાંક હાંસલ કરવા દેશે મજબૂત પાયો નાંખ્યો છે
આગામી પાંચ વર્ષમાં આ પ્રયાસોને આગળ વધારવા માળખાગત ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 25 લાખ કરોડનું રોકાણ થશે
કૉર્પોરેટ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા કરવેરા, શ્રમ અને અન્ય કાયદાઓ સરળ બનાવવામાં આવ્યાં છે
Posted On:
20 DEC 2019 2:13PM by PIB Ahmedabad
આજે નવી દિલ્હીમાં એસોચેમના એકસોમા વર્ષનાં પ્રારંભિક સત્રમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા, આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશનાં અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે છે.
કૉર્પોરેટ દુનિયાનાં આગેવાનો, રાજદ્વારીઓ અને અન્ય લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિચાર એકાએક જન્મ્યો નથી, છેલ્લાં પાંચ વર્ષમાં દેશ મજબૂત થયો છે, જે પોતાનાં માટે લક્ષ્યાંક નિર્ધારિત કરી શકવાની સાથે એ દિશામાં પ્રયાસો કરવા માટે પણ સક્ષમ બન્યો છે, પાંચ વર્ષ અગાઉ અર્થતંત્ર તૂટી પડી જવાની અણી પર હતું. અમારી સરકારે એ પ્રક્રિયા અટકાવવાની સાથે અર્થતંત્રમાં શિસ્તબદ્ધતા પણ ઊભી કરી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે ભારતીય અર્થતંત્રમાં મૂળભૂત પરિવર્તનો કર્યા છે, જેથી એ શિસ્તબદ્ધ રીતે નિયમોનું પાલન કરી શકે અને આગળ વધી શકે. અમે ઔદ્યોગિક ક્ષેત્રની દાયકાઓ જૂની માગણીઓ પૂર્ણ કરી છે અને અમે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો મજબૂત પાયો નાંખ્યો છે.”
તેમણે કહ્યું હતું કે, “આપણે ભારતીય અર્થતંત્રનું નિર્માણ ઔપચારિકરણ અને આધુનિકીકરણના બે મજબૂત પાયા પર કર્યું છે. અમે ઔપચારિક અર્થતંત્રમાં વધુને વધુ ક્ષેત્રોને લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આની સાથે અમે આપણા અર્થતંત્રને નવીનત્તમ ટેકનોલોજી સાથે જોડી રહ્યાં છીએ, જેથી અમે આધુનિકીકરણની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારી શકીએ.”
તેમણે જણાવ્યું હતું કે, “અત્યારે નવી કંપનીની નોંધણી કરવામાં થોડા કલાકો લાગે છે, જે માટે અગાઉ અઠવાડિયાઓ લાગતા હતા. ઑટોમેશને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરી છે. માળખાગત સુવિધાઓનું વધારે સારું જોડાણ થવાથી બંદરો અને એરપોર્ટ પર ટર્ન-એરાઉન્ડ ટાઇમમાં ઘટાડો થયો છે. આ તમામ આધુનિક અર્થતંત્રનાં ઉદાહરણો છે.”
તેમણે કહ્યું હતું કે, “અત્યારે આપણી પાસે એવી સરકાર છે, જે ઉદ્યોગની રજૂઆતો સાંભળે છે, એની જરૂરિયાતો સમજે છે અને જે સૂચનો પ્રત્યે સંવેદનશીલ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, દેશ સતત પ્રયાસને કારણે વેપારવાણિજ્ય સરળ કરવાનાં રેન્કિંગમાં નોંધપાત્ર હરણફાળ ભરી શકશે.
તેમણે કહ્યું હતું કે, “ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ સાંભળવામાં ચાર શબ્દો જ છે, પણ એનું રેન્કિંગ સુધારવામાં ઘણા પ્રયાસોની જરૂર છે, જેમાં નીતિનિયમોમાં ફેરફાર તથા પાયાનાં સ્તરે નિયમોમાં પરિવર્તનો કરવા પડે છે.”
પ્રધાનમંત્રીએ કરદાતા અને સત્તામંડળો વચ્ચે માનવીય હસ્તક્ષેપ ઘટાડવા દેશમાં કરવેરાનું ફેસલેસ માળખું બનાવવા તરફનાં પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “કરવેરા વ્યવસ્થામાં પારદર્શકતા, કાર્યદક્ષતા અને જવાબદારી લાવવા અમે કરવેરાની ફેસલેસ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યાં છીએ.”
તેમણે કહ્યું હતું કે, “તમે જાણો છો કે, કંપની ધારામાં કેટલીક જોગવાઈઓ છે, જે મુજબ, નાનામાં નાની વિસંગતતા પણ અપરાધિક આરોપ બનાવતી હતી. હવે અમારી સરકારે આ પ્રકારની ઘણી જોગવાઈમાં ચૂકને બિનઅપરાધિક બનાવી છે. અમે અન્ય ઘણી જોગવાઈઓને બિનઅપરાધિક બનાવવા પ્રયાસરત છીએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કૉર્પોરેટ કરવેરા સૌથી નીચા છે અને એનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
તેમણે કહ્યું હતું કે, “કૉર્પોરેટ કરવેરા અત્યારે નીચા દરે છે, જો કોઈ પણ સરકારે ઉદ્યોગો પાસેથી સૌથી ઓછો કૉર્પોરેટ કરવેરો લીધો હોય, તો એ અમારી સરકાર છે.”
પ્રધાનમંત્રીએ શ્રમ સુધારા હાથ ધરવા વિશે પણ વાત કરી હતી, તેમણે બેંકિંગ ક્ષેત્રને વધારે પારદર્શક અને નફાકારક બનાવવા માટે એમાં ઝડપી સુધારા કરવા વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “સરકારે વિવિધ પગલાં લીધા તેથી અત્યારે 13 બેંકો નફાનાં માર્ગે અગ્રેસર છે, જેમાંથી 6 બેંકો પીસીએમાંથી બહાર આવી ગઈ છે. અમે બેંકોના એકીકરણની પ્રક્રિયા પણ ઝડપી બનાવી છે. અત્યારે બેંકોનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર છે.”
તેમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રને લઈને સંપૂર્ણપણે સકારાત્મક વલણથી 5 ટ્રિલિયન ડોલર બનવાનાં લક્ષ્યાંકને ઝડપથી હાંસલ કરી શકાશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર માળખાગત ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને અન્ય 25 લાખ કરોડ રૂપિયાનું ગ્રામીણ ક્ષેત્રમાં રોકાણ કરશે, જેથી લક્ષ્યાંક હાંસલ કરવામાં ટેકો મળે.
NP/DS/RP
(Release ID: 1597055)
Visitor Counter : 258