મંત્રીમંડળ

વેપારીઓને પેન્શનનું કવચ મળશે!


મંત્રીમંડળે વેપારીઓ માટે પેન્શન યોજનાને મંજૂરી આપી

આ પગલાથી 3 કરોડ છુટક વેપારીઓ અને દુકાનદારોને લાભ થશે

પ્રધાનમંત્રીએ સરકારની કામગીરીના પ્રથમ દિવસે એક વધુ વચન પૂર્ણ કર્યું

Posted On: 31 MAY 2019 8:40PM by PIB Ahmedabad

ભારત સદીઓથી વેપાર અને વાણિજ્યનો પરંપરાગત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વેપારીઓનું ભારતની આર્થિક વૃદ્ધિમાં સતત ઊંચું યોગદાન રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વેપારી સમુદાયને લાભ થાય એવા એક નિર્ણયને મંજૂરી આપી હતી. આ માટે એક નવી યોજનાને બહાલી આપવામાં આવી છે, જે વેપારી સમુદાયને પેન્શનનું કવચ પૂરું પાડે છે. પ્રધાનમંત્રી દેશનાં તમામ નાગરિકોને સામાજિક સુરક્ષાનું મજબૂત માળખું પ્રદાન કરવાનું વિઝન ધરાવે છે અને આ નિર્ણય એ વિઝનનો ભાગ છે.

આ યોજના કેવી રીતે કામ કરશે:

આ યોજના અંતર્ગત તમામ દુકાનદારો, રિટેલ વેપારીઓ અને સ્વરોજગારી મેળવતી વ્યક્તિઓને 60 વર્ષની વય પછી મહિને રૂ. 3000/-નું લઘુતમ માસિક પેન્શન મળશે.

તમામ નાના દુકાનદારો અને સ્વરોજગારી મેળવતી વ્યક્તિઓ તેમજ રૂ. 1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને જીએસટી ધરાવતા તેમજ 18 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતાં છુટક વેપારીઓ આ યોજનામાં સામેલ થઈ શકે છે. આ યોજના દ્વારા 3 કરોડથી વધારે નાના દુકાનદારો અને વેપારીઓને લાભ થશે.

 

આ યોજનાનો આધાર સ્વ-જાહેરાત છે, જેમાં આધાર અને બેંક ખાતા વિના કોઈ પણ પ્રકારનાં દસ્તાવેજોની જરૂર નથી. રસ ધરાવતી વ્યક્તિઓ દેશભરમાં પથરાયેલા 3,25,000થી વધારે કોમન સર્વિસ સેન્ટરમાં પોતાની નોંધણી કરાવી શકે છે.

ભારત સરકાર સબસ્ક્રાઇબરનાં ખાતામાં તેમના યોગદાન જેટલું જ યોગદાન આપશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિની વય 29 વર્ષ છે અને એ દર મહિને રૂ. 100/-નું યોગદાન કરે છે, તો કેન્દ્ર સરકાર પણ સબસ્ક્રાઇબરનાં પેન્શન ખાતામાં દર મહિને એટલી રકમનું સહાય સ્વરૂપે યોગદાન કરશે.

પહેલા જ દિવસે મોટું વચન પૂર્ણ કર્યું:

પ્રધાનમંત્રી અને એમની ટીમે વેપારી સમુદાય માટે પેન્શન માળખાનું અનુકરણ કરીને ભારતનાં લોકોને આપેલું મોટું વચન પૂર્ણ કર્યું છે. શ્રી મોદીએ વેપારીઓ માટે પેન્શન કવચ આપવાની જરૂરિયાત વિશે વાત કરી હતી, જેમાં તેમને ખાસ કરીને તેમની વૃદ્ધાવસ્થા દરમિયાન સન્માનયુક્ત જીવન અને નાણાકીય સુરક્ષાની ખાતરી મળશે.

આ નિર્ણયને વેપારીઓ, નાના અને મધ્યમ વ્યવસાયોનાં કલ્યાણ માટે લેવામાં આવેલા અન્ય કેટલાક પગલામાં પણ જોઈ શકાશે. વેપારી સમુદાય પાસેથી પ્રતિભાવો મેળવ્યાં પછી જીએસટીનું મહત્ત્વપૂર્ણ સરળીકરણ થઈ રહ્યું છે. આ જ રીતે મુદ્રા લોને યુવા ભારતની ઉદ્યોગાસહસિકતાની આકાંક્ષાઓને પાંખો આપી હતી. અત્યારે રૂ. 1 કરોડ સુધીની લોન સરળતાપૂર્વક ઉપલબ્ધ છે.

આ અને અન્ય ઘણા પ્રયાસોથી વેપારી સમુદાયને મદદ મળશે.

 

RP(Release ID: 1573041) Visitor Counter : 336