પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક

Posted On: 03 NOV 2019 5:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.

બંને નેતાઓએ બેઠક દરમિયાન ભારત અને થાઇલેન્ડ વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને નોંધ્યું હતું કે, અવારનવાર ઉચ્ચ સ્તરીય શિખર સંમેલન અને ઉચ્ચ સ્તરે આદાનપ્રદાન થવાથી સંબંધોને સકારાત્મક વેગ મળે છે. સંરક્ષણ અને સુરક્ષામાં સંબંધોમાં વધારો થયો હોવાની નોંધ લીધી હતી. સંરક્ષણ અને સુરક્ષાનાં ક્ષેત્રોમાં સાથસહકાર વધારવા માટે તકો ચકાસવા બંને પક્ષોએ સંમતિ આપી હતી. ગયા વર્ષે દ્વિપક્ષીય વેપારમાં 20 ટકા વૃદ્ધિને આવકારતાં બંને પક્ષોએ ચર્ચાવિચારણા કરવા વેપારી અધિકારીઓની કામગીરી સુપરત કરવાનો નિર્ણય લીધો હતો તેમજ વેપાર અને રોકાણ વધારવાનાં માધ્યમો પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે જોડાણ વધારવાની વિવિધ રીતો પર પણ ચર્ચા કરી હતી, જેમાં ભૌતિક અને ડિજિટલ જોડાણનાં ક્ષેત્રો સામેલ હતાં. બંને આગેવાનોએ બંને દેશો વચ્ચે હવાઈ જોડવા વધારવાની તથા બેંગકોક અને ગૌહાટી વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની પહેલને આવકારી હતી તથા થાઇલેન્ડનાં રનોંગ પોર્ટ અને ભારતનાં કોલકાતા, ચેન્નાઈ અને વિશાખાપટનમ વચ્ચે સાથસહકાર માટે સમજૂતીઓને અંતિમ ઓપ આપ્યો હતો.

બંને નેતાઓએ પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ થાઇલેન્ડનાં પ્રધાનમંત્રીને આસિયાન સાથે સંબંધિત બેઠકોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવા બદલ અભિનંદન આપ્યાં હતાં તથા આસિયાનનાં ચેર તરીકે તેમની લીડરશિપ બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ભારત અને આસિયાન વચ્ચેનાં સંબંધોને વધારે ગાઢ બનાવવા ભારત-આસિયાન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે કન્ટ્રી કૉઓર્ડિનેટર તરીકે થાઇલેન્ડનાં પ્રદાનનું મૂલ્યાંકન કર્યું હતું.

ભારત અને થાઇલેન્ડ ગાઢ દરિયાઈ પડોશી દેશો છે, જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. સમકાલિન સંદર્ભમાં ભારતની એક્ટ ઇસ્ટ નીતિને થાઇલેન્ડની લૂક વેસ્ટ નીતિ દ્વારા પૂરક છે, જે સંબંધોને ગાઢ, મજબૂત અને બહુપરિમાણીય બનાવે છે.

RP


(Release ID: 1590192) Visitor Counter : 95