પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય વાઘ આકલન–2018નાં ચોથા ચક્રનાં પરિણામો જાહેર કર્યા
ભારતમાં વાઘની સંખ્યા વધીને 2967 થઈ; પ્રધાનમંત્રીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી
Posted On:
29 JUL 2019 11:32AM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29-07-2019
વિશ્વ વાઘ દિવસની ઉજવણીનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતે અખિલ ભારતીય વાઘ આકલન – 2018નાં ચોથા ચક્રનાં પરિણામો જાહેર કર્યા હતા.
આ સર્વેક્ષણ મુજબ, ભારતમાં વાઘની સંખ્યા વર્ષ 2018માં વધીને 2967 થઈ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારત માટે આને ઐતિહાસિક સફળતા ગણાવી હતી અને વાઘનું સંરક્ષણ કરવા ભારતની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રક્રિયામાં સંકળાયેલા વિવિધ હિતધારકોએ જે ઝડપ અને કટિબદ્ધતા સાથે આ સફળતા હાંસલ કરી એની પ્રશંસા કરી હતી. તેમણે આને સંકલ્પથી સિદ્ધિનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક ગણાવ્યું હતુ. તેમણે જાહેરાત કરી હતી કે, એક વાર ભારત કંઈક કરવાનો નિર્ણય લે પછી ઇચ્છિત પરિણામે મેળવવામાં એને કોઈ અટકાવી ન શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, લગભગ 3,000 વાઘ સાથે અત્યારે વાઘ માટે ભારત સૌથી મોટુ અને સૌથી વધુ સુરક્ષિત સ્થાન છે.
શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, આગળનો માર્ગ “પસંદગી”ને બદલે “સામૂહિકતા”નો છે. તેમણે જણાવ્યું હતુ કે, પર્યાવરણનાં રક્ષણ માટે વિસ્તૃત અને સંપૂર્ણ દૃષ્ટિ આવશ્યક છે. તેમણે કહ્યું હતુ કે, વિકાસ અને પર્યાવરણ વચ્ચે સ્વસ્થ સંતુલન સ્થાપિત કરવું શક્ય છે. તેમણે ઉમેર્યું હતુ કે, “આપણી નીતિઓમાં, આપણા અર્થતંત્રોમાં, આપણે સંરક્ષણ વિશે ચર્ચાને નવી દિશા આપવાની જરૂર છે.”
ભારત આપણા નાગરિકો માટે વધારે મકાનોનું નિર્માણ કરશે અને સાથે-સાથે પ્રાણીઓ માટે ગુણવત્તાયુક્ત આશ્રયસ્થાનો પણ ઊભા કરશે. ભારતમાં જીવંત દરિયાઈ અર્થતંત્ર છે અને સ્વસ્થ દરિયાઈ પારિસ્થિતિ વિજ્ઞાન (marine ecology) છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, આ સંતુલન મજબૂત અને સમાવેશક ભારતનાં નિર્માણમાં યોગદાન આપશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત આર્થિક અને પર્યાવરણ એમ બંને દૃષ્ટિએ સમૃદ્ધ થશે. ભારત વધારે માર્ગોનું નિર્માણ કરશે અને ભારત પોતાની નદીઓને સ્વચ્છ કરશે. ભારત પોતાની રેલ કનેક્ટિવિટી સુધારશે અને વધુ વૃક્ષો વાવીને હરિત કવરેજ પણ વધારશે.
તેમણે જણાવ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં જ્યારે અત્યાધુનિક માળખાગત સુવિધા માટે ઝડપથી કામગીરી આગળ વધી છે, ત્યારે દેશમાં જંગલોનાં વિસ્તારમાં પણ વધારો થયો છે. વળી “સંરક્ષિત વિસ્તારો”માં પણ વધારો થયો છે. વર્ષ 2014માં 692 અભયારણ્ય છે, જે વર્ષ 2019માં વધીને 860થી વધારે થઈ જશે. “સામુદાયિક આરક્ષણ” પણ વર્ષ 2014માં 43થી વધીને હવે 100થી વધારે થયા છે.
તેમણે જણાવ્યું હતુ કે, ભારત પોતાનાં અર્થતંત્રને “સ્વચ્છ-ઇંધણ આધારિત” અને “પુનઃપ્રાપ્ય ઊર્જા આધારિત” બનાવવા સતત પ્રયાસરત છે. તેમણે કહ્યું હતુ કે, “વેસ્ટ” અને “બાયોમાસ”ને ભારતની ઊર્જા સુરક્ષાનો મોટો હિસ્સો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે એલપીજી કનેક્શન અને એલઇડી બલ્બ માટે અનુક્રમે “ઉજ્જવલા” અને “ઉજાલા” જેવી યોજનાઓમાં થઇ રહેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
છેલ્લે પ્રધાનમંત્રીએ વાઘનું સંરક્ષણ કરવા વધારે શ્રેષ્ઠ પ્રયાસો કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયો અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયનાં સચિવ શ્રી સી કે મિશ્રા ઉપસ્થિત હતા.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1580625)
Visitor Counter : 429