મંત્રીમંડળ

મંત્રીમંડળે બીએસએનએલ અને એમટીએનએલને નવેસરથી બેઠી કરવાની યોજના અને બંનેનાં વિલયને સૈદ્ધાંતિક મંજૂરી આપી


સરકારી ક્ષેત્રનાં ટેલીકમ્યુનિકેશન ઉદ્યોગને 4જી સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે

20,000 કરોડ રૂપિયાથી વધારે મૂડી ઉમેરવાનાં માધ્યમથી નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવશે

15,000 કરોડ રૂપિયાનાં લાંબા ગાળાનાં બોન્ડ માટે સોવેરિયન ગેરેન્ટી

આકર્ષક વીઆરએસનાં ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે

Posted On: 23 OCT 2019 4:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 4જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી, સોવેરિયન ગેરેન્ટી સહિત બોન્ડ્સ ઇશ્યૂ કરવાનાં માધ્યમથી ઋણ અદા કરવાની નવી રૂપરેખા બનાવવા, કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો કરવા તથા મિલકતનાં મુદ્રીકરણનાં માધ્યમથી બીએસએનએલ અને એમટીએનએલને નવેસરથી બેઠી કરવા તથા બીએસએનએલ અને એમટીએનએલનાં મર્જરનાં પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે-

  1. બીએસએનએલ અને એમટીએનએલને 4જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી થશે, જેથી આ સરકારી કંપની બ્રોડબેન્ડ અને અન્ય ડેટા સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે. ઉપરોક્ત સ્પેક્ટ્રમ માટે નાણાકીય ભંડોળ ભારત સરકાર દ્વારા રૂ. 20,140 કરોડ મૂલ્યની મૂડી ઉમેરીને પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત આ સ્પેક્ટ્રમનાં મૂલ્ય માટે જીએસટી સ્વરૂપે રૂ. 3,674 કરોડની રકમનું વહન પણ ભારત સરકાર અંદાજપત્રીય સંસાધનોનાં માધ્યમથી કરશે. આ સ્પેક્ટ્રમની ફાળવણીનો ઉપયોગ કરીને બીએસએનએલ અને એમટીએનએલ 4જી સેવાઓ ઉપલબ્ધ કરાવવા, બજારમાં સ્પર્ધા કરવા અને પોતાનાં વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારો સહિત દેશભરમાં હાઈ સ્પીડ ડેટા ઉપલબ્ધ કરાવવામાં સમર્થન બની શકશે.
  2. બીએસએનએલ અને એમટીએનએલ 15,000 કરોડ રૂપિયાનાં લાંબા ગાળાનાં બોન્ડ્સ પણ ઇશ્યૂ કરશે, જે માટે સોવેરિયન ગેરેન્ટી ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરોક્ત સંસાધનોની સાથે બીએસએનએલ અને એમટીએનએલ પોતાનાં હાલનાં ઋણની ચુકવણી માટે નવી રીતે રૂપરેખા તૈયાર કરશે તથા સીએપીઇએક્સ, ઓપીઇએક્સ તથા અન્ય જરૂરિયાતો પણ આંશિક રીતે પૂર્ણ કરશે.
  3. બીએસએનએલ અને એમટીએનએલ આકર્ષક સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) દ્વારા 50 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના પણ રજૂ કરશે. આ માટેનો ખર્ચ ભારત સરકાર અંદાજપત્રીય સહાયતા સાથે કરશે. વીઆરએસનો રહેમરાહે આપવામાં આવતી રકમનો હિસ્સો રૂ. 17,169 કરોડ હશે, ભારત સરકાર પેન્શન, ગ્રેચ્યુટી અને રૂપાંતરણનાં ખર્ચનું વહન કરશે.
  4. બીએસએનએલ અને એમટીએનએલ પોતાની મિલકતોનું મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) કરશે, જેથી ઋણ ચુકવવા, બોન્ડ્સની સર્વિસિંગ, નેટવર્કનો વિકાસ, વિસ્તાર અને સંચાલન સંબંધિત ધનરાશિની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય.
  5. બીએસએનએલ અને એમટીએનએલનાં વિલયને સૈદ્ધાંતિક મંજૂરી.

આશા છે કે, બીએસએનએલ અને એમટીએનએલને નવેસરથી બેઠી કરવા ઉપરોક્ત યોજનાનાં અમલથી તેઓ બંને પોતાનાં સુદ્રઢ ટેલીકમ્યુનિકેશન નેટવર્કનાં માધ્યમથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સહિત દેશમાં વિશ્વસનીયતા અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં સમર્થ થઈ શકશે.

 

DS/RP



(Release ID: 1588965) Visitor Counter : 303