પ્રધાનમંત્રીનું કાર્યાલય

થિમ્પૂની રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 18 AUG 2019 10:46AM by PIB Ahmedabad

ભૂતાનના માનનીય પ્રધાનમંત્રી ડૉ. લોટે શેરિંગ, રાષ્ટ્રીય ધારાસભા અને નેશનલ કાઉન્સિલ ઑફ ભૂતાનના માનનીય સભ્યો, રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાનના ઉપકુલપતિશ્રી અને પ્રાદ્યાપકો,

મારા યુવાન મિત્રો,

કુઝો ઝાંગ્પો લા. નમસ્કાર. આજની સવારે આપ સૌની સાથે રહેવું એ ખૂબ જ સુંદર અનુભૂતિ છે. મને વિશ્વાસ છે કે તમે વિચારતા હશો કે આજે રવિવારે છે અને તમારે લેક્ચરમાં હાજરી આપવી પડી રહી છે. પણ, હું આને ટુંકુ અને તે વિષય પર કેન્દ્રિત રાખીશ જે તમારા સાથે સંબંધિત હોય.

મિત્રો,

ભૂતાનની મુલાકાત લેનારી કોઇપણ વ્યક્તિ તેના અપાર કુદરતી સૌંદર્યની સાથે જ દેશની જનતાની ઉષ્મા, પ્રેમ અને સાદગીથી પણ એટલી જ પ્રભાવિત થાય છે. ગઇ કાલે હું, સિમતોખા જોંગ ખાતે હતો જે ભૂતાનના ભવ્ય ભુતકાળ અને તેના આધ્યાત્મિક વારસાની મહાનતાનું અપ્રતિમ ઉદાહરણ છે. આ મુલાકાત દરમિયાન, મને ભૂતાનના વર્તમાન નેતૃત્વ સાથે ખૂબજ નજીકથી  સંવાદ કરવાની તક મળી છે. મને ફરી એક વાર ભારત-ભૂતાન સંબંધો વિશે તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેને હંમેશા જ તેમના નજીકના અને અંગત રીતે અપાતા ધ્યાનને કારણે ફાયદો થયો છે.

હવે, આજે હું ભૂતાનના ભવિષ્યની સાથે છું. હું આપ સૌની ગતિશીલતાને જોઇ શકું છું અને તેની ઊર્જાને અનુભવી શકું છું. મને વિશ્વાસ છે કે તે આ મહાન દેશ અને તેના નાગરિકોના ભાવિને આકાર આપશે. હું ભૂતાનના ભુતકાળને જોઉ, તેના વર્તમાન અથવા કે ભવિષ્યને જોઉ ત્યાં સામાન્ય અને નિરંતર બાબત જોવા મળે છે જે છે - પ્રગાઢ આધ્યાત્મિકતા અને યુવા સંકલ્પ. આ આપણા દ્વિપક્ષિય સંબંધોની પણ મજબૂતી છે.

મિત્રો,

આ કુદરતી બાબત છે કે ભૂતાન અને ભારતની જનતા એકબીજા પ્રત્યે પ્રગાઢ લાગણી અને જોડાણ ધરાવે છે. આખરે, માત્ર ભૌગોલિક રીતે જ એકબીજાથી નજીક નથી. આપણો ઇતિહાસ, સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરાઓએ આપણી જનતા અને દેશો વચ્ચે અનોખું અને પ્રગાઢ જોડાણ સર્જ્યુ છે. ભારત એવી ઘરા બનવા બદલ સદભાગી છે જ્યાં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા અને જ્યાંથી તેમની આધ્યાત્મિક યાત્રાનો પુંજ, બુદ્ધવાદનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાયો. બૌદ્ધ ભિક્ષુઓ, આધ્યાત્મિક અગ્રણીઓ, વિદ્યાનો અને  સત્યની શોધમાં નિકળેલા લોકોની પેઢીઓએ તે જ્વાળાને પ્રજ્વલિત રાખી છે. તેમણે સાથે જ ભારત અને ભૂતાન વચ્ચે વિશેષ બંધનનું પણ સંવર્ધન કર્યું છે.

તેના પરિણામે, આપણા સહિયારા મૂલ્યોએ એક સામાન્ય વિશ્વ-અભિપ્રાયને આકાર આપ્યો છે. તે વારાણસી અને બોધ ગયામાં જોવા મળે છે અને ઝોંડ અને કોર્ટનમાં પણ જોવા મળે છે અને નાગરિક તરીકે આપણે આ મહાન વારસાના વાહક હોવાના રૂપમાં ખુભ જ ભાગ્યશાળી છીએ. વિશ્વમાં કોઇપણ અન્ય બે દેશ એકબીજાને આટલી સારી રીતે સમજી નથી સકતા અથવા આટલું બધું શેર નથી કરતા. અને કોઇપણ બે દેશ પોતાની જનતા માટે સમૃદ્ધિ લાવવા માટે કુદરતી રીતે જ આટલા ભાગીદાર નથી.

મિત્રો, આજે, ભારત વ્યાપક ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

ભારત અપૂર્વ રીતે સૌથી ઝડપથી ગરીબી દૂર કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં માળખાકીય સવલતોના નિર્માણની ઝડપ બમણી થઇ છે. અમે હમણાં જ આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 અબજ ડૉલરની ફાળવણીની પ્રતિબદ્ધતા દાખવી છે. ભારતે વિશ્વનો સૌથી મોટો આરોગ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે. આયુષ્માન ભારત યોજનાએ 50 કરોડ ભારતીયોને આરોગ્ય સુરક્ષાની ખાતરી આપી છે.

ભારત વિશ્વમાં સૌથી સસ્તા દરે ડેટા કનેક્ટિવિટી ધરાવતો દેશ છે, જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાખો લોકોને સશક્ત બનાવે છે. સાથે જ ભારત વિશ્વમાં સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમનું ઘર છે. આ નિશ્ચિત રીતે જ ભારતમા ઇનોવેટ માટે સૌથી સારો સમય છે! આ બધા તથા ઘણા અન્ય પરિવર્તનોના કેન્દ્રમાં ભારતીય યુવાનોના સ્વપ્ન અને મહેચ્છાઓ રહેલી છે.

મિત્રો

આજે, હું ભૂતાનના શ્રેષ્ઠ અને તેજસ્વી યુવાનો વચ્ચે ઊભો છું. માનનીય પ્રધાનમંત્રીજીએ મને ગઇકાલે જણાવ્યુ હતું કે તેઓ તમારી સાથે નિયમિત રીતે સંવાદ કરે છે અને તેમણે છેલ્લા પદવીદાન સમારંભને પણ સંબોધન કર્યુ હતું. ભૂતાનના ભાવિ નેતાઓ, ઇનોવેટર્સ, ઉદ્યોગપતિઓ, રમતવીરો, કલાકારો અને વૈજ્ઞાનિકો આપની વચ્ચેથી જ નીકળશે.

થોડા દિવસો અગાઉ, મારા સારા મિત્ર પ્રધાનમંત્રી ડૉકટર શેરિંગએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી જે મારા હૃદયને સ્પર્શી ગઇ હતી. તે પોસ્ટમાં તેમણે એક્ઝામ વોરિયર્સનો ઉલ્લેખ કર્યો હતો અને હજુ અત્યારે જ એક વિદ્યાર્થીએ પણ તે પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો હતો. એક્ઝામ વોરિયર્સ નામક પુસ્તક, મેં પરિક્ષાનો કોઇપણ પ્રકારની માનસિક તાણ વિના કેવી રીતે સામનો કરવો તેના વિશે લખ્યું હતું. હું તમને કંઇક જણાવું...? એક્ઝામ વોરિયર્સમાં મેં જે કંઇપણ લખ્યું છે તેમાનો મોટો હિસ્સો ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રેરિત અને પ્રભાવિત છે. ખાસ કરીને, સકારાત્મકતા, ભય પર વિજય મેળવવો અને વર્મતાન પળ હોય કે પ્રકૃતિ માતા હોય તેની સાથે રહેવું જેવી બાબતોની મહત્તા. તમે આ મહાન ધરા પર જન્મ્યા છો.

તેથી આ લક્ષણો કુદરતી રીતે જ તમારી અંદર આવે છે અને તમારા વ્યક્તિત્વને તે આકાર આપે છે. હું જ્યારે યુવાન હતો, ત્યારે આ લક્ષણોની શોધ મને હિમાલય તરફ દોરી ગઇ હતી! ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત આ ધરતીના સંતાનોના રૂપમાં, મને વિશ્વાસ છે કે તમે આપણી દુનિયાની સમસ્યાઓના સમાધાનને શોધવાની દિશામાં પ્રદાન કરશો.

હા, આપણી સામે પડકારો છે. પણ પ્રત્યેક પડકાર માટે, આપણી પાસે, તેમને પાર પાડવા માટે સમાધાન શોધવા માટે યુવા મસ્તિષ્ક છે. કોઇપણ મર્યાદાને તમને નિયંત્રિત ન કરવા દો...

હું તમને સૌને કહેવા માગું છું – અત્યાર કરતા બીજો કોઇ સમય યુવાન હોવા માટે સારો નથી! વિશ્વ અત્યાર સુધીમાં સૌથી વધારે તકો પૂરી પાડી રહ્યું છે. તમારી પાસે બધા કરતા અલગ અને વિશેષ કાર્ય કરવાની શક્તિ અને સંભાવના છે, જે આવનારી પેઢીઓને અસર કરશે. તમારા અંતરના અવાજને શોધો અને તેને પૂરી લાગણી સાથે અનુસરો.

મિત્રો,

ભારત-ભૂતાન વચ્ચે જળ વિદ્યુત અને ઊર્જા ક્ષેત્રે સહકાર ઉદાહરણીય છે. પણ આ સંબંધોની શક્તિ અને ઊર્જાનો વાસ્તવિક સ્રોત આપણી જનતા છે. તેથી, જનતા પ્રથમ છે, અને જનતા હંમેશા આ સંબંધોના કેન્દ્રમાં રહેશે. આ ભાવના આ પ્રવાસના પરિણામમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. સહકારના પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધતા, અમે સ્કૂલથી માંડીને અવકાશ, ડિજિટલ પેમેન્ટથી માંડીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા નવા મોર્ચાઓ પર પણ સઘન સહકાર માટે શરૂ કરવા માગીએ છીએ. આ તમામ ક્ષેત્રમાં આપણા સહકારથી તમારા જેવા યુવાન મસ્તિષ્કો પર સીધી અસર પડશે. મને કેટલાક ઉદાહરણ આપવા દો. આજના યુગ અને દિવસોમાં, વિદ્યાનો અને શિક્ષણશાસ્ત્રીઓને સરહદોને પાર એકબીજા સાથે જોડવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેથી કરીને આપણા વિદ્યાર્થિઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને વિશ્વના શ્રેષ્ઠ સ્તર સુધી લઇ જઇ શકાય. ભારતના નેશનલ નોલેજ નેટવર્ક અનેભૂતાનના ડ્રકરેન વચ્ચેનો સહકાર, જે ગઇકાલે વાસ્તવિક બન્યો છે, તે આ હેતુને પાર પાડશે.

તે આપણી યુનિવર્સિટીઓ, રિસર્ચ સંસ્થાનો, લાયબ્રેરીઓ, હેલ્થ-કેર અને કૃષિ સંસ્થાઓને સુરક્ષિત અને ઝડપી કનેક્ટિવિટી પુરી પાડશે. હું તમને આ સુવિધાનો લાભ ઉઠાવવાની વિનંતી કરું છું.

મિત્રો, એક અન્ય ઉદાહરણ અવકાશ ક્ષેત્ર છે. આ પળે, ભારતનું બીજુ મૂન મિશન ચંદ્રયાન-2 ચંદ્રના પ્રવાસે છે. 2022 સુધીમાં અમે ભારતીય અવકાશ યાન મારફત ભારતીયને અવકાશમાં લઇ જવા માગીએ છીએ. આ તમામ ભારતની પોતાની સિદ્ધિનું પરિણામ છે. અમારા માટે અવકાશ કાર્યક્રમએ માત્ર રાષ્ટ્રીય ગૌરવની જ બાબત નથી. તે રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ સાધન છે.

મિત્રો,

ગઇકાલે પ્રધાનમંત્રી શેરિંગ અને મેં સાઉથ એશિયા સેટેલાઇટના થિમ્ફૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદઘાટન કર્યુ હું અને આપણા અવકાશ સહકારનો વિસ્તાર કર્યો હતો. સેટેલાઇટ્સ મારફત, ટેલી-મેડિસિન્સ, દૂરવર્તી શિક્ષણ, રિસોર્સ મેપિંગ, હવામાનની આગાહી અને કુદરતી આફતોની ચેતવણીના ફાયદાઓ સુદૂરવર્તી વિસ્તારોમાં પણ પહોંચી શકશે. આ વધુ ખુશીની વાત છે કે ભૂતાનના યુવાન વિજ્ઞાનીઓ ભારત આવીને ભૂતાનના પોતાના નાના ઉપગ્રહોને ડિઝાઇન કરી તેને લોન્ચ કરવા માટે કામ કરશે. મને આશા છે કે એક દિવસ, તમારા પૈકીના ઘણા બધા લોકો વિજ્ઞાની, એન્જીનિયર્સ અને ઇનોવેટર બનશે.

મિત્રો,

સદીઓથી, શિક્ષણ અને શિક્ષા ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોના કેન્દ્રમાં રહ્યા હતા. પ્રાચીન સમયમાં, બૌદ્ધ શિક્ષકો અને વિદ્યાનોએ આપણી જનતા વચ્ચે શિક્ષણનો પૂલ તૈયાર કર્યો હતો. આ અમૂલ્ય વારસો છે, જેને આપણે જાળવીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. તેથી, અમે ભૂતાનના બુદ્ધિઝમના વધુ વિદ્યાર્થીઓને અમારી નાલંદા યુનિવર્સિટી – બૌદ્ધ પરંપરાને શીખવા માટેની ઐતિહાસિક વૈશ્વિક સીટ, જેને પંદરસો વર્ષ પહેલાં તે જે સ્થળે હતી તે સ્થળે જ તેનું પુનર્જીવિત કરવામાં આવી છે - જેવી સંસ્થાઓમાં આવકારીએ છીએ. આપણી વચ્ચેનો શીખવાનું બંધન જેટલો આધુનિક છે તેટલો જ પ્રાચીન છે. 20મી સદીમાં, ઘણા ભારતીયો ભૂતાનમાં શિક્ષક તરીકે આવ્યા હતા. જુની પેઢીના મોટાભાગના ભૂતાની લોકો તેમના શિક્ષણ દરમિયાન ઓછામાં ઓછા એક ભારતીય શિક્ષકના હાથે તો ભણ્યા જ હશે. તેમાના કેટલાકને માનનીય પ્રધાનમંત્રીએ ગયા વર્ષે સન્માનિત પણ કર્યા હતા. અને અમે આ સહૃદયી અને સારા પગલા બદલ આભારી છીએ.

મિત્રો,

કોઇપણ તબક્કે, ભૂતાનના ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરતા જ હોય છે. આ સંખ્યા વધી શકે છે ને તેને વધારવી જ જોઇએ. આપણે જ્યારે આપણા દેશોનો વિકાસ કરવા આગળ વધી રહ્યા છીએ ત્યારે, આપણે હંમેશા બદલાતી રહેતી ટેક્નોલોજીકલ પૃષ્ઠભૂમી સાથે પણ પોતાના વેગને જાળવી રાખવો જરૂરી છે. તેથી, આ મહત્વપૂર્ણ છે કે આપણે ઉભરતી ટેક્નોલોજી અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સહકાર કરીએ.

મને ખુશી છે કે ગઇકાલે, આપણે ભારતનીય પ્રીમિયર આઈઆઈટીઓ અને આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વચ્ચે જોડાણના નવા પ્રકરણને શરૂ કર્યુ છે. અમને આશા છે કે તે આપણને વધારે સહયોગી શિક્ષણ અને રિસર્ચ તરફ દોરી જશે.

મિત્રો,

વિશ્વના કોઇપણ હિસ્સામાં, જો આપણે આ પ્રશ્ન પુછીએ કે તમે ભૂતાનને શેની સાથે જોડો છો, જવાબ રહેશે સકલ રાષ્ટ્રીય ખુશાલી (હેપ્પીનેસ) નો કૉન્સેપ્ટ. મને આ વાતે જરાય આશ્ચર્ય નથી. ભૂતાન ખુશીની મહત્તાને સમજી ગયું છે. ભૂતાનએખલાસ, ઐક્ય અને લાગણીને સમજે છે. આ લાગણી મને વંદનીય બાળકોમાં જોવા મળ્યો હતો જેઓ ગઇકાલે મને આવકારવા માટે શેરીઓમાં કતારબદ્ધ રીતે ઊભા હતા. હું હંમેશા તેમના મલકાટને યાદ રાખીશ.

મિત્રો,

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, દરેક રાષ્ટ્ર પાસે આપવા માટે સંદેશ હોય છે, પૂર્ણ કરવા માટેનું અભિયાન હોય છે, તેનું ભાગ્ય હોય છે. ભૂતાનનો માનવતા માટેનો સંદેશ હેપ્પીનેસ (ખુશી છે). ખુશી જે એખલાસમાંથી ઉદભવે છે. ખુશીની સાથે વિશ્વ ઘણુ બધુ કરી શકે છે. આ ખુશી નિરર્થક ઘૃણા પર છવાઇ જવી જોઇએય. જો લોકો ખુશ હશે તો, એખલાસ રહેશે. અને જ્યાં એખલાસ હશે, ત્યાં શાંતિ હશે. અને શાંત જ છે જે સમાજોને ટકાઉ વિકાસ મારફત પ્રગતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. એવા સમયાં જ્યાં વિકાસ મોટાભાગે પરંપરાઓ અને પર્યાવરણ સાથે સંઘર્ષરત જોવા મળે છે ત્યાં વિશ્વે ભૂતાન પાસેથી ઘણું બધુ શીખવાની જરૂર છે. અહીં, વિકાસ, પર્યાવરણ અને સંસ્કૃતિ એક બીજા સાથે સંઘર્ષમાં નથી પણ તેમની વચ્ચે એકરાગ છે. સર્જનાત્મકતા,ઊર્જા અને આપણા યુવાનોની પ્રતિબદ્ધતા સાથે દેશ ટકાઉ ભવિષ્ય માટે જે પણ જરૂરી છે તે પ્રાપ્ત કરી શકે છે –ચાહે તે જળ સંવર્ધન હોય કે પછી ટકાઉ ખેતી હોય કે પછી આપણા સમાજોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાની બાબત જ કેમ ન હોય..

મિત્રો, મારા પાછલા ભૂતાન પ્રવાસ દરમિયાન, મને લોકશાહીનું મંદિર, ભૂતાનની સંસદની મુલાકાત લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે, મને આ શિક્ષણના મંદિરની મુલાકાત લેવાનું સન્માન પ્રાપ્ત થયું છે. આજે, આપણી વચ્ચે શ્રોતાઓમાં ભૂતાનની સંસદના માનનીય સભ્યો પણ છે. હું તેમની હાજરી બદલ તેમનો વિશેષ રીતે આભાર માનું છું. લોકશાહી અને શિક્ષણ બંનેનો આશય આપણને મુક્ત રાખવાનો છે. તે બંને એકબીજા વિનાઅધુરા છે. તે બંને આપણને પૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને આપણે શક્ય તેટલા શ્રેષ્ઠ બની શકીએ તેમાં મદદ કરે છે.તે આપણી તપાસ અને જાણવાની જીજ્ઞાસાની લાગણીને મુક્ત કરે છે અને સાથે જ આપણી અંદરના વિદ્યાર્થીને જીવંત રાખે. છે.

ભૂતાન આ દિશામાં ઊંચા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે, તમારા 1.3 અબજ ભારતીય મિત્રો માત્ર તમારી તરફ ગૌરવ અને ખુશીની સાથે જોઇ જ નથી રહ્યા. પણ તેઓ પણ તમારા ભાગીદાર છે, તેઓ તમારી પાસેથી શીખે છે. આ શબ્દો સાથે હું રોયલ યુનિવર્સિટીના કુલપતી માનનીય સમ્રાટ, ઉપકુલપતિશ્રી અને યુનિવર્સિટીની ફેકલ્ટીઓ અને આપ સૌનો – મારા યુવાન મિત્રોનો આભાર માનું છું.

તમે સૌએ મને આમંત્રિત કરી, મને આટલો સમય, ધ્યાન અને તેના કરતા પણ વધુ પ્રેમ અને હુંફ આપીને સન્માનિત કર્યો છે. હું તમારી પાસેથી ખૂબ જ ખુશી અને સકારાત્મકતા સાથે પરત જઉ છું.

આપ સૌનો ખૂબ જ આભાર

તાસી ડેલેક!

 

RP



(Release ID: 1582265) Visitor Counter : 290