પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કર્યું

Posted On: 27 SEP 2019 9:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનાં 74માં સત્રને સંબોધન કર્યુ હતું.

મહાત્મા ગાંધીને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વની શાંતિ, પ્રગતિ અને વિકાસ માટે મહાત્મા ગાંધીએ આપેલો સત્ય અને અહિંસાનો સંદેશ આજે પણ સુસંગત છે.

પ્રધાનમંત્રીએ સરકારની સ્વચ્છ ભારત, આયુષમાન ભારત, જનધન યોજના અને ડિજિટલ ઓળખ (આધાર) જેવી વિશાળ પરિવર્તનકારી પ્રજાલક્ષી પહેલો પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે જ્યારે ભારત આવી પહેલો હાથ ધરે છે ત્યારે તે સમગ્ર વિશ્વમાં આશા ઊભી કરે છે.

પ્રધાનમંત્રીએ એક વખત વપરાતાં પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવા માટે ભારતની કટિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આગામી પાંચ વર્ષમાં દરેક ઘર માટે પાણી, દરેક પરિવાર માટે આવાસ અને ટીબીના રોગની નાબૂદી માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપી હતી.

ભારતની સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોક કલ્યાણ આપણા સાંસ્કૃતિક વલણનો એક ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે જન ભાગીદારી દ્વારા જન કલ્યાણ આ સરકારનો મંત્ર છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતુ કે, 130 કરોડ ભારતીયોના સપનાઓ પૂર્ણ કરવા ઉપરાંત સરકારના પ્રયત્નો સમગ્ર વિશ્વ માટે લાભદાયક સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, “અમે માત્ર અમારા લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યાં નથી પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્યરત છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અમારો વિકાસમંત્ર છે.”

સમગ્ર વિશ્વ માટે આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવતાં, પ્રધાનમંત્રીએ માનવતા ખાતર આતંકવાદ સામે એકજૂથ થવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત એક એવો દેશ છે જેણે વિશ્વને યુદ્ધ નહીં પરંતુ બુદ્ધનો શાંતિનો સંદેશ આપ્યો છે.” તેમણે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ અભિયાનોમાં ભારતે આપેલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને બહુપક્ષતાવાદને નવી દિશા આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ એક નવા યુગમાંથી પસાર થઇ રહ્યું છે અને દેશો પાસે તેમની સીમાઓના બંધનની અંદર મર્યાદિત રાખવાનો કોઇ વિકલ્પ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિભાજિત વિશ્વ કોઇના હિતમાં નથી. આપણે બહુપક્ષતાવાદ અને સંયુક્ત રાષ્ટ્રોના પુનઃનિર્માણને ગતિ આપવી જ જોઇએ.”

વિવિધ વૈશ્વિક પડકારોના સમાધાન માટે સામૂહિક પ્રયાસો પ્રાપ્ત કરવા માટે પ્રધાનમંત્રીએ તમિલ તત્વજ્ઞાની કાનિયન પુન્ગુન્દ્રનાર અને સ્વામી વિવેકાનંદના વાક્યો ટાંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘સંવાદિતતા અને શાંતિ’ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનો બાકીના વિશ્વને સંદેશ છે.

જળવાયુ પરિવર્તન વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માથાદીઠ ઉત્સર્જનની દૃષ્ટીએ ગ્લોબલ વૉર્મિંગમાં ભારતનો ફાળો ખૂબ જ ઓછો છે તેમ છતા તેની સામે પગલાં લેવામાં ભારત અગ્રેસર છે. આ સંદર્ભમાં તેમણે 450 ગીગાવૉટ નવીનીકરણીય ઊર્જા લક્ષ્યાંક અને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની રચના સહિત આબોહવા પરિવર્તન સામે તેમની સરકારે લીધેલા પગલાંઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

 

RP



(Release ID: 1586616) Visitor Counter : 213