પ્રધાનમંત્રીનું કાર્યાલય

5માં પૂર્વીય આર્થિક મંચના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (સપ્ટેમ્બર ૦5, 2019)

Posted On: 05 SEP 2019 7:48PM by PIB Ahmedabad

આદરણીય મહાનુભવ રાષ્ટ્રપતિ પુતિન,

રાષ્ટ્રપતિ બટુલ્ગા,

પ્રધાનમંત્રી આબે,

પ્રધાનમંત્રી મહાથીર,

મિત્રો,

નમસ્કાર

દોબ્રેદિન!

વ્લાદીવાસ્તોકના શાંત અને પ્રકાશમય વાતાવરણમાં આપની સાથે સંવાદ કરવો એ એક સુખદ અનુભવ છે. પ્રભાતનો પ્રકાશ અહિંથી વિશ્વમાં ફેલાય છે અને સમગ્ર વિશ્વને ઊર્જાવાન બનાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે આજનું આપણું આ મંથન માત્ર ફાર ઇસ્ટ જ નહિં પરંતુ સંપૂર્ણ માનવજાતિના કલ્યાણના પ્રયાસોને નવી ઊર્જા અને નવી ગતિ આપશે. આ મહત્વપૂર્ણ અવસરનો મને ભાગ બનાવવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું. રાષ્ટ્રપતિજીએ મને આ નિમંત્રણ ભારતની સામાન્ય ચૂંટણીઓ પહેલાજ આપી દીધું હતું. 130 કરોડ ભારતવાસીઓએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તમારા નિમંત્રણે પણ તેના પર વિશ્વાસની મહોર લગાવી દીધી. બે વર્ષ પહેલા રાષ્ટ્રપતિ પુતિને મને સૈન્ટ પીટ્સબર્ગ ઇકોનોમિક ફોરમમાં આમંત્રિત કર્યો હતો. યુરોપના ફ્રન્ટીયરથી પેસિફિકના ગેટવે સુધી મારી પણ એક પ્રકારે ટ્રાન્સ-સાઈબેરિયન યાત્રા થઇ ગઈ છે. વ્લાદીવાસ્તોક યુરેશિયા અને પેસિફિકનું સંગમ છે. તે આર્કટીક અને પૂર્વ તરફના દરિયાઈ માર્ગ માટેના અવસરો ખોલે છે. રશિયાનો લગભગ ત્રણ ચતુર્થાંશ ભૂ-ભાગ એશિયા છે. ફાર ઇસ્ટ આ મહાન દેશની એશિયન ઓળખને સુદ્રઢ કરે છે. આ ક્ષેત્રનો આકાર ભારતથી લગભગ બમણો છે, તેની વસતિ માત્ર 6 મિલિયન છે પરંતુ આ પ્રદેશ ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવા પ્રાકૃતિક સંસાધનો વડે સમૃદ્ધ છે. અહિયાંના લોકોએ પોતાના અથાક પરિશ્રમ, સાહસ અને નવીનીકરણ દ્વારા પ્રકૃતિના પડકારો સામે વિજય મેળવ્યો છે. એટલું જ નહિં, કલા, વિજ્ઞાન, સાહિત્ય, ખેલકૂદ, ઉદ્યોગ અને સાહસ ગતિવિધિઓનું એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં ફાર ઇસ્ટના લોકોએ, વ્લાદીવાસ્તોકના રહેવાસીઓએ સફળતા હાંસલ ન કરી હોય. સાથે જ તેમણે રશિયા અને તેના મિત્રોની માટે પણ અનેક અવસર ઉભા કર્યા છે. ફ્રોઝન લેન્ડને ફ્લાવર બેડમાં બદલીને એક સોનેરી ભવિષ્યનો આધાર તૈયાર કર્યો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિનની સાથે મેં ‘સ્ટ્રીટ ઑફ ધ ફાર ઇસ્ટ’ પ્રદર્શન નિહાળ્યું. અહિયાંની વિવિધતા, લોકોની પ્રતિભા અને ટેકનોલોજીના વિકાસે મને ઘણો પ્રભાવિત કર્યો છે. તેમાં પ્રગતિ અને સહયોગની અપાર સંભાવનાઓનો મેં અનુભવ કર્યો છે.

મિત્રો,

ભારત અને ફાર ઇસ્ટનો સંબંધ આજનો નહિં પરંતુ ઘણો જુનો છે. ભારત એ પહેલો દેશ છે જે વ્લાદીવાસ્તોકમાં પોતાનું પ્રથમ કોન્સ્યુલેટ ખોલશે. ત્યારે પણ અને એમાં પણ પહેલા ભારત અને રશિયાની વચ્ચે ખૂબ ભરોસો હતો. સોવિયેત રશિયાના સમયમાં પણ જ્યારે અન્ય વિદેશીઓ માટે અહિં આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, વ્લાદીવાસ્તોક ભારતીય નાગરિકોની માટે ખુલ્લું હતું. સંરક્ષણ અને વિકાસનો ઘણો સાજોસામાન વ્લાદીવાસ્તોકના માધ્યમથી ભારત પહોંચતો હતો અને આજે આ ભાગીદારીનું વૃક્ષ પોતાના મૂળ ફેલાવી રહ્યું છે. બંને દેશોના લોકો માટે સુખ સમૃદ્ધિનો સહારો બની રહ્યું છે. ભારતે અહિયાં ઊર્જા ક્ષેત્ર અને બીજા કુદરતી સંસાધનો જેવા કે હીરામાં મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે. સખાલિનના ઓઈલ ફિલ્ડ્સ ભારતીય રોકાણની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.

મિત્રો,

રાષ્ટ્રપતિ પુતિનનો પ્રસ્તાવ અને તેમનું વિઝન આ ક્ષેત્ર માટે જ નહિં ભારત જેવા રશિયાના ભાગીદારની માટે અભૂતપૂર્વ અવસર લઇને આવ્યા છે. તેમણે રશિયન ફાર ઇસ્ટના વિકાસને 21મી સદી માટે રાષ્ટ્રીય પ્રાધાન્ય જાહેર કર્યું છે. તેમની સમગ્ર પહોંચ અહિં જીવનના દરેક તબક્કાને, અર્થતંત્ર હોય કે શિક્ષણ, આરોગ્ય હોય કે ખેલકૂદ, સંસ્કૃતિ હોય કે કમ્યુનિકેશન, વેપાર હોય કે પરંપરા, પ્રત્યેકને વધુ સારા બનાવવાનો પ્રેરક પ્રયાસ છે. એક તરફ તેમણે રોકાણના માર્ગ ખોલ્યા છે તો બીજી તરફ સામાજિક સ્તર પર પણ એટલું જ ધ્યાન આપ્યું છે. હું પોતે તેમના આ વિઝનથી ઘણો પ્રભાવિત થયો છું અને તેને વહેંચું પણ છું. ભારત તેમની આ વિઝનરી યાત્રામાં ખભે ખભો મિલાવીને રશિયાની સાથે ચાલવા માંગે છે. હું મારા અનુભવના આધાર પર કહી શકું છું કે ફાર ઇસ્ટ અને વ્લાદીવાસ્તોકના ઝડપી, સંતુલિત અને સમાવેશી વિકાસની માટે રાષ્ટ્રપતિ પુતિનની દૂરંદેશી જરૂરથી સફળ થશે. કારણ કે તે વાસ્તવિક છે અને તેની પાછળ અહિયાંના મુલ્યવાન સંસાધનો અને લોકોની અસીમ પ્રતિભા છે. તેમના વિઝનમાં આ ક્ષેત્ર માટે અને અહિયાંના લોકો માટે સન્માન અને પ્રેમ સ્પષ્ટ દેખાય છે. ભારતમાં પણ અમે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રની સાથે એક નવા ભારતના નિર્માણમાં લાગેલા છીએ. 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવામાં લાગેલા છીએ. ઝડપથી વધી રહેલા ભારત અને તેની પ્રતિભાની આ પ્રદેશ સાથે ભાગીદારી સોનામાં સુગંધ ભેળવવાનો એક ઐતિહાસિક અવસર છે.

મિત્રો,

આ જ પ્રેરણા વડે પૂર્વીય આર્થિક મંચમાં અમારી હિસ્સેદારીની માટે અભૂતપૂર્વ તૈયારી કરી. અનેક મંત્રીઓ, ચાર રાજ્યોના મુખ્યમંત્રી અને લગભગ 150 ઉદ્યોગપતિઓ અહિં આવ્યા. તેમણે રાષ્ટ્રપતિના વિશેષ દૂત ફાર ઇસ્ટના તમામ 11 રાજ્યપાલો અને તેમના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. રશિયાના મંત્રી અને ફાર ઇસ્ટના ઉદ્યોગપતિઓ પણ ભારત આવ્યા. મને એ જણાવતા અત્યંત ખુશી થઇ રહી છે કે અમારા આ પ્રયાસોના ઘણા સારા પરિણામો મળી રહ્યા છે. ઊર્જાથી લઈને આરોગ્ય, શિક્ષણથી લઈને કૌશલ્ય નિર્માણ, ખાણ ખનનથી લઈને ટીમ્બર, અનેક ક્ષેત્રોમાં આશરે 50 વેપારી સંધિઓ થઇ છે. તેના વડે અનેક બિલિયન ડોલરના વેપારના રોકાણની અપેક્ષા છે.

મિત્રો,

ફાર ઇસ્ટના વિકાસમાં વધુ યોગદાન આપવા માટે ભારત 1 બિલિયન ડોલરની લાઈન ઑફ ક્રેડિટ આપશે. આ પ્રથમ અવસર છે કે અમે કોઈ દેશના ક્ષેત્ર વિશેષને  લાઈન ઑફ ક્રેડિટ આપી રહ્યા છીએ. મારી સરકારની એક્ટ ઇસ્ટ પોલીસીએ ઇસ્ટ રશિયાને સક્રિયપણે પ્રવૃત્તિશીલ કર્યો છે. આજની આ જાહેરાત એક્ટ ફાર ઇસ્ટનો ટેક ઑફ પોઈન્ટ સાબિત થશે અને તે મારો દ્રઢ વિશ્વાસ છે. આ પગલું આપણી આર્થિક રાજનીતિમાં પણ એક નવું પાસું જોડી રહ્યું છે. મિત્ર રાષ્ટ્રોના પ્રદેશના વિકાસમાં અમે તેમની પ્રાથમિકતા અનુસાર સક્રિયપણે ભાગ લઈશું.

મિત્રો,

ભારતની પ્રાચીન સભ્યતાના મૂલ્યોએ અમને શીખવાડ્યું છે કે પ્રકૃતિ પાસેથી એટલું જ લો કે જેની જરૂરિયાત છે. અમે પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન પર વિશ્વાસ કરીએ છીએ. પ્રકૃતિની સાથે આ જ તાલમેલ સદીઓથી અમારા અસ્તિત્વ અને વિકાસનો મહત્વનો ભાગ બની રહ્યા છીએ.

મિત્રો,

જે દેશોમાં ભારતીય સમુદાય છે ત્યાંના નેતાઓ જ્યારે પણ મને મળે છે, ભારતીયોના શ્રમ, ઈમાનદારી, શિસ્ત અને નિષ્ઠાની ભરપુર પ્રશંસા કરે છે. ભારતીય કંપનીઓએ, કારોબારીઓએ દુનિયાભરમાં કેટલાય ક્ષેત્રોના વિકાસમાં યોગદાન આપ્યું છે, સંપત્તિ નિર્માણનું કામ કર્યું છે. સાથે જ ભારતીયોએ અને અમારી કંપનીઓએ સ્થાનિક સંવેદનાઓ અને સંસ્કૃતિનો હંમેશા આદર કર્યો છે. મને દ્રઢ વિશ્વાસ છે કે ભારતીયોના રૂપિયા, પરસેવો, પ્રતિભા અને વ્યવસાયિકતા ફાર ઇસ્ટમાં ઝડપી વિકાસ લાવશે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભારતે ભાગીદારીના જે ઉત્તમ પરિણામો આવ્યા છે તેમને આગળ વધારવા માટે હું ફાર ઇસ્ટના તમામ 11 રાજ્યપાલોને ભારત આવવાનું આમંત્રણ આપું છું.

મિત્રો,

મેં અને રાષ્ટ્રપતિ પુતિને ભારત રશિયા સહયોગની માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમારા સંબંધોમાં અમે નવા પાસા ઉમેર્યા છે. તેમને વિવિધતા આપી છે. સંબંધોને સરકારી હદમાંથી બહાર લાવીને ખાનગી ઉદ્યોગની વચ્ચે મજબૂત સહયોગ સુધી પહોંચાડ્યા છે. તેમને રાજધાનીઓમાંથી બહાર રાજ્યો અને પ્રદેશો સુધી લઇ ગયા છીએ. અમે દરેક ક્ષેત્રમાં સહયોગને અમારા વિશેષ અને અધિકૃત વ્યૂહરચનાત્મક ભાગીદારીના માળખામાં વધાર્યો છે, ઢાળ્યો છે. અમે સાથે મળીને અવકાશનું અંતર પણ પાર કરી લઈશું અને સમુદ્રની ઊંડાઈઓમાંથી સમૃદ્ધિ પણ કાઢીને લઇ આવીશું.

મિત્રો,

ઇન્ડો પેસિફિક પ્રદેશમાં સહયોગનો નવોદૌર અમે શરુ કરવા જઈ રહ્યા છીએ. વ્લાદીવાસ્તોક અને ચેન્નાઈની વચ્ચે જ્યારે દરિયાઈ જહાજ ચાલવા લાગશે. જ્યારે વ્લાદીવાસ્તોક નોર્થ ઇસ્ટ એશિયાના બજારમાં ભારતનું સ્પ્રિંગબોર્ડ બનશે ત્યારે ભારત રશિયાની ભાગીદારી વધુ ઊંડી બનશે અનેવધુ વિસ્તૃત અને સમૃદ્ધ બનશે. ત્યારે ફાર ઇસ્ટ એક બાજુ યુરેશિયન યુનિયન અને બીજી બાજુ ખુલ્લું, મુક્ત અને સમાવેશી ઇન્ડો પેસિફિકનું સંગમ બનશે. આ ક્ષેત્રમાં અમારા સંબંધનો મજબૂત આધાર હશે – નિયમ આધારિત શાસન, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતાની માટે સન્માન અને આંતરિક બાબતોમાં દખલથી દૂર રહેવું.

મિત્રો,

પ્રખ્યાત તત્વજ્ઞાની અને લેખક ટોલ્સટોય ભારતના વેદોના અપાર જ્ઞાનથી ખૂબ પ્રભાવિત હતા અને આ વેદવાક્ય તો તેમને ખૂબ જ પ્રિય હતું.

એકમ સત વિપ્ર: બહુધા વદન્તિ ||

તેમણે પોતાના શબ્દોમાં તેને આ પ્રમાણે વર્ણવ્યું હતું–

જે કઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે એક છે. લોકો તેને જુદા-જુદા નામે ઓળખે છે.

આ વર્ષે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે. ટોલ્સટોય અને ગાંધીજીએ એકબીજા પર અમીટ પ્રભાવ પાડ્યો હતો. આવો ભારત અને રશિયાની આ પારસ્પરિક પ્રેરણાને આપણે વધુ મજબૂત બનાવીએ. એકબીજાની પ્રગતિમાં વધુ નજીકના ભાગીદાર બનીએ. આપણા પારસ્પરિક દૃષ્ટિકોણ અને વિશ્વના સંતુલિત અને સુરક્ષિત ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીએ. આ આપણી ભાગીદારીના નવા અધ્યાયની શરૂઆત હશે. હું જ્યારે પણ રશિયા આવ્યો છું તો ભારતની માટે અહિયાં પ્રેમ, મૈત્રીભાવ અને સન્માન જ મેળવ્યું છે. આજે પણ આ જ ભાવનાઓનો અણમોલ ઉપહાર અને ઊંડા સહયોગનો સંકલ્પ અહિયાંથી લઈને જઈ રહ્યો છું. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો વિશેષ આભાર પ્રગટ કરવા માંગીશ. અમે જ્યારે પણ મળીએ છીએ તો બહુ ખુલ્લા દિલથી અને ઘણો સમય લઈને મળીએ છીએ. ગઈકાલે તેમની તમામ વ્યસ્તતાઓની વચ્ચે પણ તેમણે મારી સાથે જુદા-જુદા સ્થાનો પર અનેક કલાકો વિતાવ્યા અને રાતના એક વાગ્યા સુધી અમે એક સાથે રહ્યા. મારા માટે જ નહિં પરંતુ ભારત માટે તેમના મનમાં જે પ્રેમ છે તે તેમાં દેખાય છે. મને અહિયાંની અને ભારતની એક અન્ય સાંસ્કૃતિક સમાનતા જોવા મળી રહી છે. મારા વતન રાજ્ય ગુજરાતમાં બાય બાયને બદલે, બાય બાય નથી કહેતા, બાય બાયને બદલે આવજો કહે છે જેનો અર્થ થાય છે – તમે ફરી જલ્દી આવજો. અહિયાં કહે છે – દસ્વિદાનિયાઁ.

તો હું આપ સૌને કહું છું – આવજો, દસ્વિદાનીયાઁ, ખૂબ-ખૂબ આભાર, સ્પાસિબા.

 

RP


(Release ID: 1585081) Visitor Counter : 268